તમારા માટે, તમારી સાથે, સતત…

અંતે પત્રકારોએ જ છોટા રાજનને જનમટીપ અપાવી

જે.ડે. સતત છોટા રાજન વિરુદ્ધ લખતા હતા

0 145

ચુકાદો -હિંમત કાતરિયા

પત્રકાર જ્યોતિર્મય ડે ઉર્ફે જે.ડે. હત્યાકાંડમાં વિશેષ મકોકા કોર્ટે છોટા રાજન સહિત ૯ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જે.ડે. ટેબ્લોઈડ ન્યૂઝપેપર મિડ-ડેમાં સિનિયર ક્રાઇમ રિપોર્ટર હતા. તે ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વને લઈને ચર્ચિત હતા. ખાસ કરીને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા  અહેવાલોમાં તેમણે બધા ખુલાસા કર્યા હતા.

જે. ડે. હત્યાકાંડની સુનાવણી ૭ વર્ષ સુધી ચાલી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે કહ્યું હતું કે જે.ડે. સતત છોટા રાજન વિરુદ્ધ લખતા હતા અને એ વાતને લઈને છોટા રાજને જે.ડે.ની હત્યા કરાવી હતી. બચાવ પક્ષ એમ પણ કહેતો હતો કે જે.ડે. મોસ્ટ વૉન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વખાણ કરતા હતા એ વાતથી પણ છોટા રાજન ગિન્નાયો હતો. હત્યાકાંડમાં તેલ માફિયાનાં નામ પણ સામે આવ્યાં હતાં. ઘટનાની તપાસ દરમિયાન એક અન્ય મહત્ત્વપૂર્ણ ઘટના સામે આવી.

સીબીઆઈએ દાવો કર્યો હતો કે જે.ડે. અંડરવર્લ્ડની દુનિયા પર એક પુસ્તક લખી રહ્યા હતા, જેમાં રાજનને ચિલ્લર જેવો બતાવવાની અને દાઉદ ઇબ્રાહિમને મુંબઈના અસલી ડોન તરીકે રજૂ કરવાની ચર્ચા હતી. આ વાતથી છોટા રાજનને માઠું લાગ્યું હતું. જે.ડે. હત્યાકાંડમાં છોટા રાજનનું નામ આવ્યું તે પછી તેના ઉપર ઘણી ન્યૂઝ ચેનલોને ફોન કરીને ધમકાવવાનો પણ આરોપ લાગ્યો હતો. પહેલાં રાજન કહેતો હતો કે તેણે જે.ડે.ને માત્ર ધમકાવ્યો હતો, તેની હત્યા નથી કરી. જોકે બાદમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. ૧૧ જૂન, ૨૦૧૧ના રોજ ૫૬ વર્ષીય પત્રકાર જે.ડે.ની પોવઈના હીરાનંદાની ગાર્ડનની બાજુમાં ગોળી મારીને હત્યા કરાવી નાખી હતી.

Related Posts
1 of 142

છોટા રાજને જે.ડે.ની હત્યા કરાવી હતી એ સાબિત કરવામાં અને છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારવામાં પણ ચાર પત્રકારોનો મોટો ફાળો રહ્યો હતો. સીબીઆઈ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાઓમાં સૌથી મહત્ત્વની હતી મુંબઈના ચાર પત્રકારો જીતેન્દ્ર દીક્ષિત, સુનિલ સિંહ, નિખિલ દીક્ષિત અને આરિજ ચંદ્રાની જુબાની. જે.ડે.ની હત્યાના થોડા દિવસો બાદ રાજને જીતેન્દ્ર દીક્ષિતને +૩૪૪૪ નંબર ઉપરથી ફોન કરીને કહ્યું હતું કે આ હત્યા તેમણે કરાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે હત્યા કરાવીને તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે કેમ કે હત્યા માટે તેની કાનભંભેરણી કરવામાં આવી હતી. જીતેન્દ્રએ આ વાતને પોતાના બ્લોગ પર પણ મુકી હતી. બચાવ પક્ષે દલીલ કરતા કહ્યંુ કે, દીક્ષિતની પોલીસ અધિકારીઓ સાથે મિલીભગત છે એટલે તેમણે આવી સાક્ષી આપી. જજે આ દલીલનો છેદ ઉડાડતા કહ્યંુ કે, જીતેન્દ્ર દીક્ષિત એક ક્રાઇમ રિપોર્ટર છે એટલે તેમના પોલીસ સાથેના સંપર્કો હોવા સ્વાભાવિક છે, પણ એવો કોઈ પુરાવો મળતો નથી જેના આધારે સાબિત થાય કે પોલીસે તેને આવો બ્લોગ લખવા દબાણ કર્યું હતું.

સુનિલ સિંહ ૧૯૯૩થી પત્રકારિતા કરી રહ્યા છે. તેમને ૧ જુલાઈ, ૨૦૧૧ના રોજ +૫૦૩૨ નંબર પરથી છોટા રાજનનો ફોન આવ્યો ત્યારે તે ન્યૂઝ ચેનલમાં કામ કરતા હતા. રાજને સુનિલ સિંહને ફોન પર કહ્યંુ હતું કે, જે.ડે. બધી મર્યાદા ઓળંગી ગયો હતો એટલે પતાવી દીધો. સીબીઆઈ કોર્ટે અન્ય એક પત્રકાર નિખિલ દીક્ષિતની જુબાનીનો પણ આધાર બનાવ્યો હતો. નિખિલે જે.ડે.ના અંતિમ સંસ્કાર કર્યા હતા. નિખિલે કોર્ટને કહ્યું કે, રાજને તેને ફોન કરીને કહ્યું હતું કે જે.ડે.ની હત્યા એટલે કરવી પડી કે તે મારી હત્યા કરાવવાનો હતો. મારા વિરુદ્ધ બહુ લખતો હતો. આરિજ ચંદ્રાને પણ ફોન કરીને રાજને હત્યાની જવાબદારી લીધી હતી. મકોકા જજ અડકરે પણ ચુકાદામાં કહ્યંુ કે આ પત્રકારોની જુબાની ભરોસાપાત્ર સાબિત થઈ છે.

આ કેસમાં જિગ્ના વોરાનું છૂટી જવું આશ્ચર્યજનક લાગ્યું છે. કેમ કે તપાસ રિપોર્ટ કહેતો હતો કે જિગ્ના અને છોટા રાજન વચ્ચે ઘણીવાર ફોન પર વાતચીત થઈ અને જિગ્ના વોરાએ જ છોટા રાજનને ઉશ્કેર્યો હતો, પરંતુ આ તર્ક કોર્ટમાં ન ચાલ્યો. કેસની તપાસ દરમિયાન ટર્નિંગ પોઇન્ટ આવ્યો અને પોલીસે દાવો કર્યો કે હત્યાકાંડમાં પત્રકાર જિગ્ના વોરાનો પણ હાથ છે. જિગ્નાએ જ શૂટરોને જે.ડે.નું લોકેશન, ગાડીનો નંબર સહિતની વિગતો આપી હોવાના તેમની પર આરોપ લાગ્યા હતા.

—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »