તમારા માટે, તમારી સાથે, સતત…

૧૦૦ બોલ ક્રિકેટ ક્રિકેટનું નવું લઘુ સ્વરૃપ

સૌરવ ગાંગુલીએ ૧૦૦ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને સાવધાન રહેવા જણાવ્યું છે

0 403

સ્પોર્ટ્સ – નરેશ મકવાણા

ક્રિકેટનું જન્મદાતા ઇંગ્લેન્ડ હાલ આ રમતના બદલાયેલા ફોર્મેટને લઈને દ્વિધાનો સામનો કરી રહ્યું છે. એક તરફ આઈપીએલ જેવી ટી૨૦ ટૂર્નામેન્ટ થકી ભારત કરોડો કમાઈ રહ્યું છે ત્યારે ઈસીબી ટેસ્ટ, વન-ડે ક્રિકેટમાંથી પોતાને નવા ફોર્મેટમાં ઢાળવા મથી રહ્યું છે. ‘૧૦૦ બોલ ક્રિકેટ’ મેચ આવું જ એક ટકી રહેવા તરફનું પગલું લાગે છે…

૧૯મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઈસીબી(ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ)ની એક ટ્વિટે દુનિયાભરના ક્રિકેટરસિકો, નિષ્ણાતો અને પૂર્વ ક્રિકેટરોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં તેણે ટી૨૦ થી પણ ઓછી ઓવરોની ક્રિકેટ મેચ યોજવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મામલે લોર્ડ્સ ખાતે યોજાયેલી બેઠકમાં ઇંગ્લેન્ડની તમામ ૧૮ કાઉન્ટી ક્લબોના ચૅરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ્સ હાજર રહ્યા હતા. જેમાં દરેકે સર્વાનુમતે આ નવી સ્પર્ધાની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. એ રીતે પહેલો પડાવ તેણે સફળતાપૂર્વક પાર કરી લીધો હતો અને તેના શરૃ થવાનો માર્ગ મોકળો થયો છે. ઈસીબીનું માનીએ તો ૮ ટીમોવાળી આ સ્થાનિક ટૂર્નામેન્ટ વર્ષ ૨૦૨૦માં શરૃ થશે. હાલ સર્વાધિક લોકપ્રિય ટી૨૦ ટૂર્નામેન્ટથી તે અલગ એ રીતે હશે કે તેમાં બંને ટીમને ૧૦૦-૧૦૦ બોલ રમવા મળશે. ઈસીબી આને નવા પ્રકારની ટી૨૦ ટૂર્નામેન્ટ તરીકે ઓળખાવે છે. જેમાં ૬ બોલની એક એવી ૧૫ ઓવર હશે અને છેલ્લે ૧૦ બોલની એક વધારાની ઓવર ઉમેરવામાં આવશે. હાલ તો બ્રોડકાસ્ટરોએ આ નવીન વિચારને પસંદ કર્યો છે છતાં તેની સફળતાના તો નિવડ્યે જ વખાણ થશે.

હાલ ક્રિકેટમાં ટી૨૦ ફોર્મેટની સફળતાએ આ રમતમાં નવો અધ્યાય શરૃ કર્યો છે ત્યારે તેમાં વધુ એક નવા ફોર્મેટ તરીકે ‘૧૦૦ બોલ ક્રિકેટ’ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૃ થઈ રહી છે. ઈસીબીએ તેને મંજૂરી આપી દીધી છે. આ ફોર્મેટ કાઉન્ટી સ્તરે ૨૦૨૦થી શરૃ થશે. અત્યારે ઑફિશિયલી ટી૨૦ ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં દરેક ટીમ ૧૨૦ બોલનો સામનો કરતી હોય છે. જ્યારે અહીં બંને ટીમોને સો સો બોલ રમવા મળશે. આ માટે શરૃઆતમાં ૮ ટીમોની ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવશે. ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટૉમ હેરિસનનું કહેવું છે કે, ‘ક્રિકેટમાં આ એકદમ નવો આઇડિયા છે. આનાથી યંગસ્ટર્સમાં તેની લોકપ્રિયતામાં વધારો થશે એટલું જ નહીં, તેનાથી ક્રિકેટ વધુ આકર્ષક બનશે.’

અહીં ઉલ્લેખનીય છે કે ઈસીબીએ જ ૨૦૦૩માં સૌ પ્રથમ ટી૨૦ મેચની શરૃઆત કરી હતી અને હવે ૧૦૦ બોલ મેચની શરૃઆત પણ તે જ કરવા જઈ રહ્યું છે. ઔપચારિક રીતે તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ તરીકે માન્યતા મેળવવા તૈયાર છે. હાલ ૧૦-૧૦ ઓવરોની મેચ રમાય છે, પણ તે ઑફિશિયલ રીતે રમાતી નથી. જ્યારે ૧૦૦ બોલની આ લીગમાં ઇંગ્લેન્ડનાં ૮ શહેરોની ટીમના ફ્રેન્ચાઇઝી રહેશે. દરેક ટીમના પંદર ખેલાડીઓમાં ત્રણ વિદેશી ખેલાડીઓ રાખી શકાશે. ખેલાડીઓની આઈપીએલની જેમ જ હરાજી કરીને ખરીદી થશે. બીબીસી ટીવી પરથી આ ટૂર્નામેન્ટનું જીવંત પ્રસારણ થશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ૪૧ કાઉન્ટી સભ્યો પૈકી ૩૮ સભ્યોએ હાલ આ ટૂર્નામેન્ટની તરફેણમાં મત આપ્યો છે. ટૂર્નામેન્ટનું માળખું જોતાં એ સ્પષ્ટ થાય છે કે, આઈપીએલ અને અન્ય ટી૨૦ લીગની સફળતાથી પ્રેરાઈને ઈસીબીએ આ પગલું ભર્યું છે. ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટૉમ હેરિસને કહ્યું છે તે મુજબ આ ટૂર્નામેન્ટમાં કુલ ૩૮ મેચો રમાશે. જેમાં દરેક ટીમ ઘરઆંગણે ચાર મેચ જ્યારે હરીફ ટીમના ગ્રાઉન્ડ પર ચાર એમ કુલ આઠ મેચો રમશે. આ લીગની મેચો લોડ્ર્ઝ, ઓવલ, માન્ચેસ્ટર, સાઉધમ્પ્ટન, કાર્ડિફ, નોટિંગહામ જેવાં શહેરોમાં રમાશે. આ સાથે ઇંગ્લેન્ડથી સ્થાનિક કાઉન્ટી અને ટી૨૦ મેચો તો રમાશે જ.

Related Posts
1 of 319

આ ટૂર્નામેન્ટ સંદર્ભે જોકે, ઇંગ્લેન્ડ અને અન્ય દેશોના ક્રિકેટરોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. ઇંગ્લેન્ડના જ પૂર્વ કપ્તાન માઇકલ વૉને આ ફોર્મેટની ટીકા કરતાં કહ્યું હતું કે, ક્રિકેટની ગરિમા અને પરંપરા હવે દિવસેને દિવસે ઘસાતી જાય છે. પહેલા પાંચ દિવસનું ક્રિકેટ પછીથી ત્રણ દિવસ, બે દિવસ, વન-ડે, ૪૦ ઓવર, ટી ટ્વેન્ટી અને હવે ૧૦૦ બોલની સાંકડી મેચ બનવા તરફ છે. ક્રિકેટ હવે માત્ર રમત નહીં, પણ મનોરંજન બની ચૂક્યું છે.

જોકે, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ૧૦૦ દિવસની ટૂર્નામેન્ટના ખ્યાલને બિરદાવતા કહ્યું હતું કે, ક્રિકેટના બદલાતા સ્વરૃપ સાથે રમતને ઢાળવી જરૃરી છે. આજે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ટી૨૦ની લોકપ્રિયતા સામે ટકી શકે તેમ નથી. આ વાસ્તવિકતા છે અને તેને આપણે સ્વીકારવી રહી. બદલાતા જમાના પ્રમાણે રમતને ઢળવું જ પડે છે. આ મેચ સહપરિવાર માણી શકાશે. મર્યાદિત ઓવરના કારણે નિયમ સમય મર્યાદામાં મેચ માણીને ઘેર પરત ફરી શકાશે. એક ટીમ વિદેશના ત્રણ ખેલાડીઓને રાખી શકતી હોઈ ક્રિકેટ વિશ્વના ટોચના ખેલાડીઓ, ખાસ કરીને ટી૨૦  જેવી ટૂર્નામેન્ટોમાં તાબડતોડ બેટિંગ અને અસરકારક બોલિંગ કરી શકતા ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે હોડ જામશે. ક્રિકેટરોને ખરીદવા માટે મોટી રકમ હોડમાં મૂકાશે જેમાંથી ૨૪ ખેલાડીઓ ખરીદાશે. જોકે ભારતના ક્રિકેટરોને બીસીસીઆઈ રમવા માટે રજા આપે છે કે નહીં તે જોવું રહ્યું. સાથે જ આઈસીસી આઈપીએલ જેમ તેને વિન્ડો આપે છે કે નહીં તેના પર પણ ઘણો આધાર રહેલો છે.

આ તરફ પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ ૧૦૦ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને સાવધાન રહેવા જણાવ્યું છે. છતાં તે આ ટૂર્નામેન્ટની શરૃઆત કેવી રીતે થાય છે તે જોવા માગે છે. દાદાના મતે, ૧૦૦ બોલ ક્રિકેટ હકીકતે ૧૬.૩ ઓવરની રમત છે. ૫૦ ઓવરથી ક્રિકેટ ૨૦ ઓવર સુધી આવ્યું અને હવે લગભગ ૧૬ ઓવર સુધી. તેમના મનમાં ઓવરોને બદલે ૧૦૦ની સંખ્યા હોય એવું લાગે છે. આપણે તેને લઈને સાવધાન રહેવાની જરૃર છે. એવું ન થવું જોઈએ કે દર્શકો સ્ટેડિયમમાં આવે, આંખો પટપટાવે અને એટલીવારમાં મેચ પૂરી થઈ જાય.

દર્શકો એવી રમતની મજા લેવા માંગતા હોય છે જેમાં એમને સાચી પ્રતિભા અને ખરા વિજેતા જોવા મળે. ત્યારે રમતનું સ્વરૃપ જેટલું નાનું એટલું જ સર્વશ્રેષ્ઠ અને સામાન્ય પ્રતિભા વચ્ચેનું અંતર ઓછું થતું જશે. આવી સ્થિતિમાં આજે પણ અસલ ક્રિકેટ તો ટેસ્ટ મેચ જ છે. કેમ કે એમાં તમારે એકધારી તાકાત સાથે દિવસના છેલ્લા સેશન સુધી બોલિંગ કરવાની હોય છે. એટલે જ ટેસ્ટ ક્રિકેટ આજે પણ સૌથી મોટો પડકાર છે. તેના માટે એકાગ્રતાની સાથે ટૅક્નિકની પણ જરૃર પડતી હોય છે. ટી૨૦ મેચો ચાલશે, કારણ કે તેમાં આર્થિક કારણોની સાથે દર્શકોને મજા પણ આવે છે. જોકે ખરી મજા ટેસ્ટ ક્રિકેટ જેવા લાંબા ફોર્મેટમાં છે. ૧૦૦-બોલ ક્રિકેટના ઉદ્દેશ્ય યુવા દર્શકોને આકર્ષવાનો છે, પણ ઇંગ્લેન્ડના જ અમુક ખેલાડીઓને તેના સ્વરૃપ સામે વાંધો છે. ત્યારે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી જોઈએ.

—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »