તમારા માટે, તમારી સાથે, સતત…

વળી પાછો ત્યાં ને ત્યાં…

માત્ર શાણપણ અને ગાંડપણની ટકાવારીમાં તફાવત હોય છે

0 527

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

મનસુખે છ મહિના સુધી ગાંડાની હૉસ્પિટલમાં સારવાર લીધી. આમ તો દુનિયાનો દરેક માણસ પાગલ હોય છે. માત્ર શાણપણ અને ગાંડપણની ટકાવારીમાં તફાવત હોય છે. કોઈ માણસ પાગલ છે કે શાણો છે તે નક્કી કરવામાં સમાજ કાયમ કાચો પડ્યો છે. આ સમાજે જે લોકોને ગાંડા કહ્યા એ બધાં સવાયા શાણા સાબિત થયા છે. આ સમાજે નરસિંહ, મીરા, સુરદાસ, કબીર જેવા ભક્તોને પાગલ કહ્યા હતા જે અત્યારે શાણામાં શાણા વિદ્વાનોના અભ્યાસનો વિષય બન્યા છે.

મહાન હાસ્યલેખક ધનસુખલાલ મહેતાનાં પત્ની પાગલ હતાં. એમને ટિફિન આપવા મહેતાજી દરરોજ જતા હતા. કોઈકે કહ્યું કે, ‘મહેતાજી, આપનાં પત્ની આપને ઓળખતા પણ નથી અને આપ દરરોજ ટિફિન આપવા જાવ છો તો કોઈ બીજી વ્યક્તિ સાથે મોકલી આપો તો પણ ચાલે.’ ત્યારે હાસ્યકારે કહ્યું હતું કે, ‘એ મને ઓળખે છે. એ ગુસ્સે થઈને ટિફિનનાં ખાનાંનો ઘા કરે ત્યારે ઘણા લોકો વચ્ચે મને જ આંટી જાય છે એનો અર્થ એ મને ઓળખે છે.’ હાસ્ય કરુણતાની કૂખેથી જન્મે છે એનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ છે.

મનસુખે છ મહિના સારવાર લીધી પછી એટલો બધો શાણો થઈ ગયો કે કદાચ એટલા શાણા તો એની સારવાર કરનાર દાક્તર પણ નહોતા. દાક્તર કરતાં દર્દીના ડહાપણના ટકા વધી ગયા. અંબાલાલના દીકરાને અચાનક લોહીના ટકા ઘટી ગયા. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ ગયું. હું તબિયત પૂછવા ગયો ત્યારે અંબાલાલે કહ્યું કે, ‘પરીક્ષાના પરિણામના ટકા તો અમારી પેઢીમાં વારસાગત રીતે ઘટેલા જ છે, પરંતુ લોહીના ટકા પણ ઘટ્યા હોય એવો અમારા ખાનદાનમાં આ પ્રથમ બનાવ છે.’

દાક્તર કરતાં પણ મનસુખના ડહાપણના ટકા વધી જવાથી એને રજા આપવામાં આવી. મફાકાકા હરખમાં અને હરખમાં ટેક્ષી ભાડે કરી મનસુખને ઘેર લઈ આવ્યા. દીકરો ડાહ્યો થઈ ગયા પછી મફાકાકા માટે રૃપિયો ઝડપથી વટાવી દેવો એ સૌથી વધુ અગત્યનું કાર્ય હતું. તેમણે તાબડતોબ એક પાર્ટી પ્લોટ ભાડે લીધો. પોતાની જ્ઞાતિમાં જેટલી કન્યાઓ લગ્નને લાયક હતી એટલી કન્યાઓનાં મા-બાપને સાગમટે ભોજન માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યા. જ્ઞાતિના લગ્નવાંચ્છુ યુવક-યુવતીઓની ડિરેક્ટરીઓમાં મનસુખનો સચિત્ર પરિચય છપાવ્યો. મનસુખના બાયોડેટામાં એક વાક્ય ખાસ અન્ડરલાઇન કરીને છપાવ્યું કે, ‘આ ડિરેક્ટરીમાં મનસુખ એક માત્ર ઉમેદવાર છે જેની પાસે પાગલ નહીં હોવાનું દાક્તરી પ્રમાણપત્ર છે.’

લગ્નના રિસેપ્શનમાં હોય છે તેવું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું અને પરણતી વખતે વર-કન્યા બેસે છે એવી સિંહાસન જેવી ખુરશીમાં મનસુખને બેસાડવામાં આવ્યો. દેખાવે રૃપાળો વળી સરખી રીતે સ્નાન કરીને વરરાજાના પોશાકમાં મનસુખ કોઈ રજવાડાના યુવરાજ જેવો સોહામણો લાગતો હતો.

આ મેળાવડાના આગલા દિવસે મફાકાકા મારા ઘેર આવ્યા. મારી પત્નીએ પરાણે હસતું મોઢું રાખીને આવકાર આપ્યો. ગઈ વખતે ખોટો આગ્રહ કરવા ગઈ અને ચા બનાવવી પડી હતી. એટલે આ વખતે ભૂલનું પુનરાવર્તન ન થાય તેની પાકી તકેદારી રાખીને માત્ર પાણી આપી ગઈ.

‘મને મૌલિકના પપ્પાએ સમાચાર આપ્યા.’ પત્ની ઉવાચ.

‘શું સમાચાર આપ્યા?’ મફાકાકા અકારણ ચોંકી ગયા.

‘એ જ કે મનસુખભાઈની તબિયત ઓલરાઈટ થઈ ગઈ છે.’

‘હા. હવે રિપેર થઈ ગયો છે. મેં કોઈ મોટા શહેરના ગેરેજમાં, સોરી દવાખાનામાં મોકલવાનું વિચાર્યું હતું. ત્યાં જગદીશે જામનગરનો વિચાર આપ્યો. જામનગર ગયો તો ઝડપથી સાજો થઈ ગયો.’ મફાકાકાએ કહ્યું.

‘એ તો એના નસીબમાં સાજા થવાનું લખ્યું જ હોય. હું તો માત્ર નિમિત્ત થયો છું. કાકા… કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે કહેજો…’ મેં હિંમત આપી.

‘અડધી રાત્રે શા માટે કહું? દિવસે ન કહું?’ કાકાએ શબ્દ પકડી લીધો.

‘આ તો એમ કહેવાય… બાકી અડધી રાત્રે થોડું કહેવાનું હોય?’

‘એટલે જ અત્યારે દિવસના કહેવા આવ્યો છું.’ કાકા બોલ્યા.

‘બોલો, બોલો કાકા… હુકમ કરો… બીજા કોઈને જામનગર મૂકવા જવો હોય તો પણ તૈયાર છું.’ મેં ઓવર ઉત્સાહ દેખાડી દીધોે.

‘બીજા કોઈને મૂકવા જવાનું નથી. આ રિપેર થઈને આવી એ ગાડીનો સોદો કરવાનો છે.’ કાકા મૂળ વાત પર આવ્યા.

‘હું સમજ્યો નહીં કાકા…’

‘મનસુખને ડાળે વળગાડવાનો છે. મેં કાલે અમારી જ્ઞાતિનાં સો જેટલા વાલીઓને પોતપોતાની ઉંમરલાયક દીકરીઓ સાથે જમવા તેડાવ્યા છે.’

Related Posts
1 of 277

‘અમારે એક પણ દીકરી નથી, એક દીકરો જ છે.’ મેં ચોખવટ કરી.

‘તારે મનસુખના મિત્ર તરીકે પરિવાર સાથે પધારવાનું છે.’

‘કાલે બપોરે કે સાંજે?’

‘સાંજે…’

‘તો ઠીક… હવે હું કાલ બપોરના ટંકનો ત્યાગ કરી દઈશ જેથી મને જમવાનું નિમંત્રણ આપનાર યજમાનના ભોજનને યથાયોગ્ય ન્યાય આપી શકાય. મેં પેટ બગાડ્યું છે, પરંતુ ક્યારેય યજમાનની રસોઈ બગડવા દીધી નથી. અમે ત્રણે જરૃર આવીશું.’ મેં રાજી થતાં કહ્યું.

‘ભૂદેવ… તમને જમવાની ના નથી, પરંતુ એ પહેલાં એક કામ કરવું પડશે. મનસુખ રિપેર થઈ ગયો છે એની અમારી નાતને જાણ કરવી છે.’

‘સાવ સહેલું છે કાકા… રિસેપ્શન જેવું સ્ટેજ બનાવી, મનસુખને વરરાજા જેવા કપડાં પહેરાવી સિંહાસન ઉપર બેસાડી દેવાનો, ત્યાર બાદ એક માઈક મનસુખને આપવાનું અને બીજું માઈક ઓડિયન્સને આપવાનું. જેને જે પૂછવું હોય તે પૂછે. ઓટોમેટિક નાતને ખબર પડી જશે કે મનસુખ હવે પાગલ નથી.’ મેં આઇડિયા આપ્યો.

આપ સૌ જાણો છો કે મનસુખને ગાંડપણ એટલું જ હતું કે એને કંઈ પણ પૂછો તો એક જ વાક્ય બોલતો હતોઃ ‘મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ.’ જે જામનગરની સારવાર બાદ બોલતો નહોતો. મારો આઇડિયા કાકાને પસંદ આવ્યો અને એ મુજબ તમાશો શરૃ થયો.

‘હલ્લો, લેડીઝ એન્ડ જેન્ટલમેન… આપની જ્ઞાતિના સેવાભાવી સજ્જન મુ.મફાકાકા વતી હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ ભારતમાં દિવસે-દિવસે જ્ઞાતિવાદ વધતો જાય છે. દરેક જ્ઞાતિના લોકો પોતપોતાના ઉમેદવારોને ટિકિટ મળે તેવું ઇચ્છે છે. સૌને પોતાની જ્ઞાતિ આગળ આવે તેમાં જ રસ છે…’ હું આટલું બોલ્યો ત્યાં મફાકાકાએ મારા કાનમાં કહ્યું કે, ‘આ ચૂંટણીની સભા નથી… મૂળ વાત ઉપર આવી જા.’

‘હા… તો બહેનો ભાઈઓ… હું એમ કહેતો હતો કે તમારી જ્ઞાતિના વડીલ મફાકાકાનો પરાક્રમી, હોનહાર પુત્ર મનસુખ હવે બિલકુલ ડાહ્યો થઈ ગયો છે. મફાકાકા એનું ઝડપથી લગ્ન કરાવી આપવા તૈયાર થયા છે. તમે બધા યુવાન કન્યાનાં માબાપ છો. આપને પણ આપની દીકરીને સુ-વર એટલે કે સારો વર મળે એવી ઇચ્છા છે. આપ મનસુખને સવાલ પૂછીને ખાતરી કરી શકો છો..’

ત્યાં ત્રણ ઉંમરલાયક દીકરીના પિતા પરમાનંદભાઈએ માઈક હાથમાં લઈને સીધંુ મનસુખ ઉપર નિશાન તાક્યુંઃ ‘હવે નવા અવતારમાં આપ શું કરવા માંગો છો?’

મનસુખે ચહેરા ઉપર મનહર મુસ્કાન સાથે ગંભીરતાથી જવાબ આપ્યો કે, ‘સૌ પ્રથમ હું ગ્રેજ્યુએશન કંપ્લીટ કરીશ. ત્યાર બાદ ફર્ધર સ્ટડી માટે એબ્રોડ જઈશ.’ લોકોએ તાલી વગાડી અને પરમાનંદભાઈએ પરમ આનંદ સાથે હળવેથી કહ્યું કે, ‘મોટી દીકરી મધુની વાત ચલાવો.’

ત્યાં બે દીકરીવાળા બાબુલાલ આવી ચડ્યા. એમણે માઈક પકડીને પૂછ્યું કે, ‘હે મનસુખલાલ, આપ લગ્ન વિશે શું વિચારો છો?’

બાબુડાએ મનસુખને ટુ ધ પોઇન્ટ સવાલ પૂછી નાખ્યો. મનસુખનાં લગ્નની વાત નીકળી એટલે મફાકાકા પણ રાજી થયા. બાબુલાલ સામે જોઈને મનસુખે મનમોહક સ્મિત વેર્યું. ત્યાર બાદ કહ્યું કે, ‘હું અભ્યાસ ભલે એબ્રોડ કરું, પરંતુ મેરેજ તો ઇન્ડિયા આવીને કરીશ. એ પણ મારા પેરેન્ટ્સ પસંદ કરે એવી આપણી જ્ઞાતિની કન્યા સાથે જ કરીશ. હું ક્યારેય બી.કોમ. એટલે બીજી કોમમાં માનતો નથી.’

ટોળાએ ફરી તાલી વગાડી મને શું કુબુદ્ધિ સૂઝી કે મેં માઈક હાથમાં પકડી લીધું. જો હું દોઢડાહ્યો ન થયો હોત તો મનસુખનું તે દિવસે જ પરમાનંદની મધુ કે બાબુલાલની મંજુ સાથે લાકડે માંકડું ગોઠવાઈ ગયું હોત. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મેં માઈક હાથમાં લઈને મનસુખને જાહેરમાં કહ્યું કે, ‘તું લગ્ન તારી જ્ઞાતિની કન્યા સાથે કરીશ એ આનંદની વાત છે, પરંતુ કેવી રીતે લગ્ન કરીશ એ પણ જણાવી દે.’

મારી વાત સાંભળી ગળંુ ખંખેરીને મનસુખ બોલ્યો કે, ‘હું મારા સસરાને જઈને કહી આવીશ કે મારે કરિયાવર ન જોઈએ. હવે તો કન્યા એ જ કરિયાવર. મને માત્ર બે ગંજી આપજો.’

મનસુખની વાત સાંભળીને સૌને અચરજ થયું. બધા અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા. મેં ફરી માઈક પકડીને કહ્યું કે, ‘મનસુખ, તારે દહેજમાં કશંુ જોઈએ નહીં તો પછી ગંજી શા માટે જોઈએ છે?’

મારો પ્રશ્ન સાંભળી મનસુખ ખુરશીમાંથી ઊભો થયો અને બોલ્યોઃ ‘ગંજીના પટ્ટા કાપીશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ.. ગંજીના પટ્ટા કાપીશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ.’

——————.

હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીના હાસ્ય લેખ ‘હસતાં રહેજો રાજ’ નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »