તમારા માટે, તમારી સાથે, સતત…

પેટ્રોલ-ડીઝલના ભાવ – રાજકારણ અને વાસ્તવિકતા

સરકારો બદલાય એટલે ભૂતકાળના આંકડાઓ ફરી જાય એવું હોતું નથી.

0 186
  • ઍનાલિસિસ –  સુધીર એસ. રાવલ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેં તેની ચરમસીમા પર છે અને ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બનીને રોજિંદા જીવનમાં એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવાની અનિવાર્યતા સામે ખિસ્સા ખાલી થતાં રહેતાં હોવાની વેદનાનો સતત અનુભવ કરી રહ્યો છે. દેશમાં સૌથી મોટો એવો આ વર્ગ વિકાસ કે પ્રગતિને માટે નહીં, પરંતુ મોટા ભાગે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે, ત્યારે જે ખર્ચ તેને પ્રાથમિકતાપૂર્વક પેટ્રોલ-ડીઝલ માટે કરવો પડે તે કેટલો પીડાદાયક રહેતો હશે, તેની કલ્પનાનો અંદાજ કે સંવેદનાની અનુભૂતિ રાજકીય પક્ષોને કે સરકારોને નથી તે માનવુ રહ્યું.

રાજકારણની વાત કરીએ તો બંધના એલાન એ રાજકીય પક્ષો માટે લોકોને જગાડવા-ઢંઢોળવા કે સાથે જોડવા ઉપરાંત લોકપ્રશ્નો અંગે માહિતગાર કરવા અર્થે જરૃરી હોઈ શકે, પરંતુ તે દરમિયાન હિંસક અથડામણો, જબરજસ્તી કે સરકારી સંપત્તિને નુકસાન ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. વળી, પ્રત્યેક ‘બંધ’ને તક સમજી તેનો ગેરલાભ ઉઠાવી લેવા તત્પર તત્ત્વો સાથે રાજકીય પક્ષોની સાઠગાંઠ હોય કે ન હોય, છેવટે અનિચ્છનીય ઘટનાઓ ઘટી ગયા પછી ‘બંધ સફળ રહ્યું કે નિષ્ફળ’ જેવા અર્થહીન મુદ્દે ચર્ચા ઉપરાંત મૂળ પ્રશ્ન બાજુએ રહી જાય અને પછીની પરિસ્થિતિ પર વકરી ઊઠતું રાજકારણ સભ્ય સમાજ માટે વધુ વેદનાગ્રસ્ત બનતું હોય છે, તે નોંધવંુ રહ્યું.

આપણે આઝાદીના આંદોલનમાંથી સત્યાગ્રહ અને અસહકારનો મર્મ સમજી શક્યા નથી તે આજકાલના આંદોલનોમાં સમજવા મળે છે. બંધના એલાનના સ્વરૃપ પર વિચારીએ તો ખાસ કરીને ૧૯૭૪ પછી શરૃ થયેલા બંધના એલાન દિવસે દિવસે તેનું સત્ત્વ ગુમાવતા રહ્યા છે, તેનું કારણ તે દરમિયાન થતી પ્રવૃત્તિઓ અને તેનું બદલાતું જતું સ્વરૃપ છે. લોકહિતના સ્થાને પક્ષીય રાજકારણ હાવી થતંુ ગયું છે. ભૂતકાળમાં જે વિપક્ષ બનીને રસ્તાઓ ઉપર ઊતરી પડતા તે લોકો આજે સત્તાસ્થાને છે અને જે લોકો સત્તા પર હતા તે લોકો આજે રસ્તા પર છે, એટલે અર્થહીન અને વિકૃત બનતા જતા બંધના એલાન માટે કોઈ એક પક્ષને દોષ દેવાને બદલે છેલ્લા ચાર દાયકા દરમિયાન ઊભરી ચૂકેલી આપણી રાજકીય સંસ્કૃતિ અને તેના માટે કારણભૂત એવા આપણે સૌ જવાબદાર ગણાવા જોઈએ.

હવે કરીએ વાત પેટ્રોલ-ડીઝલના ભાવો અંગેની વાસ્તવિકતાની. કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ આપ્યા વગર સમગ્ર પ્રશ્ન પર વિચાર કરવો હોય કે સમજવો હોય તો આધારભૂત આંકડાઓનો અભ્યાસ કરવો પડે. ભારત સરકારના આંકડાઓ અને રેકોર્ડ્ઝ શું કહે છે તે આજના તબક્કે જાણવું જરૃરી છે. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની, વહીવટીતંત્ર દ્વારા થતો વહીવટ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સરકારો બદલાય એટલે ભૂતકાળના આંકડાઓ ફરી જાય એવું હોતંુ નથી. આ સંજોગોમાં રાજકીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવોનો વિવાદ ચર્ચાના એરણે છે, ત્યારે નવી સરકાર આવી ત્યાર પછીની પરિસ્થિતિ અને તે પહેલાંની પરિસ્થિતિ શું રહી, તેના પર નજર કરીએ.

વર્ષ-૨૦૧૪ના મે માસમાં કેન્દ્રમાં નવી એનડીએ સરકાર આવી. આ સરકારે સત્તારૃઢ થયા બાદ આજ સુધીમાં પેટ્રોલ-ડીઝલ પર કુલ બાર વખત સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વધારી છે. પેટ્રોલ પર ૨૧૧ ટકા અને ડીઝલ પર ૪૩૩ ટકાનો વધારો કર્યો છે. બીજી રીતે જોઈએ તો બાવન મહિના દરમિયાન કેન્દ્ર સરકારે લોકોના ખિસ્સામાંથી ૧૧ લાખ કરોડ રૃપિયા જેવી માતબર રકમ સેરવી લીધી છે. આ રકમને વિગતે જોઈએ તો વર્ષ-૨૦૧૪-૧૫માં રૃપિયા ૧,૭૨,૦૬૫ કરોડ, વર્ષ-૨૦૧૫-૧૬માં રૃપિયા ૨,૫૩,૬૧૫ કરોડ, વર્ષ-૨૦૧૬-૧૭માં રૃપિયા ૩,૩૪,૫૩૪ કરોડ અને વર્ષ-૨૦૧૭-૧૮માં રૃપિયા ૩,૪૩,૮૫૮ કરોડ રહી છે. જો આ ડ્યુટી ન નાંખવામાં આવી હોત તો પેટ્રોલ-ડીઝલનો ભાવ આજે જે છે તેના કરતાં આશરે ૧૦થી ૧૫ રૃપિયા જેટલો ઓછો હોત.

Related Posts
1 of 269

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં એવી ચર્ચા ચાલે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે. સરકારનો અધિકૃત ખુલાસો પણ એવો છે કે પેટ્રોલ-ડીઝલના ભાવો પર સરકારનો કોઈ અંકુશ નથી, એટલે કે ભાવ વધારા માટે કેન્દ્ર સરકાર જવાબદાર નથી. આની સામે આંકડાઓ સૂચવે છે કે જે સમયે નવી સરકાર સત્તારૃઢ થઈ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ ૧૦૭.૦૯ યુએસ ડૉલર પ્રતિ બેરલ હતો, જે આજે ૭૩ યુએસ ડૉલર પ્રતિ બેરલ સુધીનો છે. આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ)ના ભાવમાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા બાવન મહિના દરમિયાન કાચા તેલનો સરેરાશ ભાવ ૫૦ યુએસ ડૉલર પ્રતિ બેરલનો રહ્યો છે, જે અગાઉની યુપીએ સરકારના કાર્યકાળના સમય કરતાં ૫૫ ટકા જેટલો ઓછો છે. આમ છતાં પેટ્રોલ-ડીઝલનો ભાવ આજે ભૂતકાળમાં ક્યારેય નહોતો એટલો છે, તે સૌની નજર સમક્ષ છે.

એક મુદ્દો એવો છે જે આશ્ચર્યજનક અને અકળાવનારો છે. આપણા દેશમાં જ્યારે પેટ્રોલના ભાવ ક્રમશઃ ૮૦થી ૮૯ રૃપિયા પ્રતિ લિટર (દિલ્હી અને મુંબઈને ધ્યાને લેતા) સુધીના અને ડીઝલના ૭૩થી ૭૭ રૃપિયા પ્રતિ લિટર સુધી પહોંચેલા હોય ત્યારે આરટીઆઈમાં મળેલા એક જવાબ અનુસાર એટલું સ્પષ્ટ થયું છે કે ભારત સરકાર ૧૫  દેશોને પેટ્રોલ માત્ર રૃપિયા ૩૪ પ્રતિ લિટર અને ૨૯ દેશોને ડીઝલ માત્ર ૩૭ રૃપિયા પ્રતિ લિટરના દરે વેચી રહી છે. આ દેશોમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પણ સામેલ છે. સરકારનું આવું વલણ એ આપણી એક જૂની કહેવતની યાદ અપાવે છે કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો!

આ સિવાય પેટ્રોલ-ડીઝલ પર જે ટેક્સનું સ્ટ્રક્ચર છે તે કેવું છે તે સમજીએ. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર જે એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે તે ઉપરાંત રાજ્યો પણ તેના પર વેટ ઉઘરાવે છે. આ વેટને જીએસટીમાં શા માટે દાખલ નથી કરાતો, તેનો જવાબ સરકાર આપી શકતી નથી. પક્ષીય રાજકારણથી પ્રેરિત વિવાદ સર્વ પક્ષે ઉગ્ર છે ત્યારે ઉદાહરણો પર નજર કરવી હોય તો ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતો વેટ ક્રમશઃ ઉત્તર પ્રદેશમાં ૨૬.૯૦% અને ૧૬.૮૪%, છત્તીસગઢમાં ૨૬.૮૭% અને ૨૫.૭૪%, ગુજરાતમાં ૨૫.૪૫% અને ૨૫.૫૫%, મહારાષ્ટ્રમાં ૩૯.૧૨% અને ૨૪.૭૮%, રાજસ્થાનમાં હમણાં જ ૪%નો ઘટાડો કર્યા પછી ૨૬.૮૦% અને ૨૦.૦૯%, મધ્યપ્રદેશમાં ૩૫.૭૮% અને ૨૩.૨૨%, ઝારખંડમાં ૨૫.૭૨% અને ૨૩.૨૧% તથા આસામમાં ૩૦.૯૦% અને ૨૨.૭૯% છે. આજ રીતે કોંગ્રેસ તથા અન્ય પક્ષો શાસિત રાજ્યોમાં કેટલાંક ઉદાહરણો પર નજર કરીએ તો આંધ્રપ્રદેશમાં ૩૫.૭૭% અને ૨૮.૦૮%, પંજાબમાં ૩૫.૧૨% અને ૧૬.૭૪%, કેરળમાં ૩૦.૩૭% અને ૨૩.૮૧% અને પશ્ચિમ બંગાળમાં ૨૫.૨૫% અને ૧૭.૫૪% છે. આનો અર્થ એ છે કે પ્રજાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર એમ બંને દ્વારા વસૂલાતા ટેક્સના કારણે બેવડો માર પડે છે. પેટ્રોલ-ડીઝલ પર વસૂલાતા વેટને જીએસટીમાં આવરી લેવામાં આવે તો આ પરિસ્થિતિ ટાળી શકાય તેમ છે.

રસોઈ ગેસની વાત કરીએ તો નવી સરકાર આવી ત્યારે ૧૪.૦૨ કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસના એક સિલિન્ડરની કિંમત રૃપિયા ૪૧૪ હતી જે આજે રૃપિયા ૭૫૪ સુધી પહોંચી છે. એ જ રીતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત રૃપિયા ૪૧૨ હતી તે વધીને આજે રૃપિયા ૪૯૬ પ્રતિ સિલિન્ડર થયેલી છે. સરકારી પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ કેરોસીનનો ભાવ રૃપિયા ૧૪.૯૬ પ્રતિ લિટર હતો, જે આજે રૃપિયા ૨૬.૬૧ પ્રતિ લિટર છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર ‘નફાખોર કંપની’ની માફક વહીવટ કરે છે અને પ્રજાની સમસ્યા પ્રત્યે જરાપણ સંવેદનશીલ નથી. વિચારવાનંુ એ છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કોઈ પણ સરકારને અપ્રિય બનવંુ કઈ રીતે પોસાય? શું કેન્દ્ર સરકારનો કોઈ લાંબાગાળાનો વ્યૂહ છે, જેમાં સરકારને નજીકના ભવિષ્યમાં જ કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રશ્નના ઉકેલ માટે અઢળક નાણાની જરૃર પડવાની શક્યતા હોય? આવું જો હોય તો, બની શકે કે સરકાર અત્યારે પોતાની પર ધોવાતાં માછલાં અને આક્ષેપોના પ્રહારને સહન કરતી રહે, પરંતુ દેશના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ઘડીએ સરકારની તિજોરીમાં ભરપૂર નાણા જો જમા થઈ ચૂક્યા હોય તો કટોકટીના સમયે જરૃરી નાણા માટે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે અને આવી પરિસ્થિતિના સર્જન માટે સરકાર ઘણી વહેલાસર સંકલ્પબદ્ધ બની ચૂકી હોય.

જે હોય તે, પેટ્રોલ-ડીઝલના ભાવોથી પ્રજા પરેશાન તો છે જ તેને કોઈ અવગણી શકે તેમ નથી. આમ છતાં આ પ્રશ્ન માત્ર સરકારની લોકનિષ્ઠાનો જ નહીં, પરંતુ કાર્યદક્ષતાનો પણ છે, તે પણ સમજવું રહ્યું.

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »