પ્રારંભ – હેતલ રાવ
પોલીસનું નામ પડતાં જ ક્યાંક ડર તો ક્યાંક નારાજગી જોવાય છે, પરંતુ હકીકતમાં પોલીસ કર્મચારીઓને પણ અનેક એવી સમસ્યા છે જે વણ ઉકલેલી છે. કોઈક વખત નોકરીની તો કોઈક વખત પરિવારની, આવી સમસ્યાના નિવારણ માટે ૧૯૮૯માં દાદ, ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ દાયકાઓથી આ સમિતિ માત્ર કાગળ પર જ હતી. હવે ફરી એક વાર આ સમિતિ જીવંત બનવા જઈ રહી છે.
ક્યારેક પરિવારમાં કોઈ બીમાર હોય છે, તો ક્યારેક પોતે મુશ્કેલીમાં હોય છે. ક્યારેક પોતાનું બાળક જીદ કરે છે કે આજે તો તહેવાર છે રજા રાખોને, છતાં બાળકને રડતાં મુકી નોકરી જવંુ પડે, તો વળી ક્યારેક કોઈનું મરણ થયું હોય છતાં ડ્યુટીને પ્રથમ સ્થાન આપવું પડતું હોય છે. તો ક્યારેક વૃદ્ધ માતા-પિતાની સેવા પણ માત્ર ને માત્ર એટલા માટે નથી કરી શકાતી, કારણ કે ફરજ નિભાવવાની હોય છે. આવું તો ઘણું બધું આપણી જાણ બહાર નાનામાં નાના પોલીસ કર્મચારીથી લઈને મોટામાં મોટા અધિકારી આપણા માટે કરતા હોય છે અને બદલામાં તેમને શું મળે છે. માત્ર ને માત્ર ઓન ડ્યુટી. પોલીસતંત્રની છબી સામાન્ય પ્રજાની નજરમાં સારી નથી. તેનું કારણ છે કે એવા ઘણા કર્મચારીઓ છે જે પોતાની ફરજ બરોબર નથી નિભાવી રહ્યા, પરંતુ તેનો મતલબ એ નથી કે પોલીસતંત્રમાં કોઈ સિંઘમ છે જ નહીં. હકીકતમાં નરસા કરતાં સારા કર્મચારીની સંખ્યા આજે પણ પોલીસમાં વધુ જ છે. બસ, જરૃર છે આપણો નજરિયો બદલવાની. આપણી સમસ્યાનો હલ શોધવા આપણે પોલીસતંત્રના સહારે જઈએ છીએ, કોઈ વ્યક્તિ ખોવાઈ હોય કે વસ્તુ, અકસ્માત થાય કે તકરાર, પાડોશી હેરાન કરે કે ઑફિસનો કર્મચારી, બધા પોલીસતંત્રના સહારે જતા હોય છે, કારણ કે પોલીસ એ આપણા રક્ષણહાર છે, પરંતુ મુશ્કેલી અને સમસ્યા તો એમને પણ નડતી હોય છે. ત્યારે તેમની સમસ્યાનું શું..? તેના જવાબમાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ જેમ દરેક જગ્યાએ બને છે કે રચના તો ઘણી થાય છે, પણ તેનો અમલ નથી થતો. તેવી જ રીતે ૧૯૮૯માં બનેલી આ સમિતિનું પણ બાળ મરણ જ થયું હતું. મતલબ કે સમિતિ બની તો ખરી, પણ તેની કોઈ શરૃઆત થઈ નહીં અને માત્ર કાગળ પર આ દાદ, ફરિયાદ સમિતિ રચાઈ ગઈ.
હજુ પણ પોલીસ કર્મચારીના સામાન્ય અને પારિવારિક પ્રશ્નો હતા ત્યાંના ત્યાં જ હતા, કારણ કે નોકરીની સમસ્યા હોય તો અને પરિવારમાં કોઈ તકલીફ હોય તો પણ કોને કહેવું તે સવાલ પોલીસ કર્મચારીઓને થતો રહેતો. ત્યારે ડી.જી.પી. શિવાનંદ ઝાએ આ સમિતિની ફાઇલને ઓપન કરી અને ૨૮ વર્ષ બાદ ફરી એક વાર ફરિયાદ સમિતિ જીવંત બની. આ વિશે ડી.જી.પી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે, હાલમાં પોલીસ કર્મચારીઓને પડતી મુશ્કેલી અને સમસ્યાઓની રજૂઆત થઈ શકે તેવી કોઈ માળખાકીય પદ્ધતિનો અભાવ છે. જેના કારણે જવાનોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થતું નથી. પોલીસના નીચેની કક્ષાના કર્મચારીઓ, અધિકારીઓની સમસ્યાઓનું નિવારણ લાવવાની જવાબદારી ઉચ્ચ પોલીસ અધિકારીની છે. આ આશયથી જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ આ સમિતિની રચના કરવામાં આવી છે.
જ્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, આ સમિતિ સમક્ષ કર્મચારી અને અધિકારી પોતાની નોકરી વિષયક કામકાજની મુશ્કેલીના પ્રશ્નો અને પોતાના અંગત પારિવારિક પ્રશ્નો પણ રજૂ કરી શકશે. આ સવાલોનું નિરાકરણ લાવવા અથવા તો તે અંગે માર્ગદર્શન આપવાના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની સમિતિમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસ અધિકારી અને કર્મચારી સભ્ય રહેશે, જ્યારે હેડ ક્વાર્ટરની શાખાઓમાંથી એક પોલીસ કર્મચારી અને અધિકારી સભ્યો પણ રહેશે. આ ઉપરાંત મહિલાઓ માટે પણ મહિલા સભ્ય રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ સમિતિના માળખામાં કમિશનરેટ વિસ્તારમાં સમિતિના ડિવિઝન કક્ષામાંથી એક અને ક્વાર્ટર શાખાઓમાંથી એક પોલીસ અધિકારી અને કર્મચારી સભ્ય બનશે. સમિતિ માત્ર શહેર કે જિલ્લા પૂરતી જ નહીં, પરંતુ તેની રચના રાજ્યના અનામત પોલીસ દળ જેવા કે એસ.આર.પી. અને સી.આઈ.ડી. એટલે કે ક્રાઇમ જેવી બ્રાંચોમાં પણ કરવામાં આવશે.
રાજય કક્ષાની દાદ, ફરિયાદ સમિતિના અધ્યક્ષ ડી.જી.પી. પોતે રહેશે. ઉપરાંત પોલીસ મહાનિદેશક, વહીવટ, અધિક પોલીસ મહાનિદેશક, પોલીસ રીફોર્મ્સ સહિત એક આઈ.જી., એક એસ.પી. પ્રતિનિધિ તરીકે રહેશે. આ ઉપરાંત જુદી-જુદી શાખા અને વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવશે. જેની બેઠક દર મહિને એક વાર પ્રથમ અઠવાડિયામાં રાખવામાં આવશે અને અહેવાલ વડી કચેરીએ મોકલવાનો રહેશે જેના પરથી ડી.જી.પી. સમિતિઓના કામકાજની સમીક્ષા કરશે. આ બેઠક ઉપરાંત દરેક જિલ્લા અને શહેરના વડા તથા ડીવાય.એસ.પી. મહિનામાં એક વાર ઓડર્લી રૃમ રાખીને કર્મચારીઓના પ્રશ્નો સાંભળશે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપશે અને મદદ કરશે. મહિલાના દરેક પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન લાવવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવામાં આવશે. દાદ ફરિયાદ સમિતિમાં નિમણૂક કરવામાં આવેલા સભ્યોની મુદત એક વર્ષની રહેશે. એક વર્ષ બાદ સમિતિમાં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
પોલીસ કર્મચારીઓની જેમ જ આ યુનિટમાં કામ કરતા સિવિલિયન કર્મચારીના દરેક પ્રશ્નોનું નિરાકણ આવે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવશે. જે-તે સંબંધિત યુનિટોના મુખ્ય અધિકારીઓ દ્વારા સિવિલિયન કર્મચારીઓની પણ સ્ટાફ મિટિંગનું આયોજન કરવામાં આવતંુ નથી. આ સમિતિ દ્વારા દર બે મહિના અંતે સિવિલિયન કર્મચારીઓ સાથે સ્ટાફ મિટિંગનું આયોજન કરવામાં આવશે.
૨૮ વર્ષ પહેલાં રચવામાં આવેલી સમિતિનું ખરું પ્રત્યારોપણ તો હવે થવા જઈ રહ્યંુ છે. ઘણી વખત ઉપલા અધિકારી દ્વારા નાના કર્મચારીને સમસ્યા હોય છે. તો વળી ઘણી વાર બાળકના અભ્યાસને લઈને કે પછી દીકરીનાં લગ્નને લઈને કર્મચારી પરેશાન રહેતા હોય છે. આ સમયે કોઈને કહી ન શકવાના કારણે પોલીસ કર્મચારી તાણ અનુભવતા હોય છે. તો વળી ગંભીર બીમારીનો પણ ભોગ બનતા હોય છે ત્યારે આ સમિતિ દ્વારા ઉચ્ચ અધિકારી સાથે ફ્રેન્ડલી વાત કરવા મળશે. સાથે જ પોતે કેવી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનો ચિતાર પણ આપી શકશે. જેના કારણે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ વધુ સારી રીતે નિભાવી શકશે. સાથે જ તેમને પણ સતત એવો અહેસાસ થશે કે કશું પણ થશે, અમારી સમસ્યાને સાંભળનાર અને યોગ્ય સલાહ આપનાર કોઈ બેઠું છે.
આ વિશે વાત કરતાં પોલીસ કોન્સ્ટેબલ સતીષભાઈ રાઠોડ (નામ બદલ્યું છે ) કહે છે, ‘ઘણી વાર એવું બને છે કે રજા જોઈતી હોય, પરંતુ કોઈ એવો બનાવ બને તો અમારી રજાઓ મોકૂફ થતી હોય છે ત્યારે રજા લેવા કોની પાસે જવું તે પ્રશ્ન સતાવતો હોય છે. રજા હોવાના કારણે કોઈ ને કોઈ કાર્યક્રમ બનાવ્યો હોય છે. દીકરી માટે છોકરો જોવા જવાનું હોય કે પછી દીકરાના ઍડ્મિશનની વાત હોય તો પણ રજા કેન્સલ થવાના કારણે મુશ્કેલી થઈ આવે છે. આ ઉપરાંત પણ અનેક એવી સમસ્યા હોય છે જે રજૂ કરવાથી તેનો હલ આવે તો અમે રાહત અનુભવીએ.’ જ્યારે નરેશ રામાણી કહે છે, ‘આ સમિતિ પુનઃ શરૃ થવા જઈ રહી છે તે અમારા પોલીસ કર્મચારીઓ માટે ખુશીની વાત છે. હવે એવું લાગે છે કે અમારી સમસ્યાઓનું પણ સમાધાન થશે.’
દાદ, ફરિયાદ સમિતિની રચના પછી ફરી એકવાર તે શરૃ થવા જઈ રહી છે. હાલમાં તો સમિતિ માટે કયા કયા સભ્યો લેવાના કેવી રીતે સમિતિ કામ કરશે વગેરે..વગેરેની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આશા રાખીએ કે આ સમિતિનું કાર્ય વેગવંતું બને અને આપણી સમસ્યા જેમ પોલીસતંત્ર સૉલ કરે છે તેવી જ રીતે તેમની સમસ્યા પણ આ સમિતિ સૉલ કરે.
————————.