તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગ – મારો ફિટનેસ મંત્ર

'અરે મારી ફિટનેસ વિશે હું ન જાણુ તો કોણ જાણવાનું?'

0 66

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

દુનિયામાં કેટલાય લોકોએ બીજાની તંદુરસ્તીની ચિંતા કરીને, પોતાના સમયના ભોગે ફક્ત પરોપકારાર્થે જ જાતજાતના ફિટનેસ મંત્રો પોતાની વાતો દ્વારા, વર્તન દ્વારા, પુસ્તકો દ્વારા અને શ્રવણ–દેખણ માધ્યમો દ્વારા પણ નિઃશુલ્ક વહેતા મૂક્યા. કેટલાકે એ મંત્રોને કમાણીનું સાધન બનાવીને લખલૂટ કમાણી પણ કરી. આ બધા જ નિઃશુલ્ક વહેતા ફિટનેસ મંત્રોમાં હું પણ દર વખતે મારા હાથ ઝબોળીને એ વાતે આશ્વાસન લઈ લઉ છું કે હાશ, હું પણ ફિટ છું. વખત આવ્યે હું પણ મારા હાડકાં વાંકા વાળી શકું છું. ચાલવા ઇચ્છું ત્યારે ચાલી શકું છું અને દાદર ચડવાનો વિચાર કર્યા પછી લિફ્ટમાં ચડી શકું છું. ખેર, કોઈ તો મંત્ર હશે ને મારી ફિટનેસનો? હા છે ને…વરસોથી મારો એક જ ફિટનેસ મંત્ર છે, ‘આવતી કાલે ચોક્કસ’. મેં એ મંત્ર બાબતે ક્યારેય કોઈ બાંધછોડ નથી કરી કે એ મંત્રનું પાલન કરવામાં ક્યારેય દિલચોરી નથી કરી.

મને ઘણા પૂછે કે ‘કેમ આજે નહીં? કેમ આવતી કાલે? શું તમને ખબર છે કે તમારી કાલ કાલે આવશે જ? જે આજે હાથમાં છે તેનો જ સદુપયોગ કરીને ફિટનેસની ચિંતા કરો ને.’

‘છેલ્લાં ચાલીસ વરસોથી મારી આજને ગઈકાલ બનતાં અને આવતી કાલને આજ બની જતાં મેં મારી સગી આંખે જોઈ છે. એમ જ હવે પછીની કાલ પણ આવશે, આજ બનવા માટે અને આજ ભૂતકાળ બનીને ગઈ કાલ બની જશે. મને મારા ભવિષ્ય પર પૂરો ભરોસો છે અને એટલે જ હું આજનું કામ કાયમ કાલ પર જ છોડતી હોઉં છું.’

‘એ કાલ જ્યારે આજ બને ત્યારે? ત્યારે શું કરો?’

‘ઓહ! એ કંઈ કહેવાની વાત છે? મારો મંત્ર જ યાદ રાખું ને? આવતી કાલે ચોક્કસ.’

‘તો તો થઈ રહ્યાં તમે ફિટ. આમ જ એકાદ દિવસ તમને કોઈ મોટી બીમારી આવશે ને ત્યારે ખબર પડશે કે ફિટનેસ ન જાળવવાનું પરિણામ શું આવે.’

‘તમે મારું અશુભ ઇચ્છો છો?’

‘હું તમારું ભલું ઇચ્છું છું એટલે જ વારંવાર તમારી ફિટનેસ માટે આગ્રહ રાખું છું.’

‘શું તમે ફિટ છો?’

Related Posts
1 of 14

‘અરે એકદમ!’

‘કોણે કહ્યું?’

‘અરે મારી ફિટનેસ વિશે હું ન જાણુ તો કોણ જાણવાનું?’

‘બસ, તો હું પણ એકદમ ફિટ છું.’

‘તમે કંઈ ફિટ નથી લાગતાં. મેં તો તમને કોઈ દિવસ કસરત કરતાં કે ચાલવા કે દોડવા જતાં તો નથી જોયા.’

‘એટલે જે આ બધું કરે તે લોકો જ ફિટ કહેવાય? છેલ્લાં ચાલીસ-ચાલીસ વરસોથી ફિટનેસના મંત્રોને ગોખીને પચાવીને બેઠી છું એનું કંઈ નહીં? તમે કહો તે યોગગુરુ કે રોગગુરુની વાતો હું કડકડાટ બોલી જાઉં. કહો તે હિરોઇનના વીડિયોમાં એણે કેવા રંગના, કેવા ડ્રેસ પહેરેલા અને આખા દિવસના ખાવાપીવાના ટાઇમટેબલ સાથે આરામ અને કસરતના કયા નિયમો જણાવેલા તે પણ આંખ મીંચીને કહી શકું.’

‘પણ એમાં આંખ મીંચવાની શી જરૃર? અમે માની ગયાં કે તમને આ દુનિયાના બધા જ ફિટનેસ મંત્રો મોઢે છે અને એ બધું જ તમે વગર કોઈ દવાએ પચાવી પણ ગયાં છો. એ બધી તો માનસિક કસરત કહેવાય. મનમાં જ મર્યાં ને મનમાં જ ભૂત થયા જેવું. ખરેખર જો કોઈ વાર અચાનક જ રસ્તા પર દોડવાનું આવે તો તમે દોડી શકો? કોઈ બિલ્ડિંગમાં લિફ્ટ બંધ હોય તો તમે ચાર પાંચ માળ આસાનીથી ચડી શકો? જો હા, તો તમે ખરા ફિટ કહેવાઓ. બાકી મોટી-મોટી વાતો કરવાથી કે કોઈની વાતોને મજાકમાં ઉડાવી દેવાથી કંઈ ફિટ રહેવાતું નથી. ખોટાં બણગાં ફૂંકવા રહેવા દઈને એના કરતાં તમે જેટલા ફિટનેસ મંત્રો જાણો છો ને તેમાંથી એકાદ મંત્ર ઉપર પણ અમલ કરવા માંડો ને તો સારું. હવે તમારી ઉંમર થઈ તો ઊલટાના તમારે વધારે ફિટ રહેવું પડે.’

‘જુઓ, પહેલી વાત કે હું એવું કોઈ અજાયબ પ્રાણી નથી કે મને જોઈને કૂતરાં મારી પાછળ પડે. વળી, બને ત્યાં સુધી હું પગપાળા તો કશે નીકળતી જ નથી. એટલે મારી પાછળ કૂતરાં પડે તોય મારે દોડવાની જરૃર નથી પડતી. રહી વાત લિફ્ટની તો જ્યાં લિફ્ટ બંધ હોય ત્યાં હું યજમાનને નીચે બોલાવીને મળી લઉં છું. દાદર ચડવાનું તો મેં વરસોથી સપનું જોવાનુંય છોડી દીધું છે. ને હા, મારી ઉંમર તો ક્યાં થઈ જ છે હજી? મારો ફિટનેસ મંત્ર જ મારા શાંતિપૂર્ણ જીવનનો રાઝ છે. તમે પણ અજમાવી જુઓ. ક્યારેય કોઈ ફિટનેસ મંત્રની જરૃર નહીં પડે.’

‘તમારી સાથે કોણ માથા દુઃખવે?’

‘તોય…?’

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »