તમારા માટે, તમારી સાથે, સતત…

મૂવીટીવી – પહેલીવાર ગુજરાતી ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ ફિજીમાં…

સોનાક્ષી સિંહા મરાઠી ફિલ્મની રિમેકમાં

0 342

બોલિવૂડના વિલન ડેની ડેન્જોન્ગપા બાયોસ્કોપવાલા
સોથી પણ વધુ ફિલ્મોમાં પોતાની અદાકારીનો જાદુ પાથરનાર ડેની આજે પણ બોલિવૂડમાં એટલો જ લોકપ્રિય અભિનેતા છે. ૧૯૭૧માં ફિલ્મ જરૃરતથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ડેનીએ વિલનના રૃપમાં ખાસ જગ્યા બનાવી છે. તેમણે ૩૬ ઘંટે, ધ બર્નિંગ ટ્રેન, બંદિશ અને અગ્નિપથ જેવી ફિલ્મોમાં ભજવેલા વિલનના પાત્ર સદાય માટે યાદગાર બની રહ્યા.

વર્ષમાં એક ફિલ્મ કરી સંતોષ માનનાર ડેનીનું કહેવું છે કે હાલમાં એક્ટિંગ ક્ષેત્રમાંથી સંન્યાસ લેવાનો કોઈ જ પ્લાન નથી. હું ધ્યાન કરી શકું છું. દુનિયાભરનો પ્રવાસ પણ ખેડી શકું છું. ચિત્રકામ અને બાગની જાળવણી પણ કરી શકું છું, પરંતુ એક સારી પટકથા મળે તો ફિલ્મ કરવી મને વધુ ગમે. તાજેતરમાં જ ડેનીની રિલીઝ થયેલી ફિલ્મ બાયોસ્કોપવાલામાં તેણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. ડેનીના મત મુજબ આ એક અપરંપરાગત ફિલ્મ છે. તેની આગામી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાંસી છે જેમાં કંગના રાણાવત ઝાંસીની રાણીનો રોલ નિભાવી રહી છે.
————————–.

સોનાક્ષી સિંહા મરાઠી ફિલ્મની રિમેકમાં
લાંબા સમયથી એક સફળ ફિલ્મની રાહ જોઈને બેઠેલી દબંગ ગર્લ સોનાક્ષી સિંહા મરાઠી ફિલ્મ આપલા માણુસની હિન્દી રિમેકમાં મુખ્ય રોલ નિભાવશે. અજય દેવગણે બનાવેલી આપલા માણુસ ફિલ્મ ઘણી સફળ રહી હતી. જેમાં તેણે નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. હવે આ ફિલ્મની હિન્દી રિમેક આશુતોષ ગોવારીકર બનાવવા જઈ રહ્યા છે.

જેની માટે આશુતોષે સોનાક્ષીને સ્ક્રિપ્ટ વાંચવા માટે આપી હતી. સોનાક્ષીને સ્ક્રિપ્ટ પસંદ પડી છે. તેણે ફિલ્મમાં કામ કરવા હા પણ કરી દીધી છે. આશુતોષ આ ફિલ્મને પોતાના બેનર હેઠળ જ બનાવશે જેનું નિર્દેશન ફરી વાર સતીશ રાજવાડેને સોંપવામાં આવ્યું છે. આશા રાખીએ કે શત્રુઘ્નની સોનુને આ ફિલ્મ ઉગારી લે.
————————–.

ડિપ્રેશનમાં આવવાની કોઈ ઉંમર નથી હોતી ઃ ઝાયરા વસીમ
દંગલમાં અને સિક્રેટ સુપરસ્ટારમાં દમદાર રોલ કરી લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર ઝાયરા વસીમ ઘણી નાની ઉંમરમાં ડિપ્રેશનનો ભોગ બની હતી.  સોશિયલ મીડિયા પર આ વાતનો સ્વીકાર કરતા ઝાયરાએ કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાય સમયથી હું ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી, પરંતુ સમાજના વિચારો અને ડિપ્રેશન તારા જેવી નાની છોકરીઓને ન થાય તેવી વાતોના કારણે અત્યાર સુધી હું આ વાત કોઈને કહી નહોતી શકતી.

Related Posts
1 of 258

હું માત્ર ૧૨ વર્ષની હતી જ્યારે મને પ્રથમ પેનિક એટેક આવ્યો હતો. તે સમય દરમિયાન રોજની પાંચ એન્ટિડિપ્રેસેન્ટ ગોળીઓ ખાતી હતી. અડધી રાત્રે એંગ્જાયટી એટેક આવતો અને મારે હોસ્પિટલ ભાગવંુ પડતંુ. દિવસોના દિવસો સૂતી નહોતી. ત્યાં સુધી કે મને આત્મહત્યાના પણ વિચારો આવતા હતા.  મને એમ કહેવામાં આવતું કે તું ડિપ્રેશન માટે ઘણી નાની છે. ૨૫ વર્ષની ઉંમર પછી જ ડિપ્રેશનની દવા કરી શકાય. સત્ય ખબર હોવા છતાં હું બધાની હામાં હા કરતી અને ડોક્ટરને પણ ખોટું કહેતી હતી.’ ઝાયરાની આ સ્થિતિ સાબિત કરે છે કે ડિપ્રેશન કોઈ ચોક્કસ ઉંમરે જ થાય તેવું નથી હોતું.
————————–.

આઇપીએલની પૂર્ણાહુતિ, હવે ટીવી પર નવા શૉની બહાર
આજકાલ દરેક ઘરમાં થોડા દિવસોથી ટીવી ઓન થતાં જ આઇપીએલ ફિવર જોવા મળતો હતો, પરંતુ આઇપીએલ પૂર્ણ થતાં જ દર્શકોને ફરી એકવાર પોતાની તરફ આકર્ષવાની તૈયારી ટીવી ચેનલોએ કરી દીધી છે. સ્ટાર પ્લસની વાત કરીએ તો મરિયમ ખાન રિપોર્ટિંગ લાઇવ અને કૃષ્ણા ચલી લંડન નામની સિરિયલ શરૃ થવા જઈ રહી છે. મરિયમ ખાન રિપોર્ટિંગમાં આખાબોલી બાળકીની વાત છે. જ્યારે કૃષ્ણા ચલી સસુરાલ બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મની યાદ તાજી કરાવશે. આ ઉપરાંત પણ સબસે સ્માર્ટ કૌન અને દિલ હૈ હિન્દુસ્તાની-૨ પણ આવી રહ્યા છે.

જ્યારે એકતા કપૂરની નાગિન પણ એન્ટ્રી મારશે. લાંબા સમયથી શરૃ થવાની તૈયારીમાં બેઠેલો શૉ નાગિન-૩ કરિશ્મા તન્નાને લઈને કલર્સ ચેનલ પર આવશે. આ ઉપરાંત થ્રીલર શૉ દેવની બીજી સિરીઝ પણ શરૃ થવા જઈ રહી છે. તો રિયાલિટી શૉ ડાન્સ દીવાને પણ વીકએન્ડમાં દર્શકોનું મનોરંજન કરશે. ઝી ટીવીની વાત કરીએ તો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ દસ્તક મારશે. સમાજને સવાલ કરતી સિરિયલ મિટેગી લક્ષ્મણ રેખા એન્ડ ટીવી પર શરૃ થવા જઈ રહી છે. માતા અને દીકરીના સંબંધને દર્શાવતી અનોખી વાતને સ્ટાર ભારત ચેનલ મુસ્કાનના રૃપમાં રજૂ કરશે. જ્યારે ફરી એકવાર ઇન્ડિયન આઇડિયલ-૧૦ના ઑડિશન શરૃ થઈ ગયા છે. કપિલના શૉને બંધ કર્યા પછી સોની કોમેડી સર્કસને રિપીટ કરવા જઈ રહી છે. આ ઉપરાંત પણ અનેક શૉ દર્શકોની રાહ જોઈને બેઠા છે.
————————–.

પહેલી વાર ગુજરાતી ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ ફિજીમાં થયું
વિદેશના નયન રમ્ય બીચ પર કોઈ ગુજરાતી ફિલ્મના ડાયલોગ બોલાતા હોય તેવાં દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવે અને એ પણ એક, બે દિવસ નહીં, પણ પૂરા એક મહિના સુધી. વાત ભલે માન્યમાં ન આવે પણ આવું બન્યું છે. ગુજરાતી ફિલ્મ ‘પાગલ પંતિ’ના શૂટિંગની આ વાત છે. ગુજરાતી ફિલ્મો શૂટિંગ અને કોસ્ચ્યૂમની બાબતમાં એક ચોક્કસ ઘરેડની બહાર નીકળતી નથી તેવી માન્યતા વચ્ચે હવે ગુજરાતી ફિલ્મોની સિકલ બદલાઈ રહી છે. ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડની ફિલ્મો જેવા લોકેશન પર શૂટ થઈ રહી છે. આવી પહેલી ફિલ્મ છે ‘પાગલ પંતિ’. કોમેડી સાથે દેશપ્રેમનો સંદેશો આપતી આ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આવેલા રમણીય ફિજી દ્વીપ પર કરવામાં આવ્યું છે. તા. ૧લી જૂનથી ફિલ્મ રજૂ થઈ રહી છે.

કપિલ શર્મા શૉ ફેઇમ અલી અસગર, રાહુલ દેવ, મુકુલ દેવ, ફોરમ મહેતા, પૂર્વી રાણા, દિનેશ લાંબા, સાહિલ કોહલી સહિત બોલિવૂડ અને ગુજરાતી કલાકારોના કાફલાએ પાગલ પંતિ ફિલ્મમાં કામ કર્યું છે. આ એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર જેકી પટેલ છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મનું પ્લાનિંગ કરતા હતા. પાગલ પંતિ ફિલ્મના ચીફ આસિ. ડિરેક્ટર આશિફ આરબ રાજકોટના છે. તેમણે ‘અભિયાન’ને કહ્યું હતું કે, ‘કોઈ ગુજરાતી ફિલ્મનું ૯૦ ટકા કરતાં વધુ શૂટિંગ ફિજી આઇલેન્ડ પર કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ફિલ્મ છે. એક મહિના સુધી કલાકારો ફિજીમાં રોકાયા હતા. ગુજરાતની ઓળખ માટે થોડા શોટ અમદાવાદમાં લેવામાં આવ્યા છે. આ ફિલ્મ જોયા બાદ ફિજી જેવા દેશમાં ગુજરાતી ફિલ્મ શૂટ કરવા અનેક ગુજરાતી ફિલ્મ મૅકર્સને બળ મળશે તેવું તેમનું માનવું છે.
————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »