તમારા માટે, તમારી સાથે, સતત…

‘રાઇટ એન્ગલ’   કામિની સંઘવી

'હું મારી કરિયરના પ્રેમમાં હતી.

0 408

‘રાઇટ એન્ગલ’   કામિની સંઘવી
નવલકથા પ્રકરણ – ૦૪

 

કશિશની મથામણ….

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસની બહાર કશિશ અને કૌશલનો સામનો થાય છે. કશિશને એ સમયે કૌશલને અહીં આવ્યાનું સાચું કારણ જણાવવું યોગ્ય નથી લાગતું તેથી તે બહાનું કાઢે છે. કશિશ એસ.પી.ની કેબિનમાં પ્રવેશે છે. એસ.પી. સાહેબ કશિશને આવકારે છે અને કઈ રીતની મદદ કરી શકે તે પૂછે છે. કશિશ પોતાની ઓળખ આપે છે અને કૌશલ તેનો પતિ છે તેમ જણાવે છે. એસ.પી. સાહેબને ખ્યાલ આવી જાય છે કે કશિશ ધનાઢ્ય અને વગવાળા પરિવારની પુત્રવધૂ છે. કશિશની વાત સાંભળીને એસ.પી. તેને મદદ કરવાની ખાતરી આપી ઘરે રવાના કરે છે. કશિશ નિરાશ વદને પાછી ઘરે ફરે છે. એટલામાં જ ધ્યેય કશિશના ઘરે પહોંચે છે. કશિશને મળીને તેની અને એસ.પી. સાહેબની મુલાકાત વિશે પૂછે છે ત્યારે કશિશ કહે છે કે તેને નથી લાગતું કે એસ.પી. તેની કોઈ મદદ કરે. આ બધો ઘટનાક્રમ સાંભળીને ધ્યેય કશિશને સીધા કોર્ટમાં જવાની સલાહ આપે છે. એટલામાં જ ત્યાં કૌશલ પ્રવેશે છે અને ધ્યેયના મોઢે કશિશને કોર્ટમાં જવાની વાત સાંભળી અચરજ પામે છે. જોકે, કશિશ વાતને ફેરવી તોળે છે. ધ્યેય કશિશ અને કૌશલની રજા લઈને ઘર તરફ પ્રયાણ કરે છે. કશિશ કૌશલને સમગ્ર વાત જણાવવાનો પ્રયત્ન કરે છે, પણ કૌશલને એક મિત્રને ત્યાં જવાનું હોવાથી તે આવતીકાલે કશિશની વાત સાંભળશે એમ કહી ઘરની બહાર નીકળી જાય છે. કશિશ કૌશલની રાહ જોતાં જોતાં ઊંઘી જાય છે. તે ખીણમાં પડી રહી હોય તેવું સપનું આવે છે અને તેની આંખ ખૂલી જાય છે. એ સમયે તેને ભાન થાય છે કે તે હીંચકા પરથી પડી રહી હતી, પણ કૌશલ સમયસર ત્યાં આવી પહોંચતા તેણે કશિશને ઝીલી લીધી. બીજા દિવસની સવારની વાટ જોતાં કશિશ ઊંઘી જાય છે.હવે આગળ વાંચો…

 

‘ગુડ મોર્નિંગ!’ કશિશે બારણું ખોલ્યું ત્યાં તો સામે કૌશલ ચાની ટ્રે લઈને ઊભો હતો. એને જોઈને કશિશને હાશ થઈ કે તે મોડી નથી પડી.

‘ગુડ મોર્નિંગ ડિયર! તું કેમ ચા લઈને આવ્યો?’

‘તું સૂતી હતી તો મને થયું કે તું ઊઠે ત્યાં સુધીમાં ચા મંગાવી લઉં તો તારે જે વાત કહેવી છે તે ચા પીતા-પીતા કહેવાય જાય!’ કૌશલની વાત સાંભળીને કશિશને આશા બંધાઈ. ભલે એ એને જાણ કરવામાં મોડી પડી હોય, પણ કૌશલ એને સપોર્ટ કરશે. કેટલો કૅરિંગ છે!

બેડરૃમની અમેરિકન વિન્ડોના પરદા ખોલીને કૌશલ બાજુમાં સર્વિંગ ટેબલ પર ચા મૂકીને પોતે સોફા પર ગોઠવાયો. ત્યાં સુધીમાં કશિશ ફ્રેશ થઈને આવી ગઈ. એણે બીજી કોઈ ભૂમિકા બાંધ્યા વિના સીધી વાત ચાલુ કરી,

‘મેં તને બે વાત નથી કહી. આઈમીન….વાત કરવાનો અનુકૂળ ટાઇમ નથી મળ્યો!’

‘હમમ!’ કૌશલે ચા પીતા-પીતા માથું હલાવ્યું.

‘કૌશલ…યુ નો આપણાં મેરેજ પછી મારી માનસિક સ્થિતિ એટલી સ્ટેબલ ન હતી. એનું કારણ મેં તને કહ્યું હતું.’ કશિશ એને ધ્યાનથી જોઈ રહી.

‘યાહ…યુ ટોલ્ડ મી કે તને હું બહુ પસંદ ન હતો. તને હાઇટવાળો છોકરો ગમતો હતો. રાઈટ?’ કૌશલ એકદમ સંતુલિત અવાજે બોલ્યો. લગ્ન માટે માત્ર શારીરિક ઊંચાઈ મહત્ત્વની નથી હોતી તે વાત સાત વર્ષનાં સફળ લગ્નજીવન પછી બંને સમજતાં હતાં. પાંચ ફીટ સાત ઇંચ ઊંચા કૌશલ સામે કશિશ જોઈ રહી.

‘હા…પણ મેં તને પૂરી વાત કહી ન હતી. એક બીજું કારણ પણ હતું.’

‘કેમ કોઈ બીજાના પ્રેમમાં હતી?’ કૌશલ ચાના કપમાંથી ચા પીવાનું છોડીને એને તાકી રહ્યો. કશિશ જેવી ખૂબસૂરત યુવતીને મેળવવા માટે તો કેટલા આતુર હોય! એ વાત પુરુષ તરીકે કૌશલ સમજી શકતો હતો.

‘હા!’ કશિશ બોલી અને એણે કૌશલ સાથે નજર મિલાવી. કૌશલની આંખમાં જિજ્ઞાસાની સાથે આઘાત પણ હતો કે શું? કશિશ નક્કી ન કરી શકી.

‘હું મારી કરિયરના પ્રેમમાં હતી. મારે લગ્ન જ કરવા ન હતાં.’ કશિશ આટલું બોલી અને કૌશલના ચહેરા પર રાહતના ભાવ આવ્યા હોય એણે ચા પીવા માંડી.

‘મારે ડૉક્ટર બનવું હતું. મારું સપનું હતું કે હું એવું કંઈક કરું જેથી આ દુનિયામાં મારી એક ઓળખ બને. સમાજમાં મારું નામ હોય, ઇજ્જત હોય, પણ હું તેવું કરી ન શકી.’

‘ઓહ..કેમ?’ કૌશલ એને શાંતિથી સાંભળી રહ્યો હતો. એણે કશિશ તરફ ચાનો કપ લંબાવ્યો, પણ કશિશે તે લીધો નહીં. કશિશે પોતાની વાત આગળ ચલાવી.

‘મેં હાયર સેકેન્ડરીમાં સાયન્સ રાખ્યંુ હતું. બારમા ધોરણમાં ૮૭ ટકા આવ્યા હતા. મને મેડિકલમાં ઍડ્મિશન મળે તેમ હતું. તે વાત હું જાણતી હતી. એટલા માટે ગાંધી કૉલેજમાંથી હું ફોર્મ લઈ આવી હતી જેથી હું મેડિકલ કૉલેજીસમાં મારી ઉમેદવારી નોંધાવી શકું.’ આટલું બોલીને એ થોભી.  પોતાની એંગ્ઝાયટી ઓછી કરવા માટે એણે ઊંડો શ્વાસ લીધો.

એ થોભી એટલે કૌશલે પૂછયું.

‘પછી?’

કશિશે નજર નીચી ઢાળી દીધી. પોલીસને જેટલી સરળતાથી કહી દીધું તે પતિ પાસે કહેતાં સંકોચ થતો હતો. આખરે એક સ્ત્રી માટે પોતાના પિયર પક્ષ વિરુદ્ધ બોલવું આસાન નથી હોતું. જાણે અજાણ્યા માણસ સામે નિર્વસ્ત્ર થઈ ગઈ હોય તેવી વેદના થતી હોય છે, પણ હવે સાચી વાત કહેવામાંથી પાછા હટવાનું પણ નથી. ભલે પોતાનો પરિવાર ખુલ્લો પડી જાય. ભલે કૌશલની નજરમાં હવે એમના માટે કોઈ માન ન રહે. એમણે જે કર્યું છે તે જ કહેવાનું છે ને! એ મન મક્કમ કરીને બોલી,

‘પછી જે ન થવું જોઈએ તે થયું. મેડિકલમાં ઍડ્મિશન માટે ફોર્મ ભરવાનું હોય અને પછી તમારા મેરિટ પ્રમાણે તમને જે-તે કૉલેજમાં ઍડ્મિશન મળતું હોય ત્યાંથી તમને કૉલ-લેટર આવે જેમાં તમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેની ઇન્ફો જણાવેલી હોય. ત્રણ રાઉન્ડ થયા છતાં મને કોઈ લેટર ન આવ્યો એટલે હું બહુ ઊંચીનીચી થતી હતી, કારણ કે મારા ૮૭ ટકા હતા. મને ઍડ્મિશન મળી જ જાય તેમ માનતી હતી. એટલે મેં ઘરમાં પપ્પા અને ઉદયભાઈને બહુ કહ્યું કે, આપણે અમદાવાદ જઈને તપાસ કરીએ કે મારું ફોર્મ ત્યાં રજિસ્ટર તો થયું છે કે નહીં, પણ પપ્પા અને ઉદયભાઈએ કહ્યું કે, તારે જવાની જરૃર નથી. અમારે બિઝનેસના કામે જવાનું છે એટલે અમે તપાસ કરતાં આવીશું. એ લોકો ત્રણ-ચાર દિવસ પછી પાછા આવ્યા. મને કહ્યું કે, આ વખતે ઓપનમાં મેરિટ બહુ ઊંચું ગયું છે એટલે તને ઍડ્મિશન નથી મળ્યું.’ આટલું બોલતાંની સાથે કશિશની આંખમાં આંસુ આવી ગયાં. કૌશલે એનો હાથ પકડીને પ્રેમથી પસવાર્યો. કશિશ જરા સ્વસ્થ થઈ. જાણે શબ્દો શોધતી હોય તેમ વિન્ડોની બહાર જોઈ રહી. કૌશલ એ આગળ વાત કરે તેની રાહ જોઈ રહ્યો. બે-પાંચ મિનિટ પછી કશિશ બોલી,

‘હદ તો એ હતી કે તેઓ પાછા આવ્યા તે દિવસે ઍડ્મિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. હું બીજે કશે પણ એપ્લાય કરી શકું તેમ ન હતી. કાશ ત્યારે હું એમની સાથે અમદાવાદ ગઈ હોત! કાશ મેં એમના પર ભરોસો ન કર્યો હોત!’ કશિશે બોલીને નિઃસાસો નાંખ્યો.  પોતે પોતાના પપ્પા અને ભાઈ પર વિશ્વાસ કર્યો હતો એનું ફળ એને ભોગવવું પડ્યું હતું એની વેદના એના ચહેરા પર દેખાતી હતી. એ અટકી તેથી કૌશલે ઝડપથી પૂછ્યું,

‘કેમ?’

‘ધે લાઇડ ધેટ ટાઇમ…ત્યારે તેઓ ખોટું બોલ્યા હતા. મને ઍડ્મિશન મળ્યું હતું. મારા નામનો ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો હતો. પણ ભાઈએ મને કહ્યું ન હતું. એ વાતની મને પરમદિવસે હું પપ્પાના ઘરે ગઈ ત્યારે ખબર પડી.’

કશિશે જોશથી હોઠ ભીડી રાખ્યાં. જાણે પોતાના દુઃખ અને ક્રોધને કાબૂમાં રાખતી હોય, પણ આખરે એ હારી ગઈ અને  આંસુઓની જીત થઈ. કશિશની આંખમાંથી આંસુ ટપક્યાં. કૌશલે એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. એને ગળે લગાડીને એની પીઠ પર ધીમે-ધીમે હાથ ફેરવ્યો.

‘ડોન્ટ ક્રાય…પ્લીઝ! પણ એમણે શું કામ એવું કર્યું?’ કૌશલના અવાજમાં આઘાત  અને ઉશ્કેરાટ હતા. કશિશે એની સામે જોયું. આંખનાં આંસુ લૂછતાં એ બોલી,

‘ભાઈ નહોતો ઇચ્છતો કે હું મોટા સિટીમાં ભણવા જાઉં. હું છોકરી હતીને અને ત્યાં જઈને બગડી ગઈ તો? શું એટલી નાની હતી કે મને કોઈ ભોળવી જાત? દુનિયા આખામાં છોકરીઓ બહાર ભણવા જાય છે, કરિયર બનાવે છે અને હું તો ગુજરાતના જ કોઈ સિટીમાં ગઈ હોત! એણે પપ્પાને પણ આવું સમજાવી દીધું હતું. એટલે પપ્પાએ પણ ઉદયભાઈને રોકવાના બદલે સપોર્ટ કર્યો. બંને જૂઠું બોલ્યા. મને છેતરી… મારી કરિયર ન બની!’

અત્યાર સુધી જાત પર રાખેલો કન્ટ્રોલ હવે છૂટી ગયો. કશિશ આટલું

Related Posts
1 of 279

બોલતાં-બોલતાં તો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. એનો ભાઈ અને પપ્પા સામેનો ગુસ્સો રુદન રૃપે બહાર આવી રહ્યો હતો. પોતાના કોઈ જ વાંક વિના એને બહુ મોટી સજા મળી હતી. એક સ્ત્રી હોવાની સજા. ઔરત હોવાની સજા એણે ભોગવી હતી. કૌશલે એની વેદના સમજીને એને રડવા દીધી. ચૂપચાપ એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. થોડીવાર એણે રડી લીધું એટલે કૌશલે એને પાણી આપ્યું. કશિશ તે પીધાં પછી જરાક સ્વસ્થ થઈ.

‘કિશુ…એમણે બહુ જ ખરાબ કર્યું કહેવાય! એમણે આવું ન કરવું જોઈએ!’ કૌશલની હમદર્દી કશિશને ગમી. એના મનમાં પડઘો પડ્યો. એ જાણતી જ હતી કે કૌશલ એની વાત સમજશે. જે અત્યાર સુધી ધ્યેય  અને પોલીસ નથી સમજી શક્યા. એની આંસુથી સાફ થયેલી આંખોમાં ચમક આવી.  કૌશલ સામે નજર મેળવીને એ બોલી,

‘હું તેમને માફ નહીં કરી શકું!’ કશિશની નારાજગી ચરમસીમાએ પહોંચી હતી, કારણ કે એ ઇચ્છતી હતી કે એ જે કરવા માગે છે તેમાં કૌશલ સાથ આપે. ઘણીવાર માણસ એટલે પણ ઓવર રિએક્ટ કરતો હોય છે જેથી બીજા એની વાતને કોઈ જ વાંધાવિરોધ વિના સ્વીકારી લે. કશિશ અત્યારે અજાણતા એ જ કરી રહી હતી અને એ એની ગંભીર ભૂલ સાબિત થવાની હતી.

‘ઓહ યસ….આઈ ટુ….!’ કશિશને સારું લાગે એટલે કૌશલ બોલ્યો. થોડીવાર બંને ચૂપ રહ્યાં. જે વાત કહેવાઈ હતી અને જે સંભળાઈ હતી તેના આઘાત-પ્રત્યાઘાત બંનેનાં દિલ-દિમાગમાં ચાલુ હતાં. કૌશલ વાતાવરણ હળવું કરવા કશિશની સામે જોઈને સ્માઇલ કરતાં બોલ્યો,

‘અહા! જરા વિચાર તો, મારાં લગ્ન ડૉક્ટર કશિશ સાથે થયા હોત! વાહ! મારો વટ પડી જતે હો!’ કૌશલે આખી ય વાતને હળવાશથી લીધી તે કશિશ જોઈ રહી. બીજો કોઈ સમય હોત તો એણે સામે મજાક કરી હોત કે ડૉક્ટર કશિશ કોઈ બિઝનેસમેન સાથે નહીં, પણ કોઈ ડૉક્ટર સાથે લગ્ન કરતે, પણ અત્યારે કૌશલની આ મજાક એને ખૂંચી.

‘તને આવા સિરિયસ ટોપિક પર મજાક સૂઝે છે?’ કશિશ નારાજ થઈ ગઈ એટલે કૌશલને અહેસાસ થયો કે પોતે આ મજાક માત્ર કશિશને દુઃખમાંથી બહાર લાવવા જ કરી હતી. જો એને ન ગમ્યું હોય તો વાત સુધારી લેવી પડે.

કશિશનો હાથ પકડીને એને મનાવવાની કોશિશ કરી.

‘આઈ નો આ વાત બહુ મોટી છે. તારી કરિયર ન બની શકી. માત્ર એમના એક પગલાંએ તારું સપનું છિન્નભિન્ન થઈ ગયું. બસ તું દુઃખી ન થા. મને તો દુઃખી હોય તે નથી ગમતું. એટલે મજાક કરી!’

ત્યાં કૌશલની નજર વૉલ ક્લૉક સામે ગઈ. સાડા નવ થઈ ગયા હતા તે જોઈને એ બોલ્યો,

‘તારી વાત પતી ગઈ હોય તો હું હવે તૈયાર થઈને ઑફિસ જાવ?’

કશિશએ ઊંડો શ્વાસ લીધો.

‘વાત પતી નથી ગઈ, હજુ તો શરૃ થઈ છે.’

‘વ્હોટ! હવે શું બાકી છે?’ કૌશલ આશ્ચર્યથી એને જોઈ રહ્યો.

‘કાલે હું તને એસ.પી. સાહેબની ઑફિસ બહાર મળી હતી ને ત્યાં આ જ કામથી ગઈ હતી. તું અચાનક મળી ગયો એટલે ત્યાં કહેવાનું યોગ્ય ન લાગ્યું એટલે હું જૂઠંુ બોલી હતી. આઈ એમ સોરી!’ કશિશે કહ્યું ને એ કૌશલ સામે ધ્યાનથી જોઈ રહી કે એના ચહેરા પર કેવા ભાવ આવે છે.

‘ઈટ્સ ઓ.કે.. પણ તું એસ.પી. પાસે આ કામથી ગઈ હતી એટલે?’ કૌશલે પૂછ્યું. અને કશિશનું હૃદય ધડકવા લાગ્યું. મારી વાત સાંભળીને કૌશલ મને સાથ આપશે?

‘એટલે એમ કે હું એમની સામે કેસ કરવા માગું છું!’ કશિશ હિંમતથી બોલી ગઈ.  કૌશલ એને આંખ પહોળી કરીને જોઈ રહ્યો.

‘વ્હોટ?’

‘આઈ વોન્ના સ્યુ ધેમ! હું તેમની સામે કેસ કરવાની છું.’

‘બટ વ્હાય?’ કૌશલ હજુ ય સ્તબ્ધ હતો.

‘કેમ ન કરું? મારી કરિયર ન બની.. હું ડૉક્ટર બની શકી હોત. એ બંને મારી સાથે જૂઠું બોલ્યા, મને છેતરી! તે માટે મને કોર્ટ પાસેથી ન્યાય જોઈએ છે.’

કૌશલ એની વાત સાંભળીને ક્ષણેક તો ચૂપ થઈ ગયો. શું બોલવું? શું કરવું? કશિશ ઓવર રિએક્ટ કરી રહી હતી, તો કૌશલ એ સમજ્યા વિના પૂછી બેઠો,

‘તું એસ.પી.ને મળવા જવાની હતી તો કેમ મને ન કહ્યું?’ કૌશલે સવાલ પૂછ્યો. એક પતિ તરીકે એને જાણ પણ ન કરી અને એ એસ.પી. સુધી પહોંચી ગઈ?

કશિશને ખ્યાલ આવ્યો કે એનો મેલ ઈગો હર્ટ થયો છે. હવે પછીની વાત એકદમ સંભાળીને કરવાની છે, નહીં તો કૌશલ દુઃખી થઈ જશે અને એવું થાય તે ઇચ્છતી નથી.

‘હું તને કહેવાની હતી, પણ તું કાલે રોમેન્ટિક મૂડમાં હતો..!’ કૌશલને યાદ આવ્યું કે સાંજે પણ કશિશે એને કહ્યું હતું કે એણે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે અને એણે પાર્ટીમાં જવાનું હતું. કૌશલને ખ્યાલ આવ્યો કે અત્યારે પોતાના ગમા-અણગમા બાજુ પર મૂકીને મૂળ વાત પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે આટલી અમથી વાતમાં કોર્ટમાં જવું ડહાપણ ભર્યું નથી.

‘કિશુ, ડોન્ટ યુ થિન્ક તું વાત વધારી રહી છે? આઈમીન હવે આટલાં વર્ષો પછી હવે આ બાબતમાં કેસ કરવાનો શું અર્થ? હવે તું ભણી શકવાની નથી. તને એમના પર બહુ ગુસ્સો હોય તો આજથી આપણે એમની સાથે નહીં બોલીએ. બધાં સંબંધ કાપી નાંખ. આઈ વીલ સપોર્ટ યુ ઈન ધીસ મેટર, પણ કેસ કરવાની વાત છોડી દે!’

કૌશલના આવા બોલવા પર કશિશ એને ચિંતાથી જોઈ રહી. એણે તો માન્યું હતું કે ભલે આખી દુનિયા એને ન સમજે, પણ કૌશલ તો એને સમજશે. કેમ કૌશલ જે પોતે સમજી શકે છે તે સમજી નથી શકતો? કોઈ વ્યક્તિની કરિયર માત્ર ને માત્ર એટલા માટે ન બને કે સ્ત્રી છે તો એ ગંભીર ગુનો નથી? કેમ કૌશલ આખીય વાતને મારી નજરથી નથી જોતો?

એકવાર ફરી એને સમજાવવો જોઈએ.  ધ્યેય સાથે જે વાત થઈ હતી તે બધી વાત કશિશે એને કરી અને ધ્યેયના કહેવા મુજબ એ આજે કોર્ટમાં એના પપ્પા અને ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરશે તો એને ચોક્કસ ન્યાય મળશે આ પણ વાત કહી. કશિશ એની સામે ફરી આશા સાથે જોઈ રહી. કૌશલ કશો જવાબ આપે તે પહેલાં એના ફોન પર રિંગ વાગી,

‘એસ્ક્યુઝ મી…’ આટલું બોલીને કૌશલ ગેલેરીમાં જતો રહ્યો. કશિશ એને જતાં જોઈ રહી. આજ સુધી તો કદી કોઈનો પણ ફોન આવ્યો હોય કૌશલે આમ ગેલેરીમાં જઈને વાત નથી કરી. એ મને સાથ નહીં આપવા ઇચ્છતો હશે? એટલે બહાર જતો રહ્યો? કશિશના મનમાં અનેક શંકા-કુશંકા ચાલુ થઈ ગઈ.

રાઇટ એન્ગલ પ્રકરણ-4 વધુ વાંચવા માટે તેમજ અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફરની દિલધડક નવલકથાના નિયમિત હપતા વાંચવા માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »