તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રદેશ વિશેષ – વોલ્ટાસ બેકો સાણંદ GIDCમાં રૂ. ૩૪૦ કરોડનું રોકાણ કરશે

ઊગતા સાહિત્યકારોને પ્લેટફોર્મ આપતું વૉટ્સઍપ ગ્રૂપ

0 172

પ્રદેશ વિશેષ

વોલ્ટાસ બેકો સાણંદ GIDCમાં રૂ. ૩૪૦ કરોડનું રોકાણ કરશે
તાતા એન્ટરપ્રાઇઝની વોલ્ટાસ લિમિટેડ સાણંદ જીઆઇડીસીમાં રૃ. ૩૪૦ કરોડનું મૂડી રોકાણ કરશે. વોલ્ટાસ તુર્કીની ઇન્ડસ્ટ્રિયલ અને સર્વિસીસ ગ્રૂપ સાથે સંયુક્ત સાહસ કરશે. જે એર્સેલિક એ.એસ., અરડચ બી.વી. વચ્ચેના સાહસ હેઠળ સ્થપાયેલી વોલ્ટબેક હોમ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિ. કંપની ઊભી કરશે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. અગાઉ આ સંયુક્ત સાહસની મે-૨૦૧૭માં જાહેરાત કરાઈ હતી. શનિવારે સાણંદ જીઆઇડીસી-૨માં ૬૦ એકર વિસ્તારમાં સ્થપાનારા પ્લાન્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં રેફ્રિજરેટર્સ અને વૉશિંગ મશીન સહિતનાં હોમ એપ્લાયન્સીસનું ઉત્પાદન થશે.

આ પ્રસંગે વોલ્ટાસ કંપનીના એમડી અને સીઇઓ પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે કંપની આગામી એક વર્ષમાં વ્યાપારી ધોરણે રેફ્રિજરેટર અને વૉશિંગ મશીનનું ઉત્પાદન શરૃ કરી દેશે. ત્યાર બાદ માઇક્રોવેવ ઓવન અને અન્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે. કંપની તેના આ ઉત્પાદન પ્લાન્ટમાં ૧,૦૦૦થી વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. દેશમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટ ૧૦થી ૧૨ ટકાના દરે વધી રહ્યું છે ત્યારે કંપની પણ માર્કેટ હિસ્સો વધારવાની નેમ ધરાવે છે. કંપનીના ડેપ્યુટી એમડી અનિલ જ્યોર્જે કહ્યું કે, મેઇક ઇન ઇન્ડિયાના ભાગરૃપે ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ અને ‘ગુડ ગવર્નન્સ’ના કારણે જ અમે ગુજરાત રાજ્ય ઉપર પસંદગી ઉતારી છે.
———–.

સામાન્ય કુટુંબના રવજીભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા
‘મારું વતન છે બગસરાથી ૧પ કિ.મી. દૂર હાલરિયા ગામ, નાનું એવંુ ગામ છે, મારા વતનના આ ગામમાં સરદાર પટેલ આવાસ યોજનાનું ક્વાર્ટર મને મળ્યું છે, તેમાં ૧૦ઠ૧૦ ઓરડી એક ૮ઠ૪નું રસોડું છે. તેમાં પરિવાર સાથે રહું છું અને અમે ખેતી કામ કરીએ છીએ. મારા પત્ની આજે પણ સિઝન હોય તો વાડીઓમાં કપાસ વીણવા જેવી છૂટક મજૂરીના કામે પણ જાય છેે. અમે ગામડામાં આનંદથી રહીએ છીએ.’ આ શબ્દો છે કોંગ્રેસ શાસિત અમરેલી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રવજીભાઈ વાઘેલાના. એક શ્રમજીવી પરિવારમાંથી જિલ્લાના એક સર્વોચ્ચ પદ પર તેઓ પહોંચ્યા છે. તેમને તેમના કામ પ્રત્યે ગૌરવ છે. તેઓ હંમેશાં માને છે કે રોજીરોટી માટે કરવામાં આવતું કોઈ કામ નાનું હોતું નથી અને રાજકારણ એ સેવાનું માધ્યમ છે. રવજીભાઈ વાઘેલા ‘અભિયાન’  સાથેની વાતચીતમાં નિખાલસતાથી કહે છે, ‘હાલરિયા ગામના આવાસ યોજનાના બે ઓરડીવાળા ક્વાર્ટરમાં હું વર્ષોથી રહું છું. મારી પાસે બે એકર જમીન છે. તેમાંથી એક એકરમાં ખેતી કામ કરીએ છીએ. મારા પત્ની દહિયાબહેન ખેતી કામ કરે છે અને ગામડે ખેતીની સિઝન હોય ત્યારે કપાસ વીણવા જેવા મજૂરીનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૃપ થાય છે. બે સંતાનો અભ્યાસ કરે છે. ગાડી ખરીદી શકાય તેવી આર્થિક ક્ષમતા નથી. બાઇક પર જઈને લોકોના કામ કરું છું.’
———–.

Related Posts
1 of 142

ઊગતા સાહિત્યકારોને પ્લેટફોર્મ આપતું વૉટ્સઍપ ગ્રૂપ
કચ્છના માનકૂવાના સાહિત્ય પ્રેમીએ એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું છે. જેના થકી તેઓ ઊગતા સાહિત્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ગ્રૂપ એટલું લોકપ્રિય બન્યું છે કે એક ગ્રૂપમાં સભ્ય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી બીજું ગ્રૂપ બનાવવું પડ્યું છે. ગ્રૂપના એડમિન જયદેવ જોષી ‘અહેસાસ’ જણાવે છે કે, ‘દોઢેક વર્ષથી હું ‘શબ્દોના ટહુકા’ નામે ગ્રૂપ ચલાવું છું. ગ્રૂપના સભ્ય ગમે તે લેખકની કૃતિ અન્યોને વાંચવા મોકલાવી શકે. ત્યાર બાદ મને સ્વરચિત કૃતિઓને પ્લેટફોર્મ આપવા ગ્રૂપ શરૃ કરવાનો વિચાર આવ્યો. આમ ‘શબ્દ શણગાર’ નામનું ગ્રૂપ અસ્તિત્વમાં આવ્યું. માત્ર કૃતિઓ મૂકવાથી લાંબો સમય સાહિત્યકારોનો રસ જળવાશે નહીં તેવું લાગતા તેમાં પ્રતિયોગિતાનું તત્ત્વ ઉમેર્યું. રોજ એક શબ્દ ગ્રૂપના સભ્યોને આપવાનો, જેને વણી લઈને સભ્યોએ સ્વરચિત ગદ્ય, પદ્ય- હાઈકુ, તાન્કા, મુક્તક, શાયરી, કવિતા, રમૂજી વાત, લઘુ વાર્તા, માર્મિક વાત, વ્યંગ, શોર્ટ એેન્ડ સ્વીટ સૂત્રાત્મક વાત જેવી મૌલિક કૃતિઓ મોકલવાની રહે છે. સભ્યોમાંથી જ રોજ નવા નિર્ણાયકો પસંદ કરાય છે. તે કૃતિઓ વાંચીને શ્રેષ્ઠ ત્રણ કૃતિઓ ઉપરાંત નવોદિત સૂરજ, બેસ્ટ ઓફ ધ ડે, એક્સ્ટ્રા ઓર્ડિનરી કૃતિ કે ગ્રૂપ ગૌરવના એવોર્ડ કૃતિઓને આપે છે.’ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ જાહેર થયેલી કૃતિઓમાંથી ચૂંટીને અમુક કૃતિઓનું એક પુસ્તક બહાર પાડવાની વિચારણા થઈ રહી છે. ગુજરાતી, હિન્દીના આ ગ્રુપની જેમ જ બીજું નવું ગ્રૂપ માત્ર કચ્છી સાહિત્ય કૃતિઓ માટે તૈયાર થઈ રહ્યું છે.
———–.

સોૈરાષ્ટ્ર યુનિ.ને કાયમી કુલપતિ મળતા નથી !
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીનો વહીવટ કથળી રહ્યો હોવાની ફરિયાદો સતત ઊઠતી રહી છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે સરકારને સોૈરાષ્ટ્ર યુનિવસિર્ટી માટે કાયમી કુલપતિ પણ મળતા નથી, ઈન્ચાર્જથી જ ગાડું ગબડાવવામાં આવે છે. સોૈરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ તરીકે ડૉ. પ્રતાપસિંહ ચોૈહાણની ટર્મ ચારેક મહિના પહેલાં પુરી થયા બાદ નવા કુલપતિની શોધ માટે સરકારે એક સર્ચ કમિટી બનાવી હતી. આ કમિટીની બેઠકો પણ મળી હતી, પણ તેમાં કાયમી કુલપતિનું નામ નક્કી કરી શકાયું ન હતંુ. અંતે સરકારે ડૉ. કમલ ડોડિયાને ઈન્ચાર્જ કુલપતિ તરીકેની નિયુક્તિ આપી દીધી હતી. તેમનો સમયગાળો આશરે ત્રણ મહિનાનો હતો. આ ત્રણ મહિના પુરા થઈ થવાના બાકી હતા ત્યારે સરકારે ફરી નવા કુલપતિની શોધ માટે સર્ચ કમિટીની રચના કરી હતી. આ કમિટીની બેઠક પણ મળી હતી. કાયમી કુલપતિનું નામ નક્કી થઈ શક્યું ન હતું. સરકારે ફરી એક વાર ડૉ. કમલ ડોડિયાના સ્થાને હોમ સાયન્સ વિભાગના વડા ડૉ.નીલામ્બરીબહેન દવેની ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂક કરતો ઓર્ડર કર્યો છે. આમ બબ્બે વાર ઈન્ચાર્જ કુલપતિને યુનિ.નો હવાલો સોંપવામાં આવ્યો છે. યુનિ.ના પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર પણ હાલ ઈન્ચાર્જમાં છે. આમ યુનિ.નો વહીવટ ઈન્ચાર્જ ધોરણે જ ચાલતો હોવાની નોબત આવી છે.
———–.

દર વર્ષે સમાજસેવા માટે સળંગ પંદર દિવસ !
છેલ્લાં ૧૦-૧૧ વર્ષથી સતત સમાજસેવા કરતાં કચ્છના સમાજસેવકે એક આગવી પ્રણાલિકા ઊભી કરી છે. કચ્છ પંચાયતમાં હેડક્લાર્ક તરીકે નોકરી કરતા ૪૯ વર્ષના શૈલેષભાઈ ભટ્ટ આમ તો સંસારી જીવ છે, પરંતુ વર્ષના ૧૫ દિવસ જાણે તેઓ સાધુજીવન ગાળે છે. તેઓ અખિલ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે. આચાર્ય રામ શર્માના સાહિત્ય અને તેમનાં પત્ની ભગવતીદેવી, પુત્રી શૈલબાળા પંડ્યા, જમાઈ ડો. પ્રણવ પંડ્યાના સત્સંગથી પ્રેરણા મેળવીને આચાર્યજીના આદર્શ મુજબ તેઓ વર્ષોથી સમયદાન કરે છે. કચ્છ અને આસપાસનાં ગામોમાં તેઓ શાળાની મુલાકાત લઈને વ્યસનમુક્તિ અંગે સમજાવે છે, તે માટેની પ્રદર્શની યોજે છે. દીવાલો પર સુવિચાર લખે છે. તેઓ જણાવે છે કે, ‘દર વર્ષે મારા ૧૫ દિવસના સમયદાન દરમિયાન હું ત્રણ અલગ-અલગ તાલુકાનાં ગામો પસંદ કરું છું. દરેક ગામમાં ૫-૫ દિવસ રહીને વ્યસનમુક્તિ વિશે સમજાવું તો છું જ ઉપરાંત મહિલા જાગૃતિ, સાધના, શિક્ષણનું મહત્ત્વ, સ્વાવલંબન, સ્વાસ્થ્ય અને કુરિવાજ નિવારણ જેવા વિષયો વિશે ગ્રામજનોને સમજ આપું છું. સાંજના સમાજઉપયોગી વાતોસભર પ્રજ્ઞાપુરાણની કથા કરું છું અને રાત્રીના ધર્મસભાનું આયોજન પણ કરું છું. જેમાં વૃક્ષારોપણ, પર્યાવરણ, પાણી બચાવો વગેરે વિશે પણ વાતો કરું છું.’ તેમની આ પ્રવૃત્તિને લોકો દ્વારા અંતઃકરણ પૂર્વક આવકારાય છે. તેઓ પોતાની નિવૃત્તિ પછી સંસારમાં રહીને પણ સંપૂર્ણ જીવન આવી જ સંસારોપયોગી પ્રવૃત્તિને સમર્પિત કરવા ઇચ્છે છે.
———–.

ખાને મેં ટ્વિસ્ટ ચાહીયે..તો બેલિફ કિચન જાઓ…
અમદાવાદીઓ ખાણીપીણી બાબતે દેશનાં અન્ય શહેરોના લોકો કરતાં ઘણા લિબરલ છે. એટલે જ અહીં ખાણીપીણીના બજારમાં સ્થાનિક વાનગીઓની સાથે દેશવિદેશની અનેક વાનગીઓ પીરસતી રેસ્ટોરાં ખૂલી રહી છે. એ બધાની વચ્ચે શહેરની પ્રખ્યાત કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ હોટલમાં દેશભરની પરંપરાગત અને સમકાલીન વાનગીઓનો પરફેક્ટ સમન્વય નવા શેફ મોહમ્મદ રાહીલ આગાએ કરી બતાવ્યો છે. અગાઉ જાણીતા શેફ સંજીવ કપૂર સાથે વર્ષો સુધી જોડાયેલા રહેલા આગાએ અહીં ફ્યુઝન ડાઇનિંગની શરૃઆત કરી છે. જેમાં તેમણે દેશના જુદા-જુદા વિસ્તારોની પ્રખ્યાત વાનગીઓમાં કેટલાક સ્વાદિષ્ટ ફેરફારો કરીને અગાઉ ક્યારેય સાંભળ્યા ન હોય તેવા કોમ્બિનેશન તૈયાર કર્યા છે. જેમ કે, દાલ શોરબા, અદરકી ધનિયા ચમન, ઢીંગરા કા ઢીંગરી, ઝાફરાની વર્કી પરાઠા, કુરકુરેવ મચ્છી, શિંઘાડા મખના પાલક વગેરે. નવા પ્રકારના આ મેનુ વિશે શેફ મોહમ્મદ રાહીલ આગા કહે છે, ‘અમદાવાદની નવી પેઢી દુનિયા સાથે અગાઉ કરતાં ઘણી ઝડપથી જોડાઈ રહી છે. તેઓ દુનિયાના ખૂણેખૂણેથી નવી વાનગીઓ ઇચ્છી રહી છે. ત્યારે એ દરેક વાનગીઓ તેમના સુધી પહોંચાડવા માટે મેં તેમની પસંદને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો કર્યા છે જે અમદાવાદી સ્વાદરસિકોને સરપ્રાઈઝ આપશે.’
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »