લો બોલો, સત્ર પૂર્ણ થયું પણ પાઠ્યપુસ્તકો ન મળ્યાં
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું એક નાનકડું ગામ મુજકૂવા
શિક્ષણ – હેતલ રાવ
રાજ્યની શાળાઓમાં ફીને લઈને જે નાટકો ચાલી રહ્યાં છે તેમાં સરકારની આંખ આડા કાન કરવાની વૃત્તિ સ્પષ્ટ જોવાય છે, પરંતુ હદ તો ત્યાં વટાવી કે શાળાનું આખે આખું સત્ર પૂર્ણ થઈ ગયું પરંતુ વિદ્યાર્થીઓને પુસ્તક જ આપવામાં ના આવ્યાં. અંતે વિદ્યાર્થીઓએ પુસ્તક વગર જ પરીક્ષા પૂર્ણ કરી. સરકારની આવી લાલિયાવાડી છતાં બધું ઠેરનું ઠેર જ છે.
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે રોજ અવનવી બાબતો સામે આવે છે. હાલમાં ફીને મામલે સમગ્ર રાજ્યમાં વાલીઓનો આક્રોશ જોવા મળે છે. એક ફિલ્મી પટકથાની જેમ પ્રોવિઝનલ ફી કમિટીનું સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગઠન થયું અને આ કમિટીએ ફી નિર્ધારિત કરી. જેમાં વાલીઓ છેતરાયા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. આ તો ફીની વાત છે, પરંતુ ગુજરાતમાં ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા તો અનેક નાટકો કરીને કરોડો રૃપિયાના ધુમાડા કરવામાં આવે છે, પરંતુ વાત જ્યારે સરકારી શાળામાં પુસ્તક વિતરણની આવે છે ત્યારે ઠાગાઠૈયા કરવામાં આવે છે. ગંભીર અને મહત્ત્વની વાત એ છે કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. પ્રશાસન ખોટી અને મોટી વાતો કરે છે. લોકોને છેતરવાનું કામ ચાલી રહ્યંુ હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા પ્રશાસનની ટીકા કરવાનું અનિવાર્ય બન્યું, કારણ કે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યા છતાં તંત્ર નિષ્ક્રિય છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મુજકૂવા ગામમાં પરીક્ષા શરૃ થઈ ગઈ છતાં પણ મહત્ત્વના કહેવાય તેવા અંગ્રેજી અને ગણિતનાં પુસ્તકથી વિદ્યાર્થીઓ વંચિત છે. અત્યાર સુધીમાં તો વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ પરીક્ષા આપવા બેસી ગયા હશે. ત્યારે પ્રશ્ન એ થાય કે આખું વર્ષ પ્રશાસને શું કર્યું.? શિક્ષણ વિભાગને પણ પોતાની જવાબદારી ન સમજાઈ..? બિચારા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેવી રીતે આપી હશે..? આ દરેક સવાલોના જવાબ તો મુજકૂવા ગામમાં જઈને જ મેળવી શકાય.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું એક નાનકડું ગામ મુજકૂવા. જ્યાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો તે દરેક બાળકને સપના જેવું લાગતું. આખા તાલુકામાં એક પણ અંગ્રેજી માધ્યમની શાળા નથી. જો વાલી પણ સંતાનને ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કરાવવા માગતા હોય તો તેમને આણંદની પ્રાઇવેટ શાળામાં ઍડ્મિશન લેવું પડે અને તે ગામડાનાં માતા-પિતાને પોસાય નહીં. આવા સમયે સરકારે ૨૦૧૩માં મુજકૂવા ગામમાં અંગ્રેજી માધ્યમની શરૃ કરવાની વાત કરી અને ટૂંક સમયમાં તો આ ગામનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા પણ લાગ્યાં. તે સમયે ગામના દરેક વાલીએ પોતાનું બાળક ભણી ગણીને પ્રાઇવેટ શાળામાં ભણતાં ઇંગ્લિશ મિડિયમના બાળકની જેમ જ ચટર-પટર અંગ્રેજી બોલશે તેવા સપના જોયા. આણંદ જિલ્લાની આ એક માત્ર સરકારી કહેવાય તેવી અંગ્રેજી માધ્યમની શાળા છે માટે મુજકૂવા ગામમાં આજુબાજુના ગામનાં બાળકો પણ અભ્યાસ માટે આવતાં. ૨૦૧૩માં ઇંગ્લિશ મિડિયમ શરૃ કરવામાં આવ્યું અને બાળકો હોંશે હોંશે ભણવા પણ લાગ્યા, પરંતુ ક્યારેક બેસવાની સમસ્યા તો ક્યારેક શિક્ષકોનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ સતત મુશ્કેલીમાં રહેતા હતા. છતાં શાળાનાં આચાર્યા અને શિક્ષકગણના સ્ટાફે સાથે મળીને બાળકો માટે મહેનત આદરી, પરંતુ હદ તો ત્યારે થઈ કે ચાલુ વર્ષે શાળાનું બીજું સત્ર અને હવે તો પરીક્ષા પણ પૂર્ણ થવા આવી છતાં ધોરણ ૬ અને ૮ના મહત્ત્વનાં કહેવાય તેવાં પુસ્તકોથી બાળકો વંચિત રહ્યાં. તારીખ ૧૨ એપ્રિલ, ૨૦૧૮ના રોજ વિદ્યાર્થીઓને સવારે ૮ કલાકે અંગ્રેજી વિષયનું પેપર હતું અને આ શાળામાં બાળકો માટે ઇંગ્લિશ વિષયનું પુસ્તક તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ બપોરે ત્રણ વાગે આવ્યું. હવે વિદ્યાર્થીઓ તો પરીક્ષાનું પેપર આપીને ઘરે ચાલ્યા ગયા હતા અને જો ઘરે ન ગયા હોત તો પણ આખા વર્ષની તૈયારી બાળક એક દિવસમાં કેવી રીતે કરે. પરીક્ષાના દિવસે પુસ્તક આપવાનો કોઈ અર્થ ખરા કે પછી માત્ર પોતાની જવાબદારી જેના માટે મોડા મોડા જાગ્યા છે તે પુરવાર કરવાનું હતું.
એક તરફ રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે ગુણોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. માતૃભાષાની સાથે વિદ્યાર્થી અંગ્રેજી ભાષા પણ શીખે તેના માટે પ્રોત્સાહન આપે છે ત્યારે બાળકો સુધી પુસ્તકો જ પહોંચતા નથી કરાતાં, આ તે કેવી નીતિ છે. ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કરી શકે તેવા સારા હેતુસર સરકારે જિલ્લા અને તાલુકા કક્ષાએ મુજકૂવા ગામમાં ઇંગ્લિશ મિડિયમની શાળા શરૃ કરી હતી, પરંતુ શાળા શરૃ કરવાથી બાળકો અંગ્રેજી બોલતા નથી થઈ શકતાં. તે માટે બાળકોએ અભ્યાસ પણ કરવો પડે અને અભ્યાસ પુસ્તકમાંથી કરવામાં આવે છે, પરંતુ આ ગામનાં બાળકોએ ગુજરાતી પુસ્તકનો સહારો લઈને અંગ્રેજીમાં અનુવાદ કરીને આખું વર્ષ અભ્યાસ કર્યો છે. જ્યારે શિક્ષકોએ પણ અન્ય જ્ગ્યાએથી પુસ્તક લઈને તો વળી ક્યારેક ગુજરાતી માધ્યમની પુસ્તકમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો.
પૂરો રિપોર્ટ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.