તમારા માટે, તમારી સાથે, સતત…

ધ્યેયનો ઉદય અને કશિશ વચ્ચે સમાધાનનો પ્રયત્ન

તમે જ સ્ત્રીત્વનું અપમાન કરો છો

0 443

નવલકથા –  કામિની સંઘવી
પ્રકરણ – ૧૦

ધ્યેયે ઉદયને ઘરે મળવા બોલાવ્યો. ધ્યેયનો ફોન આવતાં જ ઉદય ધ્યેયના ઘરે પહોંચ્યો. ધ્યેયે ઉદય સાથે વાતચીત કરવાનું શરૃ કર્યું અને કશિશને મેડિકલમાં પ્રવેશ ન મળે તેનું ષડયંત્ર ઉદયે રચ્યું હતું એ વાતની કશિશને કેવી રીતે જાણ થઈ તેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ધ્યેય અને ઉદય બંને જૂના મિત્રો હતા, તેથી ધ્યેયને ઉદયના ઘરની તમામ માહિતીનો ખ્યાલ રહેતો, પણ કશિશ સાથે થયેલા અન્યાયની માહિતી નહોતી. ધ્યેયનો મુખ્ય આશય હતો કે ઉદય અને કશિશ કોર્ટની બહાર સમાધાન કરી લે, જેથી વાત અને સંબંધ વધુ ન વણસે. ઉદયના વકીલે પણ ઉદયને આ જ સલાહ આપી હતી. જોકે, ઉદયને ધ્યેય માટે ભયંકર ગુસ્સો હતો અત્યારે. ધ્યેયે કશિશને સાથ આપ્યો અને તેને કેસ કરવા ઉશ્કેરી એમ ઉદયનું માનવું હતું. ધ્યેયે સ્પષ્ટતા કરી કે જો તે તેનો જુનિયર વકીલ કશિશને ન આપત તો કશિશ કોઈ બીજા વકીલનો સંપર્ક સાધત અને પછી એ શું વિચારી રહી છે તેની જાણ ન થાત કે સમાધાન કરવાનો કોઈ મોકો ન રહેત. ધ્યેયે ઉદયને સૂચન કર્યું કે કશિશને મળીને સમાધાન કરવાનો પ્રયત્ન કરી લે. ઉદય આ માટે તૈયાર પણ થયો. બીજી તરફ કશિશ કૌશલના વ્યવહારને લઈને ભારે ઉદાસ થઈ ગઈ હતી અને કૌશલ પણ ટૂર પર જતો રહ્યો હતો. આથી કશિશે પોતાનું મન વાળવા માટે કશુંક કામ કરવાનું નક્કી કર્યું. ધ્યેયે કશિશને સૂચન કર્યું કે તે બિઝનેસ કરે, કારણ કે બિઝનેસ તેના લોહીમાં છે. કશિશને પણ ધ્યેયનું સૂચન ગમ્યું.
હવે આગળ વાંચો…

‘આ ધ્યેય પણ જબરો છે… મને ધંધે લગાવી દીધી કે બિઝનેસ કર.. પણ એમ કાંઈ રાતોરાત કોઈ બિઝનેસ થોડો થાય છે? કોઈ આઇડિયા પણ આવવો જોઈએ ને!’ કશિશ બહાર ગાર્ડનમાં સાંજે વૉક કરતાં-કરતાં વિચારતી હતી. એક અઠવાડિયાથી રોજ કશું વિચારતી અને તે વિશે નેટ પર સર્ચ કરતી. અને જરાક મન એ બાબત પર પોઝિટિવ થાય તો ધ્યેય સાથે એ વિશે ચર્ચા કરતી. આ છેલ્લા અઠવાડિયામાં એણે અનેક નવા આઇડિયા વિશે વિચારીને કેન્સલ કર્યાં. કદીક વિચાર આવતો તે પ્રેક્ટિકલી બંધબેસતો નહોતો લાગતો. તો કદીક કોઈ આઇડિયા પ્રેક્ટિકલી જામે તેવો હોય તો કશિશને પસંદ ન આવતો.

‘શું કરવું જોઈએ જેથી બિઝી પણ રહેવાય અને કશુંક યુનિક પણ હોય?’ ફ્રેશ થવા માટે કશિશે સર્વન્ટને કૉફી લાવવા કહ્યું.. કદાચ કૉફી પીવાથી કશુંક ક્લિક થાય!

અને કશિશને ત્યાં સ્ટ્રાઇક થઈ.

‘કૉફી હાઉસ?’

એને પહેલેથી વેસ્ટના નામાંકિત લેખકોની કૉફી હાઉસ વિશેની આસક્તિ વાંચીને એને ત્યાંના કૉફી હાઉસ જોવાનું ખૂબ આકર્ષણ હતું. એટલે જ એ જ્યારે યુરોપ ફરવા ગઈ ત્યારે ચાહીને એણે ત્યાંના બે-ત્રણ કૉફી હાઉસ જોયાં હતાં. પેરિસનું લેસ ડ્યુક્સ મેગેટ્સ ખાસ જોવા ગઈ હતી, કારણ કે એના ફેવરિટ ઐતિહાસિક કલાકારોએ ત્યાં કદી જ્ઞાન-વિજ્ઞાન-કલા-સાહિત્યની ચર્ચાઓ કરી હતી. ત્યાં પગ મૂકતા એને અદ્ભુત લાગણી અનુભવાઈ હતી. આ શહેરમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં માણસ કલાકો બેસી શકે, મનગમતું વાંચી શકે કે કોઈ બૌદ્ધિક ચર્ચા કરી શકે.

બસ, આ વિચાર કશિશના મનમાં ક્લિક થઈ ગયો. કરવું તો કશું આવું કરવું. એણે તરત ધ્યેયને ફોન કર્યો.

‘યુરેકા…!’ કશિશ આટલું બોલી એટલે ધ્યેય હસીને બોલ્યો,

‘બોલ, શું શોધ્યું?’

‘હું કૉફી હાઉસ ખોલું?’ કશિશે પૂછ્યું.

‘સાઉન્ડ્સ ગુડ!’ ધ્યેયે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એટલે કશિશે પોતાના પ્લાનની વાત કરી. એવું કૉફી હાઉસ જે દિવસ-રાત ચાલે. તદ્દન ચીલાચાલુ કૉફી હાઉસ નહીં. લોકો કલાકો ત્યાં કોઈ રોકટોક વિના પોતાની

પ્રવૃત્તિ કરી શકે. ત્યાં એક નાનકડું સ્ટેજ પણ હોય. જ્યાંથી લોકો પોતાનાં સાહિત્ય, સંગીત કે નૃત્યકલા, નાટક જે કાંઈ કરવું હોય તે કરી શકે. ટૂંકમાં કલા અને કલાકારને સ્પેસ આપે તેવું કૉફી હાઉસ. જ્યાં લોકોને પોતાની કલા પ્રદર્શન કરવાની તક મળે. કશિશે પોતાના મનના વિચાર કહ્યાં કે ધ્યેય તરત બોલી પડ્યો,

‘ઑસમ…!’

કશિશ ખુશ થઈ ગઈ, પણ મેઇન પ્રશ્ન એને જે થયો હતો એ એણે કહ્યો,

‘પણ ફાઇનાન્સ ઘણુ જોઈએ ને? તેટલા પૈસા ક્યાંથી કાઢવા?’

ધ્યેય સમજી ગયો કે આ સવાલ કેવી રીતે કશિશના મનમાં આવ્યો છે. ‘કેટલાક દોસ્ત એવા હોય છે કે વગર કહ્યે પણ મનની વાત સમજી જતા હોય છે.’ એ જાણીજોઈને આટલું જ બોલ્યો.

‘મિસિસ કશિશ, કૌશલને આ સવાલ નડવો ન જોઈએ.’ સામેથી કશો રિસ્પોન્સ ન આવ્યો એટલે ધ્યેયે પોતાની વાત આગળ કહી,

‘લુક કિશુ, આઇ ડોન્ટ નો વ્હોટસ ગોઇંગ બિટ્વિન યુ એન્ડ કૌશલ. બટ આઇ કેન ગેસ! પ્લીઝ, ડોન્ટ સ્ટ્રેચ ધ મેટર! આફ્ટર ઑલ, તમારાં મેરેજને સાત વર્ષ થઈ ગયાં છે. કોઈ પણ સંબંધ ટકાવી રાખવો હોય તો એક જણે ઇગો બલિદાન કરવો જોઈએ. જસ્ટ ટ્રાય વન મોર ટાઇમ! અને ખાતરીથી કહું છું તું નિરાશ નહીં થાય. હું આ કહી રહ્યો છું કારણ કે હું કૌશલને જાણું છું.’

Related Posts
1 of 279

ધ્યેયની વાત સાંભળીને કશિશને મનમાં થયું કે આ માણસથી કશું છુપાવી ન શકાય. ખરેખર ધ્યેય પોતાને કેટલી જાણે છે કે આટલે દૂરથી અને વગર કહ્યે પણ એ કળી શકે છે કે એના ઘરમાં શું ચાલે છે. ધ્યેય પ્રત્યે કશિશને પહેલાં હતું તે કરતાં અનેકગણું માન વધી ગયું.

‘થેન્ક્સ ફોર ઓલ ધીસ કૅર!’

કશિશ આટલું બોલી એટલે ધ્યેય સમજી ગયો કે કશિશ હવે કૌશલ સાથે સમાધાન કરી લેશે.

‘યુ આર ઓલવેઝ વૅલકમ ડિયર! હવે હું કામ કરું?’

‘તું અને તારું કામ …કદી એકબીજાને છોડો છો ખરા!’ કશિશે કટાક્ષમાં કહ્યું.

‘યાહ…એટલે તો મેં લગ્ન નથી કર્યાં. યુ નો, કોર્ટમાં મને બધા ટોન્ટમાં કામાતુર જ કહે છે.’

અને એ વાત પર બંને હસી પડ્યાં.

ધ્યેયે ફોન મુક્યો અને કશિશ વિચારમાં પડી. ધ્યેયના સજેશન મુજબ કૌશલને એકવાર કહી જોવું. જો એ પોઝિટિવ રિસ્પોન્સ આપશે તો બરફની જેમ થીજી ગયેલો સંબંધ ફરી ખળખળ ઝરણાંની જેમ વહેતો થાય! જો એ કશી પ્રતિક્રિયા ન આપે તો સમજી લેવાનું કે હવે એને સંબંધ જાળવી રાખવામાં રસ નથી. કશિશ આ નિર્ણય પર તો પહોંચી ગઈ, પણ એને કૌશલને ફોન કરવાનું મન ન થયું. એ ઉપાડે ન ઉપાડે તો બધું ત્યાં જ પૂરું થઈ જાય. એના કરતાં વૉટ્સઍપ પર મેસેજ કરી દેવો સારો. છેલ્લા કેટલાય દિવસથી વૉટ્સઍપ એણે યુઝ જ કર્યું ન હતું. એણે ઍપ ખોલી તે સાથે જ કૌશલનો મેસેજ ટપકી પડ્યો,

‘ડીડ યુ કૉલ મી ટુડે? એવરિથિંગ ઇઝ ફાઇન? વોઝ બિઝી ઇન મિટિંગ.’

આ વાંચીને કશિશની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં. પોતાનાથી ભૂલમાં ફોન થઈ ગયો હતો છતાં કૌશલે એની પરવા કરી એને મેસેજ કર્યો. પોતે જ આટલા દિવસ વાંચ્યો નહીં. તો ભૂલ કોની? જાણે પોતાની ભૂલ સુધારતી હોય એમ એણે કૌશલને વિગતવાર મેસેજ લખ્યો કે પોતે શું કરવા ઇચ્છે છે. કોઈ જ પ્રકારની ઉત્તેજના કે ટેન્શન વિના એ જમીને સૂઈ ગઈ.

સવારે સાત વાગે કશિશ ઊઠી તો કૌશલ બાજુમાં સૂતો હતો. કશિશ આશ્ચર્યથી એને જોઈ રહી. ટૂર પરથી પાછો આવી ગયો ને મારી બાજુમાં સૂતો હતો તો પણ મને ખબર ન પડી? મને કહ્યું કેમ નહીં હોય? કાલના અનુભવથી એટલું શીખી હતી કે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલાં એકવાર મેસેજ જોઈ લેવો. એના શું રિએક્શન છે તે જાણવું જરૃરી છે.

એટલે કશિશને પોતે કાલે મેસેજ કર્યો હતો એનો શું રિપ્લાય કૌશલે આપ્યો છે તે જાણવાની તાલાવેલી થઈ. એણે જલદીથી વૉટ્સઍપ ખોલીને જોયું તો રાતે બાર વાગે મેસેજ વંચાયો હતો અને એના રિપ્લાયમાં એણે થમ્સઅપનું સિમ્બોલ મોકલ્યું હતું અને લખ્યું હતું,

‘હું રાતે ત્રણેક વાગે ઘરે પહોંચું છું. આપણે સવારે ચા પીશું ત્યારે આ બાબત વિશે વાત કરીશું.’

કૌશલે સાથે ચા પીવાનું કહ્યું. કશિશ આનંદમાં આવી ગઈ. કૌશલ મોડો આવ્યો છે એટલે એને સૂવા દેવો ત્યાં સુધીમાં પોતે નાહીને તૈયાર થઈ જાય.

આઠ-સાડા આઠે તો કશિશ સજીધજીને તૈયાર હતી. એણે કૌશલના ફેવરિટ બ્લુ કલરનું ફ્રન્ટ કટવાળું લોન્ગ સ્કર્ટ અને સાથે મેચિંગ ટોપ પહેર્યું હતું. માથાના વાળને સાઇડમાં પિનઅપ કરીને ખુલ્લા રાખ્યા હતા. સહેજ લાઇટ મૅકઅપ. આટલી ટાપટિપ સાથે એ બહુ જ બ્યુટીફૂલ લાગતી હતી.

કશિશ ચા સાથે બેડરૃમમાં આવી. સાથે કૌશલને ભાવતાં મલ્ટિગ્રેન બટર ટોસ્ટ હતા. એણે સોફા સાથેના સર્વિંગ ટેબલ પર ટ્રે મૂકીને સૂતેલા કૌશલ તરફ નજર ફેરવી. કેટલો સોહામણો લાગે છે. જિમમાં વર્કઆઉટ કરીને કસાયેલું શરીર, એણે પહેરેલી શોટ્ર્સમાંથી દેખાતું હતું. સહેજ શ્યામ પણ નમણો કૌશલ જો એની હાઈટને બાદ કરતો તો કોઈ પણ સ્ત્રીને અપીલ કરે તેટલો હેન્ડસમ હતો. જોકે, પાંચ ફિટ સાત ઇંચ હાઈટ એટલી ઓછી પણ ન કહેવાય, પણ કશિશને હાઈહિલ શૂઝ પહેરવાનો બહુ શોખ હતો, પણ એ બંનેની હાઈટમાં માત્ર બે ઇંચનો ફેર હતો એટલે લગ્ન પછી એણે પહેરવાનું બધં કર્યું અને કૌશલે સાચું કારણ જાણ્યું એટલે એને કહ્યું હતું,

‘કંઈ જગ્યાએ એવું લખ્યું છે કે સ્ત્રી કરતાં પુરુષ નીચો દેખાય કે હોય તો તે પત્ની માટે શરમજનક કહેવાય? ડિયર, આવું વિચારીને તમે જ સ્ત્રીત્વનું અપમાન કરો છો. તું તારે બિનધાસ્ત પહેર. મને તારાથી નીચા દેખાવવાનું ગમશે.’

કશિશ જાણે પહેલીવાર જોતી હોય તેમ નીરખી નીરખીને એને જોઈ રહી. ઍન્ગેજમૅન્ટ થયા ત્યારથી એની ફ્રેન્ડ હંમેશાં એને કહેતી……

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફરની આગળની કડી નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »