તમારા માટે, તમારી સાથે, સતત…

મગફળીનાં ગોદામોમાં ભ્રષ્ટાચારની આગ? ખરીદીના વ્યવહારો સામે સવાલો

ગોડાઉનમાં આગની ઘટનાઓ શું બતાવે છે...

0 191

સંશય – દેવેન્દ્ર જાની

સૌરાષ્ટ્રમાં સરકારે ભાડે લીધેલાં ગોડાઉનમાં આગ લાગવાનો રહસ્યભર્યો સિલસિલો ચાલુ જ રહ્યો છે. એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લાગતી આગની ઘટનાઓ શંકાના દાયરામાં આવી છે. સરકારે કરોડો રૃપિયાના ખર્ચે ખરીદેલી મગફળીનો જથ્થો ભાડે લીધેલા આ ગોડાઉનમાં રાખ્યો હતો. ગોંડલ બાદ શાપરના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના ભ્રષ્ટાચારને છુપાવવા લગાડવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આગ લાગવાની આ ઘટનાઓના મૂળમાં જવાનો અમે પ્રયાસ કર્યો તો ખરીદીથી માંડીને ગોડાઉનમાં માલ સાચવવા સુધીની પ્રક્રિયાઓ સામે શંકાની આંગળી ચીંધાઈ રહી છે.

કચ્છ, જામનગર, ગોંડલ, રાજકોટ અને હવે શાપરના સરકારી એજન્સીઓએ રાખેલા સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાએ સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. એક પછી એક આગની આ ઘટનાઓએ શંકાઓ ઊભી કરી છે. ગોંડલના એક ગોડાઉનમાં કરોડો રૃપિયાનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રાજકોટ નજીક શાપરના નેશનલ નામના ગોડાઉનમાં તાજેતરમાં ભયાનક આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ત્રણેક દિવસે તો આગ કાબૂમાં આવી હતી. આશરે ૪ કરોડ રૃપિયાનો મગફળીનો જથ્થો આ આગની ઘટનામાં ખાખ થઈ ગયો હતો. ગોંડલ બાદ શાપરના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે.

સરકાર ટેકાના ભાવે કપાસ કે અન્ય કૃષિ જણસો વર્ષોથી ખરીદ કરીને ગોડાઉનોમાં રાખે છે. આ કોઈ નવી વાત નથી, પણ છેલ્લા થોડા સમયથી આવા ગોડાઉનમાં જે આગની ઘટનાઓ બની રહી છે તેને શંકાની નજરે જોવામાં આવી રહી છે. આક્ષેપો તો ત્યાં સુધી કરવામાં આવી રહ્યા છે કે હવે ભ્રષ્ટાચારની એક નવી રીત સામે આવી રહી છે. આવા આરોપોમાં કેટલું તથ્ય છે એ તપાસનો વિષય છે, પણ મગફળી ટેકાના ભાવે ખરીદ કરીને ગોડાઉન ભાડે લઈને કઈ રીતે સાચવવામાં આવે છે, એ આખી સિસ્ટમ શું હોય છે? તે સમજવા માટે અમે રાજ્યના સહકારી આગેવાનો, માર્કેડ યાર્ડો સાથે જોડાયેલા હોદ્દેદારો, રાજકીય લોકો અને ખેડૂતો સાથે વાત કરી હતી. ઓન રેકોર્ડ બોલવા માટે બહુ ઓછા તૈયાર હતા, પણ ઓફ ધ રેકોર્ડ ખરીદીની સિસ્ટમ અને આગની ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરનારા ઘણા મળ્યા હતા. ખરીદીથી માંડી ગોડાઉનમાં માલ રાખવામાં આવે છે ત્યાં સુધીની પ્રક્રિયા સામે શંકાની આંગળી ચીંધવામાં આવી રહી છે. વિપક્ષ કોંગ્રેસના આગેવાનોએ તો આગની ઘટનાઓ ભ્રષ્ટાચારને છુપાવવા માટે લગાડવામાં આવતી હોવાના આક્ષેપો કરી એવું કહી રહ્યા છે કે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે તે પણ શંકાઓના દાયરામાંથી બહાર નથી. અગાઉ ગોંડલના ગોડાઉનમાં આગ લાગી તેમાં વેલ્ડિંગ કામના કારણે આગ લાગી હતી તેવું જ કારણ શાપરની આગની તપાસમાં બહાર આવી રહ્યું છે. તપાસનાં બહાર આવી રહેલાં કારણો સામે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર ખરીદીમાં પહેલી વાર ચિત્રમાં
દેશમાં મગફળી, કપાસ જેવી કૃષિ પેદાશોનું જ્યારે બમ્પર ઉત્પાદન થાય ત્યારે જરૃરિયાત કરતાં વધારાનો માલ કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદ કરતી હોય છે, જેથી માર્કેટમાં ભાવો જળવાઈ રહે. ખરીદીની આ ચેનલ કેવી હોય છે તે જોઈએ તો કેન્દ્ર સરકાર નાફેડ જેવી સંસ્થાઓને નોડેલ એજન્સી તરીકે રાખીને ખરીદ કરે છે. નાફેડ દરેક રાજ્યોમાં રાજ્ય સ્તરના સહકારી ધોરણે ચાલતાં ફેડરેશનો મારફત ખરીદ કરે છે અને સ્ટેટ કો-ઓપરેટિવ ફેડરેશનો જિલ્લા-તાલુકા સંઘો, સહકારી મંડળીઓ મારફત ખરીદ કરે છે. કપાસ સીસીઆઈ મારફત ખરીદવામાં આવે છે એમ હાલ મગફળી નાફેડ મારફત ખરીદવામાં આવી રહી છે. આમ ખરીદીની લાંબી સાંકળ છે. એ રીતે જોવા જઈએ તો સરકારને રૃ. ૯૦૦ની મગફળી ટ્રાન્સપોર્ટેશન, ગોડાઉનનું ભાડું, અન્ય ખર્ચનો હિસાબ કરવામાં આવે તો રૃ. ૧ર૦૦ કરતાં ઊંચી પડતરે આવે છે.

Related Posts
1 of 142

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા એક આગેવાન કહે છે, ‘પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્ર સરકારે ખરીદીમાં રાજ્ય સરકારને સાથે રાખવાની સૂચના આપી છે. એટલે મગફળીની ખરીદી રાજ્ય સરકારને સાથે રાખીને કરવામાં આવી રહી છે. આમ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પહેલીવાર રાજ્ય સરકાર ચિત્રમાં આવી છે. આ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો છે. એટલે ભાવ નીચા ન જાય અને ખેડૂતોને ઊંચા ભાવ મળે તે માટે ટેકાના ભાવ રૃ. ૯૦૦ રાખ્યા છે. ખુલ્લા બજાર કરતાં ટેકાના ભાવ રૃ.ર૦૦ – રપ૦ ઊંચા છે.’

ગુજકોટને સૌથી વધુ ખરીદીની છૂટ અપાઈ
મગફળીની ખરીદીમાં ગુજકોટ, ગુજકોમાસોલ જેવા સ્ટેટ ફેડરેશનોએ રસ દાખવ્યો હતોે. સહકારી ક્ષેત્રના આગેવાનો કહે છે, ગુજકોમાસોલ પાસે મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું હોવા છતાં ગુજકોટ (ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ કોટન ફેડરેશન)ને સૌથી વધુ મગફળીની ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે તેની સામે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. ગુજકોટ પાસે પૂરતા મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. ગુજકોટ દ્વારા વેર હાઉસિંગ કોર્પોરેશનની મદદથી મગફળી રાખવા માટે ગોડાઉન ભાડે રાખવામાં આવે છે અને તેમાં ફૂટ દીઠ જગ્યાનો ભાવ નક્કી કરવામાં આવે છે. હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કરોડોનો માલ જેમાં રાખવામાં આવનાર છે તે ગોડાઉનોમાં સુરક્ષાનો અભાવ છે. આજે હવે સામાન્ય કરિયાણાની દુકાનોમાં સીસીટીવી હોય છે, પણ નવાઈની વાત તો એ છે કે કરોડોનો માલ જયાં સંગ્રહ કરવામાં આવે છે ત્યાં સીસીટીવી કેમેરા કે પૂરતા સિક્યૉરિટી જવાનો નથી હોતા. એટલું જ નહીં, મોટા ભાગનાં ગોડાઉનમાં જ્યાં આગની ઘટનાઓ બની છે ત્યાં લાઇટનું કનેક્શન પણ ન હોવાનું બહાર આવ્યું છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ તા. ૧૦ મેએ રાજ્યપાલને ત્રણ પાનાંનો પત્ર લખ્યો છે. તેમાં ભ્રષ્ટાચારનો ઢાંકપિછોડો કરવા આગ લગાડવામાં આવી હોવાનો આરોપ મુકી ગોડાઉનની સુરક્ષાના મામલે પણ સવાલો કર્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ગુજકોમાસોલ પાસે અનુભવી સ્ટાફ અને પૂરતાં ગોદામ હોવા છતાં મગફળીની ખરીદીમાં લગામ મૂકવામાં આવી છે અને ઓછા કર્મચારી અને ગોદામ વગરની સંસ્થા ગુજકોટને વધારે ખરીદી માટે છૂટ આપવામાં આવી છે, આવું કેમ? ખરીદી કરનારી સંસ્થાઓ સાથે સરકાર ભેદભાવ રાખી રહી છે. મગફળીના સંગ્રહ માટે મૂળ માલિકના બદલે વચેટિયાઓ મારફત શા માટે ઊંચા ભાવે ગોડાઉન ભાડે રાખવામાં આવે છે? મગફળી કાંડના સમગ્ર પ્રકરણની સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ  થવી જોઈએ.

બીજી બાજુ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ એવું કહી રહ્યા છે કે કમળો હોય તેને પીળું જ દેખાય છે. કોંગ્રેસને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થયાનું જ દેખાય છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે રૃ.૯૦૦ના ટેકાના ભાવ રાખીને ૮ લાખ ટન જેટલી મગફળી ખરીદી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરે છે એટલે જ કરોડોની મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આગ લાગવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. ગુજરાત ખેતી બેન્કના પૂર્વ ડિરેક્ટર અને ભાજપના આગેવાન ચેતન રામાણી કહે છે, ‘ગોડાઉનમાં આગ લાગવાની ઘટના કમનસીબ છે, પણ કોંગ્રેસ આ પ્રકરણમાં ઉપવાસના નાટક બંધ કરે, કારણ કે કોંગ્રેસના શાસનમાં ટેકાના ભાવે એક રૃપિયાની મગફળી ખરીદવામાં નથી આવી.’

આખા પ્રકરણમાં નુકસાન કોને છે?
મગફળીના જથ્થામાં આગની ઘટનામાં નુકસાન ખેડૂતોને નહીં સરકારને છે, કારણ કે સરકારે તો ટેકાના ભાવે માલ ખરીદ કરીને ખેડૂતોને પૈસા ચૂકવી દીધા હોય છે. રૃ.૪૦૦૦ કરોડ કરતાં વધારે રકમની મગફળી સરકારે આ વર્ષે ખરીદી છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન કે ગોડાઉન ભાડે રાખનારને પણ ચુકવણી થઈ ગઈ હોય છે. ખરીદ કરેલા માલની માલિકી સરકારની હોય છે એટલે આગમાં માલ જેટલો સળગ્યો તેટલું નુકસાન સરકારને જાય છે. ટેકાના ભાવે ખરીદીમાં કેટલી એજન્સીઓ જોડાયેલી હોય છે તે જોઈએ તો ખ્યાલ આવે કે આ મોટી સાંકળ છે. કેન્દ્ર સરકાર, નાફેડ, સેન્ટ્રલ અને સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન, રાજ્ય સરકાર, ગુજકોટ, ગુજકોમાસોલ, સ્થાનિક સ્તરે ખરીદી માટે યાર્ડો, તાલુકા સંઘો – મંડળીઓ, ખાનગી ગોડાઉનના સંચાલકો સહિતના લોકો જોડાયેલા હોય છે.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »