તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છી કહેવતોમાં ખેતી, વરસાદ અને નક્ષત્રો

હાથિયો ગાજે તો આવતું વરસ સારું જશે તેવો કોલ દે

0 2,943

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

પેઢીઓ પહેલાંના ખેડૂતોના અનુભવો, ચિંતનનો નિચોડ એટલે સહેલાઈથી યાદ રાખી શકાય તેવી દુહા જેવી ખેતીલક્ષી કહેવતો. વર્ષો પહેલાં જે રીતે ઋતુઓ નિયમિતતાથી આવતી હતી તે મુજબ આજના પ્રદૂષણવાળા વાતાવરણમાં ઋતુચક્ર હોતું નથી. તેથી વધુ અભ્યાસ ન હોય તો કહેવતો ખોટી પડતી હોય તેવું લાગે. આમ છતાં કહેવતોમાં ઉલ્લેખાયેલાં નક્ષત્રો પ્રમાણે જો વરસાદ પડે તો તે નક્કી જ તેમાં દર્શાવેલું પરિણામ મળે, તેવું જાણકારોનું અને પ્રયોગશીલ ખેડૂતોનું કહેવું છે.

વર્ષા ઋતુ અષાઢ માસથી શરૃ થાય છે. કચ્છી નવું વર્ષ અષાઢી બીજના દિવસે ઊજવાય છે. આ દિવસ માટે પ્રચલિત એક કહેવત કચ્છમાં વરસાદના મહત્ત્વને દર્શાવે છે- ‘અષાઢી બીજ, કાં વાદળ કાં વીજ, ધાન વેચી ધન કરો, લ્યો બળદ ને બીજ.’ કચ્છમાં પહેલેથી જ વરસાદ અનિયમિત રહ્યો છે. ખેડૂતો અનુભવસિદ્ધ જ્ઞાનના કારણે યોગ્ય સમયે યોગ્ય પાક વાવતા અને નુકસાનીમાંથી બચતા. આ જ્ઞાનને તેમણે દુહા કે કહેવતોના સ્વરૃપમાં સંગ્રહી રાખ્યું છે. તેે એકાદ વાક્યમાં જ હોવાથી લોકો તે સહેલાઈથી યાદ રાખી શકતા હતા. કચ્છના ખ્યાતનામ કવિદુલેરાય કારાણીએ કચ્છી કહેવત સંગ્રહમાં ખાસ એક વિભાગમાં ખેતીલક્ષી અનેક કહેવતો પ્રસિદ્ધ કરી છે. તો સંવત ૧૮૨૯માં જન્મેલા વ્રજભાષાના કવિ ઉન્નડજી જાડેજાએ વરસાદના વરતારા અંગે ‘મેઘાડંબર’ નામનું પુસ્તક લખ્યું હતું. તેનું સંપાદન કવિ અને લોકસાહિત્યકાર જીવરામ અજરામર ગોરે કર્યું હતું. આ પુસ્તકમાં વર્ષા વિજ્ઞાન અંગેની અમૂલ્ય માહિતી છે. ભડલી વાક્યોમાં પણ વરસાદ અંગેના વરતારા મળે છે. જોકે ભડલી કોણ? સ્ત્રી કે પુરુષ? ક્યાંની? વગેરે પ્રશ્નોના ચોક્કસ જવાબ મળતાં નથી, પરંતુ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા ભડલી ગામ સાથે તેનો સંબંધ હોવાનું મનાય છે.

દુલેરાય કારાણીના કચ્છી કહેવતોના પુસ્તકમાં વરસાદને લગતી એવી કહેવતો પણ છે, જેનો ઋતુચક્ર સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ આ કહેવતો જે-તે દિવસના વાતાવરણ આધારિત બનેલી હોય તેવું લાગે છે.

દા.ત.-  ‘અગાડ જો આડંગ, પછાડ જો વા, ચોંધલ ચેંતા, ડુકાર જા ભા’ (આગલા પહોરે વાદળાંનો ડોળ અને પાછલા પહોરે પવન – લોકવાણી કહે છે, એ દુકાળનો ભાઈ- એટલે જો સવારનાં વાદળાં ઘેરાય, પરંતુ સાંજ પડે પવન નીકળે અને વાદળાં વિખેરાઈ જાય તો વરસાદ ન પડે. કચ્છમાં આજે પણ ચોમાસા દરમિયાન મોટા ભાગે આવો જ માહોલ જોવા મળે છે.)

*       આસાઢી પૂનમ, ચંધર બુડે, ચોટે ચોમાસી, છડ્યો ન છડે. (આષાઢ મહિનાની પૂનમનો ચન્દ્ર ડૂબતો રહે તો ચોમાસંુ લાંબંુ ચાલે.)

*       આસાઢી બ ડીં સારા, આઠમ પૂનમ ઘોર અંધારા.

(આષાઢ મહિનાની પૂનમ અને આઠમ જો વાદળઘેર્યા હોય તો તે ખૂબ સારું. ખૂબ વરસાદ થાય.)

*       શ્રાવણ કોરો ત કણ મૉરો. (શ્રાવણ માસ જો કોરો જાય તો દાણા થોડા પાકે.)

*       ડીં જા વડર, રાત જા તારા, ચોંધલ ચેંતા ડુકાર જા ચારા. ( દિવસે વાદળ અને રાતે તારા દેખાય તો તે દુકાળની નિશાની હોવાનું જાણકારો કહે છે.)

*       ઇસાની વીજ ને અબલ ઘા. (ઇશાન દિશામાં જો વીજળી થાય તો અચૂક વરસાદ થાય.)

*       લગે કામાય ત ની નં સમાય.( જો કામાય એટલે વાયવ્યનો પવન ફૂંકાય તો પુષ્કળ વરસાદ થાય.)

Related Posts
1 of 319

કચ્છી ભાષાની કહેવતોમાં વરસાદ, નક્ષત્રો અને ખેતી અંગેના ઉલ્લેખો અંગે વાત કરતાં સાહિત્યકાર અને કવિ મહેશભાઈ સોલંકી જણાવે છે, ‘પ્રાચીન કૃષિવિજ્ઞાન ખૂબ સચોટ હતું. ખેડૂતો અને સામાન્ય લોકો પણ અનુભવના આધારે, પોતાના ચિંતનના આધારે આગાહીઓ કરતા. તેમનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ અદ્ભુત હતું. આકાશનાં વાદળાં, પવન, તારા, નક્ષત્ર વગેરેના આધારે ગણિત માંડીને વરતારા કરતાં. તો અનેક વખતે પશુ-પક્ષીઓનાં વર્તન તથા વનસ્પતિ પર આવતાં ફૂલ, ફળના આધારે પણ વરસાદની આગાહીઓ કરતાં. તે મહ્દ અંશે સાચી પડતી. પહેલાંના જમાનામાં ચોમાસું, શિયાળો અને ઉનાળો ત્રણે ઋતુઓ નિયમિત હતી, પરંતુ હવે પર્યાવરણ બગડ્યું છે. વાતાવરણમાં બદલાવ આવ્યો છે, કુદરતી ક્રમ બદલાયો છે, નિયમિતતામાં વિક્ષેપ પડ્યો છે. આથી નક્ષત્ર આધારિત કહેવતો આજના સંદર્ભમાં એટલી અસરકારક ન ઠરે એવું બને. જે કહેવતોમાં પર્યાવરણની અસર ઓછી હોય તે આજે પણ સાચી જ પડે છે.’

નક્ષત્ર આધારિત કહેવતો ભલે તદ્દન સાચી પડતી ન હોય, પરંતુ તે અંગેનું જ્ઞાન ધરાવતા ખેડૂતો તેના આધારે વાવણી કરીને નુકસાનીમાંથી બચી શકે છે.

*       રોણ સુઆ ત ઢગા મોઆ (રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજે તો બળદિયાનું મોત થાય.)

*       રોણ ગજૈ, બૌંતેરો બારે (રોહિણી ગાજે તો ૭૨ દિવસ વરસાદ ન પડે.)

*       રોણ તપે ને મૃગસર વયા, ત આધ્રા મેં મીં ન માય (રોહિણી નક્ષત્ર તપે, મૃગશીર્ષમાં પવન વાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય.)

*       વસે પુનરવખ, ત કુતડી ખાય કર (પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો કુતડી નામનાં જીવડાં પાક ખાઈ જાય.)

*       પુખ જો પાણી ને અમૃત વાણી (પુષ્ય નક્ષત્રમાં વરસતું પાણી અમૃત સમાન- ખેતીને ખૂબ ફાયદો કરાવે.)

*       વસે મધા, ત ધ્રાઇ રેં ઢગા (જો મધા નક્ષત્રમાં વરસાદ થાય તો ઘાસચારો ઘણો થાય.)

*       હાથીઓ ગજે બોલ ડે, અગલે વરે જો કોલ ડે (હાથિયો ગાજે તો આવતું વરસ સારું જશે તેવો કોલ દે)

 તો અમુક કહેવતો કોઈ વિસ્તારને લગતી હોય છે. જેમ કે-

*       જ વસે ગયડો ત વરે ખાંઢા- બયડો. (જો પ્રથમ લખપત તાલુકાના ગયડા વિસ્તારમાં વરસાદ વરસે તો આખું વરસ ખાડા-બરડું થાય, સરખો વરસાદ ન થાય.)

*       તેવી જ રીતે પૅલો વસે મ પારકર, મ ભરજે સામ તરા, કાં ડે મેં ડુકાર કાં તાં છણે રા.(પ્રથમ થરપારકરમાં વરસાદ ન વરસે તો સારું, શામ તળાવ પણ ન ભરાય તો સારું. જો થરપારકરમાં વરસાદ થાય અને શામ તળાવ ભરાય તો દુષ્કાળ પડે અથવા રાજા પડે- હારી જાય અથવા રાજસત્તા બદલાય.)

કચ્છી ભાષામાં વરસાદ અંગે અનેક કહેવતો છે. જે જાણે અને તેનો અર્થ સમજીને ખેતીમાં કામ કરે તો તેને ક્યારેય નુકસાન ન જાય તેમ જાણકારો કહે છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »