તમારા માટે, તમારી સાથે, સતત…

આંદામાન કારાગારને પણ દેશપ્રેમથી ઝંકૃત કર્યું!

લખવા માટે કાગળ નહીં, કલમ નહીં. વાંચવા કોઈ પુસ્તક નહીં. અખબારો પણ નહીં.

0 80

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

અસીમિત રાષ્ટ્રપ્રેમને કેટલાક લોકો સહન કરી શકતા નથી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રાંતિની સામ્યવાદ પ્રેરિત ભ્રમણામાં જીવનારા ડાબેરીઓ અને તેને અનુસરવામાં પ્રગતિવાદી હોવાની આત્મવંચના કરનારા બીજા કેટલાક.

સાવરકરની દેશપ્રીતિને આવા નકારવાદીઓએ માન્ય કરી નહીં અને પારાવારની યાતના ભોગવનારા સમગ્ર પરિવારના તેજનક્ષત્ર વિનાયકરાવ માટે તો એવો અપપ્રચાર કરાયો કે તેમણે આંદામાનની જેલમાંથી છૂટવા માટે માફી માગી હતી અને બીજા કેટલાકે તો વળી આ પ્રચંડ દેશભક્તે હિન્દુસ્તાનના વિભાજનને સ્વીકાર્યું હતું એવું પણ સંશોધનકર્યું છે! બંનેમાં સંદર્ભને સમજ્યા વિનાની, અધૂરી ધારણા છે, નિરર્થક આક્ષેપ છે. સાવરકર હતા મહારાષ્ટ્રના શિવાજી મહારાજની કેડી પરના હિન્દવી સામ્રાજ્યના મુસાફર. તેમણે અંગ્રેજ સરકારની માફી નહોતી માગી, તત્કાલીન સંઘર્ષમાં પ્રજાને દૂરદૃષ્ટા ક્રાંતિકારોની જરૃર હતી, માર્ગદર્શન જોઈતું હતું તે માટે તેમણે અપીલ કરી હતી. ગાંધી-ઈરવિન કરાર વખતે સત્યાગ્રહી અસહકારવાદીઓને જે રીતે છોડવામાં આવ્યા તેવું જ આંદામાનસ્થિત અને અન્યત્ર જેલવાસી ક્રાંતિકારોને મુક્ત કરવામાં આવે તો સ્વ-રાજની શતરંજમાં ગાંધીજી અને કોંગ્રેસ પરાસ્ત થયા તેવું ના બન્યું હોત.

૧૯૪૩માં શિવરામપંત લ.કરંદીકરે બેરિસ્ટર સાવરકર ચરિત્ર (કથન)પુસ્તક લખ્યું તે વિગતસભર અને મૂલ્યાંકન સાથેનું છે. દસ રૃપિયાની કિંમતમાં પુસ્તકનો ગુજરાતી અનુવાદ અનંત ગોવિંદ ભાગવતે કર્યો હતો. છોટુભાઈ પુરાણીને -જેમણે ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિથી યુવાનોમાં શક્તિ સંવર્ધન કરાવ્યું -ને આ પુસ્તક અર્પણ કરાયું છે. તેની ૩૪ પાનાંની વિગતસમૃદ્ધ પ્રસ્તાવના લખી છે. ખરા મૂલ્યાંકન માટે આ પ્રકારનાં પુસ્તકો વાંચવા જોઈએ. (આ અલભ્ય પુસ્તક મને રાજકોટ નિવાસી અભ્યાસી મનસુખલાલ છાપિયાએ સ્નેહપૂર્વક ભેટ આપ્યું.) તેને પણ પાંચ-સાત વર્ષ થયાં. હમણાં એક સંદર્ભ માટે સંપૂર્ણ વાંચ્યું ત્યારે જ ખબર પડી કે મણિશંકર અય્યરથી માંડીને જે લોકોએ દુપ્રચાર કર્યો અને આંદામાનમાંથી તેમની પટ્ટિકા કાઢી નાખવા જણાવ્યું, તે કેટલા ગલત છે.

આંદામાનમાં બીજા ક્રાંતિકારો અને સાવરકર ઃ એ ભૂમિકાએ એ દિવસોને સમજવા-જાણવા જોઈએ. આંદામાનનો મુખ્ય હિસ્સો પોર્ટ બ્લેઅરગણાતો, તેના રાસટાપુ પર ચીફ કમિશનરનો બંગલો હતો, તે હોય ત્યાં સુધી યુનિયન જેકનો ઝંડો ફરકતો રહે. માઉન્ટ હેરિયર પર્વત પર બીજા સરકારી બંગલા હતા. એક લશ્કરી છાવણી રાખવામાં આવેલી જેથી જેલમાં તોફાન થાય તો દબાવી દેવામાં આવે. એ વર્ષોમાં (૧૯૧૧) ચીફ કમિશનર કર્નલ બ્રાઉનિંગ, સુપરિ. કેપ્ટન મૂર અને જેલ સુપરિ. કુખ્યાત બારી હતા. આંદામાનમાં કોટની અંદર એકસરખી ત્રણ મજલાની સાત ઇમારતો, વચ્ચે એક સ્ટ્રેલ ટાવરનામે ઇમારત. સાવકરને ત્યાં લાવવામાં આવ્યા ત્યારે ૧૮પ૭ના વિપ્લવનો એક કેદી પણ જીવિત હતો. તેને ૬૦ વર્ષની સજા થઈ હતી. વાસુદેવ બળવંત ફડકેના બે સાથીદારો,

ગણેશપંત સાવરકર, બારીન્દુકુમાર ઘોષ, ઉલ્લાસકર દત્ત, હૃષિકેશ, કાંજીલાલ, ઇન્દુ ભૂષણ રાય, વિભૂતિ ભૂષણ સરકાર, નંદગોપાળ (જે સ્વરાજ્ય પતન અખબારના તંત્રી હતા.) જેવા ક્રાંતિકારોને અહીં કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. સાવરકરનો તેમાં ઉમેરો થયો. કોલકાતાથી એક અધિકારીને વિગતો મેળવવા મોકલવામાં આવ્યો તો તેણે નોંધ કરી કે આ રાજકીય કેદીઓની પાસે માત્ર કાથી જ કુટાવવામાં આવે છે, બીજી સજા પણ કરવી જોઈએ. એટલે ઘાણીમાંથી તેલ કાઢવાનું કામ ઉમેરવામાં આવ્યું. ૪ જુલાઈ, ૧૯૧૧. મહારાજાબોટમાંથી સાવરકરને આંદામાન લઈ જવાયા ત્યારે પગમાં બેડી હતી. ધીમા ડગલે ચાલ્યા તો પોલીસે ત્રાડ નાખી ઃ ઉઠાવ બિસ્તર! જલદી ચલો. બારી સાબ આતા હૈ… બારી આવ્યો. મૂળ આઇરિશ ઓફિસર. લાલચોળ મોં, મોટી આંખો, ચીબું નાક, ભરાવદાર મૂછો અને ગોળમટોળ ફાંદ! એક દીકરી કેથેરિન, ને એક ટૂંકા પગેથી ચાલતી પત્ની, એ તેનો સંસાર, પણ આંદામાનમાં તેની હાક વાગતી.

બારીએ શું કહ્યું, તેમને? ‘જુઓ હું અંગ્રેજ નથી, આઇરિશ છું. જુવાનીમાં મેં પણ આઇરિશ સ્વાતંત્ર્ય જંગમાં ભાગ લીધો હતો. હવે સમજો. હું વૃદ્ધ છું. તમે જુવાન! હું એક અશિક્ષિત જેલર છું, તમે બેરિસ્ટર, પણ હત્યાથી કોઈ દેશને સ્વાતંત્ર્ય મળ્યંું નથી. સાવરકર ઃ આ ઉપદેશ તમે સ્વાતંત્ર્યલડત કરતા સિન્ફિન્સ પક્ષને કેમ ન આપ્યો? અને મને હત્યા પસંદ છે એવું તમને કોણે કહ્યુંબારી ઃ તમારી સાથે રાજકારણની ચર્ચા કરીને નિયમ ભંગ કર્યો, પણ મને તમારી સહાનુભૂતિ થઈ એટલે કહ્યું. મારે તો એટલું જ જોવાનું છે કે જેલના નિયમો બરાબર પાળો છો કે નહીં? ભાગી જવાની કોશિશ કરશો તો આસપાસ જંગલી પ્રજા વસે છે, એ તમારા જેવા કુમળા આદમીને કરડીને ખાઈ જશે.

સાવરકર ઃ હું જાણું છું. પોર્ટ બ્લેઅર એ માર્સેલ્સ બંદર નથી!

તેમને સાતમા નંબરની ત્રીજા મજલાની ઓરડીમાં પૂરવામાં આવ્યા. ત્યાં ત્રણ બદમાશ વોર્ડરો ચોકી પહેરા માટે રાખવામાં આવ્યા. બીજા દિવસે બારી અને તેના અંગ્રેજ મિત્રોએ આવીને સાવરકરે લખેલા ૧૮પ૭ના વિપ્લવનાં પુસ્તકો વિષે ચર્ચા કરી! અંગ્રેજોના વિપ્લવીઓ વિશેનાં ગેરમંતવ્યોનો યે રદિયો આપ્યો.

લખવા માટે કાગળ નહીં, કલમ નહીં. વાંચવા કોઈ પુસ્તક નહીં. અખબારો પણ નહીં.

આ એકાંતે સાવરકરે એક મહાકાવ્ય લખ્યું ઃ કમલા‘. તેને યાદ રાખીને તેનું પઠન કરતા. જનમટીપ ભોગવતા એક બીજા સંપાદકે તે પોતાને કંઠસ્થ કરી લીધું અને જેલ બહાર આવ્યા ત્યારે પ્રકાશિત થયું!

આગમનના થોડા દિવસો પછી કામ લેવાની શરૃઆત થઈ. નાળિયેરો છોલવાં, ફોડવાં, પાણી પીપડામાં ભરવું, કાચલીને ખમણવી, કોપરાના કટકા કરવા. ર૦૦ કેદી ત્યાં હાજર હતા. એક મહિનો સાવરકરે આ કામ કર્યું. હાથ લોહીલુહાણ થાય પણ કામ અટકાવવાની મનાઈ. પછી કાથી કૂટવાનું કામ સોંપાયું. મોટાભાઈને ઘાણીની સજા હતી તેમાં આધાશીશી અને મરડો થઈ ગયા. ભૂપેન્દ્રનાથ બેનરજીએ લખેલાં સ્મરણોમાં તેની વિગતો છે ઃ

Related Posts
1 of 88

ઉલ્હાસકર (ક્રાંતિકાર)ને રાઈનું તેલ કાઢવાની ઘાણીએ જોતરવામાં આવ્યો હતો. આ બધાને (હેમચંદ્ર, ઇન્દુ ભૂષણ વગેરે સહિત) રોજનું ત્રીસ શેર તેલ કાઢવાની ફરજ પાડવામાં આવતી. ખભા પર સવા ત્રણ કોપરાંની વાટકીઓ અને હાથમાં ડોલ લઈને ચક્કર મારવાના આવે. આઠ કલાકમાં તો તે થાકી જાય. પગના ઘૂંટણમાં દુખાવો ઉપડે… બે મહિના આ કામ, પછી એક મહિનો નારિયેળના કૂચા કાઢવાનું… પછી ઘાણી પર લંગોટી પહેરીને પોતાની ઓરડીમાં. તેનું તેલ ઓરડીની બહાર વાસણમાં પડે તેવી વ્યવસ્થા. જ્યારે નવાં કોપરાં ઠાલવવામાં આવે ત્યારે કોલુની લોખંડી દાંડીને ગોળ-ગોળ ફેરવવી મુશ્કેલ હતી. હાથથી પકડીને દાંડી આગળ ના ચાલે. ટીંગાઈને પણ કામ પૂરું કરવું પડે. રાતથી સવાર આ કામ ચાલે.

ક્રાંતિકાર નંદગોપાળને આવી સજા થઈ ત્યારે તેણે તો બોધપાઠ ભણાવવાનું શરૃ કર્યું. સ્નાન કરવું છે, ભોજન કરવું છે. આ તો માગણી પૂરી કરવી જ પડે. જમવામાં એવી રીતે ચાવે કે કલાક વીતી જાય. ફરિયાદ થઈ તો જવાબ આપ્યો ઃ આયુર્વેદ પ્રમાણે દરેક કોળિયો પચવો જોઈએ.

તને સખત સજા કરાશે.

નિયમ એવો છે કે દસથી બાર -બે કલાક કેદીને આરામ કરવાની છૂટ આપવી.

સાંજ સુધીમાં તેલ પૂરું નહીં થાય તો ચામડી ઉતરડી નાખીશ.

બારી તો સૂચન આપીને ચાલ્યો ગયો. જમ્યા પછી નંદગોપાળ કામે લાગશે એમ ચોકીદાર વોર્ડરે રાહ જોઈ. નંદ તો કામળો પાથરી સૂઈ ગયો! વોર્ડરે બૂમ પાડી તો કહે ઃ જમ્યા પછી તુરત કામ કરાય નહીં.

બપોર પછી તેણે કામ શરૃ કર્યું. પંદર શેર તેલ નીકળ્યું એટલે કામ બંધ કર્યું.

હવાલદાર ચિડાયો, તો કહે ઃ

હું બળદ થોડો છું. ત્રીસ શેર તેલ જોઈતું હોય તો જેલરને કહે કે તે જોતરાય.

છેવટે જેલસત્તાવાળા થાક્યા અને તેમને ઓરડીમાં પૂરી રાખવાની સજા થઈ. પછી તો ઇન્દુ ભૂષણ, નની ગોપાળ, કુલીનચંદ્ર વગેરેએ પણ ઘસીને ના પાડી કે અમે અતિરેકી કામ નહીં કરીએ.            

(ક્રમશઃ)

—————

Leave A Reply

Your email address will not be published.

Translate »