તમારા માટે, તમારી સાથે, સતત…

સંગીત એ માત્ર ગૂઢ નહીં, થોડી ઘણી ગુપ્ત ભાષા છે

ભારતીય શાસ્ત્રોએ અવાજને પરમ તત્ત્વ જાહેર કર્યું છે.

0 81

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

સાજિંદા, સજાવટ ‘ને સાજ છે, પરંતુ નવતર સ્વાદ ક્યાં છે
સંગીત પામે એ જાણે વાજું વજાવે, એ સિવાય નાદ ક્યાં છે

સરગમ એટલે ભીતર ગમનું સરોવર ભરી દે કે ભીતરના ગમને સરાવી દે એવો અર્થ કોઈ વૉટસઍપના મેસેજમાં આવી શકે છે. વાસ્તવમાં સપ્તકના સાત સ્વરના પહેલાં ચાર અક્ષરથી એ શબ્દ બન્યો છે. સા = બક્ષિસ આપવી. શેની? ષડજ અર્થાત્ છ સૂરની. દત્તિલ મીન્સ જે દત્તમાં ભળી જાય છે તે મુનિએ રચેલા ‘દત્તિલમ’ પુસ્તકમાં ભારતીય સંગીતની પાયાની તેમ જ રોચક માહિતી છે. ‘સા’ એ સરસ્વતીના મોરનો શબ્દ છે. પૃથ્વીથી નજીક એવા બુધ ગ્રહ ‘ને લીલા રંગ સાથે સંબંધિત. ‘રે’ રિષભ/ઋષભના ભાંભરાટને લઈને ‘મહા’નું સૂચન કરે છે. યસ, મંગળ ‘ને લાલ. ‘ગ’ ફોર ગાંધાર. બકરીનું મિમિયાણુ, સૂર્ય, સુવર્ણ. ‘મ’ એટલે ચંદ્ર. હા, ‘મા’માં છે એ જ મ. માતા એટલે એ ચંદ્રની શક્તિ જે અંધકારનું હરણ કરે છે. બગલો/ક્રૌંચ. બગલાને હૃદયાત્મન પણ કહેવાય છે! મધ્યમ ‘ને પીળી ઝાંયવાળો શ્વેત રંગ. ‘પ’ = પિકસ્વરા. ‘દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ સૂર મેં ગૂંગા બોલે’. સ્વાભાવિક રીતે શનિ ગ્રહ ‘ને ઘટ્ટ ભૂરો યા શ્યામ રંગ. બ્લેક ડ્રોંગો ‘ને કાગડો પણ યાદ આવે. ત્યાર બાદ આવે ધૈવતનો ‘ધ’. ઉચ્ચેર્ઘોષ. અશ્વક્રંદ. બૃહસ્પતિ, હારિદ્રક. લાસ્ટલિ, નિષાદ. શુક્ર, વિવિધવર્ણી.

Related Posts
1 of 25

ઘણાને પ્રશ્ન થાય કે શું ભારતીય શાસ્ત્રીય સંગીત એ જ ખરું સંગીત? સંગીત અંગેના ભારતીય શાસ્ત્રનો સૂર જો બરાબર પામીએ તો જવાબ ‘ના’ આવે. સંગીત અને અવાજમાં ફરક છે એની ના નથી, પરંતુ ભારતીય શાસ્ત્રોએ અવાજને પરમ તત્ત્વ જાહેર કર્યું છે. સંગીતના જાણકારો કોઈ પણ ગુસપુસ કે દેકારાને સારેગામામાં ગોઠવી શકે. સંગીતના પ્રશિક્ષકો તેમના વિદ્યાર્થીઓને કહેતાં હોય છે કે છાપામાં આવેલા સમાચાર પણ તમે ગાઈ શકવા જોઈએ! આપણને અનુભવ છે કે ટીવીમાં ખબરોનું પઠન કરનારા વિશિષ્ટ આરોહ-અવરોહ દ્વારા અમુક વખતે સેન્સેશન સર્જે છે. ‘પ્રેમ નામ હૈ મેરા’ એવું પ્રેમ ચોપરા બોલતા કે ચંદ્રગુપ્ત સિરિયલમાં ધનનંદ બનેલા સૂરજ થાપર એમના સંવાદમાં શરૃ, મધ્ય કે ખાસ કરીને અંતમાં ‘થાથાથૈથૈ’ જેવો કોઈ સ્વરસમાસ જોડતાં ત્યારે પ્રેક્ષકના માત્ર કર્ણ પર નહીં, અસર મન-મગજમાં પણ થતી. પશ્ચિમના સંશોધનમાં નોંધાયું છે કે વૉશિંગ-મશીનના અવાજમાં બાળકને સરસ ઊંઘ આવે છે. ‘પુષ્પક’ મૂવીમાં હીરો ફાઇવસ્ટારમાં શાંતિથી સૂવા પોતાના નિવાસસ્થાન એવી ચાલીની આસપાસનો અવાજ રેકોર્ડ કરી લાવે છે. બસ-ટ્રેનના કે ઘરના પંખાના રોજિંદા અવાજમાં ઘણાને ગાઢ નિદ્રા આવે છે. સંગીત વિશ્વ-ભાષા છે એમાં કોઈ શંકા નથી, છતાં ક્યારેક એવું સ્પષ્ટ જણાય છે કે એ ભાષા માત્ર ગૂઢ નહીં, થોડી ઘણી ગુપ્ત પણ છે.

ઑક્ટોબર ‘૮૧માં સંગીત રચના, સંગીત પત્રકારત્વ ‘ને ઉત્સવના આયોજનનું કામ કરનાર મૌરિસ ફ્લ્યૂરેટ ફ્રાન્સના કલ્ચર મિનિસ્ટર જેક લેંગની વિનંતી સ્વીકારીને સંગીત તથા નૃત્ય વિભાગના ડાયરેક્ટર બને છે. તેઓનો અભિગમ હોય છે- સર્વત્ર સંગીત, સંગીતના ધંધાદારી કાર્યક્રમ કશે નહીં. ‘૮૨માં થયેલા એક અભ્યાસ થકી તેમણે ફ્રેન્ચ લોકોના સાંસ્કૃતિક વલણ અંગે જાણ્યું કે બે ફ્રેન્ચ બાળકમાંથી એક કોઈનું કોઈ સંગીતવાદ્ય વગાડી જાણે છે અને મૌરિસ સ્વપ્ન જોવા લાગ્યા કે તમામ ફ્રેન્ચ લોકો શેરીઓમાં ઊતરી આવ્યા છે, સંગીત માણવા. અંતે ‘૮૨ સર્વપ્રથમ ‘ફેટે દે લા મ્યુઝિક’ નામક ઉત્સવનો પ્રારંભ થયો. આજે વિશ્વના સવા સો જેટલા દેશના સાતસો આસપાસ શહેરમાં એ ઉત્સવ ઊજવાય છે. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય કે વિશ્વ સંગીત દિન કહેવાય છે, પરંતુ ફ્રાન્સમાં તો ખૂણેખાંચરે લોકો આખી રાત પણ સંગીત ઘેલા થાય છે. જ્યાં જુઓ ત્યાં ફ્રી પબ્લિક કોન્સર્ટ. ઉત્સવનો મુખ્ય એક હેતુ શોખ ખાતર સંગીતને પ્રેમ કરતાં અવેતન કલાકારને ઉત્તેજન આપવાનો છે. નિયમ છે કે તમામ કાર્યક્રમમાં પ્રોફેશનલ સંગીતકારોએ પણ પોતાનો સમય વિના કિંમતે આપવાનો ‘ને કોઈ કાર્યક્રમ પ્રાઇવેટ કે સિલેક્ટેડ લોકો માટે કે ટિકિટ વેચીને ના થઈ શકે.

સંગીતની કોઈ સરહદ નથી હોતી. સ્ટ્રીટમાં પરફોર્મ કરીને ચાહના મેળવનાર કે પેટ ભરનાર કોઈ ગોરા યા ગોરીના ફોટા કે વીડિયો તમે પણ જોયા હશે. વર્ષો પહેલાં પેઇન્ટની એક ફેમસ કંપનીની ઍડ્.માં દીવાલ રંગનારાઓ પેઇન્ટના ડબ્બાઓ વગાડે છે. યુ-ટ્યૂબ પર સાચેસચ ડબલાં-ડબ્બા વગાડનારના વીડિયોને ૯ આંકડામાં વ્યૂ મળેલા છે. ‘પતિ-પત્ની ઔર વોહ’નું રવિન્દ્ર જૈન દ્વારા સંગીતબદ્ધ એવું ‘યે બાલદી ઊઠાઓ, ઢોલક ઈસે બનાઓ’ ગીત કદાચ તમને યાદ હશે. સંગીત એ પુસ્તકોએ કે મહારથીઓએ શેરો મારેલા વાદ્યનું મહોતાજ નથી. કૂકરી શૉ ‘ટર્બન તડકા’ ફેમ શેફ હરપાલસિંઘના મતે તડકા ઉર્ફે વઘારનો ધ્વનિ એમના મનને સંગીત લાગે છે. સંગીત માણનારાએ ભેગાં થઈને ‘મેરી હેડ એ લિટલ લેમ્બ’ એકથી વધુ કારના હોર્નથી બજાવ્યું છે. સૌથી પ્રથમ ગીત સીરિયામાં રચાયેલું એવો દાવો હમણાં ભલે થયો હોય, શક્યતા છે કે ઇન્સાન બોલવા-લખવાની ભાષા શીખ્યો એ પહેલાં અર્થ વિનાના અક્ષર-શબ્દથી ગાતા શીખ્યો હશે. આફ્ટર ઓલ, મ્યુઝિક અર્થ અને અન્ડરસ્ટેન્ડિંગથી ઉપર વહેતી મર્માવલિ ‘ને નાદવલ્લી છે.

—-   વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો   —-

Leave A Reply

Your email address will not be published.

Translate »