પ્રદેશ વિશેષ
હેલ્મેટ નહીં પહેરનાર બાઈક ચાલકને પેટ્રોલ નહીં મળે
જિંદગીની સલામતી માટે વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવો અને સીટ બેલ્ટ બાંધવા સહિતના અનેક નિયમો છે, પણ વાહનચાલકો જ નિયમો પાળતા નથી અને બેદરકારીમાં કયારેક મહામૂલી જિંદગી ગુમાવવી પડે છે. દીવના સ્થાનિક પ્રશાસને લોકોની જિંદગી બચાવવા અન્ય સત્તાધીશો માટે એક પ્રેરણારૃપ નિર્ણય લીધો છે. દીવના ટ્રાન્સપોર્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અપૂર્વ શર્માએ એવો આદેશ જારી કર્યો છે કે ટુ વ્હીલરના ચાલકે જો હેલ્મેટ પહેર્યો હશે તો જ તેને પેટ્રોલ પમ્પ પરથી પેટ્રોલ આપવામાં આવશે. પેટ્રોલ પમ્પ ધારકોને પણ આ આદેશની નકલ મોકલવામાં આવી છે. જો પેટ્રોલ પમ્પ સંચાલકો આ નિયમનો ભંગ કરશે અથવા તો કોઈ ટુ વ્હીલર ચાલક આ નિયમ નહીં પાળે તો તેની સામે દંડ સહિતની કામગીરી કરવામાં આવશે.
દીવમાં આવી રહેલા પ્રવાસીઓની સલામતી અને સ્થાનિક વાહનચાલકોની જિંદગી બચાવવા તા. ર એપ્રિલ, ર૦૧૮ના રોજ દીવ પ્રશાસને આ હુકમ કર્યો છે. દીવમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેને નિયંત્રણમાં લાવવા અને ટૂંક સમયમાં વેકેશન શરૃ થતાં પ્રવાસીઓનો ધસારો વધશે. આવા સંજોગોમાં વાહનચાલકોની સલામતી માટે સ્થાનિક પ્રશાસને એક નવો પ્રયોગ કર્યો છે. આ આદેશે સ્થાનિક લોકોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. હેલ્મેટ પહેરવા ન ટેવાયેલા બાઈકચાલકો પેટ્રોલ પુરાવવા નવો રસ્તો શોધી લેશે કે નિયમોનું પાલન કરશે?
————————.
કચ્છની ક્ષત્રિય કન્યાઓ શીખે છે તલવારબાજી અને રાસ
ભુજના પરા સમાન માધાપરમાં ક્ષત્રિય કન્યાઓ માટે તલવારબાજી અને તલવાર રાસના ક્લાસ ચાલુ છે. આજે જ્યારે કન્યાઓ અને યુવતીઓને પોતાની જાતના રક્ષણની તાતી જરૃરિયાત ઊભી છે ત્યારે તલવારબાજી તેમનામાં એક પ્રકારની હિંમત પ્રેરે છે. રાજપૂત ક્ષત્રિય મહિલા મંડળ, માધાપરના પ્રમુખ પ્રવીણાબા રાણા અને સપનાબા વાઘેલાએ આ તદ્દન અલગ પ્રકારનું પ્રશિક્ષણ યુવતીઓને અને મહિલાઓને આપવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘સામાન્ય રીતે તલવાર તો પુરુષોનું શસ્ત્ર એવી માન્યતા છે, પરંતુ લોખંડમાંથી તલવાર બને તો તે શસ્ત્ર કહેવાય, પરંતુ જો આ તલવાર રાજપૂતાણીના હાથમાં હોય તો તે શક્તિ બની જાય છે. અમે આવી શક્તિ બહેનોમાં આવે તેમ ઇચ્છીએ છીએ. એક વખત તલવારબાજી શીખેલી દીકરી, હાથમાં તલવાર ન હોય તો પણ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ખૂબ શૂરવીરતાથી કરી શકે છે. તલવારબાજી શીખવાથી બહેનો, દીકરીઓ પોતાની રક્ષા કરવા તે સજ્જ બની શકે છે.’ આજે નાની વયની કન્યાઓ અને યુવતીઓને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. પોતાની સુરક્ષા માટે અન્ય પર આધાર રાખવાના બદલે તલવારબાજી અને રાસ શીખવો ઉપયોગી સાબિત થાય તેમ છે.
————————.
બ્રિટનના રાજવી પરિવારમાં લગ્ન ભારત માટે ખુશીના સમાચાર
મે મહિનામાં બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરીનાં લગ્ન હોલિવૂડ એક્ટ્રેસ અને સામાજિક કાર્યકર મેગન માર્કલ સાથે થઈ રહ્યાં છે. આ લગ્ન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ લગ્નમાં જે ધનરાશિ આવશે તેનો ઉપયોગ પ્રિન્સ હેરી અને મેગન માર્કલ વિશ્વની જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓને દાન કરવાના છે. આ સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ભારતની છે અને તેનું નામ છે મેના ફાઉન્ડેશન. મેના ફાઉન્ડેશન મુંબઈમાં માસિક ચક્ર સંબંધિત ખોટી માન્યતાઓ અને સેનિટરી પેડ્સના વિતરણ પર કામ કરે છે. યુવાન મહિલા સામાજિક કાર્યકર સુહાની જલોટાએ વર્ષ ૨૦૧૪માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ મુંબઈમાં હેલ્થ ઈશ્યુ પર સંશોધન કરી રહી હતી ત્યારે સુહાનીના ધ્યાનમાં આવ્યું કે, મહિલાઓ આજના સમયમાં પણ તેમના માસિક ચક્ર અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ સેનિટરી પેડ્સ અને હાઈજિનને લગતા મુદ્દાઓ પર વાત કરવાનું ટાળે છે. સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાના આશયથી સુહાનીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૧૬માં ન્યૂયૉર્કમાં એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન સુહાની જલોટાની મુલાકાત મેગન માર્કલ સાથે થઈ અને મેગને સુહાનીના કામને બિરદાવ્યું. ત્યાર બાદ મેગન માર્કલ મેના ફાઉન્ડેશનની મુલાકાત લેવા બે દિવસ ભારત પણ રોકાઈ હતી. હવે જ્યારે પ્રિન્સ હેરી અને મેગનનાં લગ્ન થવા જઈ રહ્યાં છે ત્યારે બંનેએ લગ્નમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોને ભેટ સોગાદ લાવવાને બદલે રોકડ રકમ આપવાની વિનંતી કરી છે. આ રકમ વિશ્વની સ્વૈચ્છિક સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે, જેથી તેનો સદુપયોગ થઈ શકે.
———–.