તમારા માટે, તમારી સાથે, સતત…

બાપ રે! આટલા બધા સુપરહીરો એકસાથે એક જ ફિલ્મમાં!

આ ફિલ્મનું બજેટ ૧૯.૪૫ અબજ રૃપિયાનું છે

0 435

વિસ્મય – જયવંત પંડ્યા

૨૭ એપ્રિલે દુનિયાભરમાં રિલીઝ થઈ રહેલી ૩૦ કરોડ ડૉલરના અધધધ બજેટની ફિલ્મ ‘અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ને જોવા લોકો ખૂબ જ આતુર છે. આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે સ્પાઈડરમેન, આયર્નમેન, હલ્ક જેવા અનેક સુપરહીરો, બ્રહ્માંડનો વિનાશ કરવા માગતા ખલનાયક થાનોસથી દુનિયાને બચાવવા એકસાથે લડત આપવાના છે. આ સિવાય આ ફિલ્મ સાથે અનેક મજેદાર વાતો જોડાયેલી છે…


સામાન્ય માણસને પડદા પર લાર્જર ધેન લાઇફ ચીજો જોવી ગમે છે. પોતે વાસ્તવિક જીવનમાં જે કંઈ નથી કરી શકતો તે પડદા પર તેને કરવું ગમે છે, ચાહે તે પ્રેમ હોય કે લડાઈ. દરેકના જીવનમાં ખલનાયક કે ખલનાયકો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ આ ખલનાયકો સામે સફળ રીતે લડી શકતો નથી. આવા જ સામાન્ય માનવીને જ્યારે ભગવાન પાસેથી કે કોઈ ચમત્કારથી તેની પાસે અજાયબ શક્તિ મળી જાય અને આ અજાયબ શક્તિથી તે ખલનાયકને હરાવે ત્યારે તેને સુપરહીરો કહેવામાં આવે છે. હિન્દી ફિલ્મોમાં વિનોદ મહેરાની ‘એલાન’, જેકી શ્રોફની ‘શિવા કા ઇન્સાફ’, પુનિત ઇસ્સારની ‘સુપરમેન’, અનિલ કપૂરની ‘મિસ્ટર ઇન્ડિયા’, અમિતાભ બચ્ચનની ‘તૂફાન’ અને ‘અજૂબા’, ‘છોટા ચેતન’, ઋત્વિક રોશનની સફળ ફિલ્મો ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘ક્રિશ ૩’ અભિષેક બચ્ચનની મહા ફ્લોપ ‘દ્રોણ’, શાહરુખ ખાનની ફ્લૉપ ‘રા.વન’, રજનીકાંતની સફળ ‘રૉબૉટ’, ઈમરાન હાશ્મીવાળી ‘મિસ્ટર એક્સ’, ટાઇગર શ્રોફની ‘ધ ફ્લાઇંગ જાટ’ જેવી ફિલ્મો આવી ગઈ.

આમાંની બે-ચારને બાદ કરતાં મોટા ભાગની ફિલ્મો ફ્લોપ રહી. કદાચ આનું કારણ એ હોઈ શકે કે આપણી સામાન્ય ફિલ્મોમાં પણ હીરો વગર ચમત્કારિક શક્તિ એ એકસાથે દસ-વીસને મારી શકે છે. ગમે તેમ હોય, પરંતુ સુપરહીરોની ફિલ્મોનો આપણે ત્યાં આ ઇતિહાસ છે. જોકે ટીવી પર મુકેશ ખન્નાની ‘શક્તિમાન’, ‘કૅપ્ટન વ્યોમ’, મૃણાલ કુલકર્ણીની ‘સોનપરી’ બહુ ચાલી. કદાચ કારણ એ કે તે ઑરિજિનલ સુપરહીરો કે હીરોઇન હતાં. તેની સાથે દર્શકો પોતાની જાતને જોડી શક્યા. જોકે વિદેશોમાં સુપરહીરોની ફિલ્મો હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે અને હૉલિવૂડમાં બનતી આવી ફિલ્મો ભારતમાં પણ ખૂબ જ ચાલી છે.

નાનાં બાળકોને કાલ્પનિક કથા વાંચવી બહુ ગમે. તે કથાને ચિત્ર સાથે રજૂ કરવામાં આવે તો ઓર મજા પડે. આને કૉમિક અથવા ચિત્રકથા કહેવામાં આવે. ઘણા ભારતીય અખબારોમાં બાળકો માટે ખાસ આ વિદેશી ચિત્રકથાને અનુવાદ સાથે છાપવામાં આવે છે. ભારતમાં જેમ અમર ચિત્ર કથા કૉમિક બુક છાપવા માટે પ્રસિદ્ધ છે તેમ અમેરિકામાં માર્વેલ કૉમિક્સ ગ્રુપ આવી કૉમિક બુક છાપવા માટે જાણીતું છે. આ ગ્રુપનાં કૉમિક્સ પાત્રો સ્પાઈડર મેન, વૉલ્વેરિન, હલ્ક, થૉર, આયર્નમેન, કૅપ્ટન અમેરિકા, ડેરડેવિલ, બ્લેક પૅન્થર અને કૅપ્ટન માર્વેલ જાણીતાં છે. આ બધાં વ્યક્તિગત પાત્રોને લઈને ચિત્રકથા અને ફિલ્મો આવી ગયાં. તે ખૂબ જ સફળ પણ રહ્યાં.

પરંતુ હવે આનંદની વાત એ છે કે આ પૈકીનાં મોટા ભાગનાં પાત્રો- આયર્નમેન, સ્પાઈડરમેન, બ્લેક વિડૉ, કૅપ્ટન અમેરિકા, થૉર, ધ હલ્ક, સ્કાર્લેટ વિચ, ગાર્ડિયન્સ ઑફ ગેલેક્સી, બ્લેક પૅન્થર, વિન્ટર સૉલ્જર, વૉંગ, લોકી વગેરે એકસાથે કોઈ વિલન સામે લડવા આવી રહ્યા છે, ફિલ્મ ‘અવેન્જર્સ ઇન્ફિનિટી વૉર’માં. આપણે ત્યાં ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, મા દુર્ગા, હનુમાનજી, પરશુરામ, ભીમ, અર્જુન, ગણેશજી વગેરે અનેક લડવૈયાઓ છે જેમણે દુષ્ટોને હણ્યા છે, પરંતુ કલ્પના કરો કે કોઈ એક કથા એવી હોય જેમાં આ બધાં જ પાત્રો કોઈ મહા રાક્ષસ અને તેની ટોળી સામે લડવા આવે તો? કથા કેવી રોચક બને? અલબત્ત, ચંડીપાઠ કરતા હશે તેમને ખ્યાલ હશે કે અસુરોને નાથવા માટે ભગવાન અને દેવતાઓએ માતાઓને પોતપોતાની શક્તિ આપી હતી. બ્રહ્માણી, વારાહી, માહેશ્વરી, વૈષ્ણવી, કૌમારી, ચામુંડા, નારસિંહી વગેરે સપ્ત માતૃકાઓએ ભેગાં મળીને રાક્ષસોનો નાશ કર્યો હતો.

Related Posts
1 of 319

આ જ રીતે  ‘અવેન્જર્સ ઇન્ફિનિટી વૉર’માં ઉપર કહ્યા તેવા સુપરહીરો એકસાથે આવી રહ્યા છે. ૧૯૯૨માં માર્વેલ કૉમિક ગ્રુપે ‘ધ ઇન્ફિનિટી વૉર’ની છ અંકની કૉમિક સિરીઝ બહાર પાડી હતી. આગામી ૨૭ એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મને જોવા દર્શકો હોય તે સ્વાભાવિક છે. તેનું ટ્રેલર આ લખાય છે ત્યારે રિલીઝ થઈ ગયું છે. તે ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ ભારતમાં અમેરિકા કરતાં એક સપ્તાહ પહેલાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તે એક જ તારીખે રિલીઝ થવાની છે.

અત્યાર સુધીનો સૌથી ખતરનાક વિલન
સ્વાભાવિક છે કે આટલા બધા સુપરહીરોએ કોઈ વિલનની સામે લડવા એકસાથે આવવું પડે તો તે વિલન કેવો હોય? અત્યાર સુધી મોટા ભાગે વિલન પૃથ્વીને ખતમ કરવા કે તેના પર કબજો કરવા માગતો હતો, પરંતુ આ ફિલ્મમાં શક્તિશાળી થાનોસ વિલન તરીકે છે. થાનોસ અગાઉ ‘ગાર્ડિયન ઑફ ગેલેક્સી’માં દેખા દઈ ચૂક્યો છે. તે ઇન્ફિનિટી સ્ટૉન મેળવીને સમગ્ર બ્રહ્માંડનો વિનાશ કરવા માગે છે. થાનોસ લુચ્ચો, ચાલાક અને ક્રૂર છે. તેને હરાવવા માટે કોઈ એકલદોકલનું કામ નથી. અવેન્જરોએ ગાર્ડિયન ઑફ ગેલેક્સી, ડૉક્ટર સ્ટ્રેન્જ અને સ્પાઈડરમેન સાથે મળીને લડત આપવી જરૃરી છે, જેથી તે છ ઇન્ફિનિટી સ્ટૉન ન મેળવી શકે.

ફિલ્મનું નામ બદલાયું
ઑક્ટોબર ૨૦૧૪માં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે પહેલાં આ ફિલ્મનું નામ ‘અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર-પાર્ટ ૧’ રખાયું હતું, પરંતુ નિર્દેશક બેલડી જૉ અને એન્થૉની રુસોએ કહ્યું કે, આ નામ ગેરમાર્ગે દોરનારું છે. (જેમ ‘ક્રિશ’ સુપરહીરોની શ્રેણીની ‘ક્રિશ’ પહેલી ફિલ્મ હતી, પરંતુ ‘ક્રિશ’ પછી સીધી ‘ક્રિશ-૩’ આવી ગઈ તેવું જ). ૨૦૧૨માં ‘ધ અવેન્જર્સ’ અને ૨૦૧૫માં ‘અવેન્જર્સઃ ધ ઍજ ઑફ અલ્ટ્રૉન’ આવી ગઈ હતી. એ રીતે જુઓ તો ૨૦૧૮ની આ ફિલ્મ ‘અવેન્જર્સ’ શ્રેણીની ત્રીજી ફિલ્મ ગણાય.

ફિલ્મમાં હૉલિવૂડના ટોચના સિતારાઓ- રૉબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ પેટ્ટ, ક્રિસ એવાન્સ, ક્રિસ હૅમ્સવર્થ, સ્કારલેટ જૉન્સન, જોશ બ્રૉલિન, ટૉમ હૉલેન્ડ, બેનેડિક્ટ કમ્બરબૅચ, એલિઝાબેથ ઑલ્સેન, માર્ક રૃફેલો, ઝૉ સાલ્ડાના, જેરેમી રેનર વગેરે ચમકી રહ્યાં છે. આ ફિલ્મમાં કુલ ૬૪ મુખ્ય પાત્રો છે! આમ, આ ફિલ્મ મલ્ટિસ્ટાર ફિલ્મોનો પણ બાપ થઈ કહેવાય. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૧૭માં થયું અને જાન્યુઆરી ૨૦૧૮માં તો પૂરું પણ થઈ ગયું! ટૉમ હૉલેન્ડને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા નહોતી દેવાઈ, કારણ કે ‘સ્પાઈડરમેનઃ હૉમ કમિંગ’ વખતે તેણે ઘણી બધી વાતોનો ભાંડો ફોડી નાખ્યો હતો. આ ફિલ્મ સાથે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની દસમી વર્ષગાંઠ છે. તેની પહેલી ફિલ્મ ‘આયર્ન મેન’ ૨ મે, ૨૦૦૮ના રોજ રિલીઝ થઈ હતી. ‘અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’નું શૂટિંગ એડિનબર્ગ, ગ્લાસગ્લૉ, સ્કૉટિશ હાઇલેન્ડ્સ, ડરહમ કેથેડ્રલ, એટલાન્ટામાં થયું છે. સ્ટુડિયો કામ કમ્બરનૉલ્ડના વૉર્ડપાર્ક સ્ટુડિયોઝમાં થયું છે.
—————————-.

ફિલ્મનું બજેટ અધધધ છતાં નિયંત્રણમાં!
આ ફિલ્મનું બજેટ ૩૦ કરોડ ડૉલરનું છે. એટલે આપણા ૧૯.૪૫ અબજ રૃપિયા થયા! ફિલ્મના બજેટને અને તેના પ્રૉડક્શનને નિયંત્રણમાં રાખવું એ મહત્ત્વની વાત છે. આ કામ સુપેરે પાર પાડ્યું છે માર્વેલ સ્ટુડિયોની પ્રૉડક્શન વિભાગની ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિક્ટૉરિયા એલૉન્ઝોએ. ૧૯૯૦માં તે બનવા આવી હતી તો અભિનેત્રી, પરંતુ ફિલ્મવાળાઓએ તેનામાં અનેક ખામી શોધી કે તે બહુ ઠીંગણી છે, કોઈએ કહ્યું તે બહુ ઊંચી છે, તેનામાં આ નથી, તે નથી વગેરે. આથી તે સ્પેશિયલ ઇફેક્ટમાં ચાલી ગઈ. આ ક્ષેત્ર પણ પુરુષોના વર્ચસ્વવાળું હતું. ઘણો બધો સમય એવું બન્યું કે સેટ પર બહુ ઓછી સ્ત્રીઓ હોય જેમાંની એક આ વિક્ટૉરિયા એલૉન્ઝો હતી.  વિક્ટૉરિયા લેસ્બિયન છે અને તેની જીવનસાથી ઇમેલ્ડા કૉર્કોરનને પોતાની પત્ની ગણાવે છે. બંનેનાં દામ્પત્યજીવનને ૧૬ વર્ષ પૂર્ણ થયાં છે અને તેમને એક સંતાન પણ છે. આ ફિલ્મની સિક્વેલનું આયોજન પણ થઈ ગયું છે જે આવતા વર્ષે રિલીઝ થશે. બંને ફિલ્મનું સંયુક્ત બજેટ ૧ અબજ ડૉલરનું થશે!
—————————-.

શું છે આ છ ઇન્ફિનિટી સ્ટૉન?
વૈદિક જ્યોતિષ મુજબ, બુદ્ધિ અને વાણી માટે પન્ના, વિદ્યા અને ભાગ્યવૃદ્ધિ માટે પોખરાજ, સાંસારિક સુખો માટે હીરો, સરકાર અને સત્તા માટે માણેક, મનની શાંતિ માટે મોતી વગેરે ગ્રહોની વીંટી આંગળીમાં પહેરવા જ્યોતિષીઓ સલાહ આપતા હોય છે ત્યારે તર્કવાદીઓને વાત ગળે ઊતરતી નથી. એ તો પોતપોતાની માન્યતા થઈ, પરંતુ આ ફિલ્મમાં પણ આવા કિંમતી પથ્થરોની-રત્નોની વાત છે જેને ઇન્ફિનિટી સ્ટૉન નામ અપાયું છે. હિન્દુ શાસ્ત્રોમાં પંચ મહાભૂત તત્ત્વોથી આ બ્રહ્માંડની રચના થઈ તેવી વાત આવે છે જેમાં આકાશ, પૃથ્વી, વાયુ, જળ, અને અગ્નિ છે. આ ફિલ્મ મુજબ, બ્રહ્માંડના નિર્માણ પહેલાં છ ચીજો અસ્તિત્વમાં હતી- સ્પેસ (આકાશ), ટાઇમ, રિયાલિટી, પાવર, માઇન્ડ એન્ડ સૉલ (આત્મા).  સ્પેસ સ્ટૉન ‘થૉર’ અને ‘કૅપ્ટન અમેરિકાઃ ધ ફર્સ્ટ અવેન્જર’માં દેખાયો હતો. આ રત્ન દ્વારા કોઈ પણ વ્યક્તિ આકાશ પર કાબૂ મેળવી શકે છે. બીજો છે માઇન્ડ સ્ટૉન. તેના દ્વારા વ્યક્તિ બીજા માણસના મગજ પર કાબૂ મેળવી શકે છે. ત્રીજો  છે રિયાલિટી સ્ટૉન. તેને ઇથર પણ કહેવાય છે. તેના દ્વારા વાસ્તવિકતા બદલી શકાય છે. પાવર નામનો પથ્થર નામ પ્રમાણે જ શક્તિશાળી છે. તેના દ્વારા સમગ્ર ગ્રહમંડળનો વિનાશ કરી શકાય છે. ટાઇમ નામનો પથ્થર સમય પર નિયંત્રિત કરી તેને બદલી શકે છે. સૉલ સ્ટૉનની મદદથી મૃત વ્યક્તિને પણ જીવિત કરી શકાય છે તો જીવિતને મારી શકાય છે.

——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »