તમારા માટે, તમારી સાથે, સતત…

અમરનાથ યાત્રા – દહેશત વચ્ચે બે લાખ ગુજરાતીઓ તત્પર

૧૩૬૪ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે

0 363

આસ્થા -દેવેન્દ્ર જાની

કાશ્મીરમાં બર્ફિલા પહાડોની વચ્ચે આવેલી પવિત્ર અમરનાથની ગુફા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રામાં ગુજરાતીઓની સંખ્યા વિશેષ હોય છેે. આ વર્ષે ર૮ જૂનથી અમરનાથ યાત્રા શરૃ થઈ રહી છે. આતંકવાદીઓનો ડોળો યાત્રા પર હોવાથી ખતરો વધ્યો છે. સુરક્ષા દળો માટે યાત્રા હેમખેમ પાર પાડવાનો મોટો પડકાર છે. જોકે યાત્રાળુઓમાં બાબા અમરનાથ પ્રત્યેની શ્રદ્ધામાં કોઈ ઓટ નથી આવી.

જ્યાં સાક્ષાત્ શિવની અનુભૂતિ થાય છે તે પવિત્ર અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી આશરે ૧૩,પ૦૦ ફૂટ ઊંચાઈએ આવેલી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ આવે છે. આ વર્ષે ર૮ જૂનથી ૬૦ દિવસ માટે શરૃ થનારી અમરનાથ યાત્રાના સમયે જ જમ્મુ – કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. આતંકવાદીઓનો ડોળો અમરનાથ યાત્રા પર હોવાના ઇનપુટથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બીજો ખતરો સ્થાનિક કાશ્મીરી લોકો દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવીને પથ્થરબાજી કરવામાં આવી રહી છે તે છે. યાત્રામાં દેશભરમાંથી લાખો યાત્રાળુઓ આવી રહ્યા હોઈ સુરક્ષા દળો માટે આ વખતે અમરનાથ યાત્રા હેમખેમ પાર કરવાનો મોટો પડકાર છે. અમરનાથ યાત્રા માટે પહેલગામ અને બાલતાલ બે રૃટ નક્કી કરવામાં આવ્યા છે. બાલતાલ બેઇઝ કેમ્પથી ૧૪ કિ.મી.નો રૃટ ટૂંકો છે, પણ જોખમી છે. આ બંને રૃટ મારફત દર વર્ષે લાખો યાત્રાળુઓ જાય છે.

આ બંને રૃટમાં વચ્ચે સંવેદનશીલ એરિયા આવતો હોવાથી સુરક્ષા દળો એલર્ટ છે. બાલતાલ બેઇઝ કેમ્પ જવા માટે ગંડરબાલથી પસાર થવું પડે છે, જ્યારે પહેલગામ તરફ જવા માટે અનંતનાગ એરિયામાંથી પસાર થવું પડે છે. આ બંને વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પથ્થરબાજી અને આતંકવાદી ઘટનાઓ બની રહી છે. ગયા વર્ષે ૧૦ જુલાઈ, ર૦૧૭ના રોજ અનંતનાગ નજીક જ અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. આ ઘટનામાં નવ લોકોનાં મોત થયાં હતાં. અમરનાથ યાત્રાને લઈને જમ્મુ – કાશ્મીર સરકાર, કેન્દ્ર સરકાર અને અમરનાથ શ્રાઇન બોર્ડ સતત સ્થિતિની સમીક્ષા કરે છે. મે મહિનામાં રાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના ચૅરમેન એન.એન. વ્હોરાએ શ્રીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને સમીક્ષા કરી હતી. રમઝાન મહિનામાં પણ પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનો ભંગ અને આતંકી ઘટનાઓ વધી હતી.

Related Posts
1 of 319

દિલ્હીમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે અમરનાથ યાત્રાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેટેલાઈટ મારફત યાત્રા પર નજર રાખવા, રપ હજારથી વધુ જવાનો તૈનાત કરવા અને સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યની દરખાસ્ત પર કેન્દ્રએ દરેક મદદ આપવાની તૈયારી બતાવી છે. રમઝાન માસના કારણે ઑપરેશન ઓલઆઉટ સ્ટોપ કરવામાં આવ્યું હતું તે ફરી શરૃ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

શ્રાઈન બોર્ડની ગાઈડલાઈન
અમરનાથ શ્રાઇન બોર્ડે ગાઇડલાઇન બહાર પાડી છે. ૧૩૬૪ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. યાત્રિકોએ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ લેવું પડશે. આ ઉપરાંત ૧૩ વર્ષથી નીચેના અને ૭પ વર્ષથી વધુ વય ધરાવનારાને યાત્રા માટે પરવાનગી આપવામાં આવશે નહીં. રોજ નિયત સમયે યાત્રાળુઓના કોન્વોયને જમ્મુથી જ મજબૂત સુરક્ષા હેઠળ બાલતાલ અને પહેલગામ સુધી લઈ જવાશે. રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રિકોને આ સુરક્ષાના કાફલા સાથે જ રહેવા અપીલ કરવામાં આવી છે. ખાનગી વાહનો એકલા રવાના થશે તો જોખમ વધી જશે. યાત્રાના બેઇઝ કેમ્પ પર કોઈ પણ અનધિકૃત રીતે ટેન્ટ કે શોપ ઊભી ન કરે તે માટે સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. યાત્રાળુઓએ રૃટ પર કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની પણ ગાઇડલાઇન આપવામાં આવી છે.

પોણા બે લાખ યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન
આ વર્ષે અમરનાથ યાત્રા પર જોખમ વધ્યું હોવા છતાં લોકોની શ્રદ્ધામાં કોઈ ઓટ આવી નથી. મે ર૦૧૮માં રાજ્યપાલે બોલાવેલી રિવ્યૂ બેઠકમાં અપાયેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આશરે પોણા બે લાખ જેટલા યાત્રાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. એવરેજ રોજ ૧ર૦૦ જેટલા યાત્રિકોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. ગયા વર્ષે ર.૬૦ લાખ યાત્રાળુઓએ અમરનાથ ગુફાનાં દર્શન કર્યા હોવાનો સત્તાવાર આંકડો છે. આ વર્ષે યાત્રાના રજિસ્ટ્રેશન માટે તા. પહેલી માર્ચથી કામગીરી શરૃ થઈ ગઈ હતી. દેશભરમાં જુદાં-જુદાં રાજ્યોમાં જુદી-જુદી બેન્કોની આશરે ૪૩૭ જેટલી શાખાઓ મારફત યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

——————-   વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો   ——————- 

Leave A Reply

Your email address will not be published.

Translate »