તમારા માટે, તમારી સાથે, સતત…

ફાંસિયો વડઃ ભારતનો સશસ્ત્ર જંગનો એ ભૂલાયેલો અધ્યાય

મહી નદીની કોતર પાસે જંગલ જેવા રસ્તે આ જગ્યા છે

0 595

ફાંસિયો વડ – વિષ્ણુ પંડ્યા

ગ્રામજનો તેને ફાંસિયા વડલા તરીકે ઓળખે છે. ૧૮૫૭ના વિપ્લવમાં તાત્યા ટોપેને મદદ કરવાના અપરાધ માટે આ ઝાડ પર ૨૫૦ ગ્રામજનોને ડાળી પર લટકાવીને મારી નાખવામાં આવ્યાં હતાં. સશસ્ત્ર જંગનો એ ભૂલાયેલો અધ્યાય છે.

હોય જો વૃક્ષને વાચા તો આપણો વર્તમાન અને ઇતિહાસ કેવા બદલાયેલાં હોત?  કદમ્બ, તુલસી, બીલીપત્ર, પિપ્પલ, વટવૃક્ષ કરેણ.. કેટલાં બધાં વૃક્ષ અને છોડ આપણી કથામાં કૃષ્ણ, મીરાં, શિવ અને વિષ્ણુનું સ્મરણ કરાવે છે! પણ આજે તો એક વાચાહીન વડલાની વાત કરવી છે. છેક ૧૮૫૭થી ગ્રામજનો તેને ફાંસિયા વડલા તરીકે ઓળખે છે. કારણ?  ૧૮૫૭ના વિપ્લવમાં તાત્યા ટોપેને મદદ કરવાના અપરાધ માટે આ ઝાડ પર ૨૫૦ ગ્રામજનોને ડાળી પર લટકાવીને મારી નાખવામાં આવ્યાં હતાં. સશસ્ત્ર જંગનો એ ભૂલાયેલો અધ્યાય છે. ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં અમે- આરતી, હું અને મારો ડ્રાઈવર નીકળી પડ્યાં હતાં આ ક્રાંતિ વૃક્ષને પામવા. આરતીએ સંકલ્પ કર્યો હતો કે ગુજરાતનાં ૧૦૧ એવાં સ્થાનોનું ભ્રમણ કરીને દટાઈ ગયેલા ઇતિહાસને વાચા આપવી છે  જ્યાં સ્વાધીનતા જંગ ખેલાયો હતો, લોકોને તોપના ગોળે ઉડાવી દેવાયા હતા, બંદૂકની ગોળીથી મારી નાખવામાં આવ્યા હતા, ફાંસીના તખ્તે ચડાવાયા હતા, આંદામાનની કાલ કોટડીમાં રીબાવવામાં આવ્યા હતા, હથિયાર વિનાના બનાવવા ગામડાંઓને બાળી મૂકવામાં આવ્યાં હતાં.

Related Posts
1 of 319

હા, આ બધું ગુજરાતમાં બન્યું હતું. સહધર્મચારિણી તરીકે એક વિદુષી સંશોધકની ભૂમિકાએ આરતી બે વર્ષ સુધી ગુજરાતનાં ગામડાંઓ સુધી ફરી વળી. એક સાદી મોટરગાડી, ડ્રાઈવર અને અમે બંને છેક માન ગઢનો ડુંગર, ખાખરેચી અને માંડવી, કનરો ડુંગર જ્યાં ૮૨ ખાંભી ઊભી છે, પાલ ચિતરિયા, દાહોદ, રાજપીપળા, સંતરામપુર, પોરબંદર નજીકનું વછોડા જ્યાં મુળુ માણેક અને પાંચ બહાદુરોના પાળિયા છે, ગીરમાં જોધા માણેકની સમાધિ, જૂનાગઢની આરઝી હકૂમત, શિહોરમાં નાનાસાહેબ, મોરબી અને દ્વારિકા, માછરડાની ધાર, આણંદ, ખેડા, વડનગર, ખેરાલુ, સમો, ચાવંડ,…આજે આ સ્થાનોનું સ્મરણ થાય છે ત્યારે તેમાં પ્રાણ પૂરનાર આરતીનું સ્મરણ થઈ આવે છે. જાન્યુઆરી ૨૦૧૮માં ૨૪ની સંધ્યાએ તેણે આંખો મીંચી લીધી ત્યારે પણ એક પુણ્યવાન ઇચ્છા જરૃર મનમાં હશે કે ગુજરાતના સંશોધન માટે મહામહેનત લઈને ઇતિહાસ સંશોધન કેન્દ્ર ઊભું કર્યું તેને કોઈ ઇતિહાસ પ્રેમીઓ સંવર્ધિત કરે, (સદ્ભાગ્યે એ કામ દર્શન મશરૃ, ડૉ.અમી ઉપાધ્યાય, તૃપ્તિ દવે, અનામિકા ત્રિવેદી, ભૂપેન્દ્ર દવે, અને બીજા મિત્રોએ ઉપાડી લીધું છે) આ સંશોધન યાત્રાનો એક મુકામ ૨૦૦૮માં ફાંસિયા વડ તરફ દોરી ગયો, અમદાવાદથી વડોદરા જતા સારસા આવે છે, સત કેવલ સંપ્રદાયનું એ મથક છે. તેની આસપાસ આ વડ. પણ ક્યાં?

સારસા જતાં એક ચાની કીટલીવાળાને પૂછ્યું, ‘હા..હા,,, યાદ આવ્યું.. હમણા અમારે ત્યાંથી થોડાક જુવાનિયા ગયા હતા. અઢારસો સત્તાવન કે એવું કંઈક….’ ‘હા, તેની ઉજવણી હતી. ૧૮૫૭ને દોઢસો વરસ થવામાં છે તેની તને ખબર છે?’ અમે પૂછ્યું તો કહે, ‘ના..રે.. હું અહીં ચાનો ધંધો કરવા બેસું કે એવી ખબર રાખું?’ પછી ઉમેર્યું, ‘પણ એક વડ એવો છે ખરો..’ ‘ક્યાં છે?’ આરતીએ ઉત્સુકતાથી પૂછ્યું. કીટલીની ચા પીતાં એક જુવાન આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું કે, ‘ચાલો, હું તમને રસ્તો બતાવું.’ નામ સુરેશ, એ ભોમિયો બન્યો, સારસાથી બે કિલોમીટર દૂર, મહી નદીની કોતર પાસે જંગલ જેવા રસ્તે આ જગ્યા છે એટલી તો તેને ખબર હતી, પણ નક્કી સ્થાન જાણતો નહોતો. એટલે નવ કિલોમીટર પર આવેલા મોગર ગામે કંઈક ખબર પડશે એવી આશાએ પહોંચ્યા. ત્યાં પૂર્વ ધારાસભ્ય રહેતા હતા, એમ કોઈએ કહ્યું એટલે તેમના ઘરે ગયા, પણ એ તો સાવ અજ્ઞાની નીકળ્યા. હવે?

દસેક કિલોમીટરનો ફેરો સફળ ના થયો એટલે મેં કહ્યું કે, હવે વડોદરા જવા નીકળી જઈએ, પણ આરતી એમ માને? વળી મહી કાંઠે ઉબડખાબડ રસ્તે ગાડી ચાલી, મારી ચિંતા એ હતી કે ક્યાંક આ ઝાડી-ઝાંખરાંમાં ટાયરને પંક્ચર ના પડે. અહીં કોણ અને ક્યારે મદદ કરશે? ત્યાં સગડ મળ્યા, ‘પે…લંુ દેખાય છે ને ખેતર, તેના કૂવાની જમણી દિશાએ ચાલ્યા જજો, ગાડી નહીં જાય, ચાલવું પડશે. એ કૂવાની અંદરના અંતરિયાળ રસ્તે આરતી તેનો કેમેરા અને અમે… ચાલ્યા, પણ રસ્તો લંબાતો ગયો, બે-ત્રણ કિલોમીટરની પદયાત્રા થઈ ગઈ, ત્યાં એક દેરી દેખાઈ, પણ વડલો ક્યાં? એ તો ઘણા વખત પહેલાં તૂટી પડ્યો હતો, આ તેની જગા રહી ગઈ છે… અમે જોયું, ઝાડનું એક ઠૂંઠું… કલ્પના કરવી કેવી મોટી ચીજ છે તેનો અનુભવ થયો. અહીં અઢીસો હુતાત્માની કહાણી રચાઈ હતી. બ્રિટિશ અફસરે હુકમ કર્યો હતો કે, જેલ-બેલની સજા નહીં કરશો, સીધા ગોળીએ ઉડાવી દેજો.. મહી કિનારાના ગામડા વિપ્લવી બન્યાં હતાં. દાહોદના રસ્તે ક્રાંતિકારો ગુજરાતમાં પહોંચી ગયાની બાતમી મળતાં બ્રિટિશ કંપની સરકાર બહાવરી બની ગઈ, વડોદરાથી આણંદ થઈને અમદાવાદ સુધી ફિરંગી સામ્રાજ્ય લગભગ ખતમ થઈ ગયું, અંગ્રેજોએ પાલ ગામ સળગાવ્યું. કાનદાસ પકડાયો, જીવા ઠાકોરને ફાંસી આપી, ગરબડદાસ પટેલ સહિત નવને પગમાં દંડા – બેડી સાથે આંદામાન મોકલી દેવાયા અને આ વડલાની ડાળીઓ પર અસંખ્ય ગ્રામજનોને ફાંસી અપાઈ.

એ સમયે તો વડલો ઘેઘૂર હશે. ચોતરફ વડવાઈઓ ફેલાયેલી હશે. એટલે જ તો લગભગ અઢીસો લોકોને આ વડની ડાળીઓ પર ફાંસી અપાઈ હતી એવું કહેવાય છે, તેમાં દોરડાં ઓછાં પડ્યા હશે એટલે વડવાઈઓનો ઉપયોગ કરીને ફાંસી અપાઈ હશે. એ આઘાત આ વડલો પણ સહન કરી શક્યો નહીં હોય કદાચ! એટલે વડલાએ પણ આત્મ વિસર્જનનો માર્ગ અપનાવ્યો હશે. અત્યારે એ સ્થળે ટકી રહેલું ઠૂંઠંુ એ તો જાણે ફાંસિયા વડનું પ્રાકૃતિક સ્મારક! કહે છે કે અહીં એ વર્ષોમાં શહીદોની યાદમાં શોકાંજલિ અર્પવા દર વર્ષે મેળો યોજાતો. હવે તેનું સાતત્ય જળવાયું નથી. આ ફાંસિયો વડ… પાછા ફરતાં આરતી ગમગીન હતી… બપોરના  બળબળતા સૂર્ય તાપ વચ્ચે ઘડીભરની આ સફર દોઢસો વરસ પૂર્વેની ફાંસીની કણસતી કથા સંભળાવતી હતી… શહીદો કી મઝારો પર હર બરસ જૂડેંગે મેલે, વતન પે મરને વાલો કા બસ, યહી નામો-નિશા હોગા!’
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »