તમારા માટે, તમારી સાથે, સતત…

પાક.ના વડા તરીકે ઈમરાનની વિશ્વસનીયતાની હવે કસોટી થશે

ઈમરાન કટ્ટરપંથી મુલ્લાઓ અને શરિયા કાનૂનો સામે હંમેશ નતમસ્તકે રહે છે

0 156
  • વિશ્વ

ક્રિકેટના એક ખેલાડી તરીકે અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન તરીકે ઈમરાન ખાનને ઓળખનારા ભારતમાં અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ છે. એંસીના દાયકાના અનેક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ તેમને વ્યક્તિગત રીતે પણ ઓળખે છે. એમાંના એક પત્રકારે કોલકાતાના અંગ્રેજી દૈનિકમાં જૂની યાદોને તાજી કરતાં લખ્યું છે કે એક ઈમરાનમાં અનેક ‘ઈમરાનો’ વસે છે અને પછી તેમણે ઈમરાનના વ્યક્તિત્વનાં પાંચ ભિન્ન-ભિન્ન પાસાંનો પરિચય કરાવતા પ્રસંગ આલેખ્યા છે. તેમાં કોલકાતા માટેના યોગ્ય વિઝા વિના દિલ્હીથી કોલકાતા પહોંચી જવાના પ્રસંગનો ઉલ્લેખ કરતા નોંધ્યું છે કે ત્યારે તેમની અટકાયત કરવાની કોઈની હિંમત ચાલી ન હતી. કોલકાતાના દૈનિકે પહેલે પાને આ સમાચારને ચમકાવ્યા હતા.

ઈમરાન ખાન હવે પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાનના લોકોને તેમની પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ છે, પરંતુ શાસનમાં સૈન્યનું વર્ચસ્વ અને પાકિસ્તાનની લગભગ દેવાળિયા દેશ જેવી આર્થિક હાલતમાં અપેક્ષાઓને પૂર્ણ કરવાની શક્યતા કેટલી એ પ્રશ્ન રહેવાનો. ભારતને સંબંધ છે ત્યાં સુધી પાકિસ્તાનની વિદેશ નીતિ અને સંરક્ષણ – આ બંને બાબતો સૈન્યને આધીન રહે છે. એટલે ઇમરાન ખાન તેમાં કોઈ પરિવર્તન લાવી શકે એવી શક્યતા નહીંવત્ છે. ઇમરાન ખાનને એક રાજકીય નેતા તરીકે ઓળખવાનું દેશ અને દુનિયા માટે હજુ બાકી છે, પરંતુ તેમના વ્યક્તિત્વનાં પાસાંનો પરિચય મેળવવા તેમના અત્યાર સુધીના જીવનની લાક્ષણિકતાઓ જાણવી જોઈએ.

પાકિસ્તાનના પસ્તુન પરિવારમાં સને ૧૯૫૨માં જન્મેલા ઇમરાન ખાને લાહોર સ્થિત એટકિસન કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ઑક્સફૉર્ડમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આમ તો ઈમરાનના જાહેરજીવનને લગતી વાતો બહુ કંઈ ચર્ચાસ્પદ કે બ્રેકિંગ ન્યૂઝ નથી બની કે તેમના ચાહકોને નીચું જોવાનો વારો આવે, સિવાય કે ઈમરાન ખાને ચાર લગ્ન કર્યાં તે હકીકતે મીડિયાએ તેમને ભેખડે ભરાવ્યા. જોકે હાલ ઈમરાન ખાન પર ભરોસાની ભેંસને પાડો જન્મે તે ન્યાયે બહુ આશા હાલ પૂરતી રાખવી પણ અસ્થાને છે. ઈમરાન ખાન આતંકી સંગઠનો અને સૈન્યની આભામાં રહેલા પાકિસ્તાનમાં કોઈ નવો ચમત્કાર કરી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું!

વાત છે સને ૧૯૯૨ની. ત્યારે તેણે તેના ચાહકોને સંતોષ થાય તેવી કારકિર્દી સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. કુલ ૩૮૦૭ રનોના જુમલા સાથે ૩૬૨ વિકેટો લઈ, પાકિસ્તાનના સામાજિક અને જાહેરજીવનનાં કાર્યોમાં ફિલ્ડિંગ અને બેટિંગના દાવ શરૃ કરી દીધા. તેમનું પ્રથમ કાર્ય તેની ‘મા’ શૌકત ખાતૂનની સ્મૃતિમાં પાકિસ્તાનમાં કૅન્સર હૉસ્પિટલનું નિર્માણ કર્યું જે માનું ઋણ ચૂકવવા અને માની દુઆ ઈમરાનને બાકી જિંદગીમાં શકુન આપતી રહે. ઈમરાન ખાનનાં માતાજી શૌકત ખાતૂન સૂફી સંત પીર રોશનમાં આસ્થા ધરાવતાં. પાકિસ્તાનમાં ઉત્તર-પશ્ચિમી પ્રદેશમાં વજીરિસ્તાનમાં પીર રોશનની દરગાહ છે જ્યાં આજે પણ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ આવે છે. પિતા સિવિલ એન્જિનિયરના વ્યાવસાયિક કારોબારની સાથે જમીનદારીનોે કારોબાર પણ સંભાળતા હતા. પિતાએ ઈમરાન ખાનને વિદેશ ભણવા મોકલ્યો ત્યારે તેના અભ્યાસકાળ દરમિયાન તેની છાપ એક આવારા અને ઐય્યાશી યુવક તરીકેની બની હતી, જે દરેક રાતે નાઇટ ક્લબોમાં તેનો સમય વિતાવતો હતો. અભ્યાસકાળ દરમિયાન વિદેશમાં ઈમરાન ખાન પાસે ઝનૂન અને ઐય્યાશી કરવા માટે મા-બાપની  બેસુમાર દોલતે કોઈ કમી આવવા નહોતી દીધી. આજે પણ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં વિશાળ વિલા ધરાવે છે. લાહોરમાં અંદાજે ત્રણ કરોડ જે રેકોર્ડ પર નોંધાયેલી કિંમત છે તેવો ભવ્ય બંગલો (કોઠી) પણ ધરાવે છે, જેની બજાર કિંમત અંદાજે પચાસથી એંસી કરોડની થવા જાય છે. અંદાજે ચાર કરોડ ડૉલરના રોકાણ સાથે પાકિસ્તાનમાં વ્યાવસાયિક કારોબારમાં સંકળાયેલો છે. આ ઉપરાંત વિદેશી બેન્કોમાં અને વિદેશોમાં બેસુમાર સંપત્તિ ધરાવે છે.

Related Posts
1 of 269

બેસુમાર દોલત અને ઐય્યાશી ભરી જિંદગી સાથે ઈમરાન એવી રીતે જીવી રહ્યો છે કે જેની કુરાન ઇજાજત નથી આપતું. પ્રસિદ્ધ મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત એક પરિસંવાદમાં ઈમરાન ખાન વર્ષ ૨૦૧૨ની અઢારમી માર્ચ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે આ પરિસંવાદમાં સલમાન રશ્દીનું નામ સામેલ હોવાથી તેણે વિરોધ નોંધાવી પોતાની ટૂર રદ કરી દીધી હતી, તો સલમાન રશ્દીએ ઈમરાનને ‘ડિક્ટેટર-ઇન-વેટિંગ’ જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈ બ્રિટિશ અખબારે ઈમરાન ખાન પર માછલાં ધોયા – અને લખ્યું કે એક દિવસ એ લોકતંત્રનો ઝંડો લઈ ફરે છે તો બીજા દિવસે કટ્ટરપંથી મુલ્લાઓના શરણે દોડી જાય છે. પાકિસ્તાનમાં ઈમરાનની ક્રિકેટની જિંદગી પર એક ફિલ્મનું નિર્માણ થયું હતું. ‘કપ્તાનઃ ધ મૅકિંગ ઑફ ધ લિન્જેડ’. ઈમરાન ખાન બ્રિટનની યુનિવર્સિટી ઑફ બ્રૈકફોર્ડનો ચાન્સેલર પણ રહી ચૂક્યો છે.

લંડનના અભ્યાસ દરમિયાન તેમની  ઇમેજ એક આવારા ઐયાશ યુવાન તરીકેની હતી. જે રોજ રાત્રે નાઈટ ક્લબોમાં જોવા મળતો. આવા બહુરંગી ઇમરાને છ જેટલાં પુસ્તકો પણ લખ્યા. જેમાં તેની ‘આત્મકથા’ પણ સામેલ છે. જેમાં ‘ઇન્ડસ જર્ની’, ‘એ પર્સનલ વ્યૂ ઑફ પાકિસ્તાન’ અને ‘એ જર્ની થ્રૂ ધ લૅન્ડ ઑફ ટ્રાઇબલ્સ પઠાણ’ પુસ્તકોએ ચર્ચા જગાવી હતી.

ઈમરાન ખાનની યુવાની ઐય્યાશીમાં પસાર થઈ. તેની વૈવાહિક જિંદગી તેટલી જ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ રહી. બ્રિટનના સાધનસંપન્ન પરિવાર ગોલ્ડ સ્મિથની દીકરી જેમિના ગોલ્ડ સાથેનાં લગ્ન સંબંધ ૧૯૯૫થી ૨૦૦૪ સુધીના રહ્યા. બંને પરિવારોની સહમતીથી તે લગ્નજીવનનો અંત લાવી દીધો. બીજા લગ્ન બ્રિટનમાં પાકિસ્તાની પત્રકાર રેહાન ખાન સાથે કર્યાં જે નવ મહિનાની ‘ચાર દિન કી ચાંદની’ બની રહી અને અમાસના ઉજાશની કાલિમા બની રહી. પાકિસ્તાનની આધ્યાત્મિક રંગે રંગાયેલી બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન વર્ષ ૨૦૧૮ની અઢારમી ફેબ્રુઆરીએ કર્યાં. એ બધા પહેલા છ વર્ષ સુધી બ્રિટિશ ઉદ્યોગપતિ ગૉર્ડન વ્હાઇટની દીકરી સાઇટા વ્હાઇટ સાથે લીવ-ઇન-રિલેશન્સમાં ઈમરાન ખાને પોતાનો સમય વિતાવ્યો. આ સંબંધથી તે એક પુત્રીનો પિતા બન્યો! સાઇટા વ્હાઇટએ પોતાના અધિકાર માટે અદાલતના દરવાજા ખટખટાવ્યા, કારણ એ જ કે ઈમરાને એ પોતાની પુત્રી નથી તેવું કહી દીધું હતું. બ્રિટિશ અદાલતે તો ઈમરાન ખાન તે પુુત્રીના પિતા હોવાનો ચુકાદો પણ આપી દીધો હતો, પરંતુ પાકિસ્તાનની એક અદાલતે કાયદા પ્રમાણે ઈમરાનની દલીલો સ્વીકારી લીધી હતી.

ઈમરાનને ચાર બહેનોમાં રૃબીના ખાતુમ, ઉજમા ખાતુમ, અલીમા ખાતુમ અને રાની ખાતુમ. ઈમરાનની પહેલી પત્નીથી તેને બે સંતાનો સુલેમાન ઇસા ખાન અને  કાસિમ ખાન થયાં. ઈમરાનની માના પરિવારના ઘણા કુટુંબો ભારત-પાક. વિભાજન પહેલાં જલંધરમાં રહેતાં હતાં. તે તમામ પાર્ટિશન બાદ લાહોર આવી વસી ગયા. કહેવાય છે કે બુશરા માનેકા સાથેનાં લગ્નના થોડા જ સમયમાં તે પાક પટન ચાલી ગઈ, નિકાહ તો થયા હતા, પરંતુ તલ્લાક જેવી નોબત આવી નથી. ઈમરાન જેવા રોમેન્ટિક આદમી સાથે નિકાહ કર્યા પછી પણ બુશરા માનેકાએ પોતાનો અધ્યાત્મનો સૂફી માર્ગ છોડ્યો નહીં.

આવા ઈમરાન ખાન પાસેથી ભારત કોઈ મોટી આશા રાખી શકે તેમ નથી. અત્યાર સુધી બોલ્ડ લાઈફ જીવનાર ઈમરાન કટ્ટરપંથી મુલ્લાઓ અને શરિયા કાનૂનો સામે હંમેશ નતમસ્તકે રહે છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »