તમારા માટે, તમારી સાથે, સતત…

પરમાણુ ફિલ્મ તૈયાર, રિલીઝમાં નડતર

જોઈએ હવે શું થાય છે. પરમાણુ... જોન અને પ્રેરણાને તારે છે કે મારે છે...

0 338

બોલિવૂડનો ડેસિંગ, હેન્ડસમ અને ફાઈટરમેન ગણાતો એક્ટર જોન અબ્રાહમ  પોતાની ફિલ્મ પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનની વાત તો દૂર રહી, પણ જોન અને નિર્માતા પ્રેરણા અરોડાની ઢીસૂમ ઢીસૂમથી બોલિવૂડ અને જોનના ચાહકો દંગ રહી ગયા છે. તો વળી વારંવાર ફિલ્મની રિલીઝ ડેટ પણ ડીલે થઈ છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે એવું તો શું બન્યું કે ફિલ્મ પ્રમોશનની જગ્યાએ લડાઈના કારણે ચર્ચામાં આવી….

લાંબા સમય પછી જોન અબ્રાહમની કોઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ચોક્કસથી તેના ચાહકો ખુશ હશે જ, પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ ડીલે થવાના કારણે ફિલ્મ રિલીઝ થશે કે નહીં તે પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે. વાત જોનની આવનારી ફિલ્મ પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણની છે. આ એક મનોરંજન ફિલ્મ છે જે સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ ૧૯૯૮માં પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે તે સમયે દેશના પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી હતા. જોકે જોને ચોખવટ કરતા કહ્યું છે કે, આ ફિલ્મ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી છે. ફિલ્મને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આપણો મુદ્દો ફિલ્મને લઈને થોડો અલગ છે.

પરમાણુ…. ફિલ્મને લઈને જોન અને તેની નિર્માતા પ્રેરણા અરોડાની વચ્ચે થયેલી માથાકૂટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે, જ્યારે બીજી બાજુ જોને ફિલ્મની રિલીઝ ડેટ ડિક્લેર કરી છે, પરંતુ જે પ્રમાણે આ બબાલ ચાલી રહી છે તે જોતાં કશું જ નક્કી કહેવાય નહીં. ફિલ્મને નિર્માતા પ્રેરણા અરોડા અને અભિનેતા જોન અબ્રાહમની કંપનીએ સાથે મળીને બનાવી છે. વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે જોનની કંપની જે.એ. એન્ટર્ટેઇનમૅન્ટએ ફિલ્મને લઈને પ્રેરણા અને અર્જુનની કંપની ક્રિઅર્જ એન્ટર્ટેઇનમૅન્ટની સાથે થયેલા કરારને રદ્દ કર્યો. એટલું જ નહીં, ફિલ્મને લઈને આ કંપનીના તમામ હક પર પૂર્ણવિરામ મુકી દીધું. આ બંને કંપની વચ્ચે પૈસાને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. જોનનું કહેવું છે કે પ્રેરણાની તરફથી સમયસર પૈસા મળતા નથી ત્યારે ક્રીઅર્જ એન્ટર્ટેઇનમૅન્ટ કહે છે કે તેમને પહેલેથી જ ફિલ્મ માટે ૩૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી દીધી છે અને જોને ગીતોને લઈને કરેલી પ્રોમિસ પણ પૂર્ણ નથી કરી.   પ્રેરણાએ જોન અને તેની કંપની વિરુદ્ધ બેમાઈની, વિશ્વાસઘાત અને ધોખાબાજી જેવા ગુના મુંબઈની ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા. આ માથાકૂટમાં બંને પક્ષનેે નુકસાન થઈ રહ્યું છે. એક બાજુ જોન છેલ્લાં ત્રણ વર્ષથી એક સારી ફિલ્મની રાહ જોઈને બેઠો છે, ત્યારે આ પ્રકારનું ફિલ્મને લઈને રિસ્ક તેની માટે યોગ્ય નથી. તો વળી ક્રીઅર્જ કંપની થોડા સમય પહેલાં જ કેદારનાથ ફિલ્મને લઈને બબાલમાં ફસાઈ હતી ત્યારે ફરી એક વાર આ મુશ્કેલી ઊભી થતાં તેની ક્રેડિટ પણ દાવ પર લાગી શકે છે.

Related Posts
1 of 258

પ્રેરણાએ આ અગાઉ રૃસ્તમ, ટોયલેટ એક પ્રેમકથા અને પેડમેન જેવી સારી ફિલ્મો બનાવી છે ત્યારે તેની નવી શરૃ થયેલી કંપની ક્રિઅર્જને આ વિવાદ નુકસાન કરતા પુરવાર થઈ શકે છે. માત્ર ત્રણ ચાર કરોડ રૃપિયા માટે ચાલી રહેલી આ માથાકૂટ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. પ્રેરણાની રેપ્યુટેશન માટે આ બધું ઠીક નથી, કારણ કે અત્યાર સુધીની તેની ફિલ્મો અક્ષય કુમાર સાથેની જ છે માટે અન્ય કલાકાર સાથે તેને ફાવતું નથી તેવી ખોટી છાપ ઊભી થાય એવી છે.

જાણકારોનું કહેવું છે કે જોનની ફિલ્મો ચાલી નથી રહી છતાં પણ ક્રિઅર્જ કંપનીએ તેને પુરા પૈસા ચૂકવી દીધા. વધારે ફી આપી, તીસ કરોડનું બજેટ આપ્યું, લાઈન પ્રોડક્શન ફી આપી. એટલું જ નહીં, પાર્ટનરશિપ પણ આપી છતાં ફિલ્મ રજૂ થતાં પહેલાં જ આ પ્રોબ્લેમ ઊભો થયો, પરંતુ આ બબાલની જોન પર ઝાઝી અસર થાય તેવંુ નથી, કારણ કે જોનનો એવો ચાહક વર્ગ છે જે તેને જોવા માટે પૈસા ખર્ચી નાંખે છે. જોનના પ્રોડક્શન હાઉસની વાત કરીએ તો તે પણ વિકી ડોનર અને મદ્રાસ કૈફે જેવી ફિલ્મો બનાવી ચૂક્યું છે. હા, ફિલ્મને જરૃર નુકસાન થાય તેમ છે. પૈસાને લઈને શરૃ થયેલી બબાલના કારણે દર્શકોને સતત એવો અહેસાસ થયા કરે કે આ ફિલ્મ માટે જરૃરથી મોટંુ કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યું હશે. માટે જોનના ચાહકો સિવાયનો વર્ગ  ફિલ્મને જોવી પસંદ કરે કે કેમ તે એક મોટો સવાલ છે. જોન અબ્રાહમની સાથે ફિલ્મમાં ડાયના પેંટી અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ગત વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પદ્માવતની માથાકૂટે આ ફિલ્મની ડેટ પણ ડીલે કરવી પડી. ત્યાર બાદ ૧૩ ફેબ્રુુઆરી, ચાર માર્ચ અને ૬ એપ્રિલે રિલીઝ ડેટ બદલાતી રહી, પણ ફિલ્મ રિલીઝ ન થઈ. હવે જોને આગામી ૪ મે ફિલ્મને રિલીઝ કરવાનો પાક્કો નિર્ણય લીધો છે. (દર વખતના જેમ જ) જોઈએ હવે શું થાય છે. પરમાણુ… જોન અને પ્રેરણાને તારે છે કે મારે છે તે તો આવનારો સમય જ કહેશે.

————————–.

એન્ટરટ્રેઇનમેન્ટની સ્ટોરીઓ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »