તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના પગડિયા માછીમારોને  રોજગારી આપવાનો પ્રયાસ

માછીમારોને ફિશ સીડ આપીને તેનો યશસ્વી પ્રયોગ કરાયો છે

0 300

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

માંડવી અને મુન્દ્રાના દરિયાકિનારે માછલીઓનું પ્રમાણ ઘટ્યું હોવાથી નાના માછીમારોને રોજીરોટી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે પગડિયા માછીમારો નાની માછલીઓને ઉછેરીને અને દરિયાઈ શેવાળ ઉગાડીને સારી રોજીરોટી કમાઈ શકે છે. કેવી રીતે, આવો જાણીએ…

વિશાળ દરિયાકિનારો ધરાવતા કચ્છમાં કિનારા પાસેનાં ગામોમાં અનેક લોકો દરિયાઈ પેદાશો પર જ જીવનનિર્વાહ કરે છે. તેમાં પણ માંડવી- મુન્દ્રા પંથકમાં દરિયા કિનારે જ માછીમારી કરતાં નાના માછીમારોની સંખ્યા વિશેષ છે, પરંતુ છેલ્લા થોડા સમયથી માછલીઓનું પ્રમાણ ઘટ્યું હોવાથી માછીમારોની રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે માછલીઓને કૃત્રિમ રીતે ઉછેરીને માછીમારોને રોજીરોટી મળી શકે તે માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પ્રયોગ હાથ ધરાયા છે. આ ઉપરાંત દરિયામાં ઊગતી ખાસ પ્રકારની શેવાળ પણ માછીમારોને પૂરક રોજગારી પૂરી પાડી શકે તેમ હોવાથી તેના વાવેતર માટેના પ્રયોગ પણ હાથ ધરાયા છે. જો માંડવી કે મુન્દ્રામાં મત્સ્ય સંવર્ધન કેન્દ્ર ચાલુ કરાય તો કચ્છના માછીમારોને ફિશ સીડ મેળવવાનું સહેલું પડી શકે તેમ છે.

દરિયામાં અંદર સુધી જઈને મોટી બોટ કે ટ્રોલરોની મદદથી માછીમારી કરનારા મોટા માછીમારોને મળતો માછલીનો જથ્થો પણ ઘટી ગયો છે ત્યારે દરિયા કિનારા પર રહીને મર્યાદિત સાધનો વડે મચ્છી પકડનારા માટે તો રોજરોટી છીનવાય તેવો ભય ઊભો થયો છે. આવા માછીમારો સહેલાઈથી માછીમારી કરી શકે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. સ્થાનિકે ઉપલબ્ધ વસ્તુઓ વડે પાંજરું બનાવીને તેને માછીમારીની જાળી લગાવીને તે પાંજરું દરિયાના પાણીમાં મૂકવાનું, તેમાં ફિશ સીડ તરીકે ઓળખાતી નાની માછલીઓ છોડવાની અને તેને નિયમિત ખોરાક પૂરો પાડવાનો. જો આટલું જ કોઈ માછીમાર કરે તો ૬થી ૮ મહિનામાં તે સહેલાઈથી બજારમાં સારી કિંમતે વેચી શકે તેવી મોટી માછલીનો જથ્થો તે પાંજરામાં તૈયાર થઈ જાય. આમ ઓછા મૂડીરોકાણ, ઓછી મહેનતથી માછીમારો પોતાની રોજીરોટી મેળવી શકે.

આ પ્રયોગ સફળ રીતે કરનારા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)ના ડાયરેક્ટર વિજયકુમારના જણાવ્યાનુસાર, ‘કચ્છમાં વરસાદ અનિયમિત છે, તેમાં પણ છેલ્લાં બે – ચાર વર્ષમાં તેનું પ્રમાણ પણ ઘટ્યું છે. દરિયામાં જતા મીઠા પાણીનું પ્રમાણ ઘટ્યું છે. તેથી દરિયાઈ પાણીની ખારાશ વધી છે. માછલીઓ જે પાણીમાં ખારાશ ઓછી હોય તે તરફ સ્થળાંતર કરે છે.

Related Posts
1 of 142

‘આથી કચ્છના દરિયાકાંઠેથી માછલીનું પ્રમાણ ઘટ્યું છે. મોટી બોટો દરિયામાં ખૂબ ઊંડે જઈને માછીમારી કરતી હોય છે તેથી તેમને પાણીની ખારાશનો પ્રશ્ન મોટા પાયે સતાવતો નથી, પરંતુ નાના, પગડિયા માછીમારો તો એક જ જગ્યાએ સતત માછીમારી કરતાં હોવાથી તેમને મળનારી માછલીનું પ્રમાણ ઘટ્યું છે. આ માછીમારોને ઉપયોગી થાય તે માટે જ અમે ચેન્નઈના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશવૉટર એક્વાકલ્ચરના સહયોગથી એક પ્રયોગ કર્યો છે. જેનાં પરિણામો આશાદાયક આવતાં હવે કચ્છમાં વધુ જગ્યાએ વધુ માછીમારો માટે આ પ્રયોગ કરાશે. ઉપરાંત માછીમારોને પૂરક રોજગારી મળી શકે તે માટે સી વિડ- દરિયાઈ શેવાળની ખેતીનો પ્રયોગ પણ કર્યો છે. બંને પ્રકારે માછીમારોને વધુ ને વધુ આર્થિક ફાયદો થઈ શકે તેમ છે.’

‘ગાઇડ’ દ્વારા બે નર્સરી બનાવાઈ છે. જેમાં તેમણે ૪ હજાર ફિશ સીડ નાખ્યા છે. આ ફિશ સીડ ચેન્નઈથી પોલિથિલિન બેગમાં મુંબઈ અને ત્યાંથી કચ્છ આવે છે. લગભગ ૧૬ કલાકમાં કચ્છ પહોંચે છે. સ્થાનિકે જ મળતી વસ્તુઓથી ૪થી ૫ મીટર લાંબંુ અને ૨થી ૩ મીટર ઊંડું પાંજરું બનાવીને, માછીમારી માટેની જાળી લગાવીને જે જગ્યાએ દરિયાનું પાણી પૂરતા પ્રમાણમાં રહેતું હોય છે તેવી જગ્યાએ મુકાય છે. આવું પાંજરું બનાવવાનો ખર્ચ અંદાજે રૃ. ૧૫ હજાર થાય છે. તે લગભગ ૬ વર્ષ ચાલી શકે છે. તેમાં નખાયેલા ફિશ સીડ ૪-૫ મહિનામાં તો ૫૦૦ ગ્રામ સુધી વિકાસ પામે છે. તેથી માછીમારો ઓછી મહેનતે વધુ નાણા રળી શકે છે. આ નાની માછલીઓ વધુ ખારાશવાળા પાણીમાં પણ જીવંત રહે છે.

જોકે તેનો વિકાસ થોડો ઓછો થાય છે. હાલમાં તો ચેન્નઈથી ફિશ સીડ મગાવાય છે. તેનું જ એક સેન્ટર નવસારીમાં ચાલુ થયું છે તેથી ભવિષ્યમાં ત્યાંથી નાની માછલીઓ લઈ આવી શકાશે. જો કચ્છમાં જ માંડવી કે મુન્દ્રામાં આવું કેન્દ્ર ચાલુ થાય તો ‘ગાઇડ’ દ્વારા તેને પૂરતો ટૅક્નિકલ સહયોગ અપાશે અને તેથી કચ્છના માછીમારોને ફિશ સીડ મેળવવું સહેલું થઈ જશે. હાલમાં ચેન્નઈથી ફિશ સીડ મગાવાતા હોવાથી પરિવહન ખર્ચ મોંઘો પડે છે. છથી આઠ મહિનામાં માછીમારોએ રોકેલા નાણાના ૮ ગણા નાણા પરત મળી શકે છે. આ પ્રકારના પાંજરામાં મિલ્ક ફિશ અને ઝીંગાને ઉછેરી શકાય છે.

‘ગાઇડ’ દ્વારા દરિયાઈ ખેડૂતોને પૂરક રોજગારી મળી રહે તે માટે સી વીડનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દરિયાઈ શેવાળને ખાસ પ્રકારના રાફ્ટ બનાવીને ઉગાડાય છે. જો ફિશ સીડ માટેના પાંજરા પર જ આવા રાફ્ટ બનાવાય તો એકી સાથે બંને સાથે થઈ શકે. માત્ર પાણીની ખારાશના પ્રમાણનું ધ્યાન રાખવું પડે કારણ સી વીડ વધુ ખારાશવાળા પાણીમાં ઊગી શકતા નથી. તેથી જ્યાં પાણીની ખારાશ ઓછી હોય તેવી જગ્યાએ સી વીડનો પ્રયોગ કરી શકાય. સી વીડ સાબુ, કોસ્મેટિક્સ, દવા, બાયો ફર્ટિલાઇઝર બનાવતા ઉદ્યોગો ખરીદે છે. સી વીડ દ્વારા ‘અગર અગર’ જેવી ખાવાની વસ્તુઓ પણ બનાવી શકાય છે. ૩ બાય ૩ મીટરના રાફ્ટ પર યોગ્ય પાણી અને યોગ્ય તાપમાન હોય તો ૨૦ કિલો સી વીડના બીજમાંથી ૨૫૦ કિલો સી વીડનું ઉત્પાદન મળી શકે છે. તો પણ ઓછામાં ઓછું ૧૦૦-૧૫૦ કિલો ઉત્પાદન મળે છે. ઉદ્યોગોવાળા તે ૮-૧૦ રૃપિયે પ્રતિ કિલોના ભાવે  ખરીદે છે.

મુન્દ્રા તાલુકામાં ખાનગી ઉદ્યોગના સહયોગથી ‘ગાઇડ’ દ્વારા માછીમારોને ફિશ સીડ આપીને તેનો યશસ્વી પ્રયોગ કરાયો છે. સી વીડનું રાફ્ટ ફિશ સીડના પાંજરા પર રાખીને બંને કામ એકસાથે કરીને જગ્યા અને દેખભાળ માટે લાગતા સમયનો બચાવ કરીને મહત્તમ નાણાકીય વળતર મેળવી શકાય છે. આમ જ્યારે પગડિયા માછીમારો ઓછી માછલી મળવાથી આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આ નવા પ્રકારથી માછલીનો ઉછેર તેમને પૂરતી રોજગારી આપનારો બની શકે તેમ છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »