તમારા માટે, તમારી સાથે, સતત…

જુગાર અને વાંસળી વચ્ચે સીધો કૃષ્ણ છે

મથુરા નગરીમાં જૂગટું રમતાં નાગનું શીશ હું હારીઓ

0 813

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ટેબલ પાડો ‘ને બૂંદ ઉઠાડો, કૃષ્ણને કશો ફરક નથી પડતો
જુગારના દુર્યોધની કર્મનો તોડ વરસો વરસ નથી મળતો

મથુરા નગરીમાં જૂગટંુ રમતાં નાગનું શીશ હું હારીઓ… સાંભળ્યું છે? નરસિંહ તેના નાથના મુખમાં શબ્દ મૂકે છે- નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો. કૃષ્ણ કહે છે મને ભાન છે કે હું કયા રસ્તા પર ચાલી રહ્યો છું. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ- નાગણની સવા લાખના હાર પ્લસ દોરીઓની ઑફર કૃષ્ણ ઠુકરાવે છે કે મારે એ બધાંનું શું કામ? કૃષ્ણની લીલામાં મદહોશ હોય તેવા ભક્ત સિવાયના મનુષ્યને આ સવાલ થોડો ગેરવાજબી લાગી શકે. તત્ત્વજ્ઞાન ‘ને તર્કશાસ્ત્રના શોખીનોને કૃષ્ણ પ્રત્યે નકારાત્મક ગ્રંથિ ના હોય તો રોમાંચ થાય કે આ તે કેવો જુગારી જે નાગનું શીશ હાર્યા પછી તેના પર કબજો કરવા આવે છે. વાત મથુરાની છે. વાત કંસના રાજ્યની છે. છતાં વાત અકંસીઓના મનોરંજનની નથી. પૈસાનો એક માત્ર સંદર્ભ આવે છે છતાં વાત પૈસાની રમત કરવાની નથી. આ બાજુ નાગણ પૈસાથી પતાવટ કરવા ઇચ્છે છે જેથી નાગની ઊંઘમાં ખલેલ ના પડે. પેલી બાજુ લક્ષ્મી જેની તાકાત છે તે વિષ્ણુ તત્ત્વ કહે છે કે હું રમું છું તે જૂગટું પૈસા માટેનું નથી. મારી સુરક્ષા, મજા કે શાંતિ માટેનું નથી. સહસ્ત્ર ફેણાં ફૂંફવે એવા સર્વોચ્ચ ચક્ર પર ચઢીને નૃત્ય કરવા કૃષ્ણને મોટા થવાની જરૃર નથી. સુદર્શન ચક્ર ક્યાંક દૂર છે. વેણુ હાથમાં છે. એ ગોકુળનો ગોવાળ છે. એ વૃંદાવનનો નટવર કહાનડો છે.

પણ, આપણને કલિનાથમાં નહીં, કેસિનોનાથમાં રસ. રાધારમણ નહીં લક્ષ્મીનારાયણ. ગોકુળ ‘ને વૃંદાવનનું જે થવું હોય તે થાય આપણને કંસની મથુરામાં રસ. ‘મથુરા’ની જેલ શક્ય એટલી વધુ સુંદર ‘નેેે ભવ્ય બનવી જોઈએ. આખરે આપણે લોકો છીએ, મનુષ્ય છીએ અને જુગાર તો પ્રાચીન રમત. હાલના ઈરાનમાં જડી આવેલા ઈસુ પૂર્વે ૨૫૦૦-૨૮૦૦ વર્ષ જૂના પાસા વિશ્વમાં જાણીતા છે. હાથીદાંતના પાસા પછી શરૃ થયેલા, એ પહેલાં માટીના બનતા. ‘ને એથી પહેલાં હાડકાંમાંથી. આદિવાસી કહો કે આદિમ સંસ્કૃતિમાં શમન કે મિસ્ટિક પ્રકારના લોકો મૂળે કુદરતની ઇચ્છા જાણવા કે સંમતિ હોય તે તરફ પછીનું કાર્ય કરવા પાસા વાપરતા. મણકા જેવા પાસા સિવાય થોડા ચપ્પટ હાડકાં કે લાકડાંના પાસા પણ એ માટે વપરાતા. ચીનમાં ‘ઇ ચીંગ’ નામક ભવિષ્ય સમજવા માટેનું આખું શાસ્ત્ર વિકસેલું જેમાં ત્યાંના બારમાસી પ્રકારના છોડની પચાસ ડાળખીઓ ઉછાળવા વપરાતી. આજના ઘણા તિબેટિયન લોટના દડામાં ચિઠ્ઠીઓ રાખી રોલ કરે છે. આફ્રિકાના અમુક આદિવાસી હકાટા ‘ને ગ્રીક લોકો એસ્ટ્રાગલી યુઝ કરતા જેમાં ઘૂંટીનું હાડકું વપરાતું. ધીરે-ધીરે દિવ્ય ન્યાય જાણવા ભાગ્ય સૂચક તરીકે વપરાતાં પાસા સામાન્ય લોકોના હાથમાં જઈને તેમને જુગાર તરફ દોરી ગયા. એક સમયે શિકાર કરવા કઈ દિશામાં જવું તે જાણવામાં આવતું ‘ને પછી સંપીને સાથે ખવાતું તે માંસ સમય જતાં કેવી રીતે વહેંચીશું જાણીને મારું-તારું કરવા માટે પાસા વપરાવા લાગ્યા. સંસ્કૃતમાં ડાઇસ એટલે પાશ. બાંધવા માટેનું કે દેવ-દેવીઓ રાખે છે તેમ દૂરથી જીવંતતા આંચકી લેવા માટેના હથિયાર રૃપી દોરડું.

તજજ્ઞો માને છે કે પાસાની શોધ કોઈ એક સ્થાને થઈ હોય ‘ને પછી એ રમત બીજે પહોંચી હોય તેવું નથી. તેમ છતાં આપણે જે એવું માનીએ છીએ કે બધું મૂળે આપણે ત્યાં જ શોધાયેલું તેનું શું? જી. ઋગ્વેદ જે સૌથી જૂનો વેદ છે તેમાં એક ઓછું જાણીતું કાવ્ય છે- જુગારીનો વિલાપ. દસમ મંડળ, ચોત્રીસમી ઋચા. જેના પ્રારંભમાં લખ્યું છે- જ્યાં પવન પહોંચી શકે તેવા ઊંચા વૃક્ષ પર પ્રગટ થતાં આ ગોળા પીઠિકા પર ફરે છે ‘ને હું વહન પામું છું. સંજીવન આપતી વિભિદક મને મુજવંતના સોમરસના ઘૂંટ જેવી પ્રસન્નતા અર્પે છે. વિભિદક એટલે બહેડાના ફળમાંથી બનેલ ડાઇસ. બહેડાનું વૃક્ષ વિશાળ વા ઉત્તુંગ હોય. મુજવંત નામનો પર્વત હિન્દકુશ પર્વતમાળામાં છે/હતો. કાવ્યની શરૃઆત સ્વાભાવિક રીતે રંગીન છે, પણ આગળ જતાં પ્રલાપ સ્પષ્ટ થાય છે.

ખેલી જુગારખાનું શોધે છે તથા તેનો સમસ્ત દેહ સળગતો હોય છે ‘ને તે વિચારોમાં ભટકે છે કે શું હું ભાગ્યવાન હોઈશ? અને પાસા તેની અભિલાષાથી વિપરીત પડે છે, તેના પ્રતિદ્વંદ્વીને ઉત્તમ ફળ આપતાં. સાતમી કડી જાહેર કરે છે- પાસા સાચેસાચ ખિલ્લા ‘ને આંકડીઓના શસ્ત્રોથી સજ્જ હોય છે, છેતરતાં ‘ને અત્યાચાર કરતાં, તીવ્ર પીડા આપતા. તે પુત્ર જેવી ભેટ અર્પે છે ‘ને પાછી આંચકીને વિજેતાને આપી દે છે, તે જાદુઈ શક્તિથી જુગારીને મધ સમાન મીઠા લાગે છે. મધ સાથે મધુકૈતવ રાક્ષસ યાદ આવ્યો. કૈતવ એટલે જુગાર.

જુગારીનું ક્રંદન આગળ કહે છે કે પાસા અતિશક્તિશાળી રાજાના ક્રોધ સામે પણ નમતા નથી, રાજા સ્વયં તેમના પ્રત્યે વફાદારીનો વિધિપૂર્વક જાહેર એકરાર કરે છે. ઋગ્વેદ પાસાને ઠંડા જાદુઈ કોલસા કહે છે. દસમી વર્સ કહે છે કે જુઆરીની પત્ની નિરાધાર ‘ને બિચારી હોય છે, માતા પુત્રના શોકમાં બેઘર. આગળ જુગાર અંગેના દેવ સાવિત્ર ખૂબ મહત્ત્વની વાત કરે છે- જુગાર ના રમવું. ખેતી કરવી. મળે તેનો હર્ષ કરવો ‘ને તેને પૂરતી સંપત્તિ માનવી. તારી પાસે માલઢોર છે, પત્ની છે. છેલ્લે જુગારી દેવને કગરે છે કે મને તમારો મિત્ર બનાવો, દયા દાખવો. બળપૂર્વક જાદુથી અમને મુગ્ધ ના કરશો.

પાણિનિના ગ્રંથોમાં ગોળાકાર અક્ષ ‘ને રેખાકાર શલાકાનો ઉલ્લેખ છે. અક્ષક્રીડા કે શલાકાક્રીડા એટલે ગેમ્બલિંગ. પતંજલિ જેવા યોગશાસ્ત્રીઓ જુગારી માટે અક્ષધૂર્ત શબ્દ વાપરતાં. અગ્નિપુરાણમાં પણ જુગાર અંગેની વાતો છે. મનુ ‘ને અન્ય સ્મૃતિમાં જુગાર અંગે નિયમો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સક્ષમ રાજકારણ તેમ જ અર્થકારણ માટે જુગાર અંગેના કાયદા લખ્યા છે. તેમાં જુગારની લતને કારણે ધનના નાશ સિવાય કર્મ બરાબર ના કરી શકવાની ચેતવણી છે. દુષ્ટનો સંગ થાય. ક્રોધ ‘ને સંતાપ પામો. સ્નાનાદિ ક્રિયા પ્રત્યે અનાદર, વ્યાયામમાં અડચણ ‘ને મળ-મૂત્ર રોકવાને કારણે રોગ થાય એવી પણ વાત કરી છે. શુદ્રકના નાટક ‘મૃચ્છકટિકમ’માં એક જુગારી આસપાસ કથા છે. તેમાં એક શ્લોક છે- મેં જુગારથી ધન પ્રાપ્ત કર્યું, મિત્ર તથા પત્ની પણ જુગાર થકી જ મળ્યાં, જુગારના ધનથી જ દાન આપ્યું તેમ જ ભોજન કર્યું અને જુગારમાં જ બધું ગુમાવી દીધું.

Related Posts
1 of 262

તો પછી કૃષ્ણને ચોપાટ રમવાનું બહુ ગમતું એવું જે ગંજીફાબાજો કહે છે તેનું શું? બીજું બધું તો ઠીક પણ એટલામાં સમજો કે પાંડવો સાથે કૃષ્ણ ક્યારે નહોતા? આધ્યાત્મિક કે યોગિક અર્થ જવા દો, પણ સ્થૂળ સ્વરૃપે જ્યારે કૃષ્ણ હાજર નહોતા ત્યારે પાંડવો જુગાર રમ્યા ‘ને અંતે શું થયું? કુરુક્ષેત્રના યુદ્ધની ગંભીરતા પીડ પોતાની જાણે તેવા કૃષ્ણવાદીઓએ ખાસ સમજવી જોઈએ. ખુદ કૃષ્ણ અર્જુનને કહે છે. દ્યૂતમ છલયતામસ્મિ. એટલે કપટ, દગો, ધોખાદડીના પ્રકારમાં હું જુગાર છું? ના. છલ એટલે માયા. માયામાં હું સર્વોચ્ચ યાને કે સૌથી નીચે પછાડતી માયા તરીકે હું જ છું. દ્યૂત શબ્દ અદ્ભુત છે. હું-તું ‘ને તારું-મારું કરાવે એ દ્વૈતની મહત્તમતા. દક્ષિણના મહાસંત થિરૃવલ્લરે કહેલું છે કે જુગાર માણસની કિસ્મત બરબાદ કરે છે, પ્રમાણિકતા ભ્રષ્ટ કરે છે, તે હૃદય કઠોર કરે છે ‘ને અંતહીન દુઃખ આપે છે. સ્વાભાવિક છે જે કૃષ્ણ કર્મના ફળના વિચાર માત્રથી મુક્ત રહેવાનું કહેતા હોય તે ફક્ત ફળ પર સતત ‘ને પૂર્ણ રીતે બાઝેલા રહેવાના કર્મ જુગારને ટેકો ના આપે.

અને શું કૃષ્ણએ જે કરેલું, એમને જે ગમતું હોય તેવું કરવું જોઈએ? ઓકે, ચાલો આપણે મર્યાદા  પુરુષોત્તમ રામ કરતાં એ નથી કરવું. શું આપણે ગાયને ચરાવવા જઈશું? શું રાજાના મહેલમાં મલ્ટિકોર્સ ભોજન છોડીને સામાન્ય ગૃહસ્થના ઘરે શાક-રોટી ખાવા ‘ને રહેવા જઈશું? અને પ્રેમના માર્યા કેળાની છાલ ખાઈશું? આપણા કરતાં ઘણા ઓછા પૈસા જેની પાસે હોય તેવો બાળગોઠિયો મળવા આવે તો તે પૌંઆ ખવડાવે ‘ને હું ખુશ થઈશ એવું માનીશું? એ દોસ્તને પોતાનું ઘર કે ઘરવખરી ભેટમાં આપીશું? અર્જુન જેવો પિતરાઈ, સખો ‘ને શિષ્ય તો ના મળે એટલે ગીતાજ્ઞાન કદાચ આપણે ના આપી શકીએ, પણ જે કોઈ મિત્ર હોય તેના દુઃખનાં વર્ષોમાં તેમને સાથ આપી અને શક્તિશાળીઓની નારાજગી વહોરીશું? અરે, બીજું બધું તો ઠીક, પરંતુ શું આપણે એક મોરનું પીંછું રોજ સવાર સાંજ કપાળે બાંધી શકીશું?

કબીર મોરપીંછનો મુકુટ પહેરતાં. ગુરુગ્રંથ સાહિબમાં સ્થાન પામેલી એમની આ પંક્તિઓ જુઓ- કહિ કબીર કિછુ ગુનુ બિચારી, ચલે જુઆરી દુઈ હાથ ઝારિ. કબીર કહે છે, કશું સારું કામ કરવાનો વિચાર કર, અંતે જુગારી બંને હાથ ખાલી કરીને વિદાય લે છે. ના, આવી અઘરી વાતો કરવાનું ના ફાવે. અને મોરનું પીંછું લાવવું ક્યાંથી? મોરમાં જીવ છે, સરસ્વતીનું વાહન છે. પર્યાવરણ પ્રત્યે પણ આપણી કોઈ ફરજ બને કે નહીં? સારું તો એ રહેવા દો. કૃષ્ણને બીજું શું ગમતું? માખણ. શુદ્ધ, તાજું ‘ને દેશી. ગાયના દૂધનું. બાકી વ્રજ વિસ્તારનું ના હોય તોય ચાલે. શું એકાદ નાની માટલી ભરીને માખણ રોજ ખાઈ શકાય? હાંક… છી! એય જવા દો, પાછું ફેટ ‘ને કોલેસ્ટ્રોલ ‘ને શરદી ‘ને કંઈક કંઈક થાય. યસ, હજુ એક ચીજ છે જે કૃષ્ણને ગમતી. વેણુ વગાડતો…. વેણુ વગાડતો શ્યામ.

જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે કૃષ્ણ એવું તે કેવું સંગીત રેલાવતા હતા કે ચૈતન્યચરિતામૃતમાં ગોપીઓ પૂછે છે, ત્રણેય લોકમાં એવી કોઈ સ્ત્રી છે ખરી જે એમની અદ્ભુત વાંસળીના મધુર ગાનથી મોહિત ના થતી હોય? તર્કના વ્યસની ‘ને અંધશ્રદ્ધાના બંધાણીઓએ પહેલાં તો એ સ્વીકારવું પડે કે એ સંગીત સાંભળ્યા વગર નિર્ણય ના લઈ શકાય. નવાબ વાજીદ અલી જેમનું સંગીત સાંભળવા પોતે ગોપી સ્વરૃપ થવાની કોશિશ કરતા એ સંગીત કયું? પુન્નાગવરલી કે શિવરંજની રાગ એ વખતે હતા એવું હજુ સુધી જાણી શકાયું નથી. ભવિષ્યમાં કૃષ્ણની જેમ એક તીર્થંકર થનારા રાવણ વીણા પર શું સર્જતા હતા એ પણ આપણને નથી ખબર. આપણને જોકે એ ખબર છે કે આપણે નથી કૃષ્ણ કે નથી રાવણ. અરે, આપણે તો મિસ્ટર નરસિંહ મહેતા પણ નથી કે કેદારો લલકારીએ.

ખેર, આપણે શ્રીકૃષ્ણના સંગીતની અસર જાણી શકીએ છીએ. જય તાનસેન ‘ને જય જય તાના-રીરી. ભારતીય સંગીત શૂન્યની શોધ આર્યભટ્ટે કરી એ પહેલાં ‘શોધાઈ’ ચૂક્યું હતું. વાંસળી જેવા કોઈ પણ યાંત્રિક પાર્ટ વગરના શુદ્ધ પ્રાકૃતિક વાદ્ય વિદ્યમાન હતાં. અરે, ભસ્ત્રાવેણુ નામની બેગ-પાઇપ પણ હતી. વાંસળી કે બંસી નહીં, કૃષ્ણ જે બજાવતા એ વંશી પ્રકારની ફ્લૂટ હતી. નવ છિદ્ર. સામાન્યતઃ પંદરેક ઇંચ લાંબી હોય, કિન્તુ કૃષ્ણ મહાશય પાસે એથી લાંબી ‘મહાનંદા’ ઉર્ફે ‘સંમોહિની’ વંશી હતી. એથીય લાંબી ‘આકર્ષિણી’ ‘ને તેનાથી લાંબી ‘આનંદિની’ હોય છે. કૃષ્ણ એ સિવાય ચાર વત્તા એક કાણાવાળી અઢારેક ઇંચની મુરલી રાખતા. એ ગોપ હતા ત્યારે ૬ ઇંચથી નાની ૬ વેધવાળી ‘વેણુ’ કામમાં લેતા. ગોવર્ધન ટચલી આંગળીએ ઊંચકનાર કૃષ્ણ વાંસળી બે હાથથી કેમ ઊંચકે છે એવા ભાવકજનના સવાલ બાજુમાં રાખો. ‘ને એ સોચો કે અત્યાર સુધીમાં તમોએ જે ચિત્ર એવં મૂર્તિ જોયા તેમાં કૃષ્ણની આ નિશ્ચિત વાંસળીઓ પર ધ્યાન આપ્યું છે? શું ચિત્રકારે કે શિલ્પકારે આ વાત ધ્યાનમાં લીધી છે? સૌને ખબર છે કે પત્તાનું ચિત્ર, સિક્કાનું શિલ્પ ‘ને મોઢામાંથી નીકળેલું વચન જુગારમાં કેટલું કિંમતવાન હોય છે.

અમર્યાદ પુરુષોત્તમ કહેવાતા એવા કૃષ્ણ મનુષ્યના રૃપમાં આઠ પ્રકારનું સંગીત રેલાવતા તેવું મનાય છે. એક, બ્રહ્મા-શિવને વિસ્મય અર્પવા. બે, યમુનાનું વહેણ બદલવા. ત્રણ, ચંદ્રનું સ્તંભન કરવા. ચાર, ગાયોને આકર્ષવા. પાંચ, ગોપીઓને કોલ આપવા. છ, શરદ ઋતુને બોલાવવા. સાત, સર્વે ઋતુને પોંખવા અને આઠમું નાદસંધાન ફક્ત રાધા માટે અબાધિત. હવે આ આઠ પ્રકાર આપણને આઠ પાશ કરતાં અઘરા લાગે. બલ્કે અશક્ય લાગે. તો કરવું શું? સિમ્પ્લી, આપણે તો કૃષ્ણની કોપી કરવી છે ‘ને એય ભક્ત તરીકે તો આપણે સામાન્ય પાવો વગાડી શકીએ. કોઈ જાણકાર પાસે ના શીખી શકીએ તો ઇન્ટરનેટ પરથી શીખવા પ્રયત્ન કરીએ અને એય ના સેટ થાય તો જેમ ફાવે તેમ વગાડી શકીએ. કેમ કે સહેલી ‘ને ટૂંકી વાત છે કે જુગાર અને વાંસળી વચ્ચે આડો સંબંધ નથી, સીધો કૃષ્ણ છે.

આપણે ભરતસિંહ પરમારની ૧૧ ફીટ ૧૧ ઇંચની ફ્લૂટ કે કેશવ ગીંડેની ૪૨ ઇંચની ફ્લૂટ નથી બજાવવાની. હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળીએ તે સારું જ છે, પણ કૃષ્ણ જાતે સંભળાવતા. જુગાર રમવા જાતે બેસી શકે એમણે વાંસળી જાતે જ વગાડવી જોઈએ. જુગાર શીખતા પણ સમય થયો હશે અને જે જુગાર બસ એમ જ ખાલી ખાલી કે પૈસા વગર રમતા હોય તેમના માટે તો વધારે સહેલું છે. વાંસળી બસ એમ જ ખાલી ખાલી વગાડવાની. ના, પૈસાથી રમતાં હોય તેમણે વાંસળી વગાડતા વગાડતા કોઈને પૈસા આપવા કે કોઈની પાસેથી પૈસા લેવા એવું નથી. બટમ, જસ્ટ સોચો કે સાતમ-આઠમ પર બધાં ભેગાં થયા છે અને સર્વે જન વાંસળી વગાડે છે. કેમ નહીં? આપણે મનુષ્ય જ છીએ એટલે ફોટોઝ પોસ્ટ થાય ‘ને વીડિયો ઉતારીને અપલોડ કરી શકાય, લાઇવ પણ થઈ શકાય. વીડિયો વાયરલ થાય, બોસ વાયરલ. વૅલ, જો આમાનું કશું ના ફાવે તો? તો વાંસળી વેચવાવાળાથી લઈને પોતે રહેતા હોય ત્યાંના વાંસળી વગાડવાના જાણકારોનો કાર્યક્રમ રાખી શકાય. તમને શું લાગે છે એમાં તમને મજા નહીં આવે? શું કૃષ્ણને એવું કરશો તો નહીં ગમે?

 બુઝારો

ગુજરાતી કહેવત ઃ જુગારી હાથે વાંકડું, વાનર કોટે હાર, ઘેલી માથે બેડલું, છાજે કેટલી વાર?
અર્થ – જુગારીના હાથમાં ઘરેણું, વાનરના ગળામાં હાર અને ગાંડીના માથે બેડું કેટલી વાર રહેવાનાં?
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »