તમારા માટે, તમારી સાથે, સતત…

વનસ્પતિ ગ્લોબલ વૉર્મિંગ અનુસાર બદલાવા લાગી છે

ગ્લોબલ વૉર્મિંગની ચેતવણીને માનવજાત ગંભીરતાથી લેતી નથી

0 663

– તરુણ દત્તાણી

ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આ રીતે જ વધતું રહેશે તો જે ખાદ્ય પદાર્થોથી આપણુ જીવન ચલાયમાન છે તેમાં રહેલાં પોષક તત્ત્વોમાં ઘટાડો થતો જશે. એ ખાદ્ય પદાર્થોની પોષણક્ષમતા અગાઉના જેવી નહીં રહે.

ગ્લોબલ વૉર્મિંગની ચેતવણીને માનવજાત ગંભીરતાથી લેતી નથી. જીવનશૈલીમાં પરિવર્તન કરવાની વાત ગળે ઊતરતી નથી, તેમ વ્યાવહારિક પણ લાગતી નથી. વૈશ્વિક સ્તરે માનવ સમુદાયનો એક વર્ગ એવો છે કે જે એવું માને છે કે ગ્લોબલ વૉર્મિંગની વાત સાવ બકવાસ છે, જૂઠાણુ છે. તેના પ્રત્યે ધ્યાન આપવાની જરૃર નથી. અન્ય એક અતિ સંપન્ન વર્ગ એવો છે કે ગ્લોબલ વૉર્મિંગથી જે થવું હોય તે થાય, આપણે તેની પરવા કરવાની જરૃર નથી. આપણી સુવિધામાં તસુભારનો ઘટાડો થવો જોઈએ નહીં. એ પછી બાકી રહેલા માનવ સમુદાયના વિવિધ વર્ગોએ ગ્લોબલ  વૉર્મિંગની અસરની ચિંતા કરવાની અને સહન કરવાનું. ગ્લોબલ વૉર્મિંગના ખતરાને નિહાળી રહેલા વિજ્ઞાનીઓ હવે એવું માનવા લાગ્યા છે કે માનવ જાતને સુધારવાનું મુશ્કેલ છે. ગ્લોબલ વૉર્મિંગ હકીકત છે અને તેની અસરો સાથે જીવવાનું માનવ જાતે શીખવું પડશે.

સમાજશાસ્ત્રીઓ એવું માને છે કે પરિસ્થિતિ અનુસાર પોતાની જાતને ઢાળીને, એડજસ્ટ કરતા રહીને જ માનવ જાત આગળ વધતી રહે છે. ગ્લોબલ વૉર્મિંગ જેવા પરિબળને કારણે પીછેહઠ કરવાનું કે પુરાતન જીવનશૈલી અપનાવવાનું તે વિચારી શકે તેમ જ નથી. માનવ સભ્યતાના ક્રમિક  વિકાસના સિદ્ધાંતમાં પીછેહઠ કરવાની વાત આવતી જ નથી. કુદરતી સાધનસ્ત્રોતોના ઉપભોગ પર નિયંત્રણ લાદવાનું મુશ્કેલ છે. વસતી- વૃદ્ધિ સાથે જરૃરિયાત વધે છે. પાણી જેવા પ્રાકૃતિક સ્ત્રોતના ઘટાડાના વિકલ્પની ચિંતા છે. એકંદર માનવ સ્વભાવ અને મનોવૃત્તિ એવી છે કે ફરજ પડે અથવા ફરજ પાડવામાં આવે ત્યારે જ કશુંક કરવું. ભવિષ્યના માનવની ચિંતા કરીને પોતાની આજને પીડાદાયક કે અસુવિધાજનક બનાવવાની કોઈની તૈયારી નથી.

Related Posts
1 of 269

આપણી આજનું આ ચિત્ર છે. ગ્લોબલ વૉર્મિંગના આકરા, મુશ્કેલ સંજોગો સાથે  માણસ જીવવાનું શીખી લેશે. શીખવું પડશે. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે તેને બુદ્ધિનું ગુમાન છે. એ સહેલાઈથી પ્રકૃતિને વશ થતો નથી, પરંતુ પ્રકૃતિના બાકીના ચેતન તત્ત્વો ગ્લોબલ વૉર્મિંગની અસરને અનુરૃપ સ્વયંને ઢાળવા લાગ્યા છે. તેમણે બદલાઈ રહેલા તાપમાનની પેટર્ન સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની શરૃઆત કરી દીધી છે. આ વાત વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવી છે. અન્ન સુરક્ષા પર ગ્લોબલ વૉર્મિંગની થનારી અસરને માપવા માટે કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાયું છે કે કૃષિ પેદાશો બદલાતા હવામાન અનુસાર સ્વયં ઢાળવાના પ્રયાસો કરી રહી છે. અમેરિકાના કૃષિ વિભાગના એક વિજ્ઞાની લુઇસ એસ. જિસ્કાએ ચોખા પર કરેલા સંશોધન અભ્યાસમાં તેને જણાયું છે કે કૃષિ પેદાશોમાં બદલાવ થવા લાગ્યો છે. અભ્યાસમાં તેને જાણવા મળ્યું કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને કારણે ચોખાના દાણાનું રાસાયણિક બંધારણ બદલાવા લાગ્યું છે.

આ અભ્યાસ માટે તેમણે ચીન અને જાપાનના એવા વિસ્તારોમાં સંશોધન કર્યું કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર અન્ય વિસ્તારોની સરખામણીમાં ઘણુ વધારે છે. આવું સ્થળ પસંદ કરવાનું કારણ એ છે કે જે રીતે આ સમસ્યા સમગ્ર વિશ્વમાં પ્રબળ બની રહી છે એ જોતાં આવનારા દિવસોમાં બાકીના ભાગોની હાલત પણ એવી જ થવાની છે. વિજ્ઞાનીઓની ટીમે એ વિસ્તારમાં પેદા થતા અનાજની ૧૮ જાતોનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને તેમને જણાયું કે આ અનાજની જાતોમાં માત્ર પ્રોટીન જ નહીં, આયર્ન અને ઝિંક જેવાં તત્ત્વો પણ ઓછા થઈ ગયા છે. એટલું જ નહીં તો તેમાં જોવા મળતા બી-૧, બી-૨, બી-૫ અને બી-૯ વિટામિનોના પ્રમાણમાં પણ ભારે ઘટાડો થયો છે. બીજી રસપ્રદ વાત એ જણાઈ કે એ બધા અનાજમાં વિટામિન-ઇનું પ્રમાણ વધી ગયું છે. અનાજ પર કરવામાં આવેલું આ સંશોધન મહત્ત્વનું એટલા માટે છે કે વિશ્વના બે અબજ લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. મતલબ અનાજના રાસાયણિક સંયોજનમાં બદલાવ થશે તો તેની અસર વ્યાપક જન સમુદાય પર પડશે. બની શકે કે અત્યાર સુધી આપણને બીમારીઓથી બચાવતા જૈવ-રસાયણો પણ ઘટી જાય. ચોખા સિવાયની અનાજની જાતો પરની અસરને હજુ તપાસવામાં આવી નથી. પરંતુ પ્રાયોગિક ધોરણે કરાયેલું આ સંશોધન આપણી ખાદ્ય સામગ્રી અંગેની મુસીબતનો વ્યાપ વધશે તેનો સંકેત આપે છે.

આ સંશોધનનો સાર એ છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આ રીતે જ વધતું રહેશે તો જે ખાદ્ય પદાર્થોથી આપણુ જીવન ચલાયમાન છે તેમાં રહેલાં પોષક તત્ત્વોમાં ઘટાડો થતો જશે. એ ખાદ્ય પદાર્થોની પોષણક્ષમતા અગાઉના જેવી નહીં રહે. તેનો સ્વાદ બદલાઈ જવાની દહેશત પણ છે.

ઉનાળાની ભીષણ ગરમી આપણને ગ્લોબલ વૉર્મિંગનો પરચો બતાવી રહી છે. કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણ સાથે ગરમીનો પારો ભવિષ્યમાં હજુ પણ વધતો જશે. ગ્લોબલ વૉર્મિંગને કારણે બીજું શું-શું થશે એની ચિંતા કરીએ કે ન કરીએ, એની વ્યાપક અસરોથી કોઈ બચી શકવાનું નથી.
—————————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »