તમારા માટે, તમારી સાથે, સતત…

પહેલીવાર સૂર્યને એકદમ નજીકથી સ્પર્શવાનું સાહસ

અત્યાધિક ઉચ્ચ તાપમાનનું રહસ્ય શોધી કાઢવાની પણ આશા છે.

0 137

સાયન્સ – નરેશ મકવાણા

પૃથ્વી પરના જીવન માટે જવાબદાર સૂર્ય આજની તારીખે વૈજ્ઞાનિકોની પહોંચથી દૂર રહ્યો છે. તેના અસહ્ય તાપમાનને કારણે એકેય અંતરિક્ષ યાન આજ દિન સુધી તેની એટલી નજીક નથી જઈ શક્યું કે જેથી આપણે તેના વિશે વધુ જાણી શકીએ, પણ હવે નાસા ઇતિહાસ બદલવા સજ્જ છે.

Related Posts
1 of 319

૧૧ ઑગસ્ટ, ૨૦૧૮ની સવારે અમેરિકાના ફ્લોરિડા શહેરના કેપ કૈનાવેરલ પાસે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પહેલી વખત સૌર મિશન પાર્ક સોલર પ્રોબ થકી સૂર્યની એકદમ નજીક જવાની કોશિશ કરશે. કાર જેવડા મોટા આ યાનને સંયુક્ત લોન્ચ એલાયન્સ ડેલ્ટા -૬ અંતરિક્ષ યાન લઈ જશે. મેરીલેન્ડમાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી એપ્લાઈડ ફિઝિક્સ લેબમાં પાર્કર સોલર પ્રોબની પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નિક્કી ફૉક્સ અને મેરીલેન્ડના નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરમાં હિલિઓફિઝિક્સ સાયન્સ ડિવિઝનમાં આસિસ્ટન્ટ નિર્દેશક રહેલા ઍલેક્સ યંગે પાર્કર સૌર પ્રોબનાં લક્ષ્યાંકો અને તેની બનાવટની ટૅક્નિક વિશે ચર્ચા કરી હતી. યંગે કહ્યું કે, અમે દાયકાઓથી સૂર્યનું અધ્યયન કરી રહ્યા છીએ અને હવે ફાઈનલી અમે ત્યાં જઈને સૂર્ય વિશે વધુ જાણકારી મેળવી શકીશું. સૂર્યની સપાટીના ૪૦ લાખ માઈલમાં ચક્કર લગાવીને યાન અમને તેની ગતિવિધિઓ વિશે નવી જાણકારી આપશે જે પૃથ્વી પરના જીવનને પ્રભાવિત કરનારી મુખ્ય અંતરિક્ષ અને મોસમી ઘટનાઓની આગાહી કરવાની અમારી ક્ષમતાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

હકીકતમાં શાંત અને સ્થિર દેખાતો સૂરજ વાસ્તવમાં ખૂબ જ ગતિશીલ અને ચુંબકીય રીતે સક્રિય ગ્રહ છે. તેનું વાતાવરણ નિયમિત રીતે ચુંબકીય વિકિરણ બહારના પર્યાવરણમાં ઉત્સર્જિત કરે છે. સૂર્યમાંથી નીકળતી ચુંબકીય ઊર્જા ઘણીવાર પ્રકાશથી ભરપૂર અસંખ્ય નાના-નાના કણોમાં વિસ્ફોટ સ્વરૃપે નીકળતી રહે છે. એ કણો અંતરિક્ષમાં વિખેરાઈ જાય છે અને ઘણીવાર પૃથ્વીના વાતાવરણમાં આંશિક અવરોધ ઊભો કરે છે. જેના કારણે રેડિયો અને કોમ્યુનિકેશન તરંગોમાં વિક્ષેપ પડે છે. આ ગૂંચવણને જ ઉકેલવાનો પ્રયત્ન એટલે પાર્કર સોલર પ્રોબ. ૧૯૫૮માં ભૌતિક વિજ્ઞાની યૂજીન પાર્કરે સૌર હવાના અસ્તિત્વ પર રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું હતું. મિશનનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું છે જે કોઈ જીવિત વ્યક્તિના નામ પર નાસાનું પહેલું મિશન છે.

સૂર્યને સ્પર્શવાનો આ પ્રયત્ન વૈજ્ઞાનિકોનાં ૬ દાયકાનાં સપનાંને પૂર્ણ કરશે. વૈજ્ઞાનિકોએ દિવસ-રાત મહેનત કરીને આ અંતરિક્ષ યાનની સિસ્ટમને અતિશય વિકિરણો અને સૂર્યની તીવ્ર ગરમીને સહન કરી શકવા માટે ડિઝાઇન કરી છે. સોલર શેડો કવચ યાનને સૂરજના રેડિએશન અને તાપથી બચાવશે જેની તીવ્રતા પૃથ્વીની કક્ષાથી અંદાજે ૫૨૦ ગણી વધુ છે. આ આવરણ૧૧.૪ સેમી. જાડું અને ૪.૫ ઇંચ લાંબું હોવાની સાથે અતિ મજબૂત કાર્બનના બેવડા મિશ્રણમાંથી બનેલું છે જે યાનની બહારના લગભગ ૧૩૭૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાનને સહન કરવાની ગણતરીએ ડિઝાઇન કરાયેલું છે. સૂર્યના વાતાવરણમાં સૌર હવા સુપરસોનિક ઝડપથી ચાલતી હોય છે. પાર્કર સોલર સીધું એ જ વિસ્તારમાં ઉડાન ભરશે. વૈજ્ઞાનિકો રિમોટ અને નકશાનો ઉપયોગ કરીને તેના વિશે જાણકારી મેળવવા પ્રયત્ન કરશે. સાથે જ તેમને ત્યાંના અત્યાધિક ઉચ્ચ તાપમાનનું રહસ્ય શોધી કાઢવાની પણ આશા છે. ઉલ્લેખનીય છે કે, આ યાન સૂર્યની સપાટીની ૮.૮૬ સોલર રેડિયસ એટલે કે ૬.૨ લાખ કિલોમીટર અંદર સુધી પહોંચશે. લોન્ચિંગ સમયે તેનું વજન ૬૫૮ કિલોગ્રામ હશે. નાસાનું આ મહત્ત્વાકાંક્ષી સૌર મિશન ૬ વર્ષ અને ૩૨૧ દિવસમાં પૂરું થશે. ૨૦૦૯માં નાસા દ્વારા આ મિશનની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી હતી.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »