કવર સ્ટોરી – હિંમત કાતરિયા
મંગળની કુંડળી મુસીબતવાળી માનવામાં આવે છે. મંગળની અસર દૂર કરવા માટે ભાતભાતની વિધિઓ કરાવવામાં આવે છે. કુંડળીમાં મંગળ ગ્રહનો હાઉ જનમાનસમાં ભરાયેલો છે તે વાજબી છે કે વ્યાવસાયિક જ્યોતિષીઓએ ઊભો કરેલો છે તે જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત પરંતુ તેને વ્યવસાય તરીકે નથી અપનાવ્યો તેવા લોકો પાસેથી જાણીએ.
કથા અનુસાર, શંકર-પાર્વતીનાં નૃત્ય દરમિયાન પરસેવાનું એક ટીપું જમીન પર પડ્યું અને તેમાંથી લોહિતાંગ એટલે કે મંગળ દેવતાની ઉત્પત્તિ થઈ. મંગળની ઉત્પત્તિ સકારાત્મક ઊર્જામાંથી થઈ હતી એટલે મંગળ પોતે સકારાત્મક છે, પરંતુ એક રાક્ષસ મહાદેવને પ્રસન્ન કરીને તેમની પાસેથી સંતાન તરીકે મંગળની માગણી કરે છે અને પછી મહાદેવ સામે જ તેનો ઉપયોગ કરે છે. નવ ગ્રહોમાં ભારે ઊર્જાનો ગ્રહ મંગળ સેનાપતિનું કામ કરે છે. તેની પાસે ચર્ચા-વિચારણા નથી, એક ઘા ને બે ટુકડા એ એની
પ્રકૃતિ છે. એટલે આપણે મંગળવાળા માણસોને ખતરનાક કહીએ છીએ. મંગળ જે ગ્રહ સાથે બેસે તે ગ્રહની ઊર્જાને ઊંચે લઈ જાય છે. કુંડળીમાં મંગળ પહેલે, ચોથે, સાતમે, આઠમે અને બારમે સ્થાને આવે ત્યારે-ત્યારે તે કુંડળીને મંગળદોષવાળી કુંડળી માનવામાં આવે છે. મંગળદોષવાળી એટલા માટે કહેવાય છે કે કુંડળીમાં પહેલું સ્થાન મસ્તિષ્કનું સ્થાન, ચોથું સ્થાન હૃદયનું, સાતમું સ્થાન સામેવાળા પક્ષનું સ્થાન છે, આઠમું અને બારમું સ્થાન જાતીયતાનું સ્થાન છે. પહેલા સ્થાને મંગળ આવે એટલે વ્યક્તિનો સ્વભાવ એકદમ આક્રમક બની જાય છે, ઝનૂની બની જાય છે. ચોથા સ્થાને મંગળવાળી વ્યક્તિ કોઈ પણ ભોગે ધાર્યું પાર પાડવાના પ્રયત્નો કરે છે. સાતમા સ્થાને મંગળવાળી વ્યક્તિ સામેના પાત્ર સાથે એટલી આક્રમક દલીલો કરે કે સામેની વ્યક્તિ તેને સમજી ન શકે તો મોટા ઝઘડા જ થાય. જાતીય દુષ્કર્મોના મોટા ભાગના કિસ્સાઓમાં આઠમા અને બારમા સ્થાને મંગળવાળા જાતકો વધારે જોવા મળે છે.
અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં રહેતા જિગર મશરૃવાલા સંગીત શિક્ષક છે અને તેઓ ૨૩ વર્ષથી જ્યોતિષના અભ્યાસુ રહ્યા છે. જ્યોતિષ વિશારદ જિગરભાઈ કહે છે, ‘મંગળવાળી વ્યક્તિનો મંગળવાળી વ્યક્તિ સાથે મેળાપ કરાવવાનું કારણ, જેમ લોખંડથી લોખંડ કપાય તેમ એક મંગળની ઊર્જાને બીજા મંગળની ઊર્જા સમજી શકે છે. એક ઉશ્કેરાય એટલે બીજો સચેત થઈ જાય છે અને સ્વીકારી લે છે કે હું પણ ક્યારેક આવો જ ઉશ્કેરાટ અનુભવું છું. લગ્નજીવનમાં આ માટે જ મંગળ સામે મંગળની પસંદગી કરવામાં આવે છે. માંગલિક લોકો નોન-માંગલિક લોકો સાથે સંકલન નથી સાધી શકતા. કેમ કે માંગલિકની સરખામણીએ નોન-માંગલિકમાં સાહસ કરવાની વૃત્તિઓનો ઘણો અભાવ હોય છે. માંગલિકો વિચાર્યા વગરનું માની ન શકાય તેવું સાહસ કરી શકે છે જ્યારે બિન-માંગલિક કોઈ સાહસ કરતા પહેલાં પચ્ચીસ તર્કો લગાવશે. બંને વચ્ચેનો આ પ્રમુખ તફાવત છે. એટલા માટે જ મંગળવાળાની પ્રગતિ સતત નહીં, પણ આકસ્મિક હોય છે. આ લોકોને ખતરનાક એટલા માટે કહેવામાં આવે છે કે તેમને યોગ્ય માર્ગદર્શન કરનારા ન મળે અને ભટકાવનારા મળી જાય તો મંગળવાળા ડોન બની જાય, ખૂન-ખરાબા કરનારા બની જાય છે. મંગળવાળાની ઊર્જા એવી છે કે તેને કોઈ એક વ્યક્તિ ઉપર વિશ્વાસ આવી જાય તો પછી તે વ્યક્તિ ખોટી હોય તો પણ તેની પડખે ઊભી રહેશે. આનો અર્થ એ હરગિજ નથી કે માત્ર મંગળવાળા જ ઊર્જાવાન હોય છે, દરેકની કુંડળીમાં ક્યાંક ‘ને ક્યાંક મંગળ બેઠો જ હોય છે.’
એકલો મંગળ જ નથી જોવાતો. તેનું બીજા ગ્રહો સાથે કેવું સાયુજ્ય છે તેના આધારે મંગળની આખી પરિણતી બદલાઈ જાય છે. જિગરભાઈ કહે છે, ‘આ વાતને દાખલા સાથે સમજીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં પહેલા સ્થાને જ મંગળ છે અને તેની સાથે ચંદ્ર હોવાથી તે બહુ આક્રમક હોવાની સાથે તેમનામાં સૌમ્યતા, ડહાપણ પણ ભરેલા છે. તે મૂળ આક્રમક સ્વભાવની સાથે જરૃર પડ્યે ધૈર્ય પણ અપનાવી શકે છે. મંગળ મોદીને આટલા આક્રમક બનાવે છે, સેનાપતિ જેવા બનાવે છે. કેટલાક લોકોએ તેમને હિટલર કહીને પણ સંબોધ્યા છે. હિટલરની કુંડળીમાં ચોથે સ્થાને મંગળ હતો. જોકે, મોદીમાં મંગળની આક્રમકતા હોવા છતાં ચંદ્રની સૌમ્યતા અને શીતળતાનું સાયુજ્ય તેમને લોકોના હૃદયમાં સ્થાન અપાવે છે.’
માંગલિકનું માંગલિક સાથે જ લગ્ન કરાવવું એ સિવાયનો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી શું? જિગરભાઈ કહે છે, ‘વ્યાવસાયિક જ્યોતિષીઓએ એવા ઉપાયો કાઢ્યા છે. મંગળની સામે રાહુ હોય તો ચાલે અને મંગળની સામે શનિ હોય તો ચાલે એવું કહીને આ જ્યોતિષીઓ અમુક વિધિની ભલામણ કરે છે, પરંતુ બિનવ્યાવસાયિક જ્યોતિષ તરીકે મારું કહેવું છે કે આ બધા જ્યોતિષીઓએ શોધી કાઢેલા કમાણી કરવા માટેના કીમિયા માત્ર છે. તેઓ ૫૦ રૃપિયાના રંગીન પથ્થરને પાંચ-પચ્ચીસ હજાર રૃપિયાનો નંગ કહીને પહેરવા માટે આપી દેતા હોય છે. અત્યારે એક નવી યુક્તિ શોધી છે. જ્યોતિષ પહેલાં એમ કહે છે કે, હું કોઈ ફી લેતો નથી, નિઃશુલ્ક સેવા આપું છું. પછી ધીમે-ધીમે ત્રીજી-ચોથી મુલાકાતમાં ગ્રાહકનો વિશ્વાસ સંપાદિત કરીને વિધિના નામે મોટો તોડ કરે છે. આવા લોકોને કારણે જ જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેની લોકોની શ્રદ્ધામાં ઓટ આવે છે. વાસ્તવમાં તો, મંગળ મંગળ છે, રાહુ રાહુ છે અને શનિ શનિ છે. મંગળવાળાએ શનિવાળા સાથે લગ્ન કર્યા હોય અને એમાં બંનેની ઊર્જાનો મેળ ન ખાતો હોય એવા મેં અનેક કિસ્સાઓ જોયા છે. જરા વિગતે સમજીએ. શનિ ધીરજનો ગ્રહ છે. તે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનું આયોજન કરવામાં માને છે. મંગળના કામમાં આયોજન નથી હોતું. ઉદાહરણથી સમજીએ તો અંબાજી જવું છે તો શનિ રસ્તાઓનું, ખાણીપીણીની સામગ્રીઓનું આયોજન કરશે જ્યારે મંગળ કશું વિચાર્યા વગર અંબાજી જવા નીકળી પડવાનો આગ્રહ કરશે, માર્ગમાં બધું જોઈ લેવાશે એમ કહીને. મંગળ અને શનિવાળાના મેળાપમાં મેં જોયું છે કે બંને સાથે જીવન કાઢી નાખતા જોવા મળતા હોય તો પણ બંનેને એકબીજા પ્રત્યે બહુ ફરિયાદ રહે છે. એકને બીજું પાત્ર રઘવાયું કહેશે અને બીજું પાત્ર પહેલાને ઠંડા માટલા જેવું કહેશે. આમ મારા મત પ્રમાણે મંગળ સાથે બીજો કોઈ વિકલ્પ ન હોય એ જ ઇચ્છનીય છે. મંગળ સાથે મંગળ જ શ્રેષ્ઠ છે. કેમ કે બંને એનર્જી એકબીજાને સમજી શકે છે, ગ્રહી શકે છે. એકબીજાની ભૂલોને માફ પણ કરી શકે છે.’
માંગલિક કુંડળીનો ભય કેટલો….. વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો..