તમારા માટે, તમારી સાથે, સતત…

કેન્દ્રીય મંત્રીએ દત્તક લીધેલા ગામ માટે ફાળવેલી ગ્રાન્ટ ક્યાં ગઈ?

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના મઘરોલ ગામને દત્તક લીધેલું છે.

0 537

સંશય – હેતલ રાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક સાંસદને એક ગામ દત્તક લેવા માટે અનુરોધ કર્યાે હતો. આમ કરવા પાછળ ગામડાંઓમાં વિકાસ થાય તેવો ઉમદા હેતુ હતો. તેમની અપીલ બાદ સાંસદોએ દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં આવેલાં ગામ દત્તક પણ લીધાં હતાં. ગામડાંઓ સુધી વિકાસ પહોંચાડવાના આશયથી શરૃ કરવામાં આવેલા આ અભિયાનની વાસ્તવિક્તા એવી છે કે આજપર્યન્ત દત્તક લેવાયેલાં ગામો વિકાસથી વંચિત છે. આ ગામોમાં વિકાસના નામે કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો તો થયા છે, પરંતુ આવા દત્તક લેવાયેલા ગામમાં એક સંસ્થાએ કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાે હોવાની શંકાએ તંત્રએ આ સંસ્થા પાસેથી રૃપિયા પરત માગ્યાની નવી ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

ભારત ગામડાંઓનો બનેલો દેશ છે. દરેક ગામ સુધી સુવિધાઓ પહોંચે અને ગામમાં વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક સાંસદને એક ગામ દત્તક લેવાની અપીલ કરી હતી. તેમની આ અપીલને સાર્થક કરવા માટે સાંસદોએ પોતાની અનુકૂળતા પ્રમાણે ગામડાં દત્તક લેવાનો સિલસિલો શરૃ કર્યો હતો. જ્યારે સાંસદો દ્વારા ગામડાંઓ દત્તક લેવામાં આવ્યા ત્યારે દરેક ગામવાસીને લાગ્યું કે હવે આપણી દરેક જરૃરિયાતને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. આપણુ ગામ પણ વિકાસ કરશે, પણ કમનસીબે મોટા ભાગના કિસ્સાઓમાં ગામવાસીઓની આ આશા ઠગારી નિવડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે.

આ સાથે જ દરેક ગામને ડિજિટલ બનાવવાનું પ્રધાનમંત્રીનું સપનું સાકાર થશે કે કેમ તે પણ એક સવાલ છે. હકીકત એ છે કે, સાંસદોએ ગામડાંઓ દત્તક તો લીધાં, પરંતુ તેની શકલ બદલવાની તસ્દી નથી લીધી. એટલંુ જ નહીં, બેજવાબદાર મંડળીઓ અને સંસ્થાઓને ગામના વિકાસની જવાબદારી સોંપી દીધી. જેના વિપરીત પરિણામો આવ્યાં છે. સાંસદોની ગ્રાન્ટમાંથી નાણા તો ફાળવવામાં આવ્યા, પરંતુ તે નાણાનો ઉપયોગ જે-તે સંસ્થાએ પોતાનું ઘર ભરવા માટે કર્યો હોવાના આક્ષેપો થયા છે. બીજી તરફ ગામડાંઓની સ્થિતિ ઠેરની ઠેર જ રહી છે. આમાં નવી વાત બહાર આવી છે કે તંત્રએ કૌભાંડ થયાની આશંકાથી ગામના વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટ સંસ્થા પાસેથી પરત લેવાનો આદેશ કરવો પડ્યો છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના મઘરોલ ગામને દત્તક લીધેલું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા ગામના વિકાસ માટે કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ આ ગ્રાન્ટ ચાંઉ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં, પણ એકના એક સ્થળે બબ્બે વખત કામ કરવામાં આવ્યું છે. જે જગ્યા પર કામ થયાનો ઉલ્લેખ છે ત્યાં કામ પણ થયંુ નથી. આ તમામ વાતોની પુષ્ટી કરવા માટે ‘અભિયાને’ મઘરોલ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં પ્રવેશતાં જ મોટા અક્ષરોમાં ‘ડિજિટલ ગામ’ લખેલાં બોર્ડ નજરે પડ્યાં હતાં. ગામમાં આરસીસી રોડ હતો અને ગામનો ગેટ પણ આકર્ષક લાગતો હતો. પ્રથમ નજરે તો સાંભળેલી તમામ વાતો ખોટી લાગી, પણ હકીકત કંઈક અલગ હતી.

આઇસીઆઇસીઆઇ બેંકનાં બેનરો ગામમાં ઠેર-ઠેર લાગેલાં જોવા મળ્યાં. આ જોઈને પ્રથમ સવાલ તો એ થયો કે આ ગામને કેન્દ્રીય મંત્રીએ દત્તક લીધું છે કે આઇસીઆઇસીઆઇ બેંકે..? થોડે આગળ જતાં બીજું બોર્ડ જોવા મળ્યું, ‘સીસીટીવી કેમેરાથી સજ્જ ડિજિટલ ગામ’. ત્યારે લાગ્યું ચાલો કંઈક તો સારું કામ થયું છે, પરંતુ ગામ ફરવા છતાં ક્યાંય એકેય કેમેરો નજરે પડતો નહોતો. સીસીટીવી કેમેરા શોધવાની મારી ત્રણથી ચાર કલાકની મહેનત પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે ગામના કરશનભાઈ રોહિતે કહ્યંુ કે, ‘બહેન, સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ હતો, પરંતુ તે માત્ર કાગળ પૂરતો જ સીમિત બનીને રહ્યો છે. માટે તમે કેમેરા શોધવાની તસ્દી ન લેતાં. ગામમાં માત્ર સારા રસ્તા સિવાય કોઈ જ નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી.’ ગામમાં સુવિધાઓ ઊભી કરવા માટે ફાળવવામાં આવેલા કરોડો રૃપિયા ચાંઉ થઈ ગયા તે વાતનું ગ્રામજનોને દુઃખ હતું.

મઘરોલ ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની જાહેર હિતની અરજી કોંગ્રેસે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘સ્મૃતિ ઇરાનીના અંગત સચિવની લેખિત અને મૌખિક સૂચનાથી ખેડાની શારદા મજૂર કામદાર સહકારી મંડળીને ગામના વિકાસ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ જે કામો થયેલા બતાવવામાં આવ્યાં છે તે કામો થયા જ નથી.’

Related Posts
1 of 319

તંત્રએ જ્યારે આ વાતની તપાસ કરી ત્યારે ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ થયું. આ સંદર્ભે આણંદ ક્લેક્ટરે શારદા મજૂર કામદાર સહકારી મંડળીને ફાળવવામાં આવેલા રૃપિયા ૧૮ ટકા વ્યાજ સાથે પરત કરવા જણાવ્યંુ છે. મઘરોલ ગામ માટે ફાળવવામાં આવેલી રકમમાંથી મૂળ રકમ ૨,૯૫,૮૫,૯૨૧ કરોડ રૃપિયા ૧૮ ટકા વ્યાજ સાથે એટલે કે ૪,૦૮,૪૩,૦૪૦ રૃપિયા શારદા મજૂર કામદાર સહકારી મંડળીને પરત કરવાનો આદેશ કલેક્ટરે ફેબ્રુઆરી ૨૦૧૮માં કર્યો હતો, પરંતુ આજદિન સુધી મંડળીએ પૈસા પરત કર્યા નથી.

આ વિશે આણંદના કલેક્ટર દિલીપકુમાર રાણાએ કહ્યું કે, ‘મઘરોલ ગામનાં કામોને લઈને વિવાદ થયો હતો. માટે નાણાની રિકવરીનો પ્રશ્ન ઊભો થયો હતો. હાલમાં તેની પ્રોસેસ ચાલી રહી છે. હજુ સુધી નાણાની રિકવરી થઈ નથી.’ જોકે કયા કામો અટવાયાં  છે તેની માહિતી આપવામાં કલેક્ટરને બિલકુલ રસ નહોતો.

ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ કનુભાઈ ડાભી કહે છે, ‘ગામમાં સ્મશાન, પ્રાથમિક સુવિધા, પાણી, શૌચાલયો, ક્રિકેટનું મેદાન, કોમ્યુનિટી હૉલ જેવા અનેક કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. અમુક કામ થયાં છે, પરંતુ શૌચાલયો એવી જગ્યાએ બનાવવામાં આવ્યાં છે જેનો ઉપયોગ મહિલાઓ કરી જ ન શકે. ક્રિકેટનું મેદાન બનાવવામાં તો પેટ ભરીને નાણા લીધા છે. આજે તે મેદાનમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળી છે. મેદાનમાં રમવાનું તો દૂર, પણ ત્યાં જવા માટે પણ રસ્તો નથી. ક્રિકેટનું મેદાન પેવેલિયમ સાથેનું હોય, પરંતુ અહીં તો માત્ર ક્રિકેટ મેદાન એવું બોર્ડ જ લટકાવી દેવામાં આવ્યું છે. મેદાન બનાવવાના બહાને વારંવાર પૈસા ચાંઉ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબલેટ આપવાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ ગામમાં તો પ્રોજેક્ટર પણ નથી આવ્યંુ. આવા તો કેટલાંય એવાં કામો છે જે માત્ર કાગળ પર થયાં છે.’

આ વિશે વાત કરતાં સ્થાનિક ન્યાય સમિતિના ચૅરમેન અને પંચાયતના સભ્ય રોહિત નરસિંહભાઈએ કહ્યંુ કે, ‘સુવિધાના નામે ગામમાં માત્ર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. સારવાર માટે આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ ડૉક્ટર અઠવાડિયામાં બે વખત આવે છે અને થોડીવાર રોકાઈને ચાલ્યા જાય છે. ઇમરજન્સીમાં ડૉક્ટરની જરૃર પડે તો અહીં કોઈ જ વ્યવસ્થા નથી. દવાનો એક પણ સ્ટોર આ ગામમાં નથી. ગામમાં કોઈ જ રોજગારી નથી. કેનાલ તો બનાવવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેમાં પાણી આવ્યું નથી. આથી ખેતી કરવાનો જટિલ પ્રશ્ન છે.

બાળકોને અભ્યાસ માટે આજુબાજુનાં ગામોમાં જવું પડે છે, કારણ કે જે શાળા છે તે ખાનગી છે અને તેની ફી ભરીને ગામના ગરીબ બાળકોને ત્યાં અભ્યાસ કરવા મોકલવાની હેસિયત નથી. માંડ રોટલો રળતા મા-બાપ બાળકના અભ્યાસ માટે ફી કેવી રીતે ભરે. ગામમાં શૌચાલય બનાવવાની વાતો થઈ હતી, પરંતુ હજુ સુધી જરૃરિયાત પ્રમાણે શૌચાલયો બન્યાં જ નથી. ગામના સ્મશાનમાં લાઇનસર શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. જેનો ઉપયોગ કોઈ જ કરતું નથી. આજે તે શૌચાલયો પણ બિનઉપયોગી ખંડેર હાલતમાં પડ્યા છે.’

ગામનાં વડીલ ગંગાબા કહે છે, ‘જ્યારે સ્મૃતિબહેને ગામને દત્તક લીધું ત્યારે ગામની કિસ્મત બદલાઈ જશે તેવંુ લાગતંુ હતું, પરંતુ ગામમાં કામો કરવાની ગ્રાન્ટમાં જ કૌભાંડ થયા છે. અમે તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છીએ. અમે જેમ મુશ્કેલીઓનો સામનો કર્યો તેવી જ તકલીફો અમારા બાળકોને ભોગવવી પડે છે.’

ગેરરીતિ આચરવા બદલ કોઈ મંડળી પાસેથી કામના નાણા પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. આ ઓર્ડર ગત ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યો હતો. જુલાઈ મહિનો શરૃ થઈ ગયો છે છતાં હજુ સુધી શારદા મજૂર કામદાર સહકારી મંડળીએ રૃપિયા જમા કર્યા નથી. આ નાણા ખરેખર પરત આવશે..? ગામલોકોની જરૃરિયાતો પૂર્ણ થશે..? ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા મહેનત કરી રહેલા પ્રધાનમંત્રીના પ્રયાસોને આવા અવરોધો સફળ થવા દેશે કે કેમ તે એક સવાલ છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »