વેળાવદર નેશનલ પાર્ક-કાળિયારની વસતી વધીને ૫ હજાર થઈ
ભારતમાં એક માત્ર ગુુજરાતમાં કાળિયાર નેશનલ પાર્ક છે.
વન્યસૃષ્ટિ – દેવેન્દ્ર જાની
રાજસ્થાનમાં કાળા હરણના શિકારના કેસમાં સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ કાળિયારના રક્ષણનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. વાઈલ્ડ લાઈફના કાયદા મુજબ શેડયુલ ૧ હેઠળની શ્રેણીમાં કાળિયાર આવે છે, તેના શિકાર પર પ્રતિબંધ છે. ગુજરાત માટે તો સિંહની સાથે ગોૈરવ લેવા જેવી વાત એ છે કે ભારતમાં એકમાત્ર ગુજરાતના ભાવનગર જિલ્લામાં કાળિયાર નેશનલ પાર્ક આવેલો છે અને તેમાં એક સમયે માત્ર બસ્સો કાળિયાર બચ્યાં હતાં તે હાલ વધીને પાંચ હજાર સુધી પહોંચ્યાં છે.
ગુજરાતના વાઈલ્ડ લાઈફની ચર્ચાની વાત નીકળે એટલે ગીરના સિંહથી શરૃઆત કરવામાં આવે છે. એશિયામાં એક માત્ર ગીરમાં સિંહો બચ્યા છે. ગુજરાત માટે બેશક ગીરમાં સિંહની સંખ્યા વધી રહી છે તે ગૌરવની વાત છે, પણ કાળિયાર જેવી શેડયુલ ૧ની પ્રજાતિનાં રક્ષણ અને સંવર્ધનમાં પણ ગુજરાતમાં નોંધપાત્ર કામ થયું છે તેની ભાગ્યે જ કોઈ નોંધ લે છે. સલમાન ખાનને વીસ વર્ષ જૂના રાજસ્થાનના એક કેસમાં દોષિત અને સજા જાહેર કરવામાં આવ્યા બાદ કાળિયારના રક્ષણનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે ત્યારે બહુ ઓછા લોકો એ જાણતા હશે કે ભારતમાં એક માત્ર ગુુજરાતમાં કાળિયાર નેશનલ પાર્ક છે. ભાવનગરથી ૪ર કિ.મી. દૂર ભાલ પંથકમાં વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક ૧૯૭૬માં જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કુલ ચાર નેશનલ પાર્ક છે જેમાં ગીર નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, વાંસદા અને વેળાવદર કાળિયાર નેશનલ પાર્કનો સમાવેશ થાય છે.
રાજસ્થાનના થારના રણ વિસ્તારમાં કાળિયાર વધુ જોવા મળે છે તેમ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં કાળિયારની વસતી વિશેષ છે. રાજાશાહીના સમયથી આ વિસ્તારમાં કાળિયાર જોવા મળે છે. રાજાશાહીના સમયમાં મૂળ આ પ્રદેશ આ ઘાસની વીડી (ગ્રાસ લેન્ડ) તરીકે જાણીતો હતો. શિકાર માટે આ વીડીના વિસ્તારનો ઉપયોગ કરાતો હતો. ગીર સૂકંુ ઘાસવાળું જંગલ જેમ સિંહને માફક આવી ગયું છે તેમ ભાલ પંથકના આ વિસ્તારની ઘાસની વીડીઓ કાળિયારને માટે સંજીવની સાબિત થઈ છે. ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં કાળિયાર ક્યાંય પણ જોવા મળતાં નથી. આ વિસ્તારમાં કાળિયાર માટે રક્ષિત જાહેર કરવામાં આવે તેવી માગણીઓ ઊઠતા સરકારે વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક જુલાઈ ૧૯૭૬માં જાહેર કર્યો હતો. ભારતનો કાળિયાર માટેના એકમાત્ર આ નેશનલ પાર્કનો એરિયા ૩૪.૮ સ્ક્વેર કિ.મી.નો છે. જોકે કાળિયાર માત્ર આ નેશનલ પાર્કના એરિયા પૂરતા જ સીમિત નથી. આસપાસના આશરે ૩પ કરતાં વધુ ગામોના વિસ્તારમાં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. મોટા ભાગની પડતર (વેસ્ટ લેન્ડ) જમીન છે. સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ નેશનલ પાર્કમાં હાલ બે હજાર જેટલા અને આસપાસના વિસ્તારમાં આશરે ૩પ૦૦ જેટલા કાળિયારની વસતી હાલ હોવાનો અંદાજ છે. આ એરિયા દક્ષિણમાં છેક ખંભાતના અખાતને ટચ થાય છે.
વેળાદવર નેશનલ પાર્ક અને આસપાસનો જે વિસ્તાર છે તે ભાલ પંથક કહેવાય છેે. આઝાદી પહેલાં આ વિસ્તારમાં કાળિયારની વસતી આશરે ૮ હજાર જેટલી હતી પછી શિકારી પ્રવૃત્તિ વધતી ગઈ અને એક તબક્કે તો કાળિયારની જાતિ આ વિસ્તારમાં લુપ્ત થવાને આરે આવી ગઈ હતી. રાજાશાહી ખતમ થઈ અને સરકાર રચાઈ હતી. ભાલ પંથક કાળિયારનું ઘર કહેવાય છે જ્યાં કોઈ પણ ભોગે કાળિયાર બચવા જોઈએ એવી જુદાં-જુદાં સ્તર પરથી રજૂઆતો બળવત્તર બનતી ગઈ. પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારે એક પછી એક પગલાંઓ લઈને કાળિયારને રક્ષણ આપવા કમર કસી હતી. ૧૯૭૦ના દાયકામાં કાળિયારને બચાવવા સ્થાનિક લોકોની મદદથી પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ડફેરો શિકાર કરતા હતા તેના પર રોક લગાવવામાં આવી અને ૧૯૭૬માં જ્યારે સરકારે કાળિયાર નેશનલ પાર્ક જાહેર કર્યો ત્યારે આ વિસ્તારમાં ૧૮૦૦ જેટલાં કાળિયાર હતાં. જૂનાગઢ વાઈલ્ડ લાઈફના મુખ્ય વન સંરક્ષક ડૉ. એ.પી. સિંહ કે જેમના કાર્યક્ષેત્રમાં વેળાવદર નેશનલ પાર્ક આવે છે તેઓ કહે છે, ‘એક સમયે વેળાવદર નેશનલ પાર્ક અને આસપાસના એરિયામાં માત્ર બસ્સો કે અઢીસો જેટલાં જ કાળિયાર બચ્યાં હતાં તે આંકડો આજે વધીને પાંચ હજાર સુધી પહોંચ્યો છે. કાળિયાર શેડ્યુલ ૧નું પ્રાણી છે સિંહ જેટલી જ અહેમિયત આ પ્રાણીની છે. ગીરમાં સિંહની વસતી વધી તે ગૌરવની વાત છે તેવી જ રીતે નેશનલ પાર્કમાં કાળિયારની વસતી પાંચ હજાર સુધી પહોંચી એ પણ ગૌરવની વાત છે. કાળિયારને સ્થાનિક લોકોના સહયોગ અને સરકારના પ્રયાસોથી બચાવી શકાયા છે.’
રાજવી પરિવારનું મોટું યોગદાન
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી અને રાજવી પરિવારનું મોટું યોગદાન કાળિયાર બચાવવામાં રહ્યું છે. રાજાશાહીના સમયમાં આ વિસ્તાર ઘાસની વીડી તરીકે ઓળખાતો હતો અને શિકાર માટે આ એરિયા ખૂબ જાણીતો હતો. ભાવનગરના રાજવીએ કાળિયારના શિકાર પર અંકુશ મૂકવા અનેક પગલાં લીધાં હતાં. ભાવનગરના વાઈલ્ડ લાઈફના અભ્યાસુ અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી નેશનલ પાર્કની નિયમિત મુલાકાત લેનાર ડૉ. ઇન્દ્રભાઈ ગઢવી કહે છે, ‘રાજાશાહીમાં કાળિયારને ખૂબ રક્ષણ મળ્યું હતું. રાજાશાહી ગયા પછી પણ ભાવનગરના રાજવી પરિવારે કાળિયાર નેશનલ પાર્ક જાહેર થાય તેમાં અને જમીન સંપાદનની કાર્યવાહીમાં ખૂબ રસ લીધો હતો.’
મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાઈ ધર્મકુમારસિંહજી વાઈલ્ડ લાઈફના ક્ષેત્રના ઊંડા અભ્યાસી હતા. તેમણે દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું ત્યારે ભાલ પંથકમાં કાળિયાર બચે તે માટે મોટું યોગદાન આપ્યું હતું. નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યા બાદ કાળિયારની વસતી વધી છે. હાલ આસપાસના ગામ લોકોની મદદ કાળિયારની વસતીને પાંચ હજાર સુધી પહોંચાડી શકાઈ છે તે સારી બાબત છે, પણ ભવિષ્યમાં કાળિયારને બચાવવા ઔદ્યોગિકીકરણની દોડ એ મોટો પડકાર છે. વિકાસ માટે ઔદ્યોગિકીકરણ જરૃરી છે તેનો વિરોધ ન હોઈ શકે, પણ ઔદ્યોગિકીકરણ કે હાઈ વે જેવા પ્રોજેક્ટના પ્લાનિંગમાં કાળિયાર જેવા પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવે તે પણ એટલું જ જરૃરી છે.
ઈકો ટૂરિઝમ વિકસી શકે તેમ છે
વિકાસની રફતાર તેજ બનાવવા ઔદ્યોગિકીકરણ એ એક માત્ર ઉપાય નથી. ભૂતાન જેવો નાનો દેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ભૂતાન પર્યાવરણના ભોગે ઔદ્યોગિકીકરણ ક્યારેય કરતું નથી તેના માટે સુખાકારીની વ્યાખ્યા જ જુદી છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ કહે છે ભાલ પંથકમાં મીઠાના ઉત્પાદન માટે એકમોની મંજૂરીની વાત હોય કે હાઈ વેને સિક્સ લૅન કરવાનો પ્રોજેક્ટ હોય, પ્રકૃતિના ખોળે કિલ્લોલ કરતા કાળિયારના હિતનો વિચાર સત્તાધીશોએ કરવો જોઈએ. સરકારે આ વિસ્તારમાં પહેલા ૭પ૦ સ્ક્વેર કિ.મી.નો ઈકો ઝોન જાહેર કર્યો હતો, પણ આ મુદ્દે વિકાસના નામે વિરોધ રજૂઆતો થઈ અને અંતે સરકારે મંત્રી કક્ષાની કમિટીના અહેવાલના આધાર પર ઈકો ઝોન ઘટાડીને આશરે ૩૯ સ્ક્વેર કિ.મી.નો કરી નાખ્યો છે. અહીં ઈકો ટૂરિઝમ વિકસી શકે તેમ છે. વેળાવદર નેશનલ પાર્કમાં માત્ર કાળિયાર જ જોવા નથી મળતાં, પણ વરુ, જંગલી બિલાડી પણ મોટી સંખ્યામાં છે. આ ઉપરાંત દુર્લભ એવા સાઈબીરિયન પક્ષીઓ પણ જોવા મળે છે. ખડમોર – લેસર ફ્લોરિકન મોટી સંખ્યામાં જોવા મળે છે. આ એરિયામાં નાના તળાવડાઓ અને ખાડી હોવાથી ત્યાં ચોમાસામાં અને શિયાળામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી યાયાવર પક્ષીઓ માટે આ ઉત્તમ સ્થળ બની ગયું છે.
—————-.