તમારા માટે, તમારી સાથે, સતત…

ઈશ્વર અમારાથી રિસાયો છે કે શું?…

બે સંતાનો ખોવાયા...

0 225

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

રાજસ્થાનથી ભુજ દવા કરાવવા આવેલા એક ભાઈનાં બે નાનાં બાળકો ખોવાઈ ગયા. તેમનો પત્તો ન મળતાં રાજસ્થાનમાં રહેલી પત્નીને ફોનથી જાણ કરતાં આઘાતથી તેનું હૃદય બંધ પડી ગયું. પત્નીના અવસાનના સમાચાર મળતાં ભાંગી પડેલા શ્રમજીવીએ વતન જઈને પત્નીના અંતિમ સંસ્કાર કર્યા ને ભુજ પરત બાળકોની શોધમાં આવ્યો. આખરે દસ- બાર દિવસ પછી બાળકોનો પત્તો લાગ્યો. આમ એક આંખમાં દુઃખના અને એક આંખમાં હર્ષના આંસુ સાથે બાળકોને લઈને તે પરત ફર્યો.

કહેવત છે ને, ‘મા તે મા’. સંતાનને ઠેસ વાગે તો હાયકારો માતાના મોઢામાંથી નીકળે. દિલના ટુકડા સમાન બે-બે દીકરા પારકા પ્રદેશની અજાણી ભૂમિ પર ખોવાઈ જાય તો કઈ માનો જીવ ઝાલ્યો રહે? આવી વાત સાંભળીને સંતાનોથી દૂર, વતનમાં રહેલી માતાનું હૃદય બેસી ન જાય તો જ નવાઈ.

ભુજમાં આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો છે. ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવવાના કારણે બીજા રાજ્યોના લોકોની વસતી વધી છે. તેમાં પણ રાજસ્થાની લોકોનો મોટો સમૂહ ગાંધીધામ, ભુજ, મુન્દ્રા સહિતનાં શહેરોમાં રહે છે. રાજસ્થાનનાં ગામડાંમાં રહેતા આ શ્રમજીવી લોકોને ભુજમાં વધુ સારી સવલતો સહેલાઈથી મળી રહે છે. તેથી તબીબી સારવાર જેવા કારણોસર અનેક રાજસ્થાની લોકો ભુજમાં રહેતાં સગાંઓ પાસે આવે છે. તેવી જ રીતે સિરોહી જિલ્લાના જોયલા નામના નાનકડા ગામડામાં રહેતો શ્રમજીવી હેમારામ કરવેલિયા પોતાના ટી.બી.ના રોગની સારવાર કરાવવા ભુજ આવ્યો હતો. તેની સાથે તેનાં ત્રણ બાળકો –  સાત વર્ષનો જિતેન્દ્ર, આઠ વર્ષનો અનિલ અને તેનાથી થોડો મોટો રામ હતા. બીમાર પત્ની અને એક દીકરો તેની સાથે આવ્યાં ન હતાં.

પોતાની સારવારની આશા લઈને આવેલો હેમારામ સિવિલ હૉસ્પિટલના ચક્કર કાપતો હતો. એક દિવસ ભુજના મધ્યમાં આવેલા હમીરસર તળાવ પાસે સગા પાસે પોતાના નાનાં બે બાળકોને મુકીને તે હૉસ્પિટલમાં ગયો હતો. ત્યાંની લાંબી લાઇન અને દર્દીઓના ધસારામાં તે ફસાઈ ગયો, જીવ બાળકો પાસે હોવા છતાં જલ્દી તેમની પાસે પહોંચી શક્યો નહીં.

આ બાજુ પિતાની રાહ જોતા બેઠેલા બાળકો કંટાળ્યા હતાં. આજુબાજુની ચહલપહલથી આકર્ષાયા હતા. ‘પાણી પીને આવીએ’, એવું બહાનું કાઢી બંને ભાઈઓ સગા પાસેથી થોડે દૂર ગયા. પોતાના કામમાં મશગૂલ સગાનું ધ્યાન પણ તેમની તરફ રહ્યું નહીં. સમય પસાર થવા લાગ્યો, બાળકો પરત ન ફર્યા તેથી ગભરાયેલા સગાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી, પરંતુ પરિણામ શૂન્ય. બાળકો ક્યાંય ન મળ્યાં.

Related Posts
1 of 142

તેટલી વારમાં હેમારામ પણ આવી પહોંચ્યો. હૉસ્પિટલની લાંબી લાઇનો અને ગિરદીના કારણે કંટાળેલો, ધોમધખતા તાપથી અકળાયેલો હેમારામ પોતાના પુત્રોને જોવા અધીરો બન્યો હતો, પરંતુ હમીરસર તળાવ પાસે તેના સગાએ તેને બંને બાળકો ગુમ થયાના સમાચાર આપ્યા. માંદા અને થાકેલા હેમારામના માથે આભ તૂટી પડ્યું. ગાંડાની જેમ પોતાનાં સંતાનોને શોધવા તેણે ચારે દિશામાં દોડાદોડી કરી મુકી. તેની સાથે તેનો મોટો દીકરો રામ પણ હતો, પરંતુ ક્યાંયથી બાળકોનો પત્તો ન લાગ્યો.

હવે બધા ગભરાઈ ગયા. બીજા દિવસે પણ તપાસ તો ચાલુ જ રાખી, પરંતુ બાળકો ન મળ્યાં, હવે રાજસ્થાનમાં રહેલી તેમની માતાને આ સમાચાર કહ્યા વિના નહીં ચાલે તેવું લાગવાથી હેમારામે પોતાની પત્ની સમદાદેવીને ફોનથી સમાચાર કહ્યા. થોડી માંદી એવી સમદાદેવી આ સમાચારનો આઘાત જીરવી ન શકી. તેને હાર્ટ-એટેક આવ્યો અને તેનું ત્યાં જ મૃત્યુ થયું. પતિ અને બાળકો ભુજ ગયા હોવાથી તે પોતાના પિયર રહેતી હતી. તેના ભાઈ ભૂરા રામે આ દુઃખદ બનાવની જાણ હેમારામને કરી.

હેમારામને તો વાત પર વિશ્વાસ જ ન બેઠો. છતાં હકીકત સામે આંખ મીંચામણા કરીને કેમ ચાલે? બાળકોની શોધ પડતી મુકીને તે વતન દોડ્યો. ત્યાં રડતી આંખે પત્નીના અંતિમ સંસ્કાર કર્યા અને ફરી બાળકોની શોધમાં ભુજ આવી પહોંચ્યો. આ વખતે કોઈએ ખોવાયેલા બાળકોને મદદ કરતી ભુજની સંસ્થા માનવજ્યોત તરફ દોર્યો. સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર સમક્ષ ચોધાર આંસુએ રડતાં તેણે આપવીતી કહી.

આ બાબતે વાત કરતા પ્રબોધભાઈ કહે છે, ‘અમારી પાસે હેમારામ આવ્યો ત્યારે તે માનસિક રીતે તદ્દન ભાંગી ગયો હતો. રડતાં રડતાં તેણે પોતાની હકકીત કહી. તેની વાત અવિશ્વાસ કરવા જેવી ન લાગી છતાં વાતની ખરાઈ કરવા માટે તેના સાળા ભૂરા રામ સાથે અમે વાત કરી. વાત સાચી નીકળી, અમે હેમારામને પોલીસ પાસે મોકલ્યો, પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી અને ત્યાર બાદ અમે બાળકોના ફોટા- વિગતો વાઇરલ કરી. તેના ફળસ્વરૃપ બાળકોનો પત્તો લાગ્યો અને પિતાને તેના ખોવાયેલા દિલના ટુકડા પરત મળી ગયા તેનો અમને સંતોષ છે. અત્યારે બાળકોને લઈને હેમારામ પોતાના વતન પરત ફર્યો છે.’

વૉટ્સઍપમાં ફરતા ખોવાયેલા બાળકોના ફોટા જોઈને અંજારના નિકુંજ મંગલજીભાઈ ઠક્કરે આ બંને બાળકો અંજારના દેવળિયા નાકા પાસે રાત્રે ૧૧.૩૦ વાગે દેખાયા હોવાની વાત માનવજ્યોતને કરી. તેના આધારે સંસ્થાએ પોલીસને જાણ કરી. ભુજ પોલીસ તરફથી આવેલી માહિતીના આધારે અંજાર પોલીસે પેટ્રોલિંગ વખતે બાળકોને શોધવા પ્રયાસ કર્યો હતો. ત્યારે દેવળિયા નાકા પાસે આવેલા એક ગેમ ઝોનમાં બાળકો ગેમ રમતા હોવાની તેમને ખબર પડતાં બંને બાળકોને કબજે કર્યા હતા.

પોલીસે માનવતાનું કામ સમજીને બાળકોને નાસ્તો કરાવ્યો, જમાડ્યાં, નવાં કપડાં અને બૂટ લઈ દીધાં. તેમણે માનવજ્યોતનો સંપર્ક કરીને તેના પિતાને અંજાર બોલાવી લીધા અને તેને બાળકોનો કબજો સોંપ્યો. બાળકો મળી આવતાં હેમારામની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. બાર દિવસ પછી બાળકો ફરી મળ્યાં હતાં, પરંતુ આ નાનકડા બાળકોને શી ખબર કે તેમને તો તેમના પિતા મળી ગયા, પરંતુ હવે માનો વ્હાલસોયો હાથ ક્યારેય તેમના માથે નહીં ફરી શકે? બાર દિવસની અવધિમાં તો તેમની દુનિયામાંથી જીવનદાયિની માતાએ ચિરવિદાય લઈ લીધી હતી.

રાજસ્થાનના પરિવાર સાથે બનેલી આ ઘટના બાદ ઈશ્વર ક્યારેક માણસની આકરી કસોટી કરતો હોય તેવું લાગે. જેના વિશે ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવા આઘાતના સમાચાર એક પછી એક જાણવા મળે ત્યારે માણસ મનમાં ઈશ્વરનું સ્મરણ કરવા લાગતો હોય છે. આભ ફાટે ત્યારે ક્યાં થીંગડાં કરવા જવું તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ઈશ્વર તેનાથી રિસાયો છે કે શું તેવા વિચારો તેના મનને ઘેરી વળતા હોય છે. આ કરુણ ઘટનામાં પરિવારને આશ્વાસન લેવા જેવી વાત એ છે કે ખોવાયેલાં બંને બાળકો મળી આવ્યાં છે.
——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »