શિકાગો ધર્મ પરિષદની માહિતી વિવેકાનંદને સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં મળી
ગુજરાતની મુલાકાત તેમના ભારત પરિભ્રમણમાં એક મહત્ત્વનો હિસ્સો બની ગયો
- કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની
માત્ર ૩૯ વર્ષ ૫ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવનાર સ્વામી વિવેકાનંદજીના પિતા વિશ્વનાથ દત્ત એક વકીલ હતા. મહાદેવ વીરેશ્વરનીકૃપાથી પુત્ર પ્રાપ્ત થતા માતાએ બાળકનું નામ શરૃઆતમાં વીરેશ્વર રાખ્યંુ હતું, પણ પછીથી નરેન્દ્રનાથ રાખવામાં આવ્યંુ હતું. ૧૮૮૧માં તેઓ પહેલી વખત રામકૃષ્ણ પરમહંસને મળ્યા હતા અને તેમનું જીવન આખંુ બદલાઈ ગયું. સ્વામીજીએ ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેનંુ બેલુર મઠ(પશ્ચિમ બંગાળ) હેડ ક્વાર્ટર છે.
સ્વામી વિવેકાનંદજીએ વારાણસીથી ભારત પરિભ્રમણની શરૃઆત કરી હતી. જુલાઈ ૧૮૯૦થી ૧૮૯૩ દરમિયાન ભારત પરિભ્રમણ કર્યું ત્યારે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં તેઓ સૌથી વધુ સમય રોકાયા હતા. સ્વામીજીએ નવેમ્બર ૧૮૯૧થી એપ્રિલ ૧૮૯૨ સુધી ગુજરાત – સૌરાષ્ટ્રમાં વિચરણ કર્યું હોવાનો ઉલ્લેખ સ્વામીજીના જીવન પર લખાયેલાં પુસ્તકો અને લેખોમાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, કચ્છ, પાલિતાણા, પોરબંદર, જૂનાગઢ અને ભુજ સહિત અનેક શહેરોની મુલાકાત લીધી હતી. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સ્વામીજી એ વખતના રાજવીઓ, દીવાન અને સમાજના શ્રેષ્ઠીઓને મળ્યા હતા. સ્વામીજીને સૌથી વધુ સહયોગ સૌરાષ્ટ્રના એ સમયના રાજવીઓ લીમડીના યશવંતસિંહજી, ભાવનગરના મહારાજા તખ્તસિંહજી, કચ્છના રાજવી ખેંગારજી ત્રીજા, પોરબંદરના મહારાણા સહિતના રાજવીઓ અને જુદા જુદા સ્ટેટના દીવાનોએ આપ્યો હતો.
બે દાયકા સુધી સ્વામીજીના જીવન પર અને ખાસ તો સ્વામીજીના ગુજરાત પરિભ્રમણ અંગે સંશોધન અને અભ્યાસ કરનાર રામકૃષ્ણ આશ્રમના રાજકોટના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજી કહે છે, ‘સ્વામી વિવેકાનંદજીએ ગુજરાતને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. ગુજરાતની મુલાકાત તેમના ભારત પરિભ્રમણમાં એક મહત્ત્વનો હિસ્સો બની ગયો હતો. એટલંુ જ નહીં, સ્વામીજીએ દુનિયામાં જ્યાં જ્યાં રોકાણ કર્યું ત્યાં પછીથી જે મેમોરિયલ બન્યા છે તેવા દુનિયામાં કુલ ૧૧ સ્થળો છે તેમાં ગુજરાતમાં જ ત્રણ છે. ગુજરાતમાં વડોદરા, લીમડી અને પોરબંદરમાં તેઓ જ્યાં રોકાયા હતા ત્યાં આજે મેમોરિયલ હાઉસ અને મિશનની શાખાઓ કાર્યરત છે. લીમડીમાં તો રાજવી પરિવારે સ્વામી રોકાયા હતા તે જગ્યા મિશનને સમર્પિત કરી દીધી હતી.’
રાજસ્થાનથી સ્વામી સીધા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં તેઓ ખાડિયામાં અમૃતલાલની પોળમાં લાલશંકરની હવેલીમાં રોકાયા હતા. અમદાવાદમાં તેઓ લાલશંકર પંડ્યાના મહેમાન બન્યા હતા. તેમના અમદાવાદના નિવાસ દરમિયાન તેમણે જૈન ધર્મનો અભ્યાસ કર્યો હતો. અમદાવાદથી તેઓ વઢવાણ થઈ લીમડી પહોંચ્યા હતા. લીમડીમાં ઠાકોર સાહેબ યશવંતસિંહજીએ સ્વામીજીનો તેમના મહેલમાં ઉમળકાભેર સત્કાર કર્યો હતોે. લીમડીના મહારાજા ઠાકોર યશવંતસિંહજી બ્રિટન અને અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા હોવાથી તેમણે જ સનાતન ધર્મના પ્રચાર માટે વિવેકાનંદજીને વિદેશ જવા સૂચન કર્યું હતંુ.
સૌરાષ્ટ્રમાં બીજી એક ગૌરવ રૃપ ઘટના એ ઘટી હતી કે ગુજરાત યાત્રા દરમિયાન સ્વામીજી જૂનાગઢ નજીકના જેતલસર જંક્શન પર ઊતર્યા ત્યારે ત્યાંના આસિ. સ્ટેશન માસ્તર હરગોવિંદ પંડ્યાએ સ્વામીજીને શિકાગોમાં ધર્મ પરિષદ મળવાની છે તેવી જાણકારી આપી હતી. વિદેશમાં વેદ, યોગ અને સનાતન ધર્મનો પ્રચાર કરવા જવાનું લીમડીના મહારાજાએ સૂચન કર્યું અને જેતલસરમાં શિકાગોની ધર્મસંસદની જાણકારી મળ્યા બાદ સ્વામીજીએ વિદેશ જવાનું મન બનાવી લીધું અને તેની તૈયારીમાં લાગી ગયા હતા. સ્વામીજી મોટા ભાગે પગપાળા યાત્રા કરતા હતા. સ્વામી વિવેકાનંદજીએ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું તેમાં સૌથી વધુ સમય તેમણે પોરબંદરમાં વિતાવ્યો હતો. સ્વામીજી પોરબંદરમાં ભોજેશ્વર બંગલામાં રોકાયા હતા. પોરબંદરમાં શંકર પંડિત સાથે તેમનો ગાઢ પરિચય થયો હતો.
પંડિત વેદશાસ્ત્રના અભ્યાસી હતા. વેદના અનુવાદમાં સ્વામીજી તેમને મદદ કરતા હતા. પશ્ચિમના દેશોમાં જઈ સનાતન ધર્મનો પ્રચાર કરવાનું વિચાર બીજ રોપાયા બાદ તેમણે ફ્રેંચ ભાષા અહીંથી શીખવાની શરૃઆત કરી હતી.
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસના સ્વામી મહેમાન બન્યા હતા. સ્વામી ગિરનારની ગુફાઓ જોવા પણ ગયા હતા. જૂનાગઢથી સ્વામી વિવેકાનંદજી કચ્છમાં ભુજ ગયા અને ભુજમાં તેઓ દીવાનના અતિથિ બન્યા હતા. દીવાને સ્વામીજીનો કચ્છના મહારાવ ખેંગારજી સાથે પરિચય કરાવ્યો હતો. સ્વામીજીની પ્રતિભાથી કચ્છના મહારાવ પ્રભાવિત થયા હતા. સ્વામી કચ્છથી ફરી જૂનાગઢ આવ્યા અને ત્યાંથી પ્રભાસ અને સોમનાથ ગયા હતા. સોમનાથના પ્રાચીન મંદિરમાં દર્શન કર્યા હતા અને ઇતિહાસ યાદ કર્યો હતો. કચ્છના મહારાવના આગ્રહભર્યા આમંત્રણથી તેઓ ફરી કચ્છ ભુજ ગયા હતા અને થોડો સમય રોકાયા હતા. કચ્છથી પરત ફરી સ્વામીજી ભાવનગર પાલિતાણા ગયા અને ત્યાંથી વડોદરા ગયા હતા. વડોદરામાં સ્વામીજી દીવાન બહાદુર મણિભાઈના મહેમાન બન્યા હતા અને ત્યાં કેટલોક સમય રોકાયા હતા.
————-