તમારા માટે, તમારી સાથે, સતત…

સલામત રહે દોસ્તાના હમારા…

આજકાલ યુવાનો શાળાના દોસ્તોને સોશિયલ મીડિયા પર શોધી જૂની યાદો તાજી કરી રહ્યા છે.

0 267

– હેતલ રાવ

‘તેરે જેસા યાર કહાં, કહાં એસા યારાના.. યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના…,’  મિત્રતાના એક-બે નહીં, પણ સેંકડો ગીતો લખાયાં છે, કારણ કે દરેકના જીવનમાં એક દોસ્ત તો હોય છે જ, પરંતુ આજની ભાગદોડભરી જિંદગીમાં દોસ્ત ક્યાંક ખોવાતા જાય છે. ત્યારે યુવાનોએ શાળાના દોસ્તો શોધવા માટે ફેસબુકનો સહારો લીધો છે. આજકાલ યુવાનો શાળાના દોસ્તોને સોશિયલ મીડિયા પર શોધી જૂની યાદો તાજી કરી રહ્યા છે.

‘બને ચાહે દુશમન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા…,’ એક દોસ્તીનો જ સંબંધ એવો છે જે જીવન પર્યંત બદલાતો નથી. સાચી દોસ્તીમાં ક્યારેય ઓટ આવતી નથી. શાળામાં કાલી-ઘેલી ભાષા બોલતાં-બોલતાં ક્યારે દોસ્તી થઈ જાય છે તે ખબર જ નથી પડતી. આ જ દોસ્તી મોટા થતાં પાક્કી બની ગઈ હોય છે, પરંતુ એક દિવસ એવો આવે છે જ્યારે સ્કૂલના મિત્રો અલગ થઈ જાય છે. કોઈ કૉલેજ કરવા તો કોઈ કામ અર્થે એક શહેરમાંથી બીજા શહેરમાં ચાલ્યા જાય છે. તો વળી જીવનની ભાગદોડ અને જવાબદારીમાં દોસ્તીની યાદો તો હોય છે, પરંતુ દોસ્ત વિસરાઈ જાય છે. આવી જ દોસ્તી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે ફેસબુક પર ફરી જીવંત થઈ રહી છે. શાળાના મિત્રોને શોધવા માટે યુવાનો હવે ફેસબુકનો સહારો લઈ રહ્યા છે.

Related Posts
1 of 289

આ અંગે કોશા રાજેશ્વરી કહે છે, ‘હું રાજસ્થાનની છું. ત્યાં જ શાળા, કૉલેજ કરી પરંતુ મારી ખાસ મિત્ર કિન્નરી મારાથી દૂર થઈ ગઈ. તેના પપ્પાને સરકારી નોકરી હતી. આઠ ધોરણ સુધી અમે સાથે જ અભ્યાસ કર્યો અને પછી તે કાયમ માટે ગુજરાત ચાલી ગઈ. શરૃઆતમાં તો અમે સંપર્કમાં હતાં, પરંતુ સમય જતા સંપર્ક ઓછો થતો ગયો. અમે બંને પહેલાં ભણવામાં અને લગ્ન પછી જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયાં, પરંતુ જ્યારે પણ એકાંતમાં બેસું તો તે યાદ આવે. મારા જેમ તેને પણ મારી યાદ આવતી, પણ અમે સંપર્કમાં નહોતાં. એક દિવસે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને જોયું તો તે મારી દોસ્ત કિન્નરી હતી. પછી તો અમે મળ્યાં અને જૂની વાતો વાગોળી. હવે તો પરિવાર સહિત એકબીજાના ઘરે જઈએ છીએ અને અનેક કાર્યક્રમો પણ બનાવીએ છીએ. થેન્ક્સ ટુ ફેસબુક કે જૂના મિત્રોને મળવાનું સરનામું મળી રહ્યું.’

આવા કેટલાય યુવાઓ છે, જે શાળા સમયે છૂટા પડ્યા હોય છે અને ફેસબુક મારફતે એક વાર ફરી ભેગા થાય છે. યુવાનોએે પોતાના જૂના મિત્રોને સર્ચ કરવાનું શરૃ કરી દીધું છે. શું ખબર, કોશાની જેમ જ તમને પણ જૂની મિત્રતા ફરી મળે, કારણ કે ‘દોસ્તાને દોસ્તાને જુદી છે દોસ્તી, હૃદયથી હૃદય મળે તો જ મજાની છે દોસ્તી.’

—————.

Leave A Reply

Your email address will not be published.

Translate »