તમારા માટે, તમારી સાથે, સતત…

ગણેશનું અથથી ઇતિ

ગણેશનું સૌથી મોટું મંદિર એટલે ઉચ્ચી પિલ્લયાર કોઇલ

0 919

આસ્થા – હિંમત કાતરિયા

ગણેશનું માથું હાથીનું કેમ? ગણેશનો એક દાંત તૂટેલો કેમ? બૌદ્ધોના ગણેશ કેવા છે? તાંત્રિક ગણેશ કેવા છે? મોદક શું સૂચવે છે? ઇન્ડોનેશિયાના ગણેશના હાથમાં ખોપરી કેમ છે? મોંગોલિયાના મહાવિનાયકની વાર્તા શું છે? જાપાનમાં ગણેશને તાળાકૂંચીમાં બંધ કેમ રખાય છે? ગણેશ પરિણીત છે કે અપરિણીત? તે દ્વિમાતા કેમ કહેવાય છે? વાહન તરીકે ઉંદર મુકીને ગણેશ ઘોડેસવારી ક્યારે કરશે? શું ગણેશ ઇજિપ્તથી આવ્યા છે? મૈસુરના રાજાએ શોધ કરાવી તે ગણેશનાં ૩૨ સ્વરૃપો કયા છે? વૈષ્ણવોએ ગણેશને કેમ દૂર કર્યા? આવા અનેક સવાલોના જવાબો લઈને આવી છે આ સ્ટોરી…

કોઈ પણ શુભ કાર્યની શરૃઆતે જેમનું પ્રથમ સ્મરણ કરવામાં આવે છે, જેમનું મસ્તક હાથીનું છે, જેમની ભારે ફાંદ તેમના શરીરના આભૂષણરૃપ છે, જેમની મહાકાયાનું ઉંદર વહન કરે છે, જે પીંછીના બે-ચાર લસરકાથી જ ચિત્રિત થઈ જતાં હોઈ આર્ટિસ્ટોના પ્રિય છે, અહીં પ્રકલ્પ એવા ગણપતિ, ગજાનન, ગણેશને તેમના સાર્વત્રિક સ્વરૃપોને જાણવાનો છે. તેમના અંગેના અત્ર-તત્રથી મૂલ્યવાન વિચારો પકડીએ. કેટલુંક પુરાણો અને પૌરાણિક કથા-વાર્તાઓના અભ્યાસુ દેવદત્ત પટ્ટનાયક પાસેથી પણ જાણીશું.

પહેલું સમરણ ગણેશજીનું કરવાની પ્રથા કયા ઉપલક્ષમાં છે? તેનો જવાબ છે કે ગણેશ ઘણી રીતે પહેલા છે. આપણા શરીરનાં છ ચક્ર પૈકી પહેલું કરોડરજ્જુના મૂળમાં સ્થાઈ મૂલાધાર ચક્ર છે અને તેમના દેવતા ગણેશ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી આપણામાં સૌ પહેલા ગણેશનું ડહાપણ ન આવે ત્યાં સુધી સ્વ-સંશોધનની સફર શરૃ કરી શકતા નથી. ગણેશનું સ્વરૃપ માનવનું કે પ્રાણીનું? એનો જવાબ છે કે ગણેશ બે વિરુદ્ધ દેખાતા સત્યોને જોડે છે. શિવ અને શક્તિને જોડે છે. નિરાકાર શિવ તત્ત્વને સાકાર શક્તિ સ્વરૃપ સાથે જોડે છે. તેમની મૂર્તિ મોટા ભાગે મંદિરમાં પ્રવેશતા સૌથી પહેલા આવે છે, તેમનું સ્થાપન ઉંબરા પાસે જ હોય છે. ગણેશ ચોકીદાર તરીકે નહીં, પણ સાધકને અહીંથી ત્યાં જવામાં મદદ કરનાર છે. અહીં શિવ મંદિરમાં દ્વારે ગણેશને મૂકવા પાછળનો એક તર્ક એવો પણ છે કે શિવજીનાં બે સ્વરૃપ છે. એક, જેમની આંખો બંધ છે તે શિવ અને બીજું, શંકર સ્વરૃપ જેમાં તેમની આંખો ખુલ્લી હોય છે. શિવ દુનિયા પ્રત્યે સ્થિતપ્રજ્ઞ છે. શિવની આંખો બંધ હોય ત્યારે બધી ઊર્જા તેમનામાં સમાઈ જાય છે અને દુનિયા અંધારી, શીત બની જાય છે. જેથી દેવી શિવને પોતાની આંખો ખોલવા સમજાવે છે. બરફ પીગળે છે, નદીઓ વહે છે અને જીવન સર્જાય છે. વરાહ પુરાણ પ્રમાણે, શિવે આંખો ખોલી અને તેઓ હસ્યા. આ હાસ્યમાંથી ગણેશનો જન્મ થયો, પણ ગણેશ શિવ જેવા જ લાગતા હતા. પિતાથી પુત્રને જુદો દર્શાવવા શક્તિએ તેમના પુત્રને હાથીનું મસ્તક આપ્યું. મંદિરના દ્વારે ગણેશ ભગવાનને યાદ અપાવે છે કે તેઓ શંકર છે. ગણેશનું હાથીનું માથું દર્શાવે છે કે હંમેશાં ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે ખેંચતાણ રહે છે.

ગણેશનાં બે સ્વરૃપ સૌમ્ય અને રૌદ્રનો પરિચય મેળવવા જેવો છે. સૌમ્ય ગણેશ વૈદિક અને રૌદ્ર ગણેશ તાંત્રિક કહેવાય છે. વૈદિક ગણેશ મોટા ભાગે સોનેરી હોય છે જ્યારે તાંત્રિક ગણેશ લાલ, ભુરા અથવા કાળા હોય છે. વૈદિક ગણેશનો એક દાંત તૂટેલો હોય છે, તાંત્રિક ગણેશમાં એવું નથી. વેદિક ગણેશની સૂંઢ હૃદય તરફ જતી બતાવે છે, તાંત્રિક ગણેશમાં સૂંઢ હૃદયથી દૂર જતી દર્શાવવામાં આવે છે. વેદિક ગણેશ મોટા ભાગે એક માથાવાળા છે, તાંત્રિક ગણેશ ઘણી વખત અનેક માથાવાળા જોવા મળે છે. વૈદિક ગણેશ ભક્તોને સુખનો અનુભવ કરાવે છે, તાંત્રિક ગણેશ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. વૈદિક ગણેશ મોટા ભાગે ઘરમાં રાખવામાં આવે છે, જ્યારે તાંત્રિક ગણેશ મોટા ભાગે મંદિરમાં રાખવામાં આવે છે. વૈદિક ગણેશ ભારતમાં ખ્યાતિ પામ્યા જ્યારે તાંત્રિક ગણેશે નેપાળ, તિબેટ અને જાપાનમાં ખ્યાતિ મેળવી. વૈદિક ગણેશ ભૌતિક દુનિયાને માયા અથવા કલ્પના માને છે જ્યારે તાંત્રિક ગણેશ ભૌતિક દુનિયાને શક્તિ માને છે.

જેમ ચિત્રકારોએ ગણેશજીનાં અગણિત સ્વરૃપો દોર્યા છે તેમ ગણેશજી સાથે જોડાયેલી માન્યતાઓ સ્થળ-કાળ પ્રમાણે અગણિત છે. નેપાળમાં ગણેશ બૌદ્ધો દ્વારા પણ પૂજવામાં આવે છે. જોકે આપણે જે દયાળુ અને સુંદર ગણેશને જાણીએ છીએ તેનાથી નેપાળના ગણેશનું સ્વરૃપ ઘણુ જુદું છે. નેપાળમાં હેરમ્બ તરીકે જાણીતા તાંત્રિક ગણેશનું પૂજન થાય છે. તેને પાંચ માથા અને દસ હાથ છે અને સિંહ ઉપર તેની સવારી છે. તેમના ખોળામાં તેમની શક્તિ બેઠેલી છે અને લોહી તેમને ચઢાવાય છે. નેપાળની લોકકથા પ્રમાણે, એક છોકરી પાચાલી ભૈરવ થકી ગર્ભવતી થઈ. આ બાળક હાથીના માથાવાળા અને ભગવાન તરીકે મોટા થયા છે. તેમણે તાંત્રિક ગુરુ ઓદિયાચાર્યની સાધના ભંગ કરવાનો પ્રયત્ન કર્યો. ઓદિયાચાર્યે તેમના ઉપર વિજય મેળવીને તેમનો એક દાંત તોડી નાખ્યો. ગણેશ તેમને શરણે ગયા અને બુદ્ધ ધર્મના ભગવાન થવાનું કબૂલ કર્યું. બૌદ્ધોમાં ગણેશ સદ્દભાગ્ય લાવતા દેવતા છે.

તિબેટમાં ૮મી સદીમાં પદ્મ સંભવે મહાયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. જેમાં ધ્યાન સાધના ઉપરાંત તાંત્રિક ભગવાનનું પણ પૂજન કરવામાં આવે છે. તિબેટના તાંત્રિક ભગવાનોમાં એક ગણેશ છે જેને બૌદ્ધ ધર્મમાં વિનાયક કહે છે. તેમના સૌમ્ય અને રૌદ્ર એમ બે રૃપ છે. સૌમ્ય રૃપમાં તેઓ વિઘ્નહર્તા અને રૌદ્ર રૃપમાં વિઘ્નકર્તા છે. સૌમ્ય રૃપમાં સફેદ હાથીનું માથું અને લાલ શરીર છે. આ સ્વરૃપને બોધિસત્ત્વ અવલોકિતેશ્વરનો એક ભાગ ગણવામાં આવે છે. જેઓ બધા બૌદ્ધોનું માયાળુ શરીર સ્વરૃપ છે. રૌદ્ર રૃપમાં ગણેશ મહાકાળના સહયોગી બને છે. મહાકાલ તાંત્રિક બૌદ્ધોમાં શિવનું સ્વરૃપ છે.

ગણેશપૂજન મધ્ય એશિયાના સિલ્ક રૃટ દ્વારા મોંગોલિયા સુધી પ્રસર્યું. મોંગોલિયામાં ગણેશની કાંસાની મૂર્તિઓ અને ભીંત ચિતરામણ સ્વરૃપે જોવા મળે છે. તિબેટની દંતકથા પરથી ઊતરી આવેલી મોંગોલ દંતકથા મુજબ ગણેશે શાક્ય વંશના પાગસ-પાના પિતાને દંતશૂળથી મેરુ પર્વત પર મુક્યો અને મોંગોલિયાનો પ્રદેશ બનાવ્યો અને કહ્યંુ કે તારો પુત્ર તેનું શાસન કરશે. બર્મામાં ગણેશને મહાપિયને(મહાવિનાયક) તરીકે ઓળખવામાં આવે છે. બર્મામાં ગણેશના ઉદ્દભવની કથા કંઈક આમ છેઃ અઠવાડિયું કેટલા દિવસનું હોવું જોઈએ એ વાતને લઈને એકવાર ઇન્દ્રાદિ દેવતાઓ વચ્ચે વાક્યુદ્ધ થયું. બ્રહ્માની અણસમજથી ગુસ્સે ભરાયેલા ઇન્દ્રે તેમનું માથું જ વાઢી લીધું. પછી તેમને હાથીનું મસ્તક લગાવ્યું.

ઇન્ડોનેશિયાના ગણેશ ક્યારેય નૃત્ય કરતા નથી અને ઉંદર કે કોઈ પણ પ્રકારનાં વાહન વગરના અને હાથમાં ખોપડી ધારણ કરેલા દર્શાવાય છે. બાલીમાં તેમને બે દાંતવાળા અને હાથમાં પુસ્તક ધારણ કરેલા દર્શાવાય છે અને તેમનું ભગવાન તરીકે આહ્વાન થાય ત્યારે તેઓ ભક્તોની અડચણો દૂર કરે છે. કંબોડિયામાં બે હાથવાળા ગણેશના હાથમાં શંખ અને ચક્ર છે. થાઇલેન્ડમાં ગણેશને ફ્રા ફિકેનેટ(વિઘ્નેશ) અને ફ્રા ફીકનેસવારી(વિઘ્નેશ્વર) કહેવાય છે અને ધંધો સારો ચાલતો હોય ત્યારે મોદકનું થાઈ સ્વરૃપ ‘મોટક’ ધરાવાય છે, પરંતુ ધંધો ખરાબ હોય ત્યારે તેમની મૂર્તિ ઊંધી મૂકવામાં આવે છે.

૮મી સદીમાં બૌધ ધર્મ ચીન થઈને જાપાન ગયો. ગણેશનું ચીનમાં બહુ મહત્ત્વ નથી, પણ જાપાનીસ બૌદ્ધોમાં આવેલા શિન્ગોન સંપ્રદાય અનુસાર ગનબાચી અથવા બિનયાક ટેન ટેન(ગણેશ) નાના બૌદ્ધ ભગવાન છે. કન્ગી ટેન જોડકા ભગવાન છે, પણ આ ભગવાનની મૂર્તિ મોટા ભાગે જાહેરમાં દેખાડાતી નથી. તેમને છુપાવીને મંદિરની પાછળ બંધ દરવાજામાં રખાય છે. જાપાનમાં વેપારીઓ ઐશ્વર્ય અને યુવાનો પ્રેમ માટે કન્ગી ટેનને પૂજે છે અને મૂળા અને બન સાથે જાપાનીસ મોદક તેમને ચઢાવે છે.

ઓમકાર બ્રહ્મનું શાબ્દિક સ્વરૃપ છે. બ્રહ્માંડ સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત થયું ત્યારે ઉત્પન્ન થયેલો પહેલો અવાજ ઓમ્ છે. ગણેશ ઓમ્, સદ્દનસીબના પ્રતીક એવા સ્વસ્તિક અને શુભત્વના પ્રતીક એવા શ્રીનું સ્વરૃપ છે. જ્ઞાનેશ્વરે કહ્યું છે ગણેશના ચરણ અ, પેટ ઉ અને માથું મ્ બરાબર છે. મહારાષ્ટ્રના ઘણા ભાગમાં ગણેશને શ્રી તરીકે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ગણેશ કેટલા પ્રાચીન દેવ છે? પ્રશ્નના જવાબમાં અધ્યાત્મ વિદ્યા મંદિર, અમદાવાદના આચાર્ય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી કહે છે, ‘વેદોમાં ક્યાંય ગણેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગણેશ વેદોના દેવતા નથી. ગણાનામ્ ગણપતિ… એવો એક શ્લોક આવે છે, પરંતુ તે ગણોના દેવતા શિવ માટે છે. ઘણા આ શ્લોકને ગણેશ સાથે જોડે છે તે યોગ્ય જણાતું નથી. ગણેશજી પુરાણોના દેવતા છે.’ ગણેશ પુરાણ ગણપત્યો માટે વિશેષ છે અને તેમાં ગણેશનાં સહસ્ત્રનામો સાથે ગણેશની ભક્તિની રીત, તેમના ક્રિડાકાંડ અને ચાર યુગના ચાર અવતારોનું વર્ણન છે. ગણેશ ગીતા ગણેશ પુરાણનો એક ભાગ છે. ગણેશ ગીતામાં ભક્તોને તેમના સુધી પહોંચવાના ત્રણ માર્ગો દર્શાવે છે, જ્ઞાન યોગ એટલે કે બુદ્ધિથી સ્વને ઓળખવો, ભક્તિ યોગ એટલે કે હૃદયના ઊંડાણથી સમર્પણ કરવું અને કર્મ યોગ એટલે કે સ્થિતપ્રજ્ઞ થઈને કાર્ય કરવું. ગણેશ ગીતાના મોટા ભાગના શ્લોકો ભગવદ્દ ગીતામાંથી લીધેલા છે. ગણેશ પુરાણની જેમ મુદ્દગલ પુરાણ પણ ગણેશને સમર્પિત છે. ૧૭૫૧માં મળેલા લખાણ મુજબ ૧૦૮ ઉપનિષદ છે. તેમાં એક ગણેશ અથર્વશીર્ષ ઉપનિષદ છે. ગણેશના સેવકો એટલે ગણપત્યો. ૯મી સદીમાં આદી શંકરાચાર્યે ગણપત્ય સંપ્રદાયને શૈવો, વૈષ્ણવો, શાક્તો અને સૌરની પંક્તિમાં મુક્યો.

૧૦મી સદીથી ગણેશના સ્વતંત્ર મંદિરો દેખાવા લાગ્યાં. ગણપત્યો ૧૦મી સદીમાં સંપ્રદાયના શિખરે પહોંચ્યા. ગણેશનું સૌથી મોટું મંદિર એટલે ઉચ્ચી પિલ્લયાર કોઇલ જેમાં ૧૦૦ થાંભલાઓનો બનેલો મુખ્ય હૉલ છે અને તે તિરુચીરાપલ્લીના રોક ફોર્ટ તામિલનાડુમાં આવેલું છે. તામિલનાડુમાં ગણેશને પિલ્લૈયાર કહેવામાં આવે છે. અન્ય ત્યાં કોઈ પણ સંગીત સભા પિલ્લૈયારનું આહ્વાન કર્યા વગર શરૃ થતી નથી. ગણપત્યો માટે તેમના સંપ્રદાયની નિશાની છે, તેમના કપાળે લાલ વર્તુળાકાર તિલક. તામિલનાડુની ગણેશ કથા ટૂંકમાં જોઈએ તો, તળાવમાં નહાવા ઇચ્છતા ઉમાએ ચોકીદારી માટે છોડમાંથી એક છોકરાનું સર્જન કર્યું. શિવજીએ માન્યું કે છોકરો ઉમાને પજવવા માગે છે એટલે તેમણે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ઉમાએ રડતાં-રડતાં હકીકત કહી અને કહ્યું કે, જો તમે આ બાળકને સજીવન કરશો તો હું તમને સાત બાળકો આપીશ જે તમારા પુત્રો હશે. શિવજીએ હાથીનું મસ્તક લગાડીને બાળકને સજીવન કર્યો જે વિનાયક તરીકે જાણીતો થયો. પછી ઉમાએ સાત બાળકો ઉત્પન્ન કર્યાં. શિવજીએ તેમને ગળે લગાડ્યા, પણ છને જ ગળે લગાડી શક્યા. સાતમું બાળક ભાગી ગયું. છ બાળકો એક બની ગયા. જે યુદ્ધમાં ભગવાન મુરુગા બન્યા જેમને છ માથાં છે. આમ શિવ અને ઉમાને બે પુત્રો થયા વિનાયક અને મુરુગા.

ગણેશના નામકરણ વિશે પુરાણોના અભ્યાસુ દેવદત્ત પટ્ટનાયક તેમના પુસ્તક ‘૯૯ થોટ્સ ઓન ગણેશા’માં લખે છે, ‘આશરે ઈશુના ૫૦૦ વર્ષ પહેલાં માનવ-ગૃહ-સૂત્રો લખાયેલાં તેમાં વિઘ્નો ઊભા કરનારા ચાર ભગવાનના સમૂહને વિનાયકો કહેવાયા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં લખ્યું છે કે મુશ્કેલી ઊભી કરનાર ભગવાન વિઘ્નકર્તા છે જેમને વિનાયક કહેવામાં આવે છે. વામન પુરાણમાં વિનાયક નામ ઉમા માણસ વગર બાળક ઉત્પન્ન કરે છે તેની વાર્તા પરથી આવ્યું. તેમાં વિઘ્નકર્તા વિનાયક વિઘ્નહર્તા બની ગયા. ઈસ્વીસન પૂર્વ ૩૨૬માં સિકંદરે ભારત પર ચઢાઈ કર્યા પછી ઘણા ઇન્ડો-ગ્રીક ભારતમાં વસી ગયા. ગ્રીકોએ ભારતમાં આવતા પહેલાં ઇજિપ્ત જીતી લીધંુ હતું. ઇજિપ્તમાં પ્રાણીના માથાવાળા ભગવાનો હતા. જેવા કે ગરુડના માથાવાળા હોરસ, બકરાના માથાવાળા થોથ અને શિયાળના માથાવાળા અનુબીસ. કદાચ અહીંથી હાથીના માથાવાળા ગણેશનો વિચાર ઉદ્દભવ્યો હશે, ગ્રીકોના આગમન પહેલાં ભારતમાં પ્રાણીઓના માથાવાળા ભગવાન નહોતા. જેના નામ ઉપરથી જાન્યુઆરી મહિનાનું નામ પડ્યું તે રોમન ભગવાન જેનસ સાથે ગણેશનું ઘણુ સામ્ય છે.’

‘ગણપતિ બાપ્પા મોરયા’ સૂત્ર કેમ બોલાય છે તેની પાછળની કથા પણ જાણીએ. મહારાષ્ટ્રના મોરગાંવ મંદિર સાથે નજીકથી જોડાયેલા મોરયા ગોસાવીએ ગણેશ પૂજાને ખ્યાતિ અપાવી હતી. સંત મોરયા ગોસાવીએ જીવનભર માત્ર ગણેશની જ પૂજા કરી. તેમની યાદમાં મોરગાંવના ગણેશ મોરેશ્વર કહેવાયા અને ભક્તો ગણેશને ગણપતિ બાપ્પા મોરયા કહે છે. પેશ્વાઓએ મરાઠા સામ્રાજ્યનું શાસન સંભાળ્યું ત્યારે તેમના રાજ ભગવાન ગણેશ બનાવ્યા. તેઓ જ્યાં ગયા ત્યાં ગણેશ પૂજન કરાવ્યું.

૧૮૯૩ સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ મોટા ભાગે રૃઢિચુસ્ત બ્રાહ્મણો જ ઉજવતા હતા. ૧૮૯૩માં બાળગંગાધર ટિળકે પૂનામાં આયોજન કરી આ ઉત્સવને જાહેર ઉત્સવ બનાવી દીધો. રાજકીય મેળાવડા અંગ્રેજોને પસંદ નહોતા એટલે ટિળકે અંગ્રેજો સામે સંગઠિત થવા ગણેશ ઉત્સવ જેવા ધાર્મિક ઉત્સવનો આશરો લીધો. ભવિષ્યના રાજકીય મેળાવડાની રૃપરેખા પણ અહીં જ ઘડાવા લાગી.

શિવને પિતા બનવું નહોતું અને શક્તિને માતા બનવું હતું અને દુન્વયી વસ્તુઓ સાથે જોડાવું હતું. તેઓ જાણતા હતા કે આમ કરવામાં શિવજીનો સહકાર નહીં મળે. યોગી અને ગૃહસ્થ, દેવ અને દેવી વચ્ચેના તણાવમાંથી ગણેશ જન્મ્યા. તેમનું પ્રાણીનું માથું ભૌતિક આનંદ અને મનુષ્યનું શરીર આધ્યાત્મિક શાંતિ દર્શાવે છે. આમ, ગણેશમાં ભૌતિક આનંદ અને આધ્યાત્મિક ડહાપણ સંતુલન મેળવે છે.

ગણેશના ઉદ્દભવની અનેક કથાઓ છે. બૃહદધર્મ પુરાણમાં કહેવામાં આવ્યંુ છે કે શિવજીએ એક કપડું લીધું અને તેમાં ગાંઠોવાળી અને છેવટે હાથીના મસ્તકવાળી ઢીંગલી ભગવતી કાલીને ખુશ કરવા બનાવી. કાલી આ ઢીંગલીને સ્તન સમીપ લઈ ગયા અને જેમાં જીવનો સંચાર થયો. આમ ગણેશનો જન્મ થયો. ગણેશના જન્મથી કાલી ગૌરીમાં બદલાઈ ગઈ.

બીજી કથા પ્રમાણે, શિવજી પાસે રાક્ષસી હાથી ગજાસુરના જંગલી સ્વભાવ માટે ધીરજ નહોતી તેથી તેમણે તેને જીવતો ફંગોળ્યો, તેના માથા પર નૃત્ય કર્યું અને તેની ચામડીમાંથી ઝભ્ભો બનાવ્યો. રાક્ષસને માર્યા પછી શિવજીએ શક્તિના પુત્રને જીવિત કરવા આ મસ્તકનો ઉપયોગ કર્યો. દક્ષિણની પ્રણાલિકા પ્રમાણે ગણેશ પોતે જ હાથીના મસ્તકવાળા રાક્ષસ ગજાસુરનો વધ કરે છે.

Related Posts
1 of 319

ત્રીજી કથા પ્રમાણે, ક્ષીર-સાગરના મંથનમાંથી સફેદ રંગનો ઐરાવત હાથી મળ્યો. તે ઇન્દ્રનું વાહન બન્યો. ઐરાવત વરસાદ અને ફળદ્રુપતા સાથે જોડાયેલો છે. આ હાથીનું માથું ગણેશનું સર્જન કરવામાં વપરાયું. બંગાળમાં ગણેશની મૂર્તિમાં માથાનો રંગ સફેદ હોય છે. બૃહદધર્મ પુરાણમાં કહ્યંુ છે કે શિવજીએ નંદીને ઉત્તર દિશામાંથી માથું લાવવા કહ્યું ત્યારે નંદીને હિમાલયની તળેટીમાં ઐરાવત મળી ગયો અને નંદીએ તેનું માથું વાઢી લીધું. ગણેશોત્સવ વર્ષાઋતુના અંતમાં ઊજવવામાં આવે છે. જે ગણેશ, વરસાદ અને હાથી વચ્ચેનો ગાઢ સંબંધ દર્શાવે છે.

તિબેટના સાહિત્યમાં વારાહી વિશે એક વાર્તા છે. તેમાં શિવજીનાં પત્નીએ કઈ રીતે પુત્રનું સર્જન કર્યું તેની કથા છે. ઈર્ષાથી શિવજીની બીજી પત્ની ઉમા બાળકનું માથું કાપી નાખે છે અને પછી શિવજી હાથીના માથાથી તેને સજીવન કરે છે. પદ્મપુરાણ પ્રમાણે, પાર્વતી દેવી હળદરની પીઠી તેમના શરીર પરથી કાઢીને તેમાંથી એક ઢીંગલાનું સર્જન કરે છે અને તેને ગંગામાં પધરાવે છે જેમાંથી બાળક સજીવન થાય છે. બધા ભગવાનને લાગે છે કે બાળક ગંગાનું છે, પણ પાર્વતી તેને પોતાનું ગણાવે છે. જયદ્રથના હરિચરિત્ર ચિંતામણિ પ્રમાણે, શક્તિ સ્નાન કરતા હતા ત્યારે હાથીના માથાવાળી તેની ચોકીદારે તે પાણી પીધંુ અને ગર્ભવતી બન્યાં. તેમણે પાંચ માથાવાળા હાથીના બાળકને જન્મ આપ્યો. શિવે તેમનાં ચાર માથાં કાપી નાખ્યાં અને શક્તિએ તેને પુત્ર તરીકે સ્વીકારી લીધો. આમ ગણેશ દ્વિમાતા કેમ ઓળખાય છે તે સમજાય છે.

ગણેશના પરિવાર વિશેની ભૌતિક સમજ કંઈક આવી છે. દુર્ગાને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો અને લક્ષ્મી અને સરસ્વતી બે પુત્રીઓ એમ ચાર સંતાનો છે. દુર્ગા પૃથ્વી છે. જેને માણસને સમૃદ્ધિ અને લક્ષ્મી આપવા ખેડવી પડી. ખેડાયેલી પૃથ્વીની રક્ષા માટે કાર્તિકેયની જરૃર પડી. તેને ખેડવા માટે જોઈતું જ્ઞાન સરસ્વતીમાંથી આવે છે અને ગણેશ જે સમૃદ્ધિ ઉત્પન્ન થઈ તેનો હિસાબ રાખે છે. ગણેશની જેમ કાર્તિકેય પણ તેમની માતાના શરીરની બહાર જુદી રીતે જન્મ્યા હતા. કાર્તિકેયને શક્તિ ગર્ભ તરીકે ધારણ કરે એમ દેવો ઇચ્છતા નહોતા એટલે તેમણે શિવ અને પાર્વતીની પ્રણય ક્રિડામાં વિક્ષેપ પાડ્યો. જેથી શિવનું વીર્ય સ્ખલન બહાર જ થયું. તેને ભગવાન અગ્નિ, વાયુ, ગંગા, જંગલના અધિપતિ સરવણ અને છ તારાઓના સમૂહ કૃત્રિકા નક્ષત્ર દ્વારા પોષવામાં આવ્યું. શક્તિ દ્વારા ગણેશના સર્જનની પ્રક્રિયા શિવે પુરી કરી જ્યારે શિવ દ્વારા કાર્તિકેયના સર્જનની પ્રક્રિયા શક્તિએ પૂરી કરી. ગણેશ સમૃદ્ધિ બક્ષે છે જ્યારે કાર્તિકેય રક્ષણ કરે છે.

ગણેશ પરિણીત છે કે અપરિણીત એ અંગે શાસ્ત્રોમાં બબાલ જોવા મળે છે. દક્ષિણમાં ગણેશ વિદ્વાન બાળક છે અને તેમને યોગ્ય કોઈ સ્ત્રી ન હોવાથી તે બ્રહ્મચારી રહે છે. જ્યારે ઉત્તર ભારતમાં ગણેશને બ્રહ્માની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્ની છે એમ માનવામાં આવે છે. તાંત્રિક પંથમાં ઘણીવાર તેમને સ્ત્રી સાથીદાર સાથે દર્શાવાયા છે. શુભ અને લાભ ગણેશનાં બે સંતાનો ગણાવવામાં આવે છે. જોકે તેમની બંને પત્નીની જેમ બંને બાળકો વિશે પણ કોઈ વિશેષ માહિતી મળતી નથી. બંગાળની માન્યતા પ્રમાણે, હાથીના માથાના કારણે ગણેશ સાથે કોઈ પરણવા તૈયાર નહોતું ત્યારે માતા દુર્ગાએ એક કેળના છોડને સાડી પહેરાવીને ગણેશનાં લગ્ન કરાવ્યા. તેથી દુર્ગા પૂજા વખતે કેળના છોડને સાડી પહેરાવીને ગણેશની બાજુમાં મૂકવામાં આવે છે. તેને ‘કોલા બહુ’ કહેવામાં આવે છે. દશેરાના દિવસે દુર્ગાની નવ ઔષધિથી પૂજા થાય છે એમાંની આઠને કેળના છોડ સાથે બાંધવામાં આવે છે.

ગણેશના અનેક પરાક્રમોની ગાથા છે. ગણેશના સ્ત્રી સ્વરૃપ વિનાયકીનું પરાક્રમ અંધક રાક્ષસ સાથે જોડાયેલું છે. દેવી પાર્વતીને તેની પત્ની બનાવવા ઇચ્છતા અંધકે તેમને ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો. શિવજીએ ત્રિશૂળથી અસુરને પુરો કર્યો, પણ અસુર પાસે જાદુઈ શક્તિ હતી કે તેના લોહીના જેટલા ટીપા પૃથ્વીને અડે એટલા અંધક ઉત્પન્ન થતા હતા. તેને મારવાની એક રીત હતી, શિવજી ત્રિશૂળ મારે ત્યારે તેના લોહીનું એક પણ ટીપું પૃથ્વી પર પડવું ન જોઈએ. પાર્વતીએ દરેક શક્તિને અંધકનું લોહી પી જવાની વિનંતી કરી. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વગેરેની ગણેશના સ્ત્રી સ્વરૃપ વિનાયકીએ પણ તેમાં ઘણી સહાય કરી હતી. ગણેશ પુરાણમાં ગણેશના ચાર અવતારની વાત છે. સતયુગમાં સિંહ પર સવાર થઈને તેમણે નરાન્તક અને દેવાન્તક નામના બે રાક્ષસ ભાઈઓને માર્યા. ત્રેતાયુગમાં મોર પર સવાર થઈને સિંધુ રાક્ષસને માર્યો. દ્વાપરમાં ઉંદર પર સવાર થઈને સિંદૂર રાક્ષસને માર્યો અને અત્યારે ચાલે છે તે કળિયુગમાં ઘોડા પર સવાર થશે, વિષ્ણુના ક્લ્કી અવતારની જેમ ધૂમ્રકેતુનું સ્વરૃપ લઈને રાક્ષસને મારશે. મુદ્દગલ પુરાણ પ્રમાણે, ગણેશ આઠ સ્વરૃપો લઈને આઠ રાક્ષસોને હણે છે. વક્રતુંડ સિંહ પર સવાર થઈને ઈર્ષ્યાને મારે છે, એકદન્ત ઉંદર પર સવાર થઈને મદને મારે છે, મહોદર બંધનના રાક્ષસને મારે છે, ગજાનન લોભ, લાલચને મારે છે, લંબોદર ક્રોધને મારે છે, વિક્ત મોર પર સવાર થઈ કામ, આસક્તિને મારે છે, વિઘ્નરાજા સાપ પર સવાર થઈને મમત્વને મારે છે અને ધૂમ્રવર્ણ ઉંદર પર સવાર થઈ અહંકારને મારે છે.

ક્ષીર સાગરના મંથન સાથે પણ ગણેશનું પરાક્રમ જોડાયેલું છે. સમુદ્ર મંથન કરતાં પહેલાં દેવો ગણેશને સમરવાનું ભૂલી ગયા. તેમને પાઠ ભણાવવા ગણેશના કહેવાથી રસ્સી બનેલા વાસુકી નાગે ઝેર ઓક્યું. દેવો ગભરાયા. ગણેશનું આહ્વાન કર્યું. ગણેશે શિવજીને પ્રાર્થના કરી અને શિવ ઝેર પી ગયા. ગણેશનું નામ કોઈ પણ કાર્યના પ્રારંભે જપવું.

ગણેશના હાથમાં પરશુ સાથે જોડાયેલી પરશુરામની કથા પ્રમાણે, દુષ્ટ રાજાઓને મારીને પરશુરામ કૈલાસ પર્વત પર શિવજીને પરશુ આપવા ગયા. ગણેશ ચોકી કરતા હતા. તેમણે અંદર ન જવા દીધા તો પરશુરામે પરશુના ઘાથી ગણેશનો એક દાંત અડધો તોડી નાખ્યો. દુર્ગા ક્રોધે ભરાયા અને પરશુરામને દ્વંદ્વ યુદ્ધનું આહ્વાન કર્યું. પરશુરામને ભૂલ સમજાઈ અને તેમણે પરશુ ગણેશને આપી દીધી અને સંત બની તળેટીમાં ધ્યાન ધરવા લાગ્યા. પદ્મપુરાણમાં ગણેશનો દંતશૂળ પરશુરામે નહોતો તોડ્યો, પણ કૃષ્ણના મોટાભાઈ બલરામે તેમની ગદાથી તોડ્યો હતો.

ગણેશના વિવેક દર્શન કરાવતી ઘણી કથાઓ છે. પ્રસિદ્ધ કથા પ્રમાણે, નારદે શિવજીના બંને પુત્ર ગણેશ અને કાર્તિકને ઝડપથી પૃથ્વીની ત્રણ પરિક્રમા કરી આવવા કહ્યું અને જે પહેલી પરિક્રમા પૂરી કરે તેને કેરી આપવાનું વચન આપ્યું. કાર્તિકેય ત્રીજી પરિક્રમા પૂરી કરવામાં હતા ત્યારે ગણેશે તેમનાં માતા-પિતાની પરિક્રમા કરી અને જાહેર કર્યું કે તેઓ જીતી ગયા છે. કેવી રીતે એમ કાર્તિકેયે પૂછ્યું ત્યારે ગણેશે કહ્યું કે તમે બાહ્ય દુનિયાની પરિક્રમા કરી મેં મારી દુનિયાની પરિક્રમા કરી. નારદે ગણેશને કેરી આપી. અસંમત કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા. તામિલનાડુમાં કાર્તિકેય મુરુગા તરીકે પ્રખ્યાત છે. મુરુગાના વલ્લી સાથેના વિવાહમાં પણ ગણેશ કારણ બને છે. મુરુગા ભીલ કન્યા વલ્લીના પ્રેમમાં પડ્યા, પણ વલ્લીએ લાખ પ્રયત્નો છતાં ધ્યાન ન આપ્યું. મુરુગાએ ગણેશને સમર્યા. ગણેશ જંગલી હાથીનું રૃપ લઈને ખેતરમાં ઘૂસી ગયા. વલ્લી ડરી ગઈ અને મુરુગાએ વલ્લીનું રક્ષણ કર્યું અને પાણિગ્રહણ કર્યું.

અનુષ્ટુપ છંદમાં લખાયેલો જગતનો સૌથી અદ્ભુત ગ્રંથ મહાભારત આપણને ગણેશના કારણે મળ્યો છે. ઋષિ વ્યાસની અસ્ખલિત ધારાને શબ્દ રૃપ આપી શકે તેવો લહિયો  જોઈતો હતો અને તે કામ માત્ર ગણેશ કરી શકે તેમ હતા. ગણેશે શરત મુકી કે મારી કલમ અટકવી ન જોઈએ. વ્યાસે શરત મંજૂર કરી. પોતાના વિચારો કરતાં વધુ ઝડપે લખતા ગણેશને ગૂંચવવા વ્યાસે મહાભારતના ૧ લાખ શ્લોકો પૈકી ૮ હજાર શ્લોકો વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકર રૃપે મુક્યા. આ શ્લોકોએ ગણેશ વિચાર કરવા અટકી જતા હતા અને ત્યાં સુધીમાં વ્યાસ વિચારોને વ્યવસ્થિત ગોઠવી દેતા હતા. વ્યાસે મહાભારતમાં લખ્યંુ છે કે આ આઠ હજાર શ્લોકો હું અને ગણેશ જ જાણીએ છીએ, કવચિત જ કોઈ તેનો અર્થ જાણે છે.

દક્ષિણની મહત્ત્વની નદી કાવેરીના ઉદ્દભવની કથા પણ ગણેશ સાથે જોડાયેલી છે. કથા પ્રમાણે, દક્ષિણમાં દુકાળ પડતા લોકોએ ગણેશનું સ્મરણ કર્યું. ગણેશે પિતા શિવને વિનંતી કરી કે તેમના શિષ્ય અગત્સ્યને ગંગાના પાણીનું કમંડળ ભરીને દક્ષિણમાં મોકલે. વિંધ્ય પર્વતમાળાને ઓળંગ્યા પછી અગત્સ્યે કમંડળ પર્વત પર મૂક્યું અને ધ્યાનમાં બેઠા. ગણેશે કાગડાનું રૃપ લીધું અને કમંડળમાં કાણુ પાડ્યું. જેથી ગંગા દક્ષિણમાં વહેતી થઈ અને કાવેરી નદી તરીકે ઓળખાઈ. કાવેરીની જેમ ગોદાવરીને પણ દક્ષિણમાં લાવનાર ગણેશ હતા. ગંગા શિવના માથા પર બેઠા હતા એટલે ગૌરીએ ગણેશને સૂચના આપી કે નદીઓની દેવીથી છુટકારો મેળવવાનો રસ્તો શોધો. ગણેશ ગોવાળનું રૃપ લઈને દક્ષિણના ગૌતમ ઋષિની ઝૂંપડી પાસે ગયા. ગૌતમ એટલા તપસ્વી હતા કે તેમના તપના પ્રભાવથી દુકાળમાં દેવતાઓને જમાડી શકતા. ગણેશે એક યુક્તિ કરીને ગૌતમ ઋષિને કહ્યું કે તમે જેને ખવડાવ્યું છે તે દેવોને વિનંતી કરો કે ગંગાને તમારી પાસે લાવે. ગૌતમે દેવતાઓને વિનંતી કરી અને દેવતાઓએ શિવને વિનંતી કરી અને શિવે જટામાંથી ગંગાને મુક્ત કરી. ગંગા દક્ષિણમાં ગોદાવરી રૃપે વહી રહ્યાં છે.

કુબેર અને ગણેશ વચ્ચેનો પ્રસંગ પણ યાદ કરવો રહ્યો. કુબેર દેવોના ભંડારી અને શિવભક્ત છે. ગણેશ ખૂબ મીઠાઈ ખાતા એટલે એક દિવસ કુબેરે ગણેશને જમવા બોલાવ્યા, શિવને ટેકો આપવા. ગણેશે કુબેરનું આખું રસોડું સફાચટ કરી દીધું. કુબેરની સંપત્તિ ઓછી થવા લાગી, પણ ગણેશની ભૂખ શમતી નહોતી. આખરે કુબેરને સમજાયું કે ભગવાન અનંત છે અને તેમની સંપત્તિ મર્યાદિત છે. કુબેરે ગણેશના પગે પડી માફી માગી.

૧૯મી સદીમાં મૈસૂરના વાડિયાર સામ્રાજ્યના રાજાએ ભગવાનની મૂર્તિઓની યાદી બનાવડાવી હતી. કન્નડ ભાષામાં લખાયેલી આ યાદી શ્રી-તત્ત્વ-નિધિ કહેવાય છે. તેમાં ગણેશનાં ૩૨ જુદાં-જુદાં સ્વરૃપ મળે છે. જેમ કે બાલ ગણેશ, તરુણ ગણેશ, ભક્તિ ગણેશ, વીર ગણેશ, શક્તિ ગણેશ, દ્વિજ ગણેશ, સિદ્ધિ ગણેશ, ઉચ્ચિષ્ઠ ગણેશ, વિઘ્ન ગણેશ, ક્ષિપ્રા ગણેશ, હેરમ્બ ગણેશ, લક્ષ્મી ગણેશ, મહા ગણેશ, વિજય ગણેશ, નૃત્ય ગણેશ, ઊર્ધ્વ ગણેશ, એકાક્ષરા ગણેશ, વર ગણેશ, એકદન્ત ગણેશ, ઉદંડ ગણેશ, દંડી ગણેશ, રણમોચન ગણેશ, દ્વિમુખ ગણેશ, ત્રિમુખ ગણેશ, સિંહ ગણેશ, દુર્ગા ગણેશ, યોગ ગણેશ, સૃષ્ટિ ગણેશ, સંકટહર ગણેશ વગેરે.

ગણેશને ઘણી વખત લાલ રંગમાં દર્શાવવામાં આવે છે. તેમને મંગલમૂર્તિ કહેવાય છે. આનો અર્થ મંગળનો ગ્રહ પણ થાય છે. આ કારણને લીધે જ મંગળવાર ગણેશની પૂજાવિધિ માટે પવિત્ર માનવામાં આવ્યો છે. ગણેશના એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં પાશ છે. કુહાડી વિશ્લેષણનું પ્રતીક છે. પાશ વસ્તુને તોડીને ભેગી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બંને ભેગાં મળીને માનવ મનની બે પ્રકારની આવડતનું પ્રતીક બને છે. ભૌતિક દુનિયાને સમજવી અને એમ કરતાં આધ્યાત્મિક દુનિયાને અનુભવવી. ઘણીવાર ગણેશના હાથમાં અંકુશ જોવામાં આવે છે. તે પ્રોત્સાહન અને કાબૂ બંનેનું પ્રતીક છે. તે સમતોલનમાં જ આનંદ દર્શાવે છે. ઘણીવાર ગણેશના હાથમાં શેરડી જોવા મળે છે. શેરડી કામ, પ્રેમ અને વાસનાના ભગવાન સાથે જોડાયેલી છે. શેરડીનો રસ જીવનરસની નિશાની છે. ગણેશને એક દાંત છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે તેમણે જાતે દાંત તોડ્યો. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે તેમના ભાઈ કાર્તિકેયે તોડ્યો. બ્રહ્માંડ પુરાણમાં લખ્યંુ છે કે દાંત પરશુરામ સાથે દ્વંદ્વ યુદ્ધમાં તૂટી ગયો. જ્યારે પદ્મપુરાણમાં કહ્યું છે કે દાંત બલરામ સાથે દ્વંદ્વમાં ખંડિત થયો છે. તૂટેલા દાંતનો ઉપયોગ શાહી ભરવાના ખડિયા તરીકે થયો જેમાં કલમ ઝબોળીને ગણેશ વ્યાસનું મહાભારત લખી શક્યા. તૂટેલા દાંતનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને ગણેશે ચંદ્ર ઉપર વિજય મેળવ્યો. આ દાંતને ટેકણલાકડી તરીકે ઉપયોગ કરીને ગણેશ ધ્યાનમાં બેસે છે.

પાંચમી સદી સુધીની ગણેશની મૂર્તિઓ ઉંદર ઉપર સવાર થયેલી દર્શાવાઈ નથી. પહેલાંની મૂર્તિઓમાં તેમને સિંહ ઉપર સવાર દર્શાવાયા છે. ઉંદરની સવારી ૧૦મી સદીથી દર્શાવાય છે. ઉંદર ઉપદ્રવી અને જીવનમાં ઉકેલી શકાય નહીં તેવા પ્રશ્નોનું પ્રતીક છે. ઉંદર ફળદ્રુપતાની પણ નિશાની છે. ગણેશનું પૂજન આપણા જીવનમાંથી પ્રશ્નોના ઉપદ્રવને કાઢી નાખે છે અને ફળદ્રુપ બનાવે છે એમ ગણેશની ઉંદર સવારી સૂચવે છે. ગણેશને મોદક મીઠાઈ બહુ ભાવે છે. મોદક ચોખાના લોટમાં ગોળ, કોપરું અને તલના મિશ્રણથી બનેલી મીઠાઈ છે. મોદકનો આકાર પૈસા ભરેલી થેલી જેવો હોય છે જે કુબેરના હાથમાં હોય છે અને તે માણસને મળતા બધા મનગમતાં આનંદનું પ્રતીક છે.

ગણેશનાં પ્રાચીન મંદિરો વિશે જોઈએ તો, રોક ફોર્ટ ભૂમિશાસ્ત્રના મત પ્રમાણે દુનિયાના સૌથી પ્રાચીન એવા ૩ અબજ વર્ષ જૂના ખડક પર ૮૩ મીટર ઊંચું આ મંદિર તામિલનાડુમાં આવેલું ૧૦મી સદીમાં બંધાયેલું ભારતનું સૌથી જૂના મંદિર પૈકીનું એક છે. ગણેશને અહીં લોકો પિલ્લૈયાર કહે છે. મહારાષ્ટ્રના ગણેશનાં આઠ મંદિરો છે અને તેની યાત્રા નક્કી કરેલા ક્રમમાં જ કરવી એવી માન્યતા છે. દરેક મંદિર સ્વયંભૂ હોવાનું કહેવામાં આવે છે.

પ્રથમ, મોરગાંવમાં આવેલું મોરેશ્વરનું મંદિર, પછી સિદ્ધટેકના સિદ્ધિ વિનાયક, પાલીના બલ્લાલેશ્વર, મહાડના વરદવિનાયક, થેઉરના ચિંતામણિ, લેન્યાદ્રિના ગિરિજાત્મક પછી ઓઝરના વિઘ્નહર અને છેલ્લે રંજનગાંવના મહાગણેશ આવે છે. આમાં સિદ્ધિવિનાયકની સૂંઢ જમણી બાજુએ અને બાકી બધા ગણેશની સૂંઢ ડાબી બાજુએ છે.

ભારતમાં તો ગણેશ વસંત અને શરદ ઋતુમાં પૂજાય છે. ભાદરવા સુદ ચોથથી દસ દિવસ, મહા સુદ ચોથની ગણેશ જયંતી, મહા મહિનાની વિનાયક ચતુર્થી વગેરે, પરંતુ અમેરિકામાં વસતા હિન્દુઓએ ૨૧થી ૨૫ ડિસેમ્બર સુધીનો પાંચ દિવસનો તહેવાર બનાવ્યો છે. અમેરિકા ક્રિસમસ ઊજવતું હોય ત્યારે ત્યાં ગણેશની મૂર્તિને રોજ ખાસ રંગથી શણગારવામાં આવે છે. ગણેશનું પૂજન હંમેશાં બદલાતાં અને પુનરાવર્તન પામતા જીવનને દર્શાવે છે. જે નાશ પામે છે અને પુનર્જન્મ પામે છે.

તામિલનાડુમાં કાગળ ઉપર કંઈ પણ લખતાં પહેલાં પિલ્લૈયાર સુઝી અથવા ગણેશ ચક્ર દોરવામાં આવે છે. પરીક્ષામાં પરીક્ષાર્થીઓ પણ આ નિશાની દોરીને જવાબો કાગળ પર લખવાનું શરૃ કરે છે. દક્ષિણમાં પિલ્લૈયાર સુઝીની જેમ ઉત્તર ભારતમાં કોઈ કાર્યના પ્રારંભે શ્રી લખવામાં આવે છે. શ્રી પણ ગણેશનું બીજું નામ છે. દરેક ભગવાનનો એક પ્રતીકાત્મક અવાજ હોય છે. ગણેશ માટેનો મંત્ર છે ઓમ ગં ગણેશાય નમઃ

મધ્યકાલીન યુગમાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે ઘણી દુશ્મનાવટ હતી. ક્યારેક તે તીવ્ર બનીને હિંસામાં પરિણમતી. ગણેશ શિવજી સાથે વધુ જોડાયેલા હોઈ વૈષ્ણવોએ ગણેશનું આહ્વાન બંધ કરી દીધું. આથી પરશુરામ અને બલરામે ગણેશનો દાંત તોડી નાખ્યો એવી વાર્તા બની. વૈષ્ણવોએ ગણેશને વિશ્વક્ષેનના લશ્કરના એક સૈનિક તરીકે પણ ઓળખાવ્યા. આથી વૈષ્ણવોના મોટા મંદિરોમાં વેંકટેશ્વર તિરુપતિ બાલાજી જેવામાં ગણેશનું મંદિર તેમના મુખ્ય મંદિરમાં હોતું નથી. તે બહાર હોય છે.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »