તમારા માટે, તમારી સાથે, સતત…

મણિલાલને તેમની વિદ્વત્તાને પ્રણામ કરું છું – સ્વામીજી

ગુજરાતના સાક્ષરવર્ય મણિલાલ દ્વિવેદી સાથેના વિવેકાનંદજીના સંસ્મરણો

0 55
  • કવર સ્ટોરી – હરીશ દ્વિવેદી

ગુજરાતના સાક્ષરવર્ય મણિલાલ દ્વિવેદી સાથેના વિવેકાનંદજીના સંસ્મરણો

‘ટાઇમ મશીન’ની સંકલ્પના વિશે આપણે સહુ જાણીએ છીએ. ભૂતકાળમાં બનેલી ઘટનાને વર્તમાનના સંદર્ભમાં જોવાની અને માણવાની અનોખી રીત એટલે ‘ટાઈમ મશીન’.  તો ચાલો આજે એ ‘ટાઇમ મશીન’ની મુલાકાતે જઈએ. એમાં આજથી બરાબર ૧૨૫ વર્ષ પહેલાંના સમયમાં આપણે પહોંચી ગયા છીએ. ઈ.સ. ૧૮૯૩ની એ સાલ છે. ૧૧મી સપ્ટેમ્બર અને સોમવારનો એ યાદગાર દિવસ છે. દુનિયાની પ્રથમ વિશ્વધર્મ પરિષદનું સ્થળ છે અમેરિકાનું શિકાગો શહેર. આ વિશ્વ ધર્મ પરિષદના ઉદ્ઘાટનના દિવસે લગભગ પાંચેક હજાર જેટલી વ્યક્તિ બેસી શકે તેવા એ ભવ્ય સભાખંડનું નામ છે ‘કોલંબસ સભાગૃહ’.

સવારના ૧૦ વાગ્યાના નિશ્ચિત સમયે આખો હૉલ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો છે. વિશ્વના મુખ્ય ૧૦ ધર્માેના પ્રતિનિધિઓ, વક્તાઓ અને આયોજકો બે બે વ્યક્તિઓની હરોળમાં સભાગૃહની વચ્ચેથી પસાર થઈ સુશોભિત મંચ ઉપર જઈ રહ્યા છે. વિશાળ સભાખંડમાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા તાળીઓના કરતલ ધ્વનિથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વિવિધ ધર્માેના આ પ્રતિનિધિઓ પોતપોતાના દેશની પારંપરિક વેશભૂષામાં શોભી રહ્યા છે. આ બધાની વચ્ચે લાંબા કોટ ઉપર કેસરી-ભગવા રંગનું ઉપવસ્ત્ર અને માથા ઉપર રાજસ્થાની સાફો બાંધેલા સ્વામી વિવેકાનંદ સૌથી અલગ પ્રભાવ પાડી રહ્યા છે. તેમની સાથે ગુજરાતના વીરચંદ ગાંધી પણ ચાલી રહ્યા છે. મંચ ઉપર આ વિદ્વાનોએ સ્થાન ગ્રહણ કર્યા બાદ મંગલમય પ્રાર્થના સાથે વિશ્વધર્મ પરિષદનો શુભારંભ થઈ રહ્યો છે.

આ વિશ્વધર્મ પરિષદમાં આર્થિક તથા સામાજિક કારણોને લીધે વ્યક્તિગત રૃપે સદેહે હાજર રહી ન શકનાર મારા પરમ પૂજ્ય પ્રપિતામહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગુજરાતના એક ગણમાન્ય વિદ્વાન હતા. તેઓ અદ્વૈતના ઉપાસક અને પ્રખર વેદાંતી હતા. પોતે હાજર રહી શકવાના ન હોવાથી તેમણે મોકલાવેલ આલેખ તેમની ગેરહાજરીમાં એક અન્ય વિદ્વાન દ્વારા વિશ્વધર્મ પરિષદમાં વાંચવામાં આવ્યો હતો. જેને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો અને ખુદ સ્વામીજી પણ તેમની વિદ્વત્તાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

Related Posts
1 of 121

સ્વામી વિવેકાનંદજી ભારતના પરિભ્રમણ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોના યાત્રા પ્રવાસે આવ્યા હતા. પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, પાલિતાણા, રાજકોટ, અમદાવાદ થઈને વડોદરા જતા પહેલાં જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસના આગ્રહથી તેઓ નડિયાદ મુકામે તેમની વિશાળ હવેલીમાં રોકાયા હતા. નડિયાદ એટલે સાક્ષરોની નગરી. નડિયાદમાં સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત બીજા સાક્ષરોને પણ તેઓ મળ્યા હતા, પરંતુ સ્વામીજી વિશેષરૃપે ભારતીય દર્શન અને વેદાંતના પ્રકાંડ પંડિત મણિલાલ દ્વિવેદીને મળવા ઇચ્છતા હતા. ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ અને મણિલાલ દ્વિવેદી ઉપર પીએચ.ડી. કરી તેમને પોતાની આરાધ્યમૂર્તિ માનનાર સદ્ગત ડૉ. ધીરુભાઈ ઠાકર સાહેબે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મ.ન. દ્વિવેદી સાહિત્યશ્રેણીના આઠ દળદાર ગ્રંથોમાં તેમના સમગ્ર સાહિત્યનું સુંદર સંપાદન કર્યું છે.

તેમના દ્વારા લિખિત મણિલાલના જીવન અને કવન વિષયક એક નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’માં બે મહાન વિભૂતિ- સ્વામી વિવેકાનંદ અને મણિલાલ દ્વિવેદીની મુલાકાતનું હૃદયંગમ દૃશ્ય તેમણે ઊભું કર્યું છે, જે આ પ્રમાણે છે ઃ

નડિયાદ મુકામે સ્વામી વિવેકાનંદ અને મણિલાલ એકબીજાને પ્રથમ વાર મળી રહ્યા છે. પોતાનો આત્મ પરિચય આપતા મણિલાલ સ્વામીજીનાં ચરણોમાં પ્રણામ કરે છે ત્યારે તેમને બે હાથથી પકડી લઈ સ્વામીજી તેમને રોકે છે અને સ્વામીજી પોતે મણિલાલને પ્રણામ કરવા નીચે નમે છે ત્યારે તેમને સંબોધીને મણિલાલ કહે છે, ‘સ્વામીજી તમે આ ઉચિત નથી કરી રહ્યા, કારણ કે હું તો એક સામાન્ય ગૃહસ્થી છું અને આપ પરમજ્ઞાની સંન્યાસી છો.’ તેનો પ્રત્યુત્તર આપતા સ્વામીજી કહે છે, ‘મણિલાલ તમારી વાત સાચી છે, પરંતુ હું મારી સામે ઊભેલ મણિલાલને એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ તેની વિદ્વત્તાને પ્રણામ કરું છું.’ ત્યાર બાદ આ બે મહાન વિભૂતિઓની વચ્ચે જે વાતચીત કે ચર્ચા-વિચારણા થયા હશે તેનો કોઈ જ રેકોર્ડ આપણી પાસે નથી, પરંતુ નડિયાદમાં મણિલાલ સાથેની આ મુલાકાતનો ઉલ્લેખ કરતાં સ્વામીજીએ પોતાના એક પત્રમાં લખ્યું છે – I met Prof. Manilal Nabhubhai Dwivedi at Nadiyad. He is a great scholar of Indian Philosophy & Sanskrit Language. I enjoyed his company. Thanks.

અર્થાત્ સ્વામી વિવેકાનંદ નડિયાદ મુકામે ભારતીય દર્શન અને સંસ્કૃતના વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળ્યા હતા અને તેમની સાથે સુંદર સમય વિતાવ્યો હતો.

વિશ્વ ધર્મ સંસદ માટે મણિલાલ દ્વિવેદીએ લખી આપેલા નિબંધ વિશે સ્વયં વિવેકાનંદજીએ નોંધ્યું છે કે-
‘કહેવું જ પડશે કે ઘણા બધા ભાવ અત્યંત ઓછા શબ્દોમાં વ્યક્ત કરવા એ એક વિશેષ કળા છે. ત્યાં સુધી કે મણિલાલ દ્વિવેદીના પ્રબંધમાં પણ કાપકૂપ કરવી પડી હતી. લગભગ એક હજારથી પણ વધુ પેપર વાંચવામાં આવ્યા, પરંતુ એ લોકોના લેખ સાંભળવાનો સમય ન હતો. અન્યાન્ય વક્તાઓને સામાન્ય રીતે અડધા કલાકનો સમય અપાયો હતો, તેની સરખામણીમાં મને ઘણો વધારે સમય આપવામાં આવ્યો હતો. કેમ કે શ્રોતાઓને રોકી રાખવા માટે લોકપ્રિય વક્તાઓને સૌથી છેલ્લે રાખવામાં આવતા હતા. આમ પણ મારા પ્રત્યે એ લોકોને સહાનુભૂતિ હતી અને એ લોકોના ધૈર્યને પણ દાદ દેવી પડે. સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી બેસી રહેતા હતા. વચ્ચે માત્ર ભોજન માટે અડધા કલાકની છુટ્ટી રહેતી હતી.’.
——————

 

Leave A Reply

Your email address will not be published.

Translate »