તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના…
તારી દોસ્તીનો નશો જ એવો છે દોસ્ત દુઃખ પણ દૂરથી જ ચાલ્યું જાય છે.
– હેતલ રાવ
‘બને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા..,’ દોસ્તી, ફ્રેન્ડશિપ કે મિત્રતા આ બંધનમાં જે બંધાઈ જાય તે જીવનભર દૂર થતા નથી. માટે જ કહેવાય છે કે મૃત્યુ પછી પણ જીવંત રહેતો એક સંબંધ છે તે છે દોસ્તી અને આ દોસ્તીને સદાય યાદગાર બનાવવા આજના યુવાનો એકબીજાને અનેરી ગિફટ આપતા થયા છે.
‘તારી દોસ્તીનો નશો જ એવો છે દોસ્ત દુઃખ પણ દૂરથી જ ચાલ્યું જાય છે.’ દોસ્તી વિશે ઘણુ બધું લખાયું છે. છતાં પણ કહેવાય છે કે દોસ્તીની વ્યાખ્યા આપવી સહેલી નથી. કોઈ એક શબ્દ તેના માટે બન્યો નથી અને આવી જ દોસ્તીને વધુ ખાસ બનાવવા આજના યુવાનો એકબીજાના નામના પેન્ડલ અને અંગૂઠી પહેરતા થયા છે. આજકાલ આ નવો જ ટ્રેન્ડ યુવાનમાં જોવા મળે છે. એકબીજાના નામનો પ્રથમ અક્ષરનું પેન્ડલ યુવાનો બનાવે છે. તો વળી એક જેવી રિંગ લઈને પણ દોસ્તો પહેરે છે. પહેલાં ફ્રેન્ડશિપ બેલ્ટથી દોસ્તીનો ખાસ દિવસ ઊજવતા યુવાનો હવે બેલ્ટની સાથે આ નવો ટ્રેન્ડ અપનાવ્યો છે.
આ વિશે વાત કરતા સ્વરા સાક્ષી કહે છે, ‘મિત્ર, દોસ્ત કે પછી બહેનપણી, સખી આ કોઈને પણ શબ્દોમાં બાંધી શકાતા નથી. મારી બેસ્ટ ફ્રેન્ડ આદીરા છે. અમે ચાઇલ્ડહુડ મિત્રો છીએ. સાથે જ મોટા થયા હોવાના કારણે એકબીજાની પસંદ, ના પસંદ બધું જ જાણીએ છીએ. થોડા સમય પહેલાં જ તેની સગાઈ થઈ. તે સમયે અમે નક્કી કર્યું કે સગાઈની રિંગ સાથે અમે બંને પણ એકબીજાને રિંગ ગિફ્ટ કરીશું. લગ્ન પછી તે લંડન જતી રહેશે. માટે એક અદ્ભુત યાદ સ્વરૃપે રિંગ કાયમ અમારી પાસે રહેશે. જે અમે હંમેશાં પહેરી રાખીશું. તેના ફિયાન્સને પણ આ વાત પસંદ આવી. દર વર્ષે અમે ફ્રેન્ડશિપ ડેના દિવસે એકબીજાને બેલ્ટ આપતા હતા, પણ આ વર્ષે આ રીતને થોડી બદલી કારણ કે મારી દોસ્ત મારાથી દૂર થઈ રહી છે. હવે અમે રિંગ દ્વારા હંમેશાં એકબીજાની સાથે રહીશું.
જ્યારે આગમન પટેલ કહે છે કે મારો જિગર જાન એટલે અક્ષેશ પરમાર. અમારી દોસ્તી શાળાકાળની છે ત્યારથી લઈને આજે કૉલેજ પૂર્ણ થવા આવી ત્યાં સુધી સાથે જ છીએ. ભવિષ્યમાં તે એબ્રોડ જવાનો છે. ત્યારે અમે અલગ થઈશું, પણ મનથી તો હંમેશાં સાથે જ રહીશું. બંનેએ સાથે મળીને નેકમાં પહેરવાનું પેન્ડલ બનાવ્યા છે જે કાયમ અમારી સાથે રહેશે. દોસ્તીમાં ફ્રેન્ડશિપ બેલ્ટ તો ઘણા બાંધ્યા હવે તો પેન્ડલ અને રિંગનો ટ્રેન્ડ છે.
————