તમારા માટે, તમારી સાથે, સતત…

કોંગ્રેસમાં જિલ્લા પંચાયતોના હોદ્દેદારોની પસંદગીમાં ફરી જૂથવાદ ઝળક્યો

હાલ રાજ્યની ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે.

0 43

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

કોંગ્રેસમાં વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખના પદ પર યુવા નેતાઓની નિયુક્તિ બાદ પણ સંગઠનની ગાડી પાટે ચડતી નથી. હાલ રાજ્યની ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ પૂરાં થતાં હવે નવી ટીમ આવી રહી છે. આ નવી ટીમની પસંદગીની કવાયત કોંગ્રેસ સંગઠનમાં જોરમાં છે, પણ સાથે ફરી એક વાર જૂથવાદ ઝળકી રહ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસ શાસનનો સ્વાદ એક માત્ર જિલ્લા પંચાયતોમાં ચાખી રહી છે અને આ સત્તા જ કોંગ્રેસને જીવાડી રહી છે. રાજ્યની કુલ ૩૩ જિલ્લા પંચાયતમાંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. જિલ્લા અને તાલુકા પંચાયતોના શાસનને કારણે જ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસનો જનાધાર મજબૂત રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. જિલ્લા પંચાયતોમાં પ્રમુખ – ઉપપ્રમુખ અને કારોબારી સહિતની કમિટીના હોદ્દેદારોની મુદત આગામી જૂનમાં પૂરી થાય છે. ગુજરાત કોંગ્રેસના નવા સુકાની અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ટીમ માટે જિલ્લા પંંચાયતોમાં નવા હોદ્દેદારોની પસંદગીનો મુદ્દો આસાન નથી. આ અંગેની કવાયત સંગઠનમાં ચાલુ થતાની સાથે જ અસંતોષની આગ જોવા મળી રહી છે.

કોંગ્રેસમાં યુવાઓને નેતૃત્વ સોંપવાની એક હવા ચાલી છે ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ યુવાનોને આગળ કરી શાસન સોંપવામાં આવે તેવી ગણતરીઓ મુકાઈ રહી છે. હાલ સિનિયર નેતાઓએ તો લોબિંગ કરવાનું જ માંડી વાળ્યું છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના એક પ્રમુખ કહી રહ્યા છે કે, શાસનમાં આવવા માટે સભ્યો વચ્ચે ખેંચતાણ શરૃ થઈ ગઈ છે. ખરેખર પોતાના વિસ્તારમાં કે કોંગ્રેસ સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આગેવાનોને જિલ્લા પંચાયતોમાં હોદ્દાઓ સોંપવામાં આવે તો સારી વાત છે, પણ હાલ તો પ્રદેશ સ્તરના નેતાઓની નજીક કોણ છે તે જ મોટી લાયકાત હોવાની ચર્ચાઓ છે. અમારી ટર્મના તો હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, પણ જિલ્લા પંચાયતોમાં જૂથવાદથી નહીં, પણ પરફોર્મન્સના આધારે હોદ્દેદારોની પસંદગી થવી જોઈએ.

જિલ્લા પંચાયતોમાં નવા હોદ્દેદારોની પસંદગીનો મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રચારની રણનીતિમાં સ્થાનિક જિલ્લા પંચાયતોના પ્રમુખોની ભૂમિકા મહત્ત્વની રહેતી હોય છે. લોકસભામાં જિલ્લાનો મોટો હિસ્સો આવતો હોય છે એટલે જિલ્લા પંચાયતમાં સારું શાસન હોય તો તેનો પ્રભાવ લોકસભાની ચૂંટણીમાં પડતો હોય છે. કેટલીક લોકસભાની સીટ એવી છે કે સ્થાનિક સમીકરણો બહુ મોટી અસર ઊભી કરતા હોય છે. આમ અઢી વર્ષ બાદ પ્રદેશ કોંગ્રેસના યુવા નેતૃત્વ પર જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પસંદગી કરવાની જવાબદારી આવી છે. વિધાનસભાની ચૂંટણી પછી અને લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટી માટે આ એક મહત્ત્વની કવાયત છે. હાલ જિલ્લા પંચાયતોમાં આ એક જ મુદ્દાઓની ચર્ચાઓ સંભળાઈ રહી છે. કારોબારી સહિતની મહત્ત્વની સમિતિની આખરી બેઠકો યોજાઈ રહી છે. જે હાલની બોડીમાં નથી તેવા સિનિયર સભ્યો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચૅરમેન બનવા માટે લોબિંગ કરી રહ્યા છે. દિલ્હી સુધી આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે.

Related Posts
1 of 25

જિલ્લા પંચાયતોમાં રોટેશન પદ્ધતિ હોય છે. અઢી વર્ષ પૂરાં થાય એટલે રાજ્ય સરકાર કઈ જિલ્લા પંચાયતમાં મહિલા, સામાન્ય પુરુષ કે એસસી – એસટી કેટેગરીના પ્રમુખ બની શકશે તે અંગેનો હુકમ કરે છે અને તે મુજબ બહુમતી હોય તે પક્ષ પ્રમુખની અને અન્ય હોદ્દાઓની પસંદગી કરે છે. વર્તમાન હોદ્દેદારોની મુદત પૂરી થવા આડે હવે એક મહિનો પણ બાકી ન હોવા છતાં રાજ્યની ભાજપની સરકારે પંંચાયતોમાં રોટેશન અંગેનો હુકમ કર્યો નથી. આ હુકમ થાય પછી જ બહુમતી ધરાવતા પક્ષને ખ્યાલ આવે છે કે કયા સભ્યો કાયદા મુજબ પ્રમુખ બનવા માટે લાયક છે અને તેમાંથી પસંદગી કરવાની હોય છે. જિલ્લા પંચાયતોના રાજકારણમાં સરકાર દ્વારા રોટેશનનો હુકમ બહાર પાડવામાં થઈ રહેલા વિલંબનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

એક ગુજરાતી કર્ણાટકમાં નવી સરકારને શપથ લેવડાવશે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગુજરાતના રાજકીય મોરચે પણ સારી એવી ચર્ચા રહી છે. ગુજરાત વિધાનસભા બાદ તરત જ કર્ણાટક ચૂંટણીની તૈયારીઓ શરૃ થઈ હતી. ભલે કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાતનું કોઈ સીધું રાજકીય કનેક્શન ન હોય, પણ ગુજરાતીઓમાં આ ચૂંટણીનાં પરિણામો જાણવા ભારે ઉત્સુકતા હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર છતાં કોંગ્રેસની જીત હતી ત્યારે કર્ણાટકમાં પણ ગુજરાતવાળી થશે તેવંુ માનવામાં આવતું હતું, પણ પરિણામો હવે સામે આવી જતાં કેસરિયો છવાઈ ગયો છે. ભલે બહુમતી આડે બે – ચાર બેઠકોનું છેટું રહ્યું હોય, પણ કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવશે તેવંુ લગભગ નક્કી છે ત્યારે એ પણ નક્કી છે કે એક ગુજરાતી કર્ણાટકમાં નવી સરકારને શપથ લેવડાવશે. ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવનાર વજુભાઈ વાળા નવી સરકારને શપથ લેવડાવશે. આવો પ્રસંગ કદાચ પહેલીવાર બની રહ્યો છે. કર્ણાટકમાં વજુભાઈ લાંબા સમયથી રાજ્યપાલ પદ પર છે.

કર્ણાટકની ચૂંટણીનાં પરિણામોની અસર રાજ્યના રાજકારણમાં જોવા મળશે. ભાજપ લોબીમાં ઉત્સાહ વધી ગયો છે. પક્ષના મુખ્યમથકોએ આતશબાજી થઈ રહી છે, જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના કાર્યકરોમાં જે જોમ આવ્યંુ હતંુ તે થોડું ઓસર્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસનું જો સારું પ્રદર્શન રહ્યું હોત તો ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીમાં ઉત્સાહ વધારે જોવા મળ્યો હોત અને તેની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં જોવા મળત. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ લાંબા સમયે ઉત્સાહ દેખાયો હતો. કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં ભાજપ કે કોંગ્રેસમાં ગુજરાતના નેતાઓને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી ન હતી. ભાજપના નેતાઓ પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં ખાસ ગયા ન હતા, પણ ગુજરાતમાં કર્ણાટકની ચર્ચા ખૂબ રહી હતી. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસમાં એક ચર્ચા એવી શરૃ થઈ છે કે કર્ણાટકમાં કોંગ્રેસને સત્તા વિરોધી પરિબળ નડી ગયંુ છે. જોકે આ તો માત્ર રાજકીય અવલોકન જ હોઈ શકે, કારણ કે ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે, તેને આવું કોઈ પરિબળ નડ્યું નથી. મૂળ વાત એ છે કે ઈલેક્શન મૅનેજમૅન્ટમાં કોંગ્રેસ થાપ ખાઈ જાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાંથી કોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગેની શીખ લેવાની જરૃર હતી. હવે ગુજરાત કોંગ્રેસમાં પણ એવી ચર્ચાનો દોર શરૃ થયો છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ કેમ લોકોમાં સ્વીકાર્ય થતું નથી.

કોંગ્રેસના એક આગેવાન કહે છે, રાહુલે માત્ર યુવા ચહેરાઓને આગળ કરવાની સાથે અનુભવીઓને પણ સાથે રાખવા જોઈએ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આવું બેલેન્સ કરવામાં આવશે તો ભાજપને હાલ ર૬ બેઠકો મળેલી છે તેમાં ગાબડંુ પાડી શકાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભલે ભાજપની ધારણા મુજબના ન હતાં, પણ તેની કોઈ અસર કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળી ન હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ, આ બે શક્તિાશાળી ગુજરાતી નેતાઓની જોડીએ ભાજપને કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે તે ગુજરાત અને ગુજરાતીઓ માટે વિશેષ મહત્ત્વની વાત છે.

—————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »