તમારા માટે, તમારી સાથે, સતત…

કોર્ટરૂમમાં મહેન્દ્રભાઈને આરોપો સ્વીકારી લેવાનો વિચાર આવ્યો

કેસ જીતવા માટે વકીલ નીતિન લાકડાવાલાએ પોતાને છૂટો દોર આપવા જણાવ્યું.

0 152

નવલકથા – કામિની સંઘવી

‘ રાઇટ એન્ગલ’ પ્રકરણઃ ૧૫

કેસ જીતવા માટે વકીલ નીતિન લાકડાવાલાએ પોતાને છૂટો દોર આપવા જણાવ્યું. ઉદયે કોઈ પણ ભોગે કેસ જીતવાનો જવાબ આપતાં મહેન્દ્રભાઈ ચમક્યા. દીકરીના ચારિત્ર્ય પર ડાઘ ન લાગે તે જોવા તેમણે આજીજી કરી. બીજી તરફ કૌશલ અને કશિશે કૉફી હાઉસના ઓપનિંગ માટે પાંચ જુલાઈની તારીખ નક્કી કરી. પચીસ જૂને મુદતના દિવસે કશિશ કોર્ટ પહોંચી. ત્યાં રાહુલે કેવી રીતે કેસ તે જ દિવસે પૂરો કરી દેવો તે વિગતવાર સમજાવ્યું, પરંતુ પિતાને ‘ઇમોશનલી બ્લેકમેઇલ’ કરવાની રાહુલની સલાહ કશિશને ન ગમી. પિતાને પોતાનો ગુનો કબૂલ કરવાનું તે ક્યારેય નહીં કહે તેવું  રાહુલને સ્પષ્ટ જણાવી દીધું. કશિશે પિતા મહેન્દ્રભાઈને પણ ગુનો કબૂલ ન કરવા જણાવ્યું. આમ કરવાથી તેમને સજા થશે અને પોતે એવું ઇચ્છતી નથી તેવી લાગણીસભર વાત કહી. દીકરી તેમની ફિકર કરે છે તે જાણી મહેન્દ્રભાઈની આંખો ભીની થઈ. આ જોઈ ઉદયને ગેરસમજ થઈ અને તે કશિશ પર ગુસ્સે થયો. ઉદય અને વકીલને આમાં કશિશની ચાલ દેખાઈ. ઉદયે વકીલને કોઈ પણ ભોગે કેસ જીતવાની છૂટ આપી. કોર્ટમાં મહેન્દ્રભાઈની પ્લી રેકોર્ડ કરતાં પહેલાં તેમની પર લાગેલા પાંચ જુદા-જુદા આરોપ કહી સંભળાવાયા. આરોપો સ્વીકારી લઈ પાપનું પ્રાયશ્ચિત કરવું કે કેમ? મહેન્દ્રભાઈ વિચારતા રહ્યા.                    
હવે આગળ વાંચો…

‘પપ્પા ગુનો કબૂલ કરી લેશે?’ મહેન્દ્રભાઈ ચુપચાપ ઊભા હતા એટલે કશિશના મનમાં સવાલ ઊભો થયો. એનાથી મનોમન પ્રાર્થના થઈ ગઈ, હે પ્રભુ, એવું નહીં થવા દેતા..’ નહીં તો જે માટે એ લડી રહી છે તે બધું વ્યર્થ થઈ જશે.

બધાની નજર મહેન્દ્રભાઈ પર હતી,

‘બોલો તમને આરોપનામું કબૂલ છે?’ મહેન્દ્રભાઈ ચુપચાપ ઊભા હતા એટલે જજે એમને ફરી પૂછ્યું,

‘જી…’ મહેન્દ્રભાઈના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો ત્યાં તો ઉદય પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો. એણે માથું કૂટ્યું. પપ્પા, આ શું ગાંડપણ કરી રહ્યા છે? પોતે તો જેલમાં જશે મને પણ જેલમાં મોકલશે. આ બાજુ કશિશને પણ આંચકો લાગ્યો. પોતે પપ્પાને સમજાવ્યા તે ભૂલ કરી. જો એમને કહ્યું જ ન હોત કે તમે ગુનો કબૂલ કરી લેશો તો કેસ આજે જ પૂરો થઈ જશે તો કદાચ તેઓ આવી ભૂલ ન કરેત.

‘જી…ના…..મને આરોપ મંજૂર નથી.’ મહેન્દ્રભાઈએ વાક્ય પૂરું કર્યું તે સાથે જ ઉદયનો શ્વાસ હેઠો બેઠો, પણ હૃદય હજુ જોરથી ધડકતું હતું. કશિશના પણ ઉદય જેવા જ હાલ હતા. બંને સ્તબ્ધ હતાં. કશિશ વિચારતી હતી કે સારું થયું પપ્પાએ આરોપ નકારી દીધા. નહીં તો પોતે જે ચાહે છે તે થઈ શક્યું ન હોત. બીજી બાજુ ઉદય મનમાં વિચારતો હતો કે આજે તો બચી ગયો છે, પણ હવે જો પપ્પાને બરાબર ટ્રેઇન ન કર્યા તો બીજીવાર જેલ જવાનો જ વારો આવશે.

મહેન્દ્રભાઈ પછી ઉદયની પણ પ્લી રેકોર્ડ થઈ. એટલે નેક્સ્ટ ડેટ પર ફરિયાદીની જુબાની થશે. તે માટે જજે બંને પક્ષની સહમતીથી વીસ જુલાઈની તારીખ આપી.

કશિશથી નિસાસો નંખાઈ ગયો. તારીખ  પર તારીખ, પણ પોઝિટિવ ઘટના એ છે કે આજે કમ સે કમ આરોપી પર ચાર્જફ્રેમ થયા.

‘આપણે વીસ જુલાઈના બદલે થોડીક આગળની ડેટ મળે તેવું કરવું હતું ને?’ કશિશે કોર્ટરૃમમાંથી બહાર નીકળતા રાહુલને કહ્યું.

‘હમ….એવી ટ્રાય કરી શકેત, પણ હું નથી માનતો કે સામેવાળા તૈયાર થાત. અત્યાર સુધીનું એમનું વલણ જોતા તેમનો એવો જ પ્રયત્ન હોત કે કેસ લંબાઈ જાય.’

બંને ઑફિસમાં આવ્યા ત્યારે ધ્યેય પોતાનું કામ કરતો હતો. બંને સામે જોઈને એણે પૂછ્યું,

‘સો….કેવું રહ્યું આજે?’

‘ચાર્જીસ ફ્રેમ થઈ ગયા. નેકસ્ટ ડેટ વીસ જુલાઈ મળી છે.’ રાહુલે માહિતી આપી.

‘ધેટ્સ ગ્રેટ…’ ધ્યેય બોલ્યો એટલે કશિશ મોઢું બગાડીને બોલી,

‘આમાં ગ્રેટ શું છે? બધું બોરિંગ થતું જાય છે.’

ધ્યેય એ સાંભળીને હસી પડ્યો.

‘મેડમ, તમને કોણે કહ્યું કે કોર્ટમાં કશું રસપ્રદ હોય છે? એ તો પહેલેથી જ બોરિંગ છે….બધું વાંચવામાં કે ફિલ્મોમાં ઇન્ટરેસ્ટિંગ લાગે. વાસ્તવમાં કોર્ટની પ્રક્રિયા સ્લો જ હોય છે. સાચી વાત…ને રાહુલ?’

‘યસ….સર!’ ધ્યેયની વાતમાં રાહુલ સહમત થતાં બોલ્યો.

‘અરે યાર, બોરિંગ હોય તો ઠીક, પણ આમાં તો કેસ ગોકળગાયની ગતિએ ચાલે છે. કોઈ નક્કર પરિણામ આવે તેવું પણ નથી દેખાતું.’

કશિશની વાત સાંભળીને ધ્યેય વિચારમાં પડ્યો. એણે રાહુલને કૉફી મગાવવા માટે ઇશારો કર્યો. કૉફી આવી. તેના લાર્જ મગમાંથી સિપ લેતાં એ બોલ્યો,

‘હમ..યુ આર રાઇટ…પણ આમ નહીં ચાલે, કશુંક તો કરવું પડશે…જેથી કેસમાં જાન આવે.’

‘માત્ર જાન નહીં, જલદી પરિણામ પણ આવે તેવું કર.!’ ધ્યેય પૂરું બોલી રહે તે પહેલાં જ કશિશ વચ્ચે બોલી પડી.

‘જો જલદી પરિણામ આવવાની વાત ભૂલી જજે, પણ આ કેસને મહત્ત્વ મળે તેવું કરવું પડે. મને કશું વિચારવા દે.’ ધ્યેયે કહ્યું.

‘ઓ.કે. તું વિચાર…પાંચમીએ મળીએ…કૉફી હાઉસમાં જરા વહેલો આવજે…બહુ ગેસ્ટ હશે…એટલે બધાને પર્સનલી ધ્યાન આપવું પડશે…’ કશિશ ઊભી થતાં બોલી.

Related Posts
1 of 122

‘તું વહેલા આવવાનું ન કહેત તો ય આવેત.’

ધ્યેયનો જવાબ સાંભળી કશિશે સ્મિત કર્યું, એ બાય કહી છૂટી પડી. એને જતાં જોઈને ધ્યેય વિચારમાં પડ્યો.

‘કેસ તો જેમ ચાલે છે તેમ જ ચાલશે, પણ એને હાઈપ મળે તો કદાચ કેસમાં ફાયદો થાય.’ તેણે થોડીવાર વિચાર્યું, પછી સેલફોનમાંથી એક નંબર પર કોલ કર્યો.

‘કેમ છો એડિટર સાહેબ? શું હાલ-ચાલ?’ ધ્યેયે જેને એડિટરનું સંબોધન કર્યું હતું એમનો સામેથી અવાજ આવ્યો,

‘બસ, હાલચાલ તો તમારે કોર્ટમાં ચાલે….અમારે તો એ જ બ્રેકિંગ ન્યૂઝનું ડિંડક ચાલ્યા કરે છે…તમે કંઈક નવા સમાચાર આપો તો કોઈક હેડલાઇન બને.’

‘પેઇજ થ્રી ન્યૂઝ છે..બોલો છાપશો?’ ધ્યેયે પૂછ્યું,

‘નેકી ઓર પૂછ પૂછ…પેઇજ થ્રી માટે અમે મરતાં હોઈએ છીએ!’ એડિટર હસતાં હસતાં બોલ્યા,

‘ઓ.કે…હું મેઇલથી મેટર મોકલું છું. જસ્ટ ચેક ઇટ…!’

‘ડન…’ સામેથી ફોન મુકાઈ ગયો.

* * *

ચાર જુલાઈએ સવાર-સવારમાં કશિશ વૉર્ડરોબ ખોલીને ઊભી હતી.

‘કાલે કૉફી હાઉસના ઇનોગ્રેશનમાં શું પહેરવું?’ એ વિષય એના માટે માથાનો દુઃખાવો થઈ ગયો હતો. છેલ્લા એક કલાકથી એ બધાં ઓપ્શન્સ વિચારી રહી હતી, પણ કશું ક્લિક થતું ન હતું. કશિશે લગભગ આખો વૉર્ડરોબ ઊથલપાથલ કરી મૂક્યો હતો. સાડી પહેરવાનું મન થયું, પણ એ થોડું બહેનજી ટાઇપ થશે. એટલે સાડી પહેરવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. પછી કોઈક સલવાર કમીઝ પહેરવાનું વિચાર્યું તો એ જરા ઓલ્ડ ફેશન થશે તેવું લાગ્યું. વેસ્ટર્ન ડ્રેસીસ પહેરવાનું યોગ્ય લાગતું ન હતું. કૌશલનો ઓપિનિયન લેવા માટે એણે ઘરમાં એની શોધખોળ કરી. તો એ જિમમાં હતો.

‘પ્લીઝ, હેલ્પ મી…ડિયર…આઇ એમ સો કન્ફયુઝડ…મારે કાલે શું પહેરવું?’

‘અરે ડિયર, તું કંઈ પણ પહેરી લે…સરસ જ લાગીશ…મારી બ્યુટીક્વિન…’

‘પણ કંઈક શું?’ કશિશનો સવાલ જેટલો કશિશને મૂંઝવતો હતો એટલો કૌશલને વધુ કન્ફયુઝ કરતો હતો, કારણ કે એને આમેય લેડિઝ ડ્રેસમાં બહુ સૂઝ પડતી ન હતી.

એટલે એણે શોર્ટકટ અપનાવ્યો, એ ટ્રેડમિલ પર દોડતાં દોડતાં બોલ્યો,

‘ડિયર….જો તને કશું ગમતું ન હોય તો નવું લઈ આવ…ગો ફોર શોપિંગ!’

કશિશને આ વિચાર ગમ્યો.

‘યસ…બ્રેક ફાસ્ટ કરીને જઈએ?’

કૌશલને આમે ય શોપિંગનો બહુ કંટાળો આવે છે. તેમાં કશિશ સાથે જવાનું હોય તો માર્યા ઠાર. ચાર-પાંચ કલાક નીકળી જાય. એણે કશિશને ગળે ઊતરી જાય તેવું બહાનું કાઢ્યું,

‘નો..વે….કાલે કૉફી હાઉસનું ઇનોગ્રેશન છે. પોલીસ કમિશનરથી લઈને કલેક્ટર સુધીના વી.આઈ.પી. આવશે. એટલે બધાની સિક્યોરિટીથી લઈને બધાને પર્સનલી ટ્રીટ કરવા પડશે. સો આઈ હેવ ટુ ચેક એવરિથિંગ ટુ ડે….આઈ એમ વેરી બિઝી…તું જઈ આવ ને!’

‘પણ મને ચોઇસ કરવામાં મદદ કરે તેવું તો કોઈ જોઈએ ને?’

‘પ્લીઝ ડિયર, તારી કોઈ ફ્રેન્ડને લઈ જા ને!’ કૌશલે કહ્યું અને તરત કશિશના મગજમાં લાઇટ થઈ.

‘યસ..થેન્ક્સ ફોર સજેશન…હું ધ્યેયને પૂછી જોઉં.’

આ સાંભળીને કૌશલના પગ એકાદ ક્ષણ માટે ટ્રેડમિલ પર અટકી ગયા. બીજી ક્ષણે એ સહેજ લથડ્યો, પણ ટ્રેડમિલ પર આટલા વર્ષની પ્રેક્ટિસના કારણે એણે સંતુલન મેળવી લીધું.

* * *  અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! ની આગળની કડી વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો   * * *

 

Leave A Reply

Your email address will not be published.

Translate »