તમારા માટે, તમારી સાથે, સતત…

જરૂર છે એ પડકારોને યાદ રાખવાની

આપણને આઝાદી કેવા કપરા સંઘર્ષાે બાદ મળી છે

0 239

સ્વાતંત્ર્ય-પર્વ – જી. પાર્થસારથિ

આપણને આઝાદી કેવા કપરા સંઘર્ષાે બાદ મળી છે, જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા અને આ આઝાદીને જાળવી રાખવાનું કામ તો એનાથી પણ મુશ્કેલ હતું અને આ કામ આપણા તત્કાલીન નેતાઓએ બહુ જ સારી રીતે કરી બતાવ્યું હતું. નવા ભારતમાં આપણે એ મૂલ્યોને જાળવીએ અને અરાજકતાવાદી આઝાદી તરફ આગળ ન વધીએ તે બાબતની આજે ખાસ જરૃર છે.

આઝાદીને આજે જેટલા સરળ અર્થમાં લેવામાં આવી રહી છે તેવું આગલી સદીના પાંચમા દશકામાં ન હતું. તે એક એવો સમય હતો, જ્યારે આપણે બ્રિટિશ સામ્રાજ્યની પરાધીનતાની બેડીઓને નવી-નવી જ ફગાવી હતી. દેશ એક અલગ જ દિશામાં કરવટ લઈ રહ્યો હતો. સ્વાભાવિક છેે કે આની સામેના પડકારો પણ ઓછા ન હતા.

ભારતને એક બનાવીને રાખવાનું કામ આવું જ એક મોટું મુશ્કેલ કાર્ય હતું. મહંમદ અલી ઝીણા અને અંગ્રેજોના ષડ્યંત્રનું હિન્દુસ્તાન શિકાર બની ચૂક્યું હતું. આશંકાઓ એ જ હતી કે આઝાદ ભારત પણ ક્યાંક આવા કોઈ કાવતરાનો ભોગ ન બની જાય. સરદાર વલ્લભભાઈ પટેલે મોરચો સંભાળ્યો. તેઓ કહેતા કે – ‘જો આપણે હળી-મળીને પ્રયાસ કરીશું તો આપણે દેશને એક નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીશું, પરંતુ એકતાનો અભાવ આપણા માટે નવી સમસ્યાઓના દ્વાર ખુલ્લાં કરી દેશે.’ એ વાત સારી રહી કે આપણા તમામ રાજનીતિજ્ઞો જનતાની અપેક્ષાઓ પૂરી કરવાના કામે લાગી ગયા. શું આજે આઝાદીના સાત દસકાઓ બાદ સરદાર પટેલે જોયેલા સપનાઓની ઊંચાઈ સુધી ભારત પહોંચી ગયું છે? આનો જવાબ શોધવા આપણે પોત-પોતાના આત્માને ઢંઢોળવાની જરૃર છે.

આઝાદી વખતે બીજો સૌથી મોટો પડકાર દેશ માટે એક નવું માળખું અને બંધારણ બનાવવાનો હતો. આ માટે બંધારણ સભાની રચના કરવામાં આવી અને એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવામાં આવી જેના વડા બન્યા ડૉ.ભીમરાવ આંબેડકર. આ કેટલું મુશ્કેલ કામ હતું એનો અંદાજ એનાથી આવે છે કે બંધારણ બનાવવામાં આ સભાને લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. બંધારણને સંસદથી પણ સર્વાેપરી એવો દરજ્જો આપવામાં આવ્યો.

Related Posts
1 of 269

આ બંને કામોનું પોતપોતાનું મહત્ત્વ છે અને એ જ આજે સમજવાની સૌથી વધુ જરૃર છે. વિવિધતામાં એકતાનું આ બંધારણીય માળખું સંપૂર્ણ રીતે લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે, પરંતુ આજે આપણે આઝાદીના આ પડકારોને ભૂલી ગયા છીએ. જો આ લોકતાંત્રિક મૂલ્યોનું ધોવાણ થશે તો આપણે કઈ ગર્તામાં ધકેલાઈ જઈશું તેનું આપણને ભાન જ નથી. શું આ દુઃખની વાત નથી? હું મારા માટે એ સારી સ્થિતિ માનું છું કે આઝાદીના સમયની સારી અને નરસી, આ બંને બાબતોનો અનુભવ મને આત્મસાત છે. આનાથી પરિસ્થિતિઓને જોવાનો મારો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થયો છે. મારો જન્મ બેશક મદ્રાસમાં થયો, પરંતુ આઝાદી સમયે હું દિલ્હીમાં હતો. એ સમયે મારી ઉંમર અંદાજે સાત-આઠ વર્ષની રહી હશે. મારા પિતાજી ભારતીય સનદી સેવાના સભ્ય હતા. અમે ત્યારે ૧૨ અકબર રોડ પર રહેતા હતા.પિતાજી સંયુક્ત સચિવ હતા, તો એમને મકાન પણ સારું મળ્યું હતું. મારા માટે તે એક આદર્શ સ્થિતિ હતી, પરંતુ ભાગલા વખતે ખુલ્લી તલવારો સાથે નીકળેલા લોકોએ મને ડરાવી દીધો હતો. તમે એ બાળમાનસની સ્થિતિ સમજી શકો છો, જેે સાત-આઠ વર્ષની ઉંમરમાં જ પોતાની આંખોની સામે રસ્તાઓ પર વહી રહેલું લોહી જોઈ રહ્યો હતો. ઓહ!

તે સ્મૃતિ મને આજે પણ વિચલિત કરી દે છે. કમનસીબી એ છે કે આજની આપણી પેઢી એ કડવા અનુભવોને યાદ રાખવા નથી માગતી. સંભવતઃ એ તમામ દેશોની નિયતી જ હોય છે કે આઝાદીના સમયે બલિદાનો આપનારી પેઢીઓને આવનારી પેઢીઓ યાદ રાખવા નથી માગતી, પરંતુ જો આપણે એ કાળના ઘટનાક્રમને આપણા મનમાં યાદ રાખીશું તો વિશ્વાસ રાખજો કે આપણે આજની ‘અરાજક આઝાદી’ને જલદી પાછળ છોડી દઈશું.

હું અહીં ફરી એકવાર સરદાર પટેલની ચર્ચા કરવા માંગુ છું. એમણે સાચા અર્થમાં તમામ ભાગલાવાદી કાવતરાંને માત્ર ઉઘાડા જ ન કર્યાં બલકે એની સાથે નિપટવાનું કામ પણ કર્યું. આજે ભારતીય સનદી સેવાનું જે સ્વરૃપ આપણે જોઈ રહ્યા છીએ તે સરદાર પટેલના કારણે જ શક્ય બની શક્યું છે. પંડિત નહેરુએ તો માત્ર ભારતીય વિદેશ સેવા બનાવવાની જ જવાબદારી સંભાળી હતી. સરદાર પટેલના આગ્રહના કારણે જ કે.એમ. મુુન્શીએ પઠાણકોટથી જમ્મુ સુધીનો રસ્તો તૈયાર કરાવ્યો હતો અને એ પણ એવા સમયે કે જ્યારે કાશ્મીર ભારત સાથે જોડાશે તેવો કોઈ જ રસ્તો જણાતો ન હતો.

લોકોને એ વાતની ખબર હોવી જોઈએ કે આખરે આ દેશ એક બન્યો કેવી રીતે? એ સમયના નેતાઓ અને પ્રજાએ કેટલી હદે બલિદાનો આપ્યાં હતાં? એ પેઢીના જે લોકો રાજનીતિમાં હતા એમની કોઈ અપેક્ષાઓ કે મહત્ત્વાકાંક્ષાઓ ન હતી. તેઓ એક મહાન સંઘર્ષમાં જોડાયેલા હતા, ચાહે પછી એ કામરાજ હોય કે પટેલ યા કે.એમ.મુન્શી- બધાનો એકમાત્ર ઉદ્દેશ હતો – દેશને એક કેવી રીતે બનાવવો અને તેને સમૃદ્ધિના માર્ગે કેવી રીતે આગળ લઈ જવો? તેઓ માત્ર પોતાના પરિવારનું વિચારતા ન હતા. ખુદ પંડિત નહેરુ આના વિરોધમાં હતા, પરંતુ આજે ચિત્ર બદલાઈ ગયું છે. તેથી આજે આપણે આપણું રાષ્ટ્રીય અભિમાન આમાં નહીં, આપણા મૂળ ઉદ્દેશોને પૂરા કરવામાં શોધવાની જરૃર છે.

( લેખક ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે – સૌજન્યકાદમ્બિનિ, ઑગસ્ટ – ૨૦૧૮ )
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »