તમારા માટે, તમારી સાથે, સતત…

મહાભિયોગની લડાઈ કેટલી ન્યાયપૂર્વકની?

દેશમાં રાજનૈતિક સ્તરે જે કાયદાકીય લડાઈ જોવા મળી રહી છે

0 193

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ દેશમાં રાજકીય વાતાવરણ વધુ ને વધુ ગરમાતું જાય છે. હવે લોકપ્રશ્નો કે લોકકલ્યાણની ચર્ચા જાણે નીરસ બનતી જાય છે અને એટલે વ્યૂહાત્મક સ્તરે જનમાનસમાં ગરમાટો પેદા કરવા રાજકીય પક્ષો માટે ક્યારેક સનસનાટીભરી ઘટનાઓ તો ક્યારેક વ્યક્તિગત ચારિત્ર્યહનનના મુદ્દાઓ, ક્યારેક સંસ્થાઓ તો ક્યારેક સમુદાયો પર પ્રહાર, એવી પોતપોતાની જરૃરિયાત મુજબની રણનીતિ નાગરિકોમાં આક્રોશ, નફરત કે સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે જાણે જડીબુટ્ટી બની રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાહેરજીવનમાં સક્રિય રાજનેતાઓમાં એકબીજાને નીચા પાડવાની હોડ, એકબીજા પ્રત્યે નફરત પેદા થાય તેવા પ્રયાસો, કેટલાક તત્ત્વોના અનૈતિક આચરણ સામે સમગ્ર સમુદાય કે વર્ગને ભાંડવાની વૃત્તિ-પ્રવૃત્તિ, કાયદાકીય લડાઈમાં છીછરા અર્થઘટન અને સંયમ કે વિવેકનો અભાવ, જેવી બાબતો રાજકીય ચાતુર્યમાં ગણાવા લાગ્યું છે. આ બધું એટલી હદે વકર્યું છે કે જેનો કોઈ હિસાબ નથી, એટલે વિકરાળ બનતી સમસ્યાઓના મૂળમાં જવા પ્રયત્ન કરીએ તો કોણે પહેલો ગુનો કર્યો તેનો તાગ મેળવવામાં પણ ભાગ્યે જ સફળતા મળે. આઝાદી મળી ત્યારે આપણી સમક્ષ સૌથી મોટો પડકાર એ આઝાદી ટકાવવાનો હતો. આજે એવું નથી લાગતું કે દેશમાં એવું કોઈ વાતાવરણ હોય જેમાં સમાજના છેવાડાના માનવી સુધીના નાગરિકોને પોતાના સુખ, સમૃદ્ધિ, સલામતી અને સ્વતંત્રતાની રક્ષા માટે પ્રતિબદ્ધ હોય તેવા રાજકીય, સામાજિક, ધાર્મિક કે આર્થિક વાતાવરણની અનુભૂતિ થતી હોય.

આજકાલ દેશમાં રાજનૈતિક સ્તરે જે કાયદાકીય લડાઈ જોવા મળી રહી છે તે આમાનું જ એક ઉદાહરણ છે. આ અઠવાડિયે કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી પાર્ટીઓએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે રાજ્યસભામાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે નોટિસ પાઠવી હતી. તેમનો આક્ષેપ એવો હતો કે જસ્ટિસ મિશ્રા સરકાર દ્વારા થતા હસ્તક્ષેપના સંદર્ભમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી શક્યા નથી. ૭૧ સાંસદોએ આ બાબતને લેખિત સમર્થન આપ્યું  હતું. મહાભિયોગ માટે આપેલાં પાંચ મુખ્ય કારણોમાં પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ કેસામાં લાંચ ચૂકવવાના મામલામાં મુખ્ય ન્યાયાધીશ દ્વારા અયોગ્ય રીતે કેસની કાર્યવાહી કરાયેલી. સીબીઆઈએ મુખ્ય ન્યાયધીશને માહિતી આપી તે પણ એક ગેરવર્તણૂક હતી. બીજો આક્ષેપ મુખ્ય ન્યાયાધીશે એ કેસમાં વહીવટી તેમજ ન્યાયતંત્રમાં જે રીતે હસ્તક્ષેપ કર્યા તે અયોગ્ય છે અને મુખ્ય ન્યાયાધીશ પોતે પણ એ કેસમાં તપાસના ઘેરામાં આવે તેવી શક્યતા હતી. ત્રીજો આક્ષેપ એ કે બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશ હોય ત્યારે કેસોના લિસ્ટિંગ સમયે સૌથી સિનિયર જજ સમક્ષ તેની વિનંતીઓ મોકલી અપાતી હોય છે, પરંતુ તેમાં થયેલી અનિશ્ચિતતા ઘણી ગંભીર છે. ચોથો આક્ષેપ એવો કરવામાં આવ્યો કે મુખ્ય ન્યાયાધીશ પોતે જ્યારે એડવોકેટ હતા ત્યારે તેમણે એક જમીનની ખરીદી કરી ત્યારે ખોટી એફિડેવિટ કરી હતી. ૧૯૮૫માં તે જમીનની ફાળવણી એડીએમ દ્વારા રદ્દ કરાઈ હોવા છતાં મુખ્ય ન્યાયાધીશે તે જમીન છેક ૨૦૧૨માં પરત કરી હતી. પાંચમો આક્ષેપ એ કે માસ્ટર ઓફ રોસ્ટરની રૃએ મુખ્ય ન્યાયાધીશે સંવેદનશીલ કેસો ચોક્કસ બેંચોને સોંપીને પોતાને અપાયેલા અધિકારોનો દુરુપયોગ કર્યો છે.

વિપક્ષ દ્વારા અપાયેલી મહાભિયોગના આ પ્રસ્તાવ પર ભૂતપૂર્વ વડાપ્રધાન અને રાજ્યસભાના સાંસદ એવા ડૉ. મનમોહન સિંહે હસ્તાક્ષર નહોતા કર્યા. એટલું જ નહીં, સિનિયર કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમ્ અને સલમાન ખુરશીદ સહિત કેટલાક પીઢ આગેવાનો કોંગ્રેસના આ પ્રકારના પ્રસ્તાવ સાથે અસંમત જોવા મળ્યા. દેશભરમાં ચર્ચાઓ ચાલી. પ્રચાર-પ્રસાર માધ્યમોમાં સુપ્રીમકોર્ટની વિશ્વસનીયતા અંગે સવાલો ઊઠ્યા. આમ પણ થોડોક સમય પહેલાં સુપ્રીમ કોર્ટના જ ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટની આંતરિક પરિસ્થિતિ અંગે ‘બધંુ બરાબર નથી ચાલી રહ્યું’ તેવું અસાધારણ કહી શકાય તેવી રીતે પત્રકાર પરિષદ યોજીને કહ્યા બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશની પ્રમાણિકતા, ન્યાયપ્રિયતા અને કર્તવ્યનિષ્ઠા સામે ગંભીર સવાલો ખડા થઈ જ ગયેલા. અલબત્ત, અદાલતમાં અને કાયદાના સ્તરે જોઈએ તો આક્ષેપોને આધાર ન હોય તો ગમે તેવા સાદા કેસમાં પણ આરોપીઓને નિર્દોષ છોડવા પડતા હોય છે, પછી ભલે તેમાં કેસની રજૂઆત અધકચરી હોય, વકીલની રજૂઆત નબળી હોય કે કોઈ પ્રકારનું તેમાં ષડયંત્ર સામેલ હોય. દેશમાં બનતા આવા અનેકાનેક કિસ્સાઓમાં દોષિત પણ નિર્દોષ બનીને બહાર ફરે છે. આમાં પુરાવાનું મહત્ત્વ સૌથી વધુ છે. ન્યાયાધીશ પણ કાયદા પ્રમાણે વર્તવા બંધાયેલા હોય છે.

Related Posts
1 of 269

અહીંયા તો મુખ્ય ન્યાયાધીશ સામે આક્ષેપો કરાયા છે ત્યારે તેના પ્રમાણ કેટલા મજબૂત હોવા જોઈએ તે સમજી શકાય તેવી બાબત છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે આપેલાં મુખ્ય કારણોમાં પહેલું કારણ એ છે કે જે નોટિસ પર સાંસદોના હસ્તાક્ષર છે તેને માટે જજ ઇન્ક્વાયરી એક્ટની કલમ-૩(૧) હેઠળ વિચાર થઈ શકતો હતો. આ એક્ટ હેઠળ જજ સામેના કોઈ પણ પ્રકારના આરોપની તપાસ કરાય છે. બીજું, પોતે બંધારણના પ્રસ્તાવો અને ન્યાયાધીશને હટાવવાની વર્તમાન જોગવાઈઓ પર અભ્યાસ કર્યા બાદ એવા તારણ પર આવ્યા કે વિપક્ષની નોટિસ યોગ્ય નથી. એટલું જ નહીં, વિપક્ષના આરોપોના પુરાવા નથી. ત્રીજંુ, ન્યાયતંત્રમાં લોકોના ભરોસાનું ધ્યાન રાખવું પડે છે. ચોથું, રોસ્ટરની ફાળવણી એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો અધિકાર છે અને તેઓ માસ્ટર ઓફ રોસ્ટર છે. કામિની જયસ્વાલ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ૧૪ નવેમ્બર, ૨૦૧૭ના રોજ પાંચ ન્યાયાધીશોની બેંચે ટિપ્પણી કરી હતી કે તેઓ પ્રથમ અને સર્વોપરી છે. જ્યાં સુધી રોસ્ટરને સંબંધ છે ત્યાં સુધી મુખ્ય ન્યાયાધીશને બેંચ ઘડવાની અને કેસોની ફાળવણી કરવાનો અધિકાર છે. આ અદાલતનો આંતરિક મામલો છે અને અદાલત પોતે તે અંગે સ્વયં નિર્ણય લઈ શકે છે. આથી વેંકૈયા નાયડુનું માનવું છે કે વિપક્ષોના આરોપોથી ન્યાયતંત્રની સ્વતંત્રતાને ઠેસ પહોંચે છે અને ભારતીય બંધારણનો મૂળ હેતુ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો છે. આ ઉપરાંત નોટિસ ફગાવવાના એક મહત્ત્વના કારણમાં ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું છે કે આ પ્રકારના પ્રસ્તાવ માટે એક પૂરેપૂરી સંસદીય પરંપરા છે. રાજ્યસભાના સભ્યોની હેન્ડબુકના પેરેગ્રાફ ૨.૨માં તેનો ઉલ્લેખ છે. આ પેરેગ્રાફ આ પ્રકારની નોટિસને જાહેર કરતા રોકે છે, પરંતુ વિપક્ષે ૨૦-એપ્રિલે નોટિસ આપ્યા બાદ પત્રકાર પરિષદ યોજીને તેની વિગતો જાહેર કરેલી જે સંસદની પરંપરા વિરુદ્ધની હતી.

હવે કોંગ્રેસે કહ્યું છે કે તેઓ વેંકૈયા નાયડુના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને સુપ્રીમ કોર્ટ જે નક્કી કરશે તે અમને શિરોમાન્ય રહેશે! કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે અને નોટિસના તેમના નિર્ણયને ન્યાયતંત્રની ગરિમા અને શાખ બચાવવાના પ્રયત્ન સમાન ગણાવી હતી. હવે આખો મામલો કાયદાના નિષ્ણાતો વચ્ચે તરફેણ અને વિરુદ્ધમાં એમ બંને રીતે જોરદાર ચર્ચાવા લાગ્યો છે. કેટલાકનું માનવું છે કે વેંકૈયા નાયડુએ આ ઉતાવળે લીધેલો નિર્ણય છે જે ગેરકાયદેસર છે. તેમણે નિર્ણય કરતા પહેલાં પોતાની પસંદગીના તજજ્ઞો સાથે ચર્ચા કરવાને બદલે કોલેજિયમ અને નિષ્પક્ષ નિષ્ણાતોની સલાહ લેવાની જરૃર હતી. નોટિસ સ્વીકારવાની બાબતમાં તેઓએ માત્ર સાંસદોની સહીઓ અને સંખ્યાબળ જ જોવાના હતા. આ પ્રકારની નોટિસ ફગાવવાનો નિર્ણય રાજ્યસભાના અધ્યક્ષ લઈ શકે નહીં, કારણ કે બંધારણની પ્રક્રિયા મુજબ એ નોટિસ આપવામાં આવેલી હતી, જેમાં ઓછામાં ઓછા ૫૦ સભ્યોની સહી સામેલ છે. આની સામે કેટલાક તજજ્ઞો ઉપરાષ્ટ્રપતિના નિર્ણયને સાચો ગણાવે છે.

આપણે ત્યાં કહેવત છે કે ધુમાડો દેખાય તો ક્યાંક તો સળગતું જ હોય છે. સુપ્રીમ કોર્ટમાં આટલી બધી બબાલ મચી છે તો સાવ સમું-સુતરું બધું હશે, તેવંુ માનવું પણ ચોક્કસ ભૂલભરેલું છે. અલબત્ત, આક્ષેપ-પ્રતિઆક્ષેપના ઉપર લખ્યા પ્રમાણેના ભેળસેળિયા વાતાવરણમાં કોઈને શંકા કે કલ્પના માત્રથી દોષિત ઠેરવી દેવા તે પણ અયોગ્ય છે. જે રીતે રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ ખાતર ગમે તે હદે જઈ શકે છે તે જ રીતે સત્તાધીશો પણ પોતાના અધિકારોનો મહત્તમ ઉપયોગ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે, તે આવા કિસ્સાઓમાં ફલિત થાય છે. આ પરંપરા દાયકાઓથી જ ચાલી આવતી હશે, પરંતુ ઉજાગર ત્યારે જ થાય છે જ્યારે પક્ષ-પ્રતિપક્ષ વચ્ચે સ્પર્ધા તીવ્ર હોય અને બેઉ બળિયા હોય. આજે દેશમાં બે મુખ્ય પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ છે જે વર્ષોથી સત્તામાં હતી અને સત્તાના બધા જ દાવપેચ જાણે છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પક્ષ છે જે હાલ સત્તામાં છે અને તે પણ વાઘ જેમ લોહી ચાખી જાય તેમ સત્તાનો સ્વાદ ચાખી ગયો છે. હવે આ લડાઈમાં કોણ કેટલું સાચું, ઈમાનદાર અને કાયદાને પ્રતિબદ્ધ છે તે લોકસેવા માટે નિષ્ઠાની કે આદર્શોની નહીં, પરંતુ સત્તા માટે બુદ્ધિ અને ચાતુર્યની લડાઈ માત્ર બની ચૂકી હોય તેવું દેખાય છે.

——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »