તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છીઓ ભૂલ્યા સ્થાનિક જળસ્ત્રોતની જાળવણી

સંસ્કૃતિના મહત્ત્વનાં અંગો આજે મૃતઃપ્રાય થઈ ગયા છે

0 238

પાંજોકચ્છ – સુચિતા બોઘાણી કનર

આજે મહત્તમ કચ્છ નર્મદાનાં પાણી પર આધારિત થઈ ગયું છે. જો કોઈ પણ કારણસર નર્મદાનાં પાણી મળવા બંધ થઈ જાય તો લોકોને તરસ્યા રહેવાનો વારો આવે છે. સ્થાનિક પાણીના સ્ત્રોતનું મહત્ત્વ વિસરાઈ ગયું છે. આજે ભલે કોઈ તળાવની પાળે કપડાં ધોવા કે કૂવે પાણી ભરવા ન જાય, પરંતુ જો આ  સ્ત્રોત જીવંત હોય તો પાણીની કટોકટી વખતે એક સારો વિકલ્પ તો થઈ જ શકે. લોકહૃદયમાં તેના માટેની લાગણી જાગૃત કરવી જોઈએ. જો આમ થાય તો ફરી વખત કચ્છના ગામેગામ આવેલાં તળાવો હર્યાંભર્યાં થઈ શકશે.

રાજાશાહી જમાનાથી કચ્છમાં વરસાદ અનિયમિત વરસતો રહ્યો છે. દર દસકામાં બે-ત્રણ વર્ષ સારા જાય, પરંતુ બાકીનાં વર્ષ ઓછો વરસાદ થાય. આવી સ્થિતિમાં લોકોને પાણી મળી રહે તે માટે કચ્છમાં તળાવો અને કૂવાની સંસ્કૃતિ વિકસી છે. ગામેગામ તળાવો છે. આ તળાવો છેલ્લાં ૬૦-૭૦ વર્ષ પહેલાં સુધી લોકહૃદયની બહુ નજીક હતાં. તળાવ સાથે લોકોની ધાર્મિક લાગણી વણાયેલી હતી. તેની પૂરતી સારસંભાળ રખાતી હતી, પરંતુ કચ્છના વિકાસની સાથે લોકોનાં ઘર સુધી નળ વાટે પાણી આવવા લાગતા, નર્મદાનાં પાણી મોટા ભાગના વિસ્તારોમાં પહોંચવા લાગતાં કૂવા અને તળાવની ઉપયોગિતા ઘટી અને લોકો તેનું મહત્ત્વ ભૂલવા લાગ્યા. કચ્છનાં તમામ ગામો, શહેરોમાં આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મોટાં તળાવોને બાદ કરતાં નાનાં તળાવો ખોવાઈ ગયાં છે, નામશેષ થઈ ગયાં છે, જે તળાવો બચ્યાં છે તેનો વિસ્તાર ઘટ્યો છે, તેના પર દબાણ થયાં છે, તેની ઊંડાઈ ઘટી છે. જ્યારે કૂવાઓ કે વાવ તો જાણે કચરો ઠાલવવાનું સ્થાન બની ગયાં છે. જળ

સંસ્કૃતિના મહત્ત્વનાં અંગો આજે મૃતઃપ્રાય થઈ ગયા છે. સ્થિતિ આવી જ રહી તો આવનારી પેઢી તળાવ અને કૂવાથી તદ્દન અજાણ રહી જશે.

કચ્છ આજે સંપૂર્ણતઃ નર્મદાનાં પાણી આધારિત બની ગયું છે. નગરપાલિકા કે ગ્રામ પંચાયત કૂવા કે તળાવ તો છોડો, પણ બોર જેવા સ્થાનિક જળસ્ત્રોતની પણ જાળવણી કરતી નથી. જેના કારણે જ્યારે નર્મદાનું પાણી કચ્છને મળતું નથી ત્યારે લોકો પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરે છે. જો સ્થાનિક સ્ત્રોત પાણીની આપૂર્તિ કરી શકે તો તંગી થોડી સહ્ય બની શકે. આધુનિક જીવનશૈલીમાં રંગાયેલા લોકો આજે સ્થાનિક જળસ્ત્રોતોનો ઉપયોગ પરંપરાગત રીતે કરી ન શકે તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ તળાવ, કૂવામાં સંગ્રહાયેલા પાણી બીજી અનેક રીતે ઉપયોગી બની શકે તેમ છે.

Related Posts
1 of 319

ભુજમાં સ્થાનિક જળસ્ત્રોતમાં ફરી પ્રાણ ફૂંકવાનું કામ કરતી ‘જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ’ના ફાઉન્ડર કન્વીનર તરુણકાંત છાયા આ અંગે વાત કરતાં જણાવે છે, ‘અહીં વસવાટ શરૃ થયો ત્યારથી લોકો પાણી માટે તળાવો પર નિર્ભર છે. દરેક ગામ પાસે પોતાનાં તળાવો છે. રાજાશાહી જમાનામાં તળાવોનું ખૂબ મહત્ત્વ હતું. તેની પૂરતી દેખરેખ થતી હતી. લોકો પીવાનું પાણી કૂવા કે વાવમાંથી મેળવતાં અને વાપરવાના પાણી માટે તળાવ પર અવલંબિત હતા. તે જમાનામાં લોકો પાણી માટે સ્વનિર્ભર હતા. તળાવોના કારણે ભૂગર્ભજળ પર્યાપ્ત હતું. થોડું ખોદતા જ પાણી મળતું હતું. તળાવોનું પાણી જમીનમાં ઊતરીને નાના- મોટા વહેણ મારફતે કૂવા સુધી આવતું હતું. તે વખતે પાણીની ગુણવત્તા પણ સારી હતી, પરંતુ પછી વિકાસ વધતા, પાણીનો વપરાશ વધ્યો, ખેતીવાડી માટે વધુ પાણીની જરૃરિયાત ઊભી થતાં બોર બનાવવાનું શરૃ થયું. નજીક- નજીક બનતા બોરથી પુષ્કળ ભૂગર્ભ જળ ખેંચી કઢાયું. અલબત્ત, તેના કારણે ખેતપેદાશોમાં વધારો જરૃર થયો, પરંતુ તળના પાણી ઊંડા ઊતર્યા, તેની ગુણવત્તા ખરાબ થઈ. ક્ષારનું પ્રમાણ વધ્યું. ત્યાર પછી નર્મદાનું અવતરણ કચ્છની ધરતી પર થયું. પાણી વધુ સહેલાઈથી મળવા લાગ્યું. આજે ભલે ખેતી માટે-સિંચાઈ માટે નર્મદાનું પાણી હજુ આખા કચ્છને મળતું થયું નથી, પરંતુ ઘરવપરાશનું પાણી મળવા લાગ્યું છે. નળ વાટે સહેલાઈથી મળતા થયેલા પાણીના કારણે તળાવો અને કૂવાઓ ભુલાઈ ગયાં. તેની જાળવણી વિસરાઈ ગઈ અને આજે સ્થિતિ એવી આવીને ઊભી થઈ છે કે કચ્છનાં ગામોમાં તળાવો અને કૂવા શોધવા પડે.’

જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટૅક્નોલોજીસ જેવી સંસ્થાઓ આજે આ ખોવાયેલા કૂવા અને તળાવો શોધીને તેને પુનર્જીવિત કરવાનું કાર્ય કરે છે. આ બંને સંસ્થાઓનું મુખ્ય કાર્ય છે પાણીના સ્થાનિક સ્ત્રોત પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવીને વરસાદી પાણીના સંગ્રહ માટે તેમને પ્રોત્સાહિત કરવા. આ માટે તેઓ દર વરસે ભુજના હમીરસર તળાવમાં જ્યાંથી પાણી આવે છે તે ધુનારાજા ડેમથી એક યાત્રા યોજે છે. લોકોને તળાવના આવક્ષેત્ર, ઓગન ક્ષેત્ર વિશે સમજાવી, તળાવની સંગ્રહશક્તિ વધારવા શું કરવું જોઈએ, તે વિશે માહિતી આપે છે. તેમ જ વિસરાયેલા તળાવની હદ શોધીને તેની નિશાનીઓ કરવાનું કામ પણ કરાય છે. ઉપરાંત શાળા, કૉલેજોમાં આ વિષે પરિસંવાદ, સંવાદ, પિક્ચર-શૉ જેવા કાર્યક્રમો યોજે છે. ‘હમીરસરનો સાદ’ નામનું સામાયિક વર્ષમાં ચાર વખત બહાર પાડે છે. ભુજનાં ૧૦ તળાવોને પુનર્જીવિત કરાયાં છે. શાળાઓ, સોસાયટી, સ્લમ વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

જળ સ્નેહ સંવર્ધન સમિતિના અન્ય એક સભ્ય મહંમદ ઇબ્રાહિમ હાજી ઇસ્માઇલ પીર જણાવે છે, ‘પરાપૂર્વેથી નદીઓ અને તળાવો લોકોની પાણીની જરૃરિયાત પૂરી પાડતાં. ઘરવપરાશ, ખેતી માટે તો આ પાણી ઉપયોગી થતું જ, પરંતુ સાથે-સાથે વ્યાપાર ધંધા અને આવાગમન માટે પણ નદીઓ ઉપયોગી હતી. અમુક જગ્યાએ તો નદીઓ રાજ્ય કે ગામની સીમાનું કામ પણ કરતી. નદીઓના યુગ પછી તળાવ અને કૂવાનો યુગ આવ્યો. કૂવા અને તળાવોને ધાર્મિક રીતે સાંકળી લેવાયાં હતાં. મોટાભાગે મંદિર અને મસ્જિદમાં કૂવા હોય, તળાવ કિનારે પણ મંદિર-મસ્જિદ હોય. જેથી એ જલસ્ત્રોતનું સંવર્ધન થતું, તેની જાળવણી થતી. સામાજિક જીવનમાં પણ કૂવા-તળાવનું મહત્ત્વનું સ્થાન હતું. તે એક પ્રકારના સંવાદ સ્થાનો- કોમ્યુનિકેશન સેન્ટર હતાં. ખાસ તો મહિલાઓ ત્યાં ભેગી થતી અને સંવાદ થતાં, પરંતુ સમય જતાં ઘરે-ઘરે પાણી આવવા લાગ્યું. આજે કૂવા અને વાવમાં પાણીના બદલે કચરા- ઝાડી ઝાંખરાંએ સ્થાન લીધું છે. તળાવના વિસ્તારોમાં દબાણો થયાં છે. તેનો વિસ્તાર ઘટ્યો છે. આજે કૂવા ગાળવાનું કામ બંધ થયું છે, તળાવોને ઊંડા ઉતારવાનું, ખાણેત્રું કરવાનું કામ બંધ થયું છે. જેનાથી તેમની સંગ્રહશક્તિ ઘટી છે. જે પાણી સંગ્રહાય છે તેની ગુણવત્તા પણ નબળી થાય છે. પહેલાંના જમાનામાં તળાવો કોમી એકતાનાં પણ પ્રતીક હતાં. ભુજના હૃદયસમા હમીરસરની આસપાસ ૧૫ મંદિર-મસ્જિદ ભેગાં છે.’

ગુજરાતના કચ્છમાં જળસ્ત્રોતની જાળવણી બાબતે શું થઇ શકે અને પ્રસાશન આ વિષયે શું કરી રહી છે તેની વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »