તમારા માટે, તમારી સાથે, સતત…

દિવાળીબહેન ભીલ વગડાનો સુગંધી સ્વર

લોકસંગીતના એ ટોડલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાની ફરજ કેમ ચૂકાય.

0 1,892

કવર સ્ટોરી – નરેશ મકવાણા

દિવાળીબહેન ભીલ વગડાનો સુગંધી સ્વર

ઝવેરચંદ મેઘાણીએ ગીત અને લોકગીત વચ્ચેનો તફાવત કંઈક આ રીતે વર્ણવ્યો છે. ફળિયામાં કોઈ છોડ વાવો, તેનું જતન કરો, એ મોટો થાય અને ફૂલ બેસે તેને ગીત કહેવાય, પણ વગડામાં એની મેળે છોડ ઊગે, તેને ફૂલ આવે એને લોકગીત કહેવાય. આ ૧૯મી મેના રોજ આવાં અનેક લોકગીતો જેમના કંઠ થકી અમરત્વ પામ્યાં છે એવાં વગડાના ફૂલપદ્મશ્રી દિવાળીબહેન ભીલની વિદાયને ત્રીજું વર્ષ બેસશે, ત્યારે ગુજરાતી લોકસંગીતને જેમણે છેક દિલ્હી સુધી સન્માન અપાવેલું તેવા ગુજરાતી લોકસંગીતના એ ટોડલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાની ફરજ કેમ ચૂકાય…?

૧૯૬૧નું એ વર્ષ. ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં નવરાત્રીનો માહોલ તેની ચરમસીમાએ છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષની જેમ આ વર્ષે પણ આકાશવાણી રાજકોટની ટીમ નવરાત્રી દરમિયાન સોરઠના ગામડાંઓમાં ગવાતાં રાસ, ગરબાનું રેકોર્ડિંગ કરવા નીકળી પડી છે. સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ, કલાપારખું હેમુ ગઢવી, ઉપેન્દ્ર ત્રિવેદી સહિતનો સ્ટાફ માણાવદર, બાંટવા, બિલખા સુધી રખડીને આખરે જૂનાગઢ આવી પહોંચ્યો છે. થકવી દેતી મુસાફરી અને કામના ભારણને લીધે સૌ કોઈની આંખો ઘેરાવા માંડી છે, પણ હેમુ ગઢવીની નીંદર વેરણ થઈ પડી છે. તેમને સતત એવું લાગ્યા કરતું હતું કે આટલાં ગામો ફર્યા પછી પણ તેમને જેવાં લોકગીતો, ગાયકીની આશા હતી તે ફળી નથી. એટલે બીજા બધાં ઊંઘી ગયા તો પણ તેઓ જાગતા રહ્યા. ગિરનારની વનરાજી પરથી ઠંડક લઈને આવતા શરદના પવન વચ્ચે અડધો કલાક માંડ વીત્યો હશે ત્યાં તો, ‘…ઝાંઝ પખાજ વેણા જંતર વાગે…નગારાની બોલે ઠોર વનમાં, ઝીણા બોલે મોર…’ ગીત કોઈ કન્યાના ગળેથી તેમના કાને પડ્યું અને તેઓ ઝૂમી ઊઠ્યા. કલાપારખું હેમુભાઈએ કાચી સેકન્ડમાં જ એ અવાજમાં રહેલા અસામાન્ય તત્ત્વને પકડી પાડ્યું અને તરત આખી ટીમને જગાડીને રેકોર્ડિંગ માટે તૈયાર થઈ જવા કહ્યું. થોડી જ વારમાં આકાશવાણી રાજકોટની આખી ટીમ રેકોર્ડિંગનાં સાધનો સાથે જૂનાગઢના વણઝારી ચોકની એ ગરબીમાં હતી. અહીં તેમણે જોયું કે સોળ વર્ષની એક કન્યાના કંઠમાંથી એ અદ્ભુત અવાજ રેલાઈ રહ્યો છે અને તેની મોહિનીમાં ભાન ભૂલીને કુંવારિકાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહી છે. લાગ જોઈને હેમુભાઈની ટીમે જ્યાં સુધી તેણે ગાયું ત્યાં સુધી રેકોર્ડિંગ કર્યું. એટલું જ નહીં, ગરબી પૂરી થયા પછી સોળ વર્ષની એ કન્યાને આકાશવાણી રાજકોટમાં ઑડિશન આપવા માટે ઑફિશિયલ નિમંત્રણ પણ પાઠવ્યું. બે દિવસમાં તેણે ફોર્મ ભર્યું, ઑડિશન આપ્યું અને પાસ થઈ. એ પછી જે થયું તે ઇતિહાસ છે. કેમ કે, હેમુભાઈ ગઢવીએ જૂનાગઢના વણઝારી ચોકમાંથી શોધી કાઢેલું ગાયકીનું એ રતન બીજું કોઈ નહીં, પદ્મશ્રી દિવાળીબહેન ભીલ હતાં!

Related Posts
1 of 262

એ ઘડીથી પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. આકાશવાણીમાં હેમુભાઈ ગઢવી સાથે, તો જાહેર કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, પ્રવીણદાન ગઢવી, ભીખુદાન ગઢવી, પ્રફુલ દવે સાથે અનેક લોકગીતો ગાઈને તેઓ સ્ટેજ કાર્યક્રમોના અનિવાર્ય કલાકાર બની ગયાં. એ સમયે દિવાળીબહેન એક જ એવાં કલાકાર હતાં જે લોકગાયિકા તરીકે ગીતને ન્યાય આપતાં હતાં. સોળ વર્ષે શરૃ થયેલી ગાયકીની એ સફર પછી તો અડધી સદી કરતાં વધુ સમય સુધી ચાલતી રહી. આ ગાળામાં માત્ર યાદશક્તિના આધારે તેમણે અનેક લોકગીતોને કંઠ આપીને લોકપ્રિય બનાવ્યાં. જેમાં ‘મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે..’, ‘રામના બાણ વાગ્યા મુને…’, ‘હું તો કાગળિયા લખી લખી થાકી…’ જેવા લોકગીતો સાથે તો તેમનું નામ કાયમ માટે જોડાઈ ગયું. આ સિવાય ‘પાપ તારું પરકાશ જાડેજા..’, ‘જોડે રે જો રાજ..’, ‘સોના વાટકડી રે..’ જેવા ૨૦૦થી વધુ ફિલ્મીગીતો ગાઈને લોકપ્રિયતાની ઊંચાઈ ઓર વધારી દીધી. ગુજરાતી ગીત-લોકગીતમાં તેમના આ અમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને ૨૪ માર્ચ, ૧૯૯૦ના રોજ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યાં. એ રીતે આપોઆપ તેમનું નામ ગુજરાતમાં પદ્મ સન્માન મેળવનાર પહેલા મહિલા ગાયિકા તરીકે પણ ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયું.

દિવાળીબહેનઃ ખરા અર્થમાં વગડાનું ફૂલ
ગાયકીની દુનિયામાં નામ કમાવા કે ટકી રહેવા માટે ગાયકો રિયાઝથી લઈને નિતનવું શીખતાં રહેતાં હોય છે. આમ છતાં ધાર્યું નિશાન પાર પડશે જ એની કોઈ ગેરંટી હોતી નથી. આજે તો ગાયકો પણ સ્વપ્રચાર અને માર્કેટિંગ માટે પીઆર એજન્સી રોકતાં થઈ ગયા છે ત્યારે દિવાળીબહેન ચોક્કસ યાદ આવે. કેમ કે, તેમણે કદી ગાયકીને સ્વપ્રચાર કે કમાણીનું સાધન ગણ્યું જ નથી. એનું જ કારણ છે કે, માનવસેવાનું કામ કરતી સંસ્થાઓ, વ્યક્તિઓના લાભાર્થે એક પાઈ પણ લીધા વિના સૌથી વધુ કાર્યક્રમો કરનાર કલાકાર તરીકે દિવાળીબહેન મોખરે છે. લોકગીતોને પચાવી જાણનાર તેઓ ખરા અર્થમાં વગડાનું ફૂલ હતાં.

૫ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ (વીકિપીડિયા સહિત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ લગભગ તમામ જગ્યાએ તેમની જન્મતારીખ, વર્ષ, મહિનાની માહિતી ખોટી છે.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે પિતા પૂંજાભાઈ અને માતા મોંઘીબહેનના ઘેર તેમનો જન્મ થયેલો. તેમના પિતાની મૂળ અટક તો લાઠિયા, પણ દિવાળીબહેન તો ભીલ તરીકે જ પ્રખ્યાત થયાં. સાવજોની ધરા એવા ગીરમાં તેમનું બાળપણ વીત્યું હોઈ સાહસવૃત્તિ તેમનામાં સહજ રીતે પાંગરેલી. જે આગળ જતાં તેમના જીવનમાં વિવિધ તબક્કે પ્રગટ થતી રહી. નવ વર્ષે પિતાની જૂનાગઢ બદલી થતા તેઓ સપરિવાર ત્યાં આવી ગયાં અને ત્યાં તેમનાં લગ્ન લેવાયેલાં, પણ પિતાને વેવાઈ સાથે કોઈ બાબતે મનદુઃખ થતાં બીજા જ દિવસે સાસરિયું છોડી દીધેલું. એ પછી તેમણે બીજા લગ્નનો વિચાર સુદ્ધાં કર્યો નહીં. દરમિયાન ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ તેમણે એક ડૉક્ટરને ત્યાં કામ કરવાનું શરૃ કરી દીધું. જોકે આ બધાંની વચ્ચે પણ નાનપણથી પાંગરેલા ગાવાના શોખે વિદાય નહોતી લીધી. દરરોજ સવારે તેમનાં માતા મોંઘીબહેન દળણું દળવા બેસે એટલે નાનકડા દિવાળીબહેન તેમની સામે બેસી જતાં. માતા જે લોકગીત ગાય તે તેઓ કોરસ સ્વરૃપે ઝીલે અને શીખતાં જાય. આ રીતે લગ્નગીતો, લોકગીતો તેમને તેમની માતા પાસેથી વારસામાં મળેલાં. આકાશવાણી રાજકોટમાં તેઓ પસંદગી પામ્યાં ત્યારે તેમને મહેનતાણા તરીકે પાંચ રૃપિયા મળેલા જે એ વખતે બહુ મોટી રકમ ગણાતી. દિવાળીબહેનને વિશ્વાસ નહોતો આવતો કે ગાવા માટે કોઈ આટલા રૃપિયા આપે. પછી તો અભણ દિવાળીબહેનનાં ગીતો-લોકગીતોએ આકાશવાણી પર ધૂમ મચાવી દીધી. લાઇવ સ્ટેજ કાર્યક્રમોમાં તેમણે પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, ભીખુદાન ગઢવી અને પ્રફુલ દવે સાથે સ્ટેજ શેઅર કર્યું. તો ગુજરાતી ફિલ્મોમાં પણ તેમના અનોખા અવાજે જબરું આકર્ષણ ઊભું કર્યું. એમાં ઘણી ફિલ્મો તો એવી હતી જે માત્ર તેમના ગીતના કારણે હિટ નીવડેલી. તેમની લોકપ્રિયતા એવી કે, અન્ય રાજ્યોમાં રહેતાં ગુજરાતીઓ પણ તેમના કાર્યક્રમો ગોઠવતાં. તો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, કેનેડા અને દુબઈમાં પણ તેમણે કાર્યક્રમો કરેલાં. ગુજરાતી લોકગાયકીમાં તેમના અનોખા પ્રદાનને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૯૦માં તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યાં. આ સિવાય હેમુ ગઢવી ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ અને ગુજરાતી સમાજ ઓફ ન્યૂજર્સી તરફથી પણ તેમને સન્માન મળ્યું.

શું માને છે તેમના સાથી કલાકારો?
દિવાળીબહેને આમ તો એ વખતના અનેક જાણીતા કલાકારો સાથે ગીતો ગાયા છે, પણ ભીખુદાન ગઢવી સાથે ગાયેલા તેમનાં ગીતો ઘણા લોકપ્રિય રહ્યાં છે, ત્યારે એક પદ્મશ્રી વિશે બીજા પદ્મશ્રી શું માને છે તે જાણવાની તાલાવેલી સૌ કોઈને હોવાની. ‘મારા માટે દિવાળીબહેન એટલે સાચી લોકગાયિકા….’ – જૂનાગઢમાં પોતાના ઘરના સોફા પર બેઠેલાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી દિવાળીબહેન વિશે વાત શરૃ કરતાં ઉપર મુજબના શબ્દો કહે છે. વાત આગળ વધારતા તેઓ કહે છે, “જેના અવાજમાં ઈશ્વરી તત્ત્વ પડ્યું છે, જેને ખબર નથી કે મારા અવાજમાં આ જાદુ છે, આ વિવિધતા છે, એવી કોઈ લોકગાયિકા જો આખા ગુજરાતમાં કોઈ હોય તો તે એકમાત્ર દિવાળીબહેન ભીલ. હું એવા અનેક કાર્યક્રમોનો સાક્ષી રહ્યો છું જેમાં દિવાળીબહેન ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’..અને ‘હું તો કાગળિયા લખી લખી થાકી..’ ગાતા હોય અને લોકો રીતસર સ્તબ્ધ થઈ ગયા હોય. ઝવેરચંદ મેઘાણીને કોઈએ પ્રશ્ન કરેલો કે, ગીત અને લોકગીતમાં શું તફાવત? તેના જવાબમાં તેમણે કહેલું કે, ‘ફળિયામાં કોઈ છોડ વાવો, તેનું જતન કરો અને એ મોટો થાય અને ફૂલ બેસે તેને ગીત કહેવાય, પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય.’ – એમાં દિવાળીબહેન આવે. તેઓ વગડાનું ફૂલ છે. એ ભીલ-કન્યાના ગળામાં અવાજની જે મીઠાશ ઈશ્વરે મૂકી એ છેક દિલ્હીના દરવાજા સુધી પહોંચી. છતાં કદી અભિમાન ન કર્યું, માથેથી ઓઢણું ઊતરવા ન દીધું. સ્ટેજની મર્યાદા એટલી રાખી. વિવેકપૂર્ણ ગીતો ગાયાં અને એ જ રીતે આ ક્ષેત્રમાં તેઓ જીવ્યાં પણ ખરાં. એમની સરળતા, સાદાઈ, વિવેકપણુ માત્ર મને જ નહીં, એમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને સ્પર્શ્યું છે.”…………

પદ્મશ્રી દિવાળીબહેન ભીલની પૂણ્યસ્મૃતિમાં ’અભિયાને’ વિશેષ કવરસ્ટોરી સાથે તેમને શ્રદ્ધાસુમન અર્પી મૂંઠી ઊંચેરાં લોકગાયિકાની સ્મૃતિને જનસમાજ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આગળની વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરી વાંચવાનો આનંદ ઉઠાવો…

Leave A Reply

Your email address will not be published.

Translate »