તમારા માટે, તમારી સાથે, સતત…

વિવેકાનંદે ત્યારે પણ ભારતનો આત્મા ઢંઢોળ્યો હતો, આજે પણ ઢંઢોળે છે…

'મને ગર્વ છે કે હું એ ધર્મમાંથી આવું છું જેણે દુનિયાને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ શીખવ્યો.'

0 88

સંપાદકીય

વિવેકાનંદે ત્યારે પણ ભારતનો આત્મા ઢંઢોળ્યો હતો, આજે પણ ઢંઢોળે છે…

દેશના સદાકાળ અવિસ્મરણીય મહાપુરુષો પૈકીના એક એવા સ્વામી વિવેકાનંદનાં જીવનનાં મહત્ત્વનાં પાસાંઓ સાથે ગુજરાતની મૂલ્યવાન યાદો જોડાયેલી છે. તે આપણે આ અંકમાં જોઈશું.

Related Posts
1 of 144

સ્વામી વિવેકાનંદે આખી દુનિયાને ઘેલું લગાડ્યું કેમ કે, ઈશ્વર વિશેના યહૂદીવાદ અને ઈસાઈવાદના આદિ થઈ ગયેલા દુનિયાના લોકો માટે તેમનો યોગ અને ધ્યાનનો વિચાર નવો અને રોમાંચક હતો. એમણે દુનિયાને આ કંગાળ પરંતુ પ્રાચીનતમ દેશમાં કુતૂહલ જગાવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ વાન્ડરિંગ મોન્ક, ભિક્ષાર્થી સાધુ હતા. તેમનું પરિભ્રમણ હિન્દુસ્તાનની સુપ્ત ચેતનાને જગાવવા કાજે હતું. એ કાળે પણ એમનું ચરિત્ર દેશને પ્રેરણા પૂરું પાડતું હતું, દોઢસો વર્ષ પછી, આજે પણ આ દેશના લાખો યુવાનોને એમના વિચારો આકર્ષે છે. કાળ એમનો કરિશ્મા ઓછો નથી કરી શક્યું.
આજે હિન્દુસ્તાનની પ્રજા ધાર્મિક અભિવ્યક્તિને લઈને સંકીર્ણ બની છે ત્યારે વિવેકાનંદ શિકાગોમાં દુનિયાભરના ધાર્મિક વડાઓ વચ્ચે કહે છે કે, ‘મને ગર્વ છે કે હું એ ધર્મમાંથી આવું છું જેણે દુનિયાને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ શીખવ્યો.’

એમનું સમગ્ર જીવન તપાસો તો ખ્યાલ આવશે કે એમના અસ્તિત્વના દરેક અંશમાંથી દેશપ્રેમનો પોકાર સંભળાતો હતો. એટલે જ શિકાગોની એ ધર્મ પરિષદમાં ગુલામ દેશનો આ પ્રતિનિધિ છાતી ફૂલાવીને કહે છે કે, મને ગર્વ છે કે હું એ દેશનો છું જ્યાં બધા ધર્મો અને બધા દેશોએ સતાવેલા લોકોને પોતાની ગોદમાં શરણ આપ્યું છે.

વિવેકાનંદના પ્રસિદ્ધ બે કથન ‘મને સો નચિકેતા આપો, હું દુનિયાની સિકલ બદલી નાખીશ’ અને ‘ગીતા વાંચવા કરતાં ફૂટબોલ રમીને તમે સ્વર્ગની વધુ નજીક જઈ શકશો’ વચ્ચેથી તેમનો ઉપદેશ વહે છે. આ બે કાંઠે વહેતા વિવેકાનંદના કારણે આજે લાખો બાળકો, યુવાનો વિવેકાનંદમાં પોતાના શિક્ષક, ગુરુ જુએ છે.
વિવેકાનંદના અસ્તિત્વનો લય થયે સદીના વહાણા વાઈ ગયા છે. બધું બદલાઈ ગયું છે. એ કાળે જે હતું તે આજે નથી, આજે જે છે તે તે કાળે નહોતું. એક વસ્તુ વિવેકાનંદ ઇચ્છતા હતા તે આજે પણ નથી થઈ શકી. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક કટ્ટરવાદીઓએ આ ખૂબસૂરત ધરતીને જકડી રાખી છે, ઘણી સભ્યતાઓ તબાહ કરી છે, ઘણા દેશોને ખાખ કર્યા છે. આ ખોફનાક રાક્ષસ ન હોત તો માનવ સમાજ ઘણો વધુ ઉજળો હોત. હવે આ કટ્ટરતાનો વિનાશ થવો જોઈએ. પછી તે તલવારથી થાય કે કલમથી…
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »