ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
પ્રાચીન કથાઓના શબ્દની લીલામાં મર્યાદિત રહી શકાય
મર્મ ભેદશો તો સાત રંગની પાર અમર્યાદિત થઈ શકાય
અધિક માસ ચાલે છે. સમગ્ર ભારતમાં અને તેમાંય ખાસ કરીને પવિત્ર કે ધાર્મિક કહેવાય છે તેવા સ્થાનક પર કથાનો દોર ચાલે છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી તપતી આપણી ધરા પર શબ્દો થકી તાપસ ચાલે છે. ના, દોડવું કે ઊડવું નથી. ચલણ તથા ચલન છે. આપણી મનુષ્ય-સંસ્કૃતિમાં સ્ટોરી-ટેલિંગનું આગવું પ્રદાન છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજપત્ર પર લખાયેલાં શાસ્ત્રો કરતાં શ્રુતિનું અનન્ય મહત્ત્વ છે. કહેવાય છે કે અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં તેમનો ખ્રિસ્તી ધર્મ ફેલાવવા ખૂબ મહેનત કરેલી, પરંતુ હિન્દુ બાળકના કાન તેની માતાના મુખમાંથી સરતી વાર્તાઓ ધાવતા એટલે એમનું મન ભારતીય જ રહેતું. સરવાળે ભારતીય મહાકુંભમાં પ.પૂ. જિસસની નાવ તરતી થઈ, પરંતુ આસપાસ ભારતીય ક્ષીર જ હિલોળા લેતું રહ્યું.
શ્રુતિ શબ્દથી બધા વાકેફ છે. ગુજરાતી વાર્તા-કસબના ધની ‘ને ધણીઓ પણ માને છે કે વાર્તા લખવા-વાંચવા કરતાં કહેવા-સાંભળવાનો મામલો છે. કેમ નહીં? વિજ્ઞાનીઓના કહેવા અનુસાર જ્યારે અસ્તિત્વનો પ્રારંભ થયો ત્યારે બિગ-બેન્ગ થયેલો. તેને બિગ-સ્પાર્ક નથી કીધો. ક્રૌંચ પક્ષીનો ચિત્કાર વાલ્મીકિની આંખે જોયો હશે, પણ તેમના મન-મગજ સોંસરવો ગયો તે અવાજ હતો. શબ્દ ઉર્ફે ધ્વનિને બ્રહ્મ કહ્યો છે. બાળક ખોળામાંથી પારણામાંથી શાળાની પાટલી પર આરોહણ કરતો જાય છે તે દરમિયાન જિહ્વા ‘ને કર્ણની જુગલબંધી તેને ‘મોટો’ કરે છે. મૂક-બધિર મનુષ્યોને વંદન કરીને આજના વીડિયોમય વાતાવરણમાં આપણે સ્વીકારવું રહ્યું કે હરિ યા હરિકથા અનંત હોય કે ના હોય, કથા માત્રનો પાવર અનલિમિટેડ છે.
ભારતીય કથાઓની વાત આવે કે સૌને રામાયણ, ભાગવત, શિવપુરાણ ‘ને ગીતા વગેરે તુરંત યાદ આવે. સૂતજી, શૌનકાદિ ‘ને નારદનું સ્મરણ થાય. ચિત્રકારોની મદદથી કથાકારોના શબ્દોને જે આકાર મળ્યો હોય છે તે થકી સૌના મનમાં જે તે પાત્રના દેહની આકૃતિ પણ બંધાય છે. શબ્દ, અર્થ, મર્મ અડી નથી શકાતા. છતાં કોઈક વ્યક્તિ સદેહે કથા કરે છે ‘ને સાંભળનાર સદેહે કથા સાંભળે છે. સાંભળનાર શાક સમારતાં-સમારતાં સાંભળે કે માળા ફેરવતાં-ફેરવતાં, કથા તેને ઘણે અંશે અન્ય દુનિયામાં લઈ જાય છે. યોગની ભાષામાં સમજીએ તો વાત સ્થૂળ શરીરથી સૂક્ષ્મ ‘ને કારણ શરીર પર પહોંચે છે. મેટર તથા એનર્જી વચ્ચે આંદોલન પામતો જીવ એનર્જી તરફ ખસતો જાય છે.
ઉદ્ધવજી જ્યારે સમાચાર રિલે કરે છે ત્યારે કૃષ્ણ કે ગોપીઓનું જડ શરીર નહીં, ચેતન અશરીર પર્સેપ્ટ કરે છે. તન નામે એન્ટેના ‘ને મન નામે સેટટોપ-બોક્સ થકી જે-તે જીવ અસ્પર્શ્ય જગતમાં વિહરે છે. હનુમાનજી અશોકવાટિકામાં સીતાને રામનો સંદેશ સુણાવે છે ત્યારે કે કંસને આકાશવાણી સંભળાય છે ત્યારે, ઘટના જાણીતી ઇન્દ્રિયોના કાર્યક્ષેત્ર બહારના માધ્યમ પર ઘટે છે. બેશક કથાકાર કે શ્રાવક-શ્રોતાને આ પ્રોસિજર્સ વિષે જાણ કે ભાન હોય એ જરૃરી નથી. નશેદાર પ્રવચન કે ઉશ્કેરણીજનક ભાષણો, મહદ્ મન ‘ને મગજની સરહદમાં જ ભટકી શકે છે. કિન્તુ, ટૅકનિકલી પરફેક્ટ ‘ને વર્ષોનાં વર્ષોથી ઊર્જામય થયેલી કથાની શક્તિ જાતકની જાતમાં ઊતરીને તેના અંદર રહેલા સર્વસામાન્ય શક્તિપુંજ સાથે સંવનન કરવા જાય છે. વાસ્તવમાં દૃશ્ય માધ્યમથી શ્રુતિ આ દિશામાં જુદી પડે છે, ચઢી જાય છે. શ્રુતિ આપણા મસ્તિષ્કમાં સીધા ચિત્ર જડી નથી દેતી. શ્રુતિ છાપ પાડવા કરતાં છાપ ઉગાડવાની પ્રક્રિયા કરે છે. શ્રુતિ કોન્શ્યસ માઇન્ડ કરતાં સબકોન્શ્યસ થકી આગળ વધે છે.
પણ, અફસોસ આપણે એટલે આપણે! સામાન્ય રીતે સાધારણ મનુષ્ય મન-મગજ કથા સાંભળતી વખતે જે-તે કથા અંગેના પોતાના કરી કાઢેલા ભાવ-વિચારો સાથે કાન ખોલે છે. કથાના પાત્ર સાથે જોડાયેલા શબ્દના મર્મ નહીં, ક્યારેક અર્થ ‘ને મોટા ભાગે શબ્દના સગવડ મુજબ પર્યાય પકડે છે. કથાના મૂળ સર્જકોને માનવ દેહની આ કાર્યપદ્ધતિની સમજ હતી એટલે સ્તો એમણે ઉપનિષદની તાત્વિકતાને પ્રતીક/મેટાફોરની રંગોળી થકી રજૂ કરી. બટમ, ક્યારેક ભક્તિના શીર્ષક હેઠળ તો ક્યારેક સંસારની પાર વગરની સમસ્યાઓના ઓઠા હેઠળ કથા કહેનાર ‘ને સાંભળનાર મૂળ કનેક્શન ‘ને નેટવર્ક તોડી મરોડીને વાત ફરીથી સ્થૂળ વિશ્વમાં ખોદીને ખોડી દે છે. વાત શરીર પર આવીને સ્થાયી થાય છે. અપવાદ સિવાય આહાર, નિદ્રા ‘ને મૈથુન આત્મસાત રહે છે, પોતપોતાના માટે શાશ્વત રહે છે.
ભારતીય કથાઓમાંથી આહાર ‘ને નિદ્રા અંગેની વાતોનું સંકલન કરવામાં આવે તો પાકશાસ્ત્રીઓ અને ઇન્સોમ્નિઆ કે સ્લીપ-એપ્નિઆના દર્દીઓને લાભ થાય એવું કશું ખાસ મળે એમ નથી! હા, કમ સે કમ પચાસ વાત એવી શોધી શકાય જેમાં ‘સેક્સ’ અને પુરુષ-સ્ત્રી કે મનુષ્યની મનોદશાને લખનારે વિશિષ્ટ ઊંડાણથી તપાસી હોય તેમ જ ટૂંકમાં ફક્ત સારરૃપે રજૂ કરી હોય. નાસ્તિકો એવમ હિન્દુુ વિરોધીઓને જે જે. વિચારવા જેવું એ છે કે કેમ કથાકારોએ ભર્તૃહરિના શૃંગારશતક કે વાત્સાયનના કામસૂત્ર વગેરેની સ્વતંત્ર હાજરી હોવા છતાં ‘મૈથુન’ને આટલું મહત્ત્વ આપ્યું? શું ખરેખર એ વાતોમાં પ્રણય ‘ને રતિ ઇત્યાદિ ચીજોની જ વાત કહેવાઈ છે? કે પછી શબ્દના પડદા પાછળનું પિક્ચર સસ્પેન્સ કે સિક્રેટ રાખ્યું છે?
ગુરુ દત્તાત્રેયને જ્યારે ચુનંદો શિષ્ય પસંદ કરવો હોય છે ત્યારે તે પોતાની શક્તિથી સર્જેલી બિમ્બો યા લલના પ્રકારની નાના સ્ત્રીઓ સાથે ક્રીડામય સ્વરૃપમાં વિહાર કરવાનું શરૃ કરે છે. સૂર્ય મહારાજના તાપથી થાકીને એમની પત્ની સંજના પોતાની છાયાને પોતાનું સ્વરૃપ આપીને પોતાના સ્થાને સૂર્ય સાથે દામ્પત્યજીવન જીવવા ‘ને સહશયન માટે મોકલે છે. વિશ્વામિત્ર અને મેનકાની વાત તો ચાવી ચાવીને આપણે લેટેક્સ બનાવી દીધી છે. આ અને અન્ય રસપ્રદ વાતો રસિકજનોને ખબર હશે. શુકદેવજીનું નામ પણ એમની જાણમાં હશે, પણ શુકદેવજી નામ સિવાય શુકદેવજી એટલે શું? સીતાજીના પિતા ‘ને જેમની પાસે અંતિમ જ્ઞાન લેવા વેદવ્યાસ પોતાના પુત્ર શુકદેવને મોકલે છે તે જનક વિદેહીનો એક પગ ભડભડતા અગ્નિમાં રહેતો અને એક પગની જાંઘ પર તેઓ રાણીને બેસાડતાં જેમના એક સ્તન પર એમનો એક હાથ રહેતો. તો શું શુકદેવજી દેહી હતા?
(વૈશમ્પાયન) વેદવ્યાસની જ્ઞાની યા સર્જક તરીકેની ખ્યાતિ ત્યારે પણ હતી. સ્વાભાવિક રીતે તેઓ એકો ના દ્વિતીયમ હતા, પણ એ જ્યારે-જ્યારે કોઈ તળાવ કે કૂવા પાસેથી પસાર થાય ‘ને સ્ત્રીઓ પાણી ભરતી હોય કે કશું પણ કામ કરતી હોય તો સ્ત્રીઓ એમનાથી શરમાતી. લજ્જા ધરતી. એમનો શારીરિક માન-મર્યાદાનો ભાવ જાગૃત થઈ જતો, પરંતુ જે સદા નિર્વસ્ત્ર રહેતા એ ચિરકુમાર શુકદેવજી સ્નાન કરતી સ્ત્રીઓની નજીકથી પણ નીકળે, એમને પાણી પીવડાવવાનું કહે તો સ્ત્રીઓ કોઈ પણ ભાવચલન પામ્યાં વિના એમને પાણી પિવડાવતી. શાસ્ત્ર તેમ જ મહાયોગીઓ જણાવે છે કે શુકદેવજી બે શરીરના શારીરિક મિલનથી ન્હોતા જન્મ્યા એટલે એમના શરીર, આંખમાં સ્ત્રી-પુરુષ એવો ભાવ જ ન્હોતો આવતો અને ઉપરથી એમનામાંથી જે ઓરા નીકળતી એ સામાન્ય સ્ત્રીઓને પણ તટસ્થ કરી નાખતી.
જેમ પશ્ચિમમાં વૈજ્ઞાનિકોને જીવતા સળગાવી દેનારા વ્યક્તિઓ અંધશ્રદ્ધામાં ચૂર થઈને ધીરજ ખોઈ બેસતા એમ નાસ્તિકો કે હિન્દુ વિરોધીઓએ સંતુલન ગુમાવવાની જરૃર નથી. અહીં વાત એ છે કે પુરુષ-સ્ત્રીના સંબંધ પર, મનુષ્યની મનોદશા પર કે સેક્સ સિવાયની વાતો પર સેક્સ વગેરેની શું કેવી અસર હોઈ શકે એ ભારતીય શાસ્ત્રકારો ઘણા-ઘણા-ઘણા વર્ષો પહેલાં લખી ચૂક્યા છે. બોલવા ‘ને વિચારવાનું કામ તો એ પહેલાં ક્યારનું કર્યું છે. જે-તે કથાકારો એકથી વધારે વાર કહી ચૂક્યા છે કે સેક્સ અને સંભોગ વચ્ચે નોલેજ અને જ્ઞાન વચ્ચે છે એવું અંતર છે. કથાશરીરના લિંગ સમા શબ્દમાંથી વીર્ય તરીકે શું નીકળે છે અને તેમાં રહેલા શુક્રકોષમાંથી કયો એક માત્ર પ્રોટોન આપણામાં અધૂરપ અનુભવતાં ઇલેક્ટ્રોનને ફલિત કરે છે તે જોવાનું છે. આપણા ગુજરાતમાં શુકદેવ નામની જગ્યા છે. ઓરસંગ નામની નદી છે. ઓરા તથા બચ્ચા ‘ને માતાના શરીરને એક રાખતા કેબલ એવા ઓરને શું સંબંધ એ પછીની વાત છે. ફિર હાલ અત્રે એ જાણવા જેવું છે કે ઓરસંગ નદી એટલે શુકદેવજી તથા તેમના માતા વચ્ચેની ઓર. શુકદેવજી જન્મ્યા અને સીધા કુટુંબ છોડીને ચાલવા માંડેલા, ઓર સાથે. યસ, અહીં એ પણ વિચારવા જેવું છે કે નદી અને નાડીને સંબંધ છે.
ભાવાર્થનું કહેવાનું કે કથાના શબ્દ સ્થૂળતાથી પકડવામાં આંધળાના હાથમાં પારસમણિ જેવું થાય. આપણી ભારતીય કથાઓ અન્ય પ્રકારના વાર્તાકારોની વાર્તાની જેમ ગળવા માટે તૈયાર કે વાગોળવા માટે ચાવેલા કોળિયા નથી પીરસતી. આપણી કથાઓ ડીઆઇવાય અર્થાત્ ડુ ઇટ યોર સેલ્ફનો શિરસ્તો અનુસરે છે. આપણી કથાઓ કંઠસ્થ નહીં, ધ્યાનસ્થ કરવા માટે છે. આતંકવાદના કારખાના સમી કટ્ટરવાદી સ્કૂલોમાં જેમ ધર્મનાં પુસ્તકો શબ્દશઃ ગોખાવ્યા કરવામાં આવે છે તેમ જો આપણે આપણી કથાઓ સાંભળ્યા કરીશું કે વાંચ્યા કરીશું તો અધિક માસ નહીં, અધિક જન્મો મળશે તોય પાર નહીં આવે. રામ એટલે આત્મા, સીતા એટલે કુંડલિની, હનુમાનજી એટલે પ્રાણ એ સમજવું પડે. લક્ષ્મણને ગુરુત્વાકર્ષણ બળ સાથે ‘ને ધ્યાનની તાકત જોડે શું લેવાદેવા એ સાન કે સેન્સ ના હોય તે ફક્ત રામ-સીતા ‘ને હનુમાનજીની ત્રિમૂર્તિ પૂજ્યા કરે. રામ વ્યવહાર ‘ને સમાજની મર્યાદામાં રહે એટલે મર્યાદા પુરુષોત્તમ નથી, પણ સીતા, લક્ષ્મણ ‘ને હનુમાનજી વગર અધૂરા છે એ માહિતીને લૉક કરવી પડે. વશિષ્ઠ તથા વિશ્વામિત્ર વચ્ચે જાતપાતનો ભેદ નથી, પણ ઈશ્વરના મન તથા સ્વયંના મન વચ્ચેનો ભેદ છે એ અર્ક ઊંધું ઘાલીને કથા સાંભળવાથી ના પામી શકાય. કર્ણ ‘ને શ્રવણ જેવાં પાત્રો પર લાગણી થાય એ સારું છે. વધુ સારું ત્યારે થશે જ્યારે કથા સાંભળ્યા પછી તેમની ભૂમિકા, તેમના કામ અને નામ વચ્ચે શું નાતો છે એ ચિંતન કરીએ. અઉમ ભર્દ્મ કર્ણેભિઃ શ્રુણુયામ દેવાઃ કહીને આપણે સ્વયમના કાનથી જાતે સાંભળીશું એટલે કે હિઅર નહીં, લિસન કરીશું એ વચન આપીએ છીએ. શું? સહેલું પડે તે, સમજાય તે, ગમે તે, ફાવે તે નહીં. ભદ્રમ. શ્રેષ્ઠ, દિવ્ય, કૃપામય. યારાઝ, મહેનત તો કરવી પડે. બાકી હરિ ‘ને હરિકથા નહીં, માણસ ‘ને માણસકથા ચાલ્યા કરશે.
બુઝારો
સંસ્કૃતના મહાન વ્યાકરણકાર પાણિનિ તેમના વિદ્યાર્થીઓને સિંહની ગર્જનાના સ્વરનું બંધારણ સમજવાનું કહેતાં હોય છે અને તે સિંહ તેમના મૃત્યુનું કારણ બને છે.
——————————.