તમારા માટે, તમારી સાથે, સતત…

સમાચારની હેડલાઇન વાંચી કશિશની આંખો ફાટી ગઈ

'આઈ ટોલ્ડ યુ! તારો કેસ અમને બદનામ કરશે!'

0 476

‘રાઇટ એન્ગલ’  નવલકથા – પ્રકરણ – ૧૬
– કામિની સંઘવી

કોર્ટમાં મહેન્દ્રભાઈએ અસમંજસ વચ્ચે આરોપો નકારી દીધા. ઉદયની પ્લી રેકોર્ડ થયા બાદ ફરિયાદીની જુબાની નોંધવા વીસ જુલાઈની તારીખ અપાઈ. કશિશને આ બધી સ્થિતિ બોરિંગ બનતી લાગી. ધ્યેયને જલદી રિઝલ્ટ મળે તેવું કરવાનું કહી કશિશ ત્યાંથી છૂટી પડી. બીજી બાજુ ધ્યેયે કેસને હાઈપ અપાવવા અખબારના એડિટરને ફોન કર્યાે. કૉફી હાઉસના ઓપનિંગના દિવસે પહેરવાનો ડ્રેસ લેવા કશિશ ધ્યેય સાથે શોપિંગ કરવા નીકળી. ખરીદી કરી બંને નાસ્તો કરવા કાફેમાં ગયાં. જ્યાં ધ્યેયે ઉદય અને મહેન્દ્રભાઈને પણ ઇન્વિટેશન આપવાનું સજેશન કર્યું. જેને સ્વીકારી કશિશ ધ્યેય સાથે પિતાના ઘેર પહોંચી. જ્યાં ઉદયની પત્ની હેતલે કશિશ પર શાબ્દિક પ્રહારો કર્યા, પરંતુ મહેન્દ્રભાઈએ આમંત્રણનો સ્વીકાર કર્યાે. ઓપનિંગના દિવસે કશિશ અને કૌશલ તૈયાર થઈ કૉફી હાઉસ પહોંચ્યાં. નાણાવટી પરિવારના ફંક્શનમાં વીઆઇપી ગેસ્ટ માટે તૈયારીઓ કરાઈ હતી. થોડીવારમાં ધ્યેય પણ પહોંચ્યો અને તેણે બંનેને શુભેચ્છાઓ પાઠવી. કૌશલનાં મમ્મી-પપ્પાએ કશિશને નવા બિઝનેસ માટે પ્રોત્સાહન આપ્યું. આ પછી ઉદય અને મહેન્દ્રભાઈ પહોંચ્યા. કૌશલના પરિવારે તેમને આવકાર્યાં. વીઆઇપી ગેસ્ટ્સની હાજરીમાં રિબિન કાપવાની તૈયારી હતી. ત્યાં ઉદયને કૌશલના પપ્પા સાથે તે દિવસના અખબારને લઈને વાતચીત કરતો જોઈ કશિશને નવાઈ લાગી. કૌશલના પપ્પાએ કૌશલને અખબાર બતાવ્યું અનેે કૌશલનો ચહેરો પડી ગયો. કૌશલનાં મમ્મી-પપ્પા તરત ત્યાંથી નીકળી ગયાં. અચાનક બધાં પાર્ટી છોડીને કેમ ચાલતા થયા તેવું વિચારતી કશિશના હાથમાં ગુસ્સે ભરાયેલા કૌશલે અખબાર પકડાવ્યું. અખબાર જોઈ કશિશની આંખો ફાટી ગઈ. પ્રતિષ્ઠિત અખબારમાં નાણાવટી પરિવારની પુત્રવધૂ કોર્ટમાં ચડી હોવાના અને નાણાવટી પરિવાર પર શંકા વ્યક્ત કરતા સમાચાર છપાયા હતા.                     

હવે આગળ વાંચો…

‘આઈ ટોલ્ડ યુ! તારો કેસ અમને બદનામ કરશે!’ કૌશલ દાંત ભીંસીને બોલ્યો. ક્ષણવાર માટે કશિશ આ આક્ષેપથી મૂઢ થઈ ગઈ, પણ એણે પોતાની જાતને સંભાળી, પોતે જે કર્યું તે સમજી વિચારીને કર્યું છે! સત્ય સમાજ સામે આવે તેમાં શા માટે ગભરાવવું જોઈએ? પોતે કાંઈ ખોટું તો નથી કર્યું ને! કોઈ લૂંટ નથી કરી, કોઈનું ખૂન નથી કર્યું તો પછી શા માટે કોઈએ શરમાવવું જોઈએ!

‘એક દિવસ તો એની બધાને જાણ થવાની જ હતીને?’ એ બોલી એ સાથે જ કૌશલનું મગજ ફાટ્યું.

‘પણ આજે? કૉફી હાઉસના ઉદ્દઘાટનના દિવસે? આમ આટલાં બધાં માણસોની વચ્ચે ડેડની ઇજ્જતની વાટ લાગી ગઈ… એટલે જ ડેડ જતા રહ્યા…કાન્ટ યુ સી ધેટ?’ કૌશલનો ગુસ્સો હવે હદ વટાવતો હતો. કશિશ એને જોઈ રહી. આને કેમ સમજાવવો? આટલી મુશ્કેલી એને કદી અનુભવી ન હતી.

જે રીતે કૌશલના ડેડ અતુલ નાણાવટી પાર્ટી છોડીને અચાનક જતા રહ્યા ત્યારે જ બધાંને આશ્ચર્ય થયું હતું. પાર્ટીમાં હાજર બધાંને લાગી રહ્યું હતું કે કશુંક બન્યું છે, એ ગયા અને પછી કૌશલ અને કશિશ વચ્ચે ચાલતી વાતચીત બધાને ઇશારો કરવા કાફી હતી કે કોઈ એવી વાત છે જેને કારણે કૌશલ અપસેટ છે. કૌશલના બે-ચાર ક્લોઝ ફ્રેન્ડ્સ કૌશલ અને કશિશને લડતાં જોઈ રહ્યા હતા. કૌશલનો સૌથી ક્લોઝ ફ્રેન્ડ રોનક એ બંનેની નજીક આવ્યો અને એને પૂછ્યું કે શું થયું? ત્યારે કૌશલે એના હાથમાં પેપર પકડાવ્યું અને બોલ્યો,

‘ડિસ્ગસ્ટિંગ!’ અને એ ચાલવા લાગ્યો.

કશિશ એનો હાથ પકડીને અટકાવતાં બોલી,

‘પ્લીઝ લિસન…’ પણ કૌશલ કશું સાંભળતો જ ન હોય એમ એનો હાથ છટકારીને ચાલવા લાગ્યો. સીધો પોતાની કાર પાસે ગયો અને બધાં કશું સમજે તે પહેલાં એ ગાડીમાં બેસીને જતો રહ્યો. કૌશલ આમ પોતાની જ પાર્ટી છોડીને જતો રહ્યો એટલે વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. લોકો અવાચક થઈને કશિશ સામે જોઈ રહ્યાં. કશિશ શરમની મારી જમીન પર નજર ખોડીને ઊભી હતી. એને સમજ નહોતી પડતી કે કૌશલ પોતાના જ ફંક્શનમાંથી આવી રીતે જતો રહે તેથી કેમ કરીને ગેસ્ટ્સનો સામનો કરવો. થોડીક ક્ષણો એમ જ વીતી. કશિશ ચૂપચાપ ઊભી હતી. સૌથી પહેલાં એ.સી.પી. શિવકુમાર રાવ પાસે આવ્યા અને બોલ્યા,

‘ગોડ બ્લેસ યુ!’ અને એમની મિસિસ સાથે જતાં રહ્યાં. એટલે એક પછી એક એમ બધાં જ મહેમાનો જવા લાગ્યાં. કશિશ મૂક થઈને બધાંને જતાં જોઈ રહી. પાંચેક મિનિટમાં તો કૉફી હાઉસ તદ્દન ખાલી થઈ ગયું.

કશિશ સૂમસામ કૉફી હાઉસને તાકી રહી. ઘડી પહેલાં અહીં કાચનાં વાસણનો ખખડાટ હતો. લોકોની વાતચીતનો ગણગણાટ હતો. કૉફીની ફ્લેવરનો મઘમઘાટ હતો અને અત્યારે ફક્ત સન્નાટો છવાયો હતો. ઉદય અને મહેન્દ્રભાઈ ચૅર પરથી ઊભા થયા. મહેન્દ્રભાઈએ નજીક આવીને કશિશના માથા પર હાથ મુક્યો અને એક શબ્દ પણ બોલ્યા વિના નજરથી જ દિલગીરી દર્શાવી. એમનો આશ્વાસનભીનો સ્પર્શ કશિશની આંખને ભીંજવી ગયો. ઉદયના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું. એ જોઈને કશિશને વિચાર આવ્યો કે આ એનું જ કારસ્તાન હશે. ન્યૂઝપેપરમાં એણે જ માહિતી આપી હશે. આના સિવાય તો બીજું કોણ હોઈ શકે જે એને આમ બરબાદ થતી જોઈને ખુશ થાય? અને કશિશે સેલ્ફ કન્ટ્રોલ ગુમાવ્યો, ઉદય જતો હતો અને કશિશે ઝડપથી ઉદયનો શર્ટ પાછળથી પકડીને ઊભો રાખ્યો,

‘હવે કલેજામાં ઠંડક થઈ તને?’

ઉદયે પોતાનો શર્ટ છોડાવ્યો,

‘જોયા જાણ્યા વિના ખોટા આક્ષેપ નહીં કર…મેં પેપરમાં ન્યૂઝ નથી આપ્યા…સમજી…મેં તો સવારે જે વાંચ્યું તે ખાલી દેખાડ્યું.’

‘જૂઠ…સરાસર જૂઠું બોલે છે….તારું જ કામ હોય આ….એ સિવાય બીજા કોઈનું ન હોય….મને ખબર છે તારાથી મારું સુખ જોવાતું નથી!’ કશિશ આઘાતમાં સૂધબૂધ ગુમાવી ચૂકી હતી. પોતે કેવા બિનપાયાદાર અક્ષેપ કરે છે એની એને અક્કલ જ ન હતી.

‘જસ્ટ શટઅપ…..હું તારું ભલું ઇચ્છતો ન હોત તો તને કૌશલ જેવો છોકરો શોધી ન આપ્યો હોત સમજી!’ ઉદયે પોતાનો બચાવ કરતા કહ્યું.

‘તારે મને ઘરમાંથી જલદી કાઢવી હતી, જેથી હું પપ્પાના વારસામાં ભાગ ન પડાવું એટલે તે મારા માટે કૌશલ શોધ્યો હતો. એમ ન સમજતો મને ખબર નથી…મેં તારી અને ભાભીની વાત સાંભળી હતી. હું જોબ કરતી હતી તે પગાર મારા એકલાને જીવવા માટે પૂરતો ન હતો એથી તમે બંને મન જલદી પરણાવવા ઇચ્છતા હતાં. એની મને ખબર છે..સમજ્યો!’ કશિશનો પહેલો આક્ષેપ તર્કહીન હતો, પણ બીજા આક્ષેપમાં સત્ય હતું. ઘણીવાર ખોટા આક્ષેપથી માણસ જલદી ઉશ્કેરાતો નથી એટલો સાચા આક્ષેપથી ઉશ્કેરાતો હોય છે, કારણ કે સાચા આક્ષેપને ખોટો સાબિત કરવા માટે માણસે વધુ મહેનત કરવી પડતી હોય છે. ઉદયે તેમ જ કર્યું.

‘ગમે તેમ ન બોલ…તું કહે છે તેવું મને કાંઈ યાદ નથી!’ ઉદયના આ જવાબથી કશિશનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.

‘ઓહ રિયલી! નાનપણથી તું આ જ શીખ્યો છે….પોતાની ભૂલ કબૂલ કરવાની આવે એટલે ફટ દઈને કહીને ઊભો રહી જાય કે મને યાદ નથી…’ કશિશની નજર સામે એવા કેટલાય કિસ્સા તરવરી ગયા જેમાં એવું બન્યું હતું કે પોતાનો વાંક હોય ત્યારે ઉદયે મને યાદ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા હોય.

‘તને એમ લાગતું હોય તો એમ…!’ ઉદયના જવાબે કશિશને પૂરેપૂરી ઉશ્કેરી મૂકી. અત્યાર સુધીનો સંયમ જાણે કડડભૂસ થઈને માટીના ઢગલાની જેમ ફસડાઈ પડ્યો,

‘નફ્ફટ! બહેનનું ઘર બરબાદ કરીને હજુ જીભાજોડી કરે છે!’

Related Posts
1 of 279

એણે ગુસ્સાથી ઉદયના ગાલ પર તમાચો ઠોકી દીધો અને બીજો તમાચો મારવા જાય ત્યાં કોઈએ એનો હાથ પાછળથી પકડી લીધો. કશિશને લાગ્યું કે મહેન્દ્રભાઈએ એનો હાથ પકડ્યો હશે એથી એ હાથ છોડાવતી બોલી,

‘પપ્પા તમે છોડી દો મને…તમને ખબર નથી આણે શું કર્યું છે..મને તમારી મિલકતમાં ભાગ ન મળે એ માટે મારી પાસે બ્લેન્ક પેપર પર સહી કરાવી છે…નાલાયક છે તમારો દીકરો!’

કશિશ આવેશથી ધ્રુજતી હતી. એણે ફરી ઉદય સામે હાથ ઉગામ્યો તો હવે જરા જોરથી એનો હાથ કોઈએ પકડ્યો. કશિશ ગુસ્સામાં પાછળ ફરી તો સામે ધ્યેય હતો.

‘કશિશ એને છોડી દે…આ કામ એણે નથી કર્યું.’ ધ્યેય દયાથી કશિશ સામે જોઈ રહ્યો. ગુસ્સા અને આવેશને કારણે એના ચહેરા પર અનેક રેખાઓ ખેંચાઈ ગઈ હતી. ચહેરા પરનો મૅકઅપ પસીનાને કારણે રેલાઈ રહ્યો હતો. એની હેરસ્ટાઇલમાંથી વાળ વિખેરાઈને ફેલાઈ ગયા હતા.

‘બસ, તું ય આવી ગયો એની વકીલાત કરવા…! તારી સાથે દોસ્તી કોણ વધુ નિભાવે છે, હું કે એ?’ કશિશ હવે પોતાની વિચારશક્તિ પર કાબૂ ગુમાવી બેઠી હતી! એ ઉદય તરફ ક્રોધથી જોઈ રહી હતી. ઉદય અવાચક હતો. એની નાની બહેને એને તમાચો માર્યો એનો આઘાત એના ચહેરા પર દેખાતો હતો.

‘આઇ હેટ યુ….આઇ હેટ યુ…હવે કદી મને તારો ચહેરો દેખાડતો નહીં. આજથી મારા માટે મારો ભાઈ મરી ગયો છે.’ કશિશ હવે હદ વટાવી ગઈ હતી. ધ્યેયે આગળ આવીને એને હાથમાં જકડી લીધી.

‘બસ કર…કિશુ! પ્લીઝ કન્ટ્રોલ યોર સેલ્ફ!’ ગુસ્સા અને આવેશમાં એ ધ્રૂજતી હતી.

‘મારો શાપ છે તને! તારું ધનોત-પનોત નીકળશે….જા…મર!’ આ શબ્દ કશિશ બોલી એ સાથે જ ધ્યેય ચિલ્લાયો,

‘સ્ટોપ ઇટ….જસ્ટ સ્ટોપ ઇટ…..આ કામ એનું નથી…મારું છે!’ ધ્યેયના શબ્દો કાન પર પડ્યા અને પોતે જે સાંભળ્યું છે તે સાચું ન હોય તેમ કશિશ એની સામે જોઈ રહી. એની આંખોમાં ભારોભાર અવિશ્વાસ હતો, જાણે ઉદયને બચાવવા માટે ધ્યેય આ આરોપ પોતાના માથે લઈ રહ્યો હશે તેવો શક એના ચહેરા પર દેખાતો હતો.

‘હું સાચંુ કહું છું. મેં જ પેપરમાં ન્યૂઝ મોકલ્યા હતા.’ ધ્યેય બોલ્યો. કશિશ આઘાતથી સ્તબ્ધ બનીને એને તાકી રહી. જાણે સમજાવવાની કોશિશ કરી રહી હતી કે ધ્યેય શું કહી રહ્યો છે. ના, ધ્યેય કદી આવું ન કરે. એનું હૃદય એ વાત સ્વીકારવાની ના પાડતું હતું, પણ ધ્યેયનો ચહેરો ચાડી ખાતો હતો કે એ સાચું કહી રહ્યો છે. બધાં એકમેકને તાકતા ચુપચાપ ઊભા હતા.

કૉફી હાઉસના વાતાવરણમાં ભારેખમ મૌન છવાઈ ગયું. ક્યારના બધું જોઈ રહેલા મહેન્દ્રભાઈ હવે આગળ વધીને કશિશ પાસે આવ્યા અને એને માથે હાથ મુક્યો, કશું કહે તે પહેલાં ઉદય એમની પાસે આવ્યો અને એમનો હાથ પકડીને રાધર ઘસડતો હોય તેમ એમને લઈ ગયો. જતાં-જતાં મહેન્દ્રભાઈ લાચાર નજરે કશિશ સામે તાકી રહ્યા. કશિશના આક્ષેપ અને વર્તનથી ક્ષુબ્ધ ઉદયે એની સામે જોયું જ નહીં. બંને જણા ગયા એટલે ધ્યેય ધીમેથી કશિશ પાસે આવ્યો. એને ચૅર પર બેસાડી. એ કશિશના પગ પાસે ગોઠણ વાળીને બેઠો. એના બંને હાથ પકડીને અને એની સામે જોઈ રહ્યો. કશિશ એની સામે જોવાના બદલે કશે શૂન્યમાં તાકી રહી હતી. ધ્યેય એને જોઈ રહ્યો. આવી હારી-થાકેલી કશિશને એણે કદી જોઈ નથી. એની નજરમાં માત્ર શૂન્યતા છે. કોઈ એવો આઘાત જે પચાવી જ ન શકાય.

‘પ્લીઝ, લુક એટ મી…કિશુ…પ્લીઝ!’ ધ્યેય બોલ્યો, પણ કશિશ એની સામે જોવાના બદલે એમ જ બેઠી રહી.

‘કિશુ…પ્લીઝ લિસન મી…લુક એટ મી…કિશુ!’ પણ કશિશે એની સામે જોયું નહીં. ધ્યેય નિઃસહાયતા અનુભવતો હતો. એણે કદી સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે એનું આવું પગલું કશિશની જિંદગીમાં ઊથલપાથલ મચાવી દેશે. બંને થોડીવાર એમ જ બેઠાં રહ્યાં. હવામાં બોઝિલતા હતી. ઉભડક પગે બેસીને હવે ધ્યેયના પગ દુઃખતા હતા, પણ તો ય એ એમ જ બેસી રહ્યો. આમ તો કેવી રીતે કશિશને એ છોડી શકે?

‘કિશુ…પ્લીઝ! લુક એટ મી! પ્લીઝ બિલિવ મી…મેં જે કર્યું તે તારા ફાયદા માટે કર્યું હતું. તારા સમ!’  થોડા સમય પછી ફરી ધ્યેય બોલ્યો. એટલે કશિશ પીગળી. એણે ધ્યેય તરફ નજર ફેરવી. ધ્યેય એની આંખમાં આંખ મેળવીને એ જોઈ રહ્યો. કશિશની આંખમાં અનેક સવાલ હતા.

‘તું જરા સ્વસ્થ થા…હું તને બધી વાત કરું!’ ધ્યેયે વેઇટરને ઇશારો કર્યો એટલે એ પાણી લઈને આવ્યો. કશિશ તરફ ધ્યેયે પાણીનો ગ્લાસ લંબાવ્યો. કશિશે કશી આનાકાની વિના પાણી પી લીધંુ. એટલે ધ્યેયે ઇશારાથી વેઇટર પાસે કૉફી મગાવી. ધ્યેયને ખાતરી હતી કે કશિશને કકડીને ભૂખ લાગી હશે, પણ આ બધી રામાયણમાં તો ભૂખ ક્યાંથી કશિશને યાદ આવે. એના માટે થઈને જ ધ્યેયે કૉફી મગાવી. કૉફી સર્વ થઈ ત્યાં સુધીમાં બંને જણા કશું પણ બોલ્યા વિના બેઠાં રહ્યાં. કશિશ તરફ ધ્યેયે કૉફીનો મગ લંબાવ્યો એટલે એણે કૉફી પીવા માંડી. સવારથી ફંક્શનની દોડાદોડીમાં એણે કશું ખાધુંપીધું ન હતું તે અત્યારે યાદ આવ્યું. એટલે જ કૉફી પીવાય ગયા પછી કશિશ હવે થોડી સ્વસ્થ દેખાતી હતી. ઘણીવાર ભરેલું પેટ માણસને સ્વસ્થતાથી વિચારવાની તાકાત આપે છે.

‘તારા કેસને મહત્ત્વ મળે તે વાત બહુ ઇમ્પોર્ટન્ટ હતી. જો આ રીતે કેસ ચાલશે તો વર્ષો નીકળી જશે. એટલે મેં વિચાર્યું કે આ કેસને હાઈપ મળે તે બહુ જરૃરી છે. જેથી કરીને મેં મીડિયામાં મેટર મોકલાવ્યું હતું. તારા કેસની વિગત આમ જનતા સુધી પહોંચે તો તને સપોર્ટ મળે જેથી કેસ વધુ મજબૂત બને. મીડિયામાં તારા કેસ વિશે ડિસ્કશન થાય અને આખા સમાજનું ધ્યાન આ નવીનતમ કેસ તરફ ખેંચવા માટે મેં તારું મેટર મારા ઓળખીતા એડિટરને મોકલ્યું હતું અને એને  અઠવાડિયા જેટલો સમય થઈ ગયો. બિલિવ મી, આઈ ડોન્ટ હેવ એની આઇડિયા કે તે લોકો આજે છાપશે. આઇ એમ સો સોરી ડિયર! સો સોરી!’ ધ્યેયે કશિશનો હાથ પોતાના માથે મુક્યો,

‘આપણી દોસ્તીની કસમ..મેં તારા ભલા માટે જ કર્યું હતંુ.’

ધ્યેયના અવાજમાં હડહડતી સચ્ચાઈ હતી. આજ સુધી એવી એક પણ ઘટના બંને વચ્ચે બની ન હતી કે જેને કારણે કશિશે ધ્યેય પર શંકા કરવી પડે. એ સાચો મિત્ર હતો. એના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય. બસ, આજે એનાથી ભૂલ થઈ ગઈ છે. એ વાત સાચી કે આ ભૂલના ઘસરકા કશિશના જીવન પર પડશે અને કદાચ આ સંબંધો પર કોતરાયેલા ઘસરકા મિટાવવા અઘરા પડશે, પણ તે માટે એ ધ્યેયની મિત્રતા પર શક કરી ન શકે.

‘હમમ….આઇ ટ્રસ્ટ યુ…પણ હવે શું કરવું? કૌશલને કેમ સમજાવવો?’ કશિશે સવાલ કર્યો. ધ્યેય સમજતો હતો જેટલી આસાનીથી કશિશ એના પર ભરોસો કરે છે તેટલો ભરોસો કૌશલને એના પર ન હોય તે સ્વાભાવિક છે, પણ પોતે ગમે તે રીતે આખી પરિસ્થિતિ કૌશલને સમજાવવાની ટ્રાય કરવી પડશે.

‘જો અત્યારે તું ઘરે જા….પછી કૌશલને આખી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર. ત્યાં સુધીમાં અહીં હું બધું વાઇન્ડઅપ કરાવીને તારા ઘરે આવું.’

‘ઓ.કે.’ કશિશે એની વાત માની લીધી. કશિશને ગાડી સુધી એ મૂકી આવ્યો અને પછી વેઇટરને બધું સમેટવા કહી દીધું.

* * *

Leave A Reply

Your email address will not be published.

Translate »