તમારા માટે, તમારી સાથે, સતત…

કર્ણાટકઃ ‘જેની લાઠી તેની ભેંસ’ જેવી પરંપરા પર પૂર્ણવિરામ કે અલ્પવિરામ?

કોન્ગ્રેસે અગાઉ જેનો આધાર નહોતો અથવા તો કાયદાનું અર્થઘટન પોતાની રીતે કરીને વિવાદાસ્પદ નિર્ણયો લીધેલા.

0 200

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

આખરે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી શરૃ થયેલા ‘કર-નાટક’ને શમાવી દેવાયું છે. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક, સ્પષ્ટ, સમયસર અને બંધારણની સાચા અર્થમાં રક્ષા કરતા નિર્ભીક અને નિષ્પક્ષ ચુકાદાથી સત્તાતંત્રમાં દાયકાઓથી પ્રવર્તી રહેલી ‘જેની લાઠી તેની ભેંસ’ જેવી પરંપરા પર દીવાદાંડી સમાન રોક લગાવીને જાહેરજીવનમાં કાયદાની સાથે નૈતિકતાનો પણ આગ્રહ રાખનારા કરોડો લોકોને સુખ, સંતોષ અને રાહત પહોંચાડી સત્તા પર બિરાજમાન લોકોને દેશમાં લોકશાહી અને કાયદાના શાસનની અનુભૂતિ કરાવી છે. દેશની જનતાએ જોયું કે ઘણુ ખોટંુ થયું તો ઘણું સારું પણ થયું. ઘણાની ખુશી ગમમાં તો ઘણાનો ગમ આનંદમાં પલટાયો. કેટલુંય ન થવાનું થયું તો કેટલુંય થવું જોઈતું હતું તે ન થયું, પરંતુ જેનો અંત સારો ત્યાં બધંુ સારું એમ સમજી કર્ણાટકની અને દેશની જનતાએ ગયા સપ્તાહમાં જોયેલા ‘કર-નાટક’નો હાલ પૂરતો અંત આવી ગયો છે. જોકે જે પ્રકારનાં રાજકીય વમળો સર્જાયાં છે, તે જોતાં લાગે છે કે આ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે!

જરા વિગતે સમજીએ તો કર્ણાટક વિધાનસભાનાં પરિણામો અગાઉ આ કોલમમાં લખાયા મુજબ અકળ અને આંચકારૃપ જ આવ્યા છે. જનાદેશનો અર્થ દરેક રાજકીય પક્ષો પોત-પોતાની તરફેણમાં હોવાનો કરી રહ્યા છે, પરંતુ સાચી હકીકત એ છે કે કર્ણાટકની જનતાએ સત્તાના સૂત્રો સોંપવા માટે જરૃરી બહુમતી એક પણ પક્ષને નહીં આપીને તમામને રીજેક્ટ કર્યા છે. સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે રાજકીય દાવપેચ, ધારાસભ્યોના ખરીદ-વેચાણ જેવી પ્રવૃત્તિના આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને તડ-જોડનું રાજકારણ જે રીતે હાવી થયું તે બધું જ બિનલોકશાહી ઢબે થયું. એવું નથી કે આવું પ્રથમ વખત બન્યું હોય, પરંતુ નોંધવાલાયક બાબત એ છે કે આપણા દેશના સંસદીય ઇતિહાસમાં ઉત્તરોત્તર વધતી જતી આ પ્રકારની ઘટનાઓમાં કાયદાના અર્થઘટનમાં વિવેકનો અભાવ અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં હવે ખુલ્લેઆમ જે રીતે બેશરમી વધતી જાય છે, તે અત્યંત અફસોસજનક છે.

કોંગ્રેસ અને જનતા દળ(એસ)ની દલીલ એ રહી કે તેઓ બંને સાથે મળીને બહુમતી કરતાં વધારે સંખ્યા ધરાવતા હોવાથી રાજ્યપાલે સરકાર રચવા માટે તેમને આમંત્રણ આપવું જોઈતું હતું, જ્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હોવાથી સરકાર રચવા તેને જ આમંત્રણ મળવું જોઈએ તેવું રટણ કરતા રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવી દીધા અને તેમને બહુમતી સાબિત કરવા બે જ દિવસ જોઈતા હોવા છતાં અતિઉત્સાહમાં આવી જઈ આશ્ચર્યજનક રીતે બે અઠવાડિયા આપી દઈને ભાજપને પણ મોં સંતાડવા જેવું કરી દીધું. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને આખરે ભાજપને વિધાનસભા

ગૃહમાં પોતાની બહુમતીને સાબિત કરવા માત્ર ગણતરીના કલાકો જ મળ્યા. પરિણામ એ આવ્યું કે બે અઠવાડિયાના અધધધ સમય દરમિયાન ભાજપે જે કરવા ઇચ્છ્યંુ હતું તે થઈ ન શક્યું અને જે ગણતરીઓ માંડી હતી તે ઊંધી વળી ગઈ. જે યેદિયુરપ્પા છેલ્લી ક્ષણ સુધી ખોંખારો ખાઈને કહેતા ફરતા હતા કે ગૃહમાં બહુમતી સાબિત કરી બતાવીશ, તે યેદિયુરપ્પા આખરી ક્ષણે એટલા નિરાશ અને દુઃખી થઈ ગયા કે તેઓ અને તેમના સાથીઓ ગૃહમાં રાષ્ટ્રગીત ગાવા માટે થોભવાનું પણ ભૂલી ગયા.

હવે ૧૯૯૬માં લોકસભામાં માત્ર ૧૬ બેઠકો મેળવેલી હોવા છતાં પોતાના સદ્દનસીબે અને દેશના કમનસીબે વડાપ્રધાન બની ગયેલા જનતા દળ(સેક્યુલર)ના એચ.ડી. દેવગૌડાના એવા જ ભાગ્યશાળી સુપુત્ર કુમારસ્વામી હાલની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૩૮ બેઠકો પ્રાપ્ત કરી હોવા છતાં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે! ૧૯૯૬માં પણ ત્રીજા મોરચાને કોંગ્રેસનો ટેકો હતો, હવે આજે પણ તેમના પુત્રને કોંગ્રેસનો ટેકો છે. પિતા પોતે સત્તામાં એક વર્ષ પણ પૂરું નહોતા કરી શક્યા, પુત્ર કેટલું સત્તા પર રહી શકશે તે જોવાનું રહેશે.

હવે રાજકીય ઘર્ષણ તેની ચરમસીમાએ છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને તેણે ક્યારે ક્યારે ખોટું આચરણ કરીને અનૈતિક રીતે અને કાયદાની ઉપરવટ જઈને નિર્ણયો કરેલા તે ગણાવે છે અને એટલા માટે પોતાને પણ આવું ખોટું આચરણ કરીને અનૈતિક રીતે અને કાયદાની ઉપરવટ જઈને નિર્ણયો કરવાનો પૂરો અધિકાર છે તેવી દલીલ કરે છે! તકલીફ એ છે કે આપણા બંધારણમાં વડાપ્રધાનની નિમણૂક માટે દેશના રાષ્ટ્રપતિની ભૂમિકા અને સત્તા અંગે જેટલી સ્પષ્ટતા છે તેટલી સ્પષ્ટતા રાજ્યપાલના કિસ્સામાં જોવા મળતી નથી. મુખ્યમંત્રીની નિમણૂકમાં રાજ્યપાલનો નિર્ણય આખરી અને નિર્ણાયક જરૃર છે, પરંતુ ચૂંટણી બાદ બહુપક્ષીય લોકશાહી એવા આપણા દેશમાં પેદા થતી ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યપાલની ભૂમિકા અંગે ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાથી સ્પષ્ટ બહુમતી ન હોય તેવા કિસ્સાઓમાં વિવાદો જન્મ લેતા હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં રાજ્યપાલોનું વલણ અને નિર્ણયો તટસ્થ ન રહ્યા હોય તેવું વધારે જણાયું છે.

ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન કેટલાંક ઉદાહરણો એવાં છે કે જેને યા તો નૈતિક આધાર નહોતો અથવા તો કાયદાનું અર્થઘટન પોતાની રીતે કરીને વિવાદાસ્પદ નિર્ણયો લીધેલા. ઉદાહરણ તરીકે દેશ આઝાદ થયો ત્યાર પછીના ખૂબ જ ઓછા સમયમાં એટલે કે ૧૯૫૭માં ઓરિસ્સામાં કોંગ્રેસના નેતા હરેકૃષ્ણ મહેતાએ નાના પક્ષોની મદદથી સરકાર રચેલી, તે સમયે વિરોધપક્ષના નેતા બીજુ પટનાયકે પોતાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી સરકાર રચવા પોતાને આમંત્રણ આપવા રાજ્યપાલને રજૂઆત કરેલી, તેમ છતાં રાજ્યપાલે પટનાયકને સરકાર રચવા આમંત્રણ નહોતું આપ્યું. બીજુ પટનાયક સાથે ૧૯૭૩માં પણ આવું બનેલું. ૧૯૬૭માં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ રાજ્યપાલ સામે આવો જ પડકાર ઊભો થયેલો કે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું કે જે

Related Posts
1 of 269

પક્ષોએ ચૂંટણી સામ-સામે લડી હતી અને ચૂંટણી પછી સરકાર રચવા ભેગા થયેલા ગઠબંધનને આમંત્રણ આપવું? ૧૯૯૬માં ઉત્તર પ્રદેશમાં તત્કાલીન રાજ્યપાલ રોમેશ ભંડારીએ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં ઊભરી આવ્યો હોવા છતાં તેને સરકાર રચવા માટે આમંત્રણ નહોતું આપ્યું અને રાષ્ટ્રપતિ શાસન લાદવા ભલામણ કરેલી.

૨૦૦૫ ઝારખંડ રાજ્યમાં રાજ્યપાલે શીબુ સોરેનને બહુમતી છે કે નહીં, તેની તપાસ કર્યા વગર સરકાર રચવા આમંત્રણ આપેલું અને શીબુ સોરેન બહુમતી સાબિત ન કરી શકતા છ દિવસમાં જ રાજીનામું આપવું પડેલું. તે જ વર્ષમાં ગોવામાં પણ આવું બનેલું, જેમાં રાજ્યપાલની ભલામણ વગર કેન્દ્રની યુપીએ સરકારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદેલું. બિહારના રાજ્યપાલ તરીકે બુટાસિંહે પણ નીતિશકુમાર મુખ્યમંત્રી પદની શપથ લે તે પહેલાં વિધાનસભા બરખાસ્ત કરવા માટેની દરખાસ્ત કેન્દ્રને મોકલી આપેલી. જોકે તે કિસ્સામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યપાલે સત્તાનો દુરુપયોગ કર્યાનું અવલોકન બહાર આવતા બુટાસિંહને રાજીનામું આપવું પડેલું.

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આવ્યા પછી આવો સત્તાનો દુરુપયોગ અટકવાને બદલે જાણે હિસાબ-કિતાબ સરભર કરવાનો હોય તે રીતે વધારે આક્રમકતાથી થવા લાગ્યો છે. ૨૦૧૭માં મણિપુરમાં પણ સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઊભરી આવ્યો હોવા છતાં રાજ્યપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું અને ભાજપે અન્યોના ટેકાથી સરકાર બનાવી. આવું જ ગોવામાં પણ બન્યું. ૨૦૧૮માં મેઘાલય વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે વધુ સંખ્યાબળ હોવા છતાં રાજ્યપાલે કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ ન આપ્યું.

કર્ણાટકના કિસ્સામાં કોંગ્રેસનો તર્ક એવો છે કે ભાજપ સત્તાનું રાજકારણ એ રીતે ખેલી રહ્યો છે, જેમાં કોઈ ચોક્કસ નીતિ-નિયમો નથી અને કોઈ પણ ભોગે સત્તાના  સમીકરણો ગોઠવીને, તમામ નીતિ-નિયમો નેવે મુકીને હોર્સટ્રેડિંગ કે સામ-દામ-દંડ-ભેદ જેવા હથકંડાઓ અપનાવીને સત્તા મેળવવા  લોકશાહી વિરુદ્ધ હોય તેવું રાજકારણ ખેલે છે, જ્યારે ભાજપનો તર્ક એવો છે કે ભૂતકાળમાં કોંગ્રેસનો ખરડાયેલો ઇતિહાસ આવો જ છે.

અહીંયા ભાજપ સામેનો સવાલ એ છે કે શું ભૂતકાળમાં ખોટું થયું હોય તો તેને પરંપરા બનાવી દઈ કાયદેસર ઠરાવી શકાય? કોંગ્રેસની ભૂલોનો દંડ પ્રજાએ તેમની પાસેથી સત્તા આંચકી લઈને આપી દીધો છે અને જે ભાજપે કોંગ્રેસની એ પ્રકારની નીતિ-રીતિનો વિરોધ કરી લોકોને સુશાસન આપવાનાં વચનો આપ્યાં ત્યાર પછી જ પ્રજાએ તેમને સત્તા સોંપી છે ત્યારે, શું હવે કોંગ્રેસનો માર્ગ જ ભાજપ માટે દીવાદાંડી સમાન છે? અને એવું જો હોય તો દેશની જનતા સમક્ષ ભાજપ કોંગ્રેસમુક્ત ભારતના તર્કને કઈ રીતે રજૂ કરી શકે?

કોંગ્રેસ સામેનો સવાલ એ છે કે શા માટે તેણે ભાજપના ગમે તેવા તડ-જોડ, હોર્સ ટ્રેડિંગ કે સામ-દામ-દંડ-ભેદના રાજકારણથી ડરવું જોઈએ? શા માટે તેણે તેના ધારાસભ્યોને સંતાડવા પડે? તેને શા માટે  તેના ધારાસભ્યો પર વિશ્વાસ નથી? શું તેના ધારાસભ્યો ખરીદાય જાય તેવા છે? પ્રજાના પ્રતિનિધિઓનું ચારિત્ર્ય આટલું નબળું પ્રજા ક્યારેય ઇચ્છી શકે?

અલબત્ત, આવું જોવા નથી મળતું તે શરમજનક છે. આમ છતાં નવી વિધાનસભાના નવા મુખ્યમંત્રીને તથા તેમની સરકારને લોકકલ્યાણનાં કાર્યો માટે શુભેચ્છાઓ ચોક્કસ આપીએ.

————————-.

રાજકીય ફલક પર બનતી સાંપ્રત ઘટનાઓના ત્વરિત વિશ્લેષણ વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »