– ભૂમિકા ત્રિવેદી
કેટલીક વાર આપણે લોકોને જમ્યા બાદ ફ્રૂટ ખાતા કે રાત્રે સૂતી વખતે ડ્રાયફ્રૂટ ખાતા જોયા હશે. પરંતુ હેલ્ધી ફૂડ ખાવાનો પણ એક સમય હોય છે. તો અને તો જ તમને તેના ગુણોનો લાભ મળી શકે. પહેલાંના સમયમાં આ બધી વસ્તુઓનું ખૂબ જ મહત્ત્વ હતું અને એટલે જ લોકો વધારે હેલ્ધી હતા. પહેલાંના નિયમો એવા જીવનશૈલી સાથે વણાઈ ગયા હતા તેથી તે અઘરા પણ લાગતા ન હતા. કેટલાક ફૂડ વિશે અને તેને ખાવાના યોગ્ય સમય વિશે જાણીએ.
સફરજન ઃ સવારે ઊઠીને એક સફરજન ખાવાની આદત ખૂબ જ હેલ્ધી છે. જોકે સફરજન ત્યારે જ ખાવા જ્યારે તેની સિઝન હોય. સફરજનમાં રહેલો ઓર્ગેનિક એસિડ પેટમાં એસિડની માત્રા વધારે છે તેથી જો તે સાંજના સમયે ખાવામાં આવે તો તેમાં રહેલા પેક્ટિકનું પાચન કરવું અઘરું પડી જાય છે. રાત્રે ફળોનું પાચન અઘરું છે.
કેળંુ ઃ બપોરના સમયે કેળું ખાવામાં આવે તો શરીરનો વધારાનો એસિડ શાંત થાય છે. કેળંુ બપોરે જમ્યા બાદ ચારેક વાગ્યાની આસપાસ ખાવંુ ઉત્તમ ગણાશે. કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કર્યા પહેલાં કે પછી કેળું ખાઈ શકો છો. ખાલી પેટે કેળાં ભારે પડી શકે. કેમ કે તેમાં રહેલું મેગ્નેશિયમ પચાવવું અઘરું છે.
દહીં ઃ દહીં અત્યંત હેલ્ધી પદાર્થ છે, પરંતુ તેનો ખાવાનો સમય દિવસનો છે. સવારે નાસ્તા સાથે કે બપોરે જમતી વખતે દહીં લઈ શકાય છે. દહીં આ સમયે ખાવાથી પાચનને બળ મળે છે. સારા અને ઉપયોગી બેક્ટેરિયામાં વધારો થાય છે. દહીં રાત્રે ન ખાવું. જે લોકોને કફનો પ્રોબ્લેમ હોય અને મેદસ્વી હોય તેવા લોકોએ તો રાત્રે દહીં ભૂલેચૂકે ન ખાવંુ.
ભાત ઃ ભાતનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે તેથી તેને પચવા માટે સમય મળે તે જરૃરી છે. વ્યક્તિનું મેટાબોલિઝમ બપોરના સમયે સૌથી વધુ સ્ટ્રોંગ હોય છે. આ સમયે ભાત ખાઈએ તો તેનું પૂરું પોષણ મળે છે. રાત્રે ભાત ખાવા ભારે પડી શકે છે. રાત્રે ભાત ખાઈએ ત્યારે મળેલી એનર્જી કામ લાગતી નથી. તેમાં ફેટ જમા થવાની શક્યતાઓ વધી જાય છે. ખીચડીના ફોર્મમાં ખાઈ શકાય, પરંતુ સાંજે સાત પહેલાં.
ખાંડ ઃ શુગરમાં રહેલી એનર્જી પચાવવી જરૃરી છે, એટલે કે એને વાપરવી જરૃરી છે. આપણે દિવસ દરમિયાન વધુ એનર્જીની જરૃર પડે છે તેથી સવારના સમયમાં બે ચમચી ખાંડ લઈ લીધી તો તકલીફ થવાની શક્યતા નહીંવત્ છે. શુગરની એનર્જી રાત્રે વાપરી શકાતી નથી તેથી તે ફેટમાં પરિણમે છે. દૂધમાં શુગર ચાલી જાય પણ કોઈ મીઠાઈ કે બર્થ-ડે કેક રાત્રે ન ખાવી. તેનાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે.
ડ્રાયફ્રૂટ્સ ઃ કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ અત્યંત હેલ્ધી હોય છે, પરંતુ એ ધ્યાન રાખવું કે તે પચવામાં ભારે હોય છે. સવારે ઊઠીને પલાળેલા અખરોટ ખાવ તો તેમાં રહેલું ઓમેગા ૩ ફેટી એસિડ શરીરને સીધું ઓબ્ઝર્વ કરવામાં સરળતા રહે છે. અખરોટ કે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ રાત્રે ન ખાવા. કેમ કે તે પચવામાં ભારે હોય છે.
દાળ અને કઠોળ ઃ દાળ અને કઠોળ મોટા ભાગે બપોરે જ ખાવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે પ્રોટીનનો રિચ સોર્સ છે. આપણા શરીરમાં પ્રોટીન આવશ્યક છે. સવારે ઊઠીને તરત દાળ કે કઠોળ ખાવા ભારે પડી શકે છે એ જ રીતે રાત્રે કઠોળ કે દાળ ખાવામાં આવે તો તે પચી શકતા નથી.
————————–