તમારા માટે, તમારી સાથે, સતત…

બાવન વર્ષે વિહિપ બદલાઈ

સરકારને પાડી દેવાનો હુંકાર કરતા તોગડિયા કયા નવા પેંતરા રચશે?

0 285

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

બાવન વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગુરુગ્રામમાં વિશ્વ હિન્દુ પરિષદની કારોબારીની ચૂંટણી થઈ. અધ્યક્ષ પદે તોગડિયા સમર્થક રાઘવ રેડ્ડી હારી ગયા. એ સાથે તોગડિયાએ પરિષદમાંથી ચાલતી પકડી. ટૂંક સમયમાં નવું સંગઠન બનાવવાની જાહેરાત કરી. હવે તોગડિયાની છાયામાંથી મુક્ત થયેલા વીએચપીની દિશા કઈ હશે? ગુપ્ત રીતે વર્ષોથી પોતાનું સંખ્યાબળ વધારવામાં વ્યસ્ત અને ભાજપ સરકારને પાડી દેવાનો હુંકાર કરતા તોગડિયા કયા નવા પેંતરા રચશે? આ તકે વીએચપી અને તોગડિયાનું ભાવિ સમજવું જરૃરી છે….

હકીકતે વિહિપના અધ્યક્ષ જ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી કરે છે. તોગડિયાના ઉમેદવાર રાઘવ રેડ્ડીની હાર બાદ જ સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે તોગડિયાને હટાવી દેવામાં આવશે. ચૂંટણીમાં કોકજેની જીતની ઘોષણા થઈ એ સાથે જ તોગડિયા બહાર નીકળી ગયા હતા અને જીતના એક કલાકમાં જ અધ્યક્ષ કોકજેએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી હતી.

વિશ્વ હિન્દુ પરિષદમાં નવી ટીમ બનવા સાથે જ ઘણુ બદલાવાની સંભાવના છે. કોકજે સંઘ સાથે જોડાયેલી સંસ્થા ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તોગડિયાની જગ્યા ઍડવોકેટ આલોક કુમારે લીધી છે. તોગડિયા આખાબોલા હતા જ્યારે આલોક મૃદુ ભાષી છે. બંને વચ્ચેના તફાવત વિશેના સવાલનો જવાબ આપતા આલોક કુમારે કહ્યંુ હતું કે, તોગડિયા હાઈપ્રોફાઇલ હતા અને હું લો પ્રોફાઇલ છું. તે મોટા નેતા હતા અને હું સાધારણ કાર્યકર્તા છું. સંગઠનમાં બધા જ મહત્ત્વના હોય છે અને સંગઠનમાં કોઈ એક વ્યક્તિ જ ચમકતી રહે એવું હું નહીં કરું. અત્યારે તેમની પાસે દિલ્હી આરએસએસના સહ-પ્રાંત સંઘચાલકની જવાબદારી પણ છે. આલોક કુમાર દિલ્હી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં લીગલ સેલમાં કામ કર્યું છે અને ટ્રેનિંગ સેલના વડા હતા. રાજનીતિ સહિત ઘણા ક્ષેત્રોનો અનુભવ ધરાવતા આલોક કુમાર વીએચપીમાં કાર્યકારી અધ્યક્ષ બનતા એટલું તો સ્પષ્ટ છે કે ભાજપ અને વીએચપી વચ્ચે સારો તાલમેલ રહેશે.

વીએચપી એક હિન્દુ હેલ્પલાઇન ચલાવે છે. એ તોગડિયાએ શરૃ કરી હતી અને તેની જવાબદારી તોગડિયા સંભાળતા હતા. હવે તોગડિયા આઉટ થઈ જતા આ હેલ્પલાઇન કોણ જોશે? તોગડિયાને પૂછ્યું તો તેમણે કહ્યંુ કે, મેં હજુ એ વિશે કશું વિચાર્યું નથી. આલોક કુમારે કહ્યું છે કે હેલ્પલાઇન વીએચપીનો સેવા વિભાગ સંભાળે છે અને હેલ્પલાઇન આગળ કેવી રીતે ચલાવવી તે અમે વીએચપીમાં મળીને નક્કી કરશું. મોદી સરકારને નિષ્ફળ ગણાવવા તોગડિયાની પિન રામ મંદિર ઉપર ચોંટી ગઈ હતી. અત્યાર સુધી રામ મંદિરને લઈને વીએચપીનું એવું વલણ હતું કે સંસદમાં કાનૂન બનાવીને મંદિર બનાવવામાં આવે. આ માટે વીએચપી સરકાર ઉપર દબાણ પણ લાવી રહી છે. આલોક કુમાર વ્યવસાયે વકીલ છે, તેમને રામ મંદિર વિશે પૂછતા તેમણે કહ્યંુ હતું કે, જો કોર્ટનો ફેંસલો તરફેણમાં નહીં આવે તો સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિર બનાવવામાં આવશે. પદ સંભાળ્યા પછી કાર્યકર્તાઓને સંબોધતા એમણે કહ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ નહીં બને. અયોધ્યા બહાર ગમે ત્યાં ભલે મસ્જિદ બનાવે. રામ મંદિર અમારા માટે માત્ર એક સિમ્બોલ જ નથી, એ હિન્દુ મૂલ્યોનું પ્રતીક પણ છે. બધા હિન્દુઓની જવાબદારી છે કે મંદિર નિર્માણ માટે લડે. આમ વીએચપી રામ મંદિર નિર્માણના મુદ્દાને કોરાણે નહીં મુકે.

Related Posts
1 of 262

આજે અન્ય એક સારી વાત એ બની છે કે માત્ર અયોધ્યાના રામ મંદિર આંદોલનમાં દેશ-વિદેશમાં મોટી ભૂમિકા નિભાવવાવાળા નેતાઓ જ સ્થાન મેળવતા હતા. પહેલી વખત વીએચપીને રામ મંદિર આંદોલન સાથે નહીં જોડાયેલા વડા મળ્યા છે. વીએચપીના કેટલાક પદાધિકારીઓ નવનિયુક્ત અધ્યક્ષનું નામ જ પહેલીવાર સાંભળી રહ્યા છે. નવા અધ્યક્ષ વી.એસ. કોગજે ૭૯ વર્ષના છે અને તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.

તોગડિયા હવે પરિષદમાંથી વિદાય નિશ્ચિત છે એવું પહેલેથી કળી ગયા હતા. ગુરુગ્રામમાં ચૂંટણી પહેલાં તોગડિયા સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હાથોહાથની લડાઈ થઈ હતી. સૂત્રો પ્રમાણે, તોગડિયા સાથે કેટલાક બહારના લોકો કાર્યાલયમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે વીએચપી કાર્યકર્તાઓએ તેમને રોક્યા તો હાથ સાફ કરવા લાગ્યા. તોગડિયા પોતાના સમર્થકો સાથે થઈ રહેલા દુર્વ્યવહારને સાબિત કરવા વીડિયો બનાવવા લાગ્યા. બીજા પક્ષે પણ વીડિયો બનાવી લીધો. બાદમાં મહામંત્રી ચંપત રાયે નિવેદન આપ્યંુ કે આ આખી ઘટના ચૂંટણી ટાળવા માટેની કોશિશ હતી. આ તોગડિયાની હતાશા અને નિરાશાનું પ્રતીક છે.

ચૂંટણી વખતે તોગડિયાએ ઘણા આરોપો કરતા વીએચપી વિભાજિત થઈ ગયેલી દેખાતી હતી. જોકે હવે તોગડિયાએ વીએચપીમાંથી નીકળી ગયાની જાતે જ જાહેરાત કરી તેથી તોગડિયા અને એમના મુઠ્ઠીભર ટેકેદારો જશે, પણ સંગઠન સલામત રહેશે. આમ તો તોગડિયા દાયકા પહેલાં જ વીએચપીથી અલગ નવી ટીમ બનાવવાની મહેનત કરી રહ્યા હતા. ભાજપ કે સંઘની સલાહને ફગાવી વીએચપીને સમાંતર પોતાનો અલગ હિન્દુ જનાધાર મેળવવા તોગડિયાએ ભરચક પ્રયત્નો કર્યા, પણ તેમાં તેઓ સફળ ગયા એવું લાગતું નથી. તોગડિયાએ આ માટે જ તો ૨૦૦૭માં હિન્દુ હેલ્પલાઇન શરૃ કરી હતી. આ હેલ્પલાઇન શરૃ કરવા પાછળનો જાહેર કરવામાં આવેલો વિચાર એવો હતો કે આખા દેશમાં હિન્દુઓની બધી સમસ્યાઓનું સમાધાન તેમને સ્થળ પર જઈને આપવામાં આવશે. આ માટે તોગડિયાએ દેશભરમાં જિલ્લા સંયોજકની સાથે પ્રદેશ અને રાષ્ટ્રીય સંયોજક બનાવીને પોતાનું સંગઠન ઊભું કર્યું હતું. વીએચપીના સૂત્રો કહે છે કે તોગડિયાએ વીએચપીથી અલગ પોતાના નવા સંગઠનમાં તેમના વિશ્વાસુ કાર્યકર્તા અને નેતાઓની જિલ્લાથી લઈને પ્રદેશ અને રાષ્ટ્રીય પદે નિમણૂક કરીને તેમને પગાર પેટે ચોક્કસ રકમ આપવાની વ્યવસ્થા બનાવી હતી. આ સંગઠનનો ઘણો પ્રભાવ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રહ્યો છે. વીએચપીથી અલગ હિન્દુ હેલ્પલાઇનની લોકપ્રિયતા સંઘ પરિવારને ખટકવા લાગી હતી. એવામાં થોડા સમય બાદ તોગડિયાએ હિન્દુ મેડિકલ હેલ્પલાઇન બનાવીને પોતાના સાથમાં દેશભરની ડૉક્ટરોની ફોજ ઊભી કરી લીધી. વાસ્તવમાં વખતો વખતની તોગડિયાની કડવી વાણી તેમના આ સંગઠન પરના આત્મવિશ્વાસની પરિચાયક હતી…..

આ લેખની આગળની વિગતો વાંચવા ’અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »