તમારા માટે, તમારી સાથે, સતત…

વેબ ડેવલોપર – કારકિર્દીને ડિઝાઇન કરવાની શ્રેષ્ઠ તક

રોજગારીની તક વધુ રહેલી છે

0 349

દરેક વ્યક્તિ સામાન્યથી લઈને મોટામાં મોટી જરૃરિયાતને પૂર્ણ કરવા માટે ઇન્ટરનેટની મદદ લે છે. જેથી આજે દરેક કંપની પોતાની વેબસાઇટ બનાવી રહી છે. દિનપ્રતિદિન વેબસાઇટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવનારા ભવિષ્યમાં વેબ ડેવલોપર માટે સુવર્ણ તક ઊભી થશે તેમાં કોઈ બે મત નથી. ત્યારે આ લાઇનમાં કારર્કિદી બનાવાની ઉત્તમ તક રહેલી છે.

કોઈ પણ સારી વેબસાઇટના નિર્માણમાં વેબ ડેવલોપરની મહત્ત્વની ભૂમિકા હોય છે. વેબસાઇટને તૈયાર કરવાથી લઈને લોકો તેને પસંદ કરે અને સારી રીતે ચાલે તે જોવાનું કામ વેબ ડેવલોપરનું જ હોય છે. એમની મહેનતના કારણે જ એક ક્લિક કરતા જ દરેક માહિતી સ્ક્રિન પર આવી જતી હોય છે. પછી તે ડેસ્કટોપ હોય લેપટોપ હોય, ટેબલેટ હોય કે મોબાઇલ ક્લિક કરો અને માહિતી મેળવો. ઇન્ટરનેટનો વપરાશ વધવાના કારણે આજે વેબ ડેવલોપરની ડિમાન્ડમાં પણ વધારો થઈ રહ્યો છે. કારકિર્દી બનાવવા માટેનો આ એક સારો વૅ છે. આજકાલ અનેક પ્રકારની વેબસાઇટનું ચલણ છે. દરેક વેબસાઇટ માટે જુદી-જુદી એપ્લિકેશનની જરૃર હોય છે. ઉદાહરણ સ્વરૃપે ગેમિંગની વેબસાઇટ તૈયાર કરવા આધુનિક ગ્રાફિક્સ અને ઇ-કોર્મસની સાઇટ માટે પેમેન્ટ પ્રોસેસિંગ એપ્લિકેશનની જરૃર હોય છે.

બ્રાઇટ ફ્યુચર
ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આજે દેશમાં અંદાજિત ૩૫ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાં સૌથી વધુ સંખ્યા યુવાનો અને વિદ્યાર્થીઓની છે. ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૪૮.૧ કરોડ યુઝર્સ હતા. જેમાં ૬૪.૮૪ ટકા શહેરી વિસ્તારના અને ૨૦.૨૬ ટકા ગ્રામીણ વિસ્તારના યુઝર્સનો સમાવેશ થાય છે. જ્યારે એક અંદાજ પ્રમાણે ૨૦૧૮ના જૂન માસના અંત સુધીમાં દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા પ૦ કરોડ થશે. એક અન્ય રિપોર્ટ પ્રમાણે ૨૦૧૬માં ૧,૬૨,૯૦૦ વેબ ડેવલોપરની માગ હતી. આ સંખ્યા વધીને ૨૦૨૬ સુધીમાં ૧,૮૪,૨૦૦ સુધી પહોંચવાની શક્યતા છે. દર વર્ષે ૧૩ ટકા સુધી વેબ ડેવલોપરની ડિમાન્ડ વધી રહી છે.

વેબ ડેવલોપરનું કાર્ય
વેબ ડેવલોપર વેબસાઇટની ડિઝાઇન તૈયાર કરીને તેને શરૃ કરવાની કવાયત કરે છે. એટલું જ નહીં, તે વેબસાઇટની ક્ષમતા, ગતિવિધિ, ટેક્નિકલ પાસાંઓ અને કોઈ અડચણ આવે તો તેને દૂર કરવાની જવાબદારી માટે તૈયાર રહે છે. વેબસાઇટ માટેનું કન્ટેન એટલે કે સામગ્રી ભેગી કરવાની જવાબદારી પણ તેમની જ રહેલી છે. વેબડેવલોપરનું કાર્ય પોતાના ક્લાઇન્ટ (ગ્રાહક)ને મળીને વેબસાઇટની જરૃરિયાત અને ડિઝાઇન પર ચર્ચા કરવાનું પણ છે. ત્યાર પછી વેબસાઇટનો કોડ લખવામાં આવે છે. એચટીએમએલ અને એક્સએમએલ દ્વારા પ્રોગ્રામિંગ લેંગ્વેજને એટલે કે ભાષાને ઉપયોગમાં લાવે છે. વેબસાઇટના લે આઉટમાં ગ્રાફિક્સ અને ડિઝાઇનના નમૂના (ટેમ્પલેટ)નો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પસંદગી પણ વેબ ડેવલોપરની જ હોય છે. વેબ પેજ માટે જરૃરી ઓડિયો, વીડિયોની શોધ કરવી, વેબસાઇટનું મોનિટરિંગ કરવંુ જેવી કામગીરી પણ તેમની જ રહે છે. વેબસાઇટ તૈયાર થયા પછી ગ્રાહકના વિચારોને પૂર્ણ રૃપ અપાય છે.

વેબ ડેવલોપરનો કોર્સ કયારે કરાય
આ કોર્સમાં યોગ્યતાથી વધુ વિદ્યાર્થીની ટૅક્નિકલ આવડતને પ્રાધાન્ય આપવામાં આવે છે. વેબ ડેવલોપરમાં એવા કોર્સ પણ છે જે એસએસસી અને એચએચસી પછી કરી શકાય છે, જ્યારે એમસીએ અને એમએસસી ઇન મલ્ટીમીડિયા જેવા કોર્સમાં સ્નાતક થયા પછી ઍડ્મિશન મળે છે.કેટલાક સ્પેશ્યલાઈઝેશન જેવા કોર્સ પણ છે જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું માધ્યમ બન્યા છે. જેમાં કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મળ્યા પછી જ ઍડ્મિશન મળી શકે છે. ગ્રાફિક્સ ડિઝાઇનનો કોર્સ કરેલો હોય તેવા યુવાનો માટે પણ વેબ ડેવલોપરનો કોર્સ કરવો સરળ છે. તો વળી ઉપયોગી સોફ્ટવેરને શીખીને પણ વેબ ડેવલોપરનું કામ કરી શકાય છે. જોકે તેમાં એટલી નિપુણતા નથી આવતી જેટલી પૂરો કોર્સ કરવાથી આવે છે.

ટૅક્નિક્લ જાણકારી કામ લાગશે
એચટીએમએલ પ્રોગ્રામિંગ, જાવા સ્ક્રિપ્ટ અને એસ્ક્યુઅલ જેવા મહત્ત્વના સોફ્ટવેરની જાણકારી ડગલે ને પગલે કામ લાગે છે. કામના સમયે પ્રોફેશનલ્સને એકાગ્રતા જાળવી રાખવી જરૃરી છે, કારણ કે આ કામમાં કોઈ નિયત સમય નથી હોતો. ક્મ્યુનિકેશન સ્કિલ, ટીમ લીડરશિપ, અનુશાસન, મહેનત, નેટવર્કિંગ સ્કિલ જેવી અનેક આવડતો જરૃરી છે. જેના ઉપયોગથી જ વેબ ડેવલોપરનું કામ સારું ચાલે છે. આ કામમાં નાનામાં નાની માહિતીની જાણકારી હોવી જરૃરી છે, કારણ કે જો માહિતી અપૂરતી હોય કે ના હોય તો વેબસાઇટના સંચાલનમાં ઊણપ રહે છે.

Related Posts
1 of 319

રોજગારીની તક વધુ રહેલી છે
આ કોર્સ કર્યા પછી રોજગારી માટે અનેક તક રહેલી છે. આજના યુગમાં દેશી હોય કે વિદેશી દરેક કંપનીને વેબસાઇટની જરૃર છે. કોર્પોરેટ જગતથી લઈને વ્યક્તિગત રીતેે પણ દરેક જન પોતાનું આગવું પ્રતિબિંબ તૈયાર કરવા માગે છે. ખાસ કરીને શૈક્ષણિક સંકુલ પોતાની સંસ્થાને બીજાથી ચઢિયાતી બતાવવા માટે થઈને આકર્ષિત વેબસાઇટ તૈયાર કરાવે છે. સફળતા પૂર્વક કોર્સ કર્યા પછી વેબ ડેવલોપરને આઇટી કન્સલ્ટન્સી, સોફ્ટવેર હાઉસેજ, વેબ ડિઝાઇનિંગ ઍડ્વર્ટાઇઝિંન્ગ એજન્સી, ઓનલાઇન ગેમિંગ અને મીડિયા હાઉસમાં સરળતાથી જોબ મળી રહે છે. વેબ ડેવલોપર જો કોઈ સંસ્થા કે કંપની સાથે કામ કરવા માંગતા ન હોય તો સ્વતંત્ર રીતે પણ કામ કરી શકે છે. આ જોબમાં ફુલટાઇમ અને પાર્ટટાઇમ બંને પ્રકારનું કામ મળી રહે છે. આ કોર્સ કર્યા પછી વિદેશ જવા માંગતા હોવ તો ત્યાં પણ અનેક વિકલ્પ છે.

વેબ ડેવલોપરનું કાર્યક્ષેત્ર
વેબ ડેવલોપરનું કામ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. કેટલાક ડેવલોપર દરેક ટૅક્નિકલ કામની જવાબદારી સ્વીકારે છે. જેમાં ફ્રેમવર્ક બનાવવાની હોય કે પછી નવું પેજ બનાવવાનું હોય દરેક કામમાં તેમની ભૂમિકા રહેલી હોય છે. જેને બેન્કએન્ડ વેબ ડેવલોપર કહેવામાં આવે છે. જ્યારે વેબસાઇટને આકર્ષિત બનાવવાનું, લે આઉટ અને ગ્રાફિક્સ દ્વારા તેને નવી રીતે રજૂ કરવાની જવાબદારી ફ્રન્ટએન્ડ વેબ ડેવલોપરની છે. એ જ રીતે વેબમાસ્ટરની જવાબદારી વેબસાઇટને અપડેટ કરવાનું, મેન્ટેન રાખવાનું અને વેબસાઇટની લિંક ન તૂટે તે જોવાની છે.

આકર્ષક સેલેરી પેકેજ
શરૃઆતના તબક્કે કોઈ કંપનીમાં વેબ ડેવલોપર જોડાય તો તેનો માસિક પગાર ૨૦થી ૨૫ હજાર જેટલો હોય છે. ક્ષેત્ર કોઈ પણ હોય અનુભવને જ પ્રાધાન્ય મળે છે. જો તમારો અનુભવ ચાર પાંચ વર્ષનો હોય તો મહિને સેલેરીનો સ્કેલ ૪૦થી ૪૫ હજારનો હોય છે. આ ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે કામ કરનાર પણ પ્રતિમાસ વીસ હજાર જેટલી આવક શરૃઆતના સમયમાં મેળવી લે છે.

કોર્સ માટે મહત્ત્વની સંસ્થાઓ વેબ ડેવલોપરનો કોર્સ ઘણી બધી જગ્યાએ ચાલે છે, પરંતુ જો આ જ ફિલ્ડમાં કારકિર્દી બનાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની સંસ્થાઓ પણ છે. એપ્ટેક કમ્પ્યુટર એજ્યુકેશન નવી દિલ્હી, એરિના એનિમેશન નવી દિલ્હી, એડમેક મલ્ટીમીડિયા નવી દિલ્હી અને જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ આટ્ર્સ ચેન્નઈ, આ સંસ્થાઓની ઓનલાઇન લિંક પણ ઉપલબ્ધ છે જેના દ્વારા વધુ માહિતી મેળવી શકાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી વેબ ડેવલોપરની માગ વધી રહી છે. વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિશ્વની જાણીતી કંપનીઓમાં કામ કરવાની તક મળે છે. વેબ ડિઝાઇનર પર પસંદગી ઉતારનાર યુવાનોએ આ વિષે ધ્યાન રાખવાની જરૃર છે. વેબ ડિઝાઇનરમાં વેબ પેજ તૈયાર કરવામાં આવે છે. જ્યારે વેબ ડેવલોપરનો સંપર્ક ઇ-કોર્મસ સાથે જોડાયેલો છે. જેનાથી કોઈ પણ વસ્તુની ખરીદી અને વેચાણ થઈ શકે છે. એક સારી ડિઝાઇન અને ટેમ્પલેટ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓએ સ્ક્રિન રિઝોલ્યુશન, ઇમેજ કંપ્રેશન, યુઝિબિલિટી, એક્સેસબિલિટી અને વેબસાઇટ આર્કિટેક્ચરનું પણ જ્ઞાન જરૃરી છે. એક વેબ ડેવલોપર વેબ પેજના લુક અને આકર્ષણ એમ બંને માટે જવાબદાર હોય છે. જ્યારે એક વેબ ડિઝાઇનરે ઓનર અને કસ્ટમર બંનેની જરૃરિયાતનું ધ્યાન રાખીને વેબસાઇટ બનાવવાની હોય છે. આ કામ એક પડકાર જેવું છે જેમાં દરેક વ્યક્તિને સંતોષ થાય તેવું કામ કરવું પડે છે.

– હેતલ રાવ
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »