ડિપ્લોમસી – સુચિતા બોઘાણી કનર
૧૯૬૫માં પાકિસ્તાન સાથેનું સત્તાવાર યુદ્ધ સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં થયું હતું, પરંતુ તેની શરૃઆત તો એપ્રિલમાં જ કચ્છ સરહદે થઈ હતી. ૧૯૬૫ના યુદ્ધના પરિણામ સ્વરૃપ કચ્છ રાજના સમયથી કચ્છ અને ભારતના અવિભાજ્ય અંગ સમા છાડબેટ, કંજરકોટ અને ધાર બન્નીના ૩૫૦ ચો. માઈલ (૯૧૦ ચો.કિ.મી.)નો વિસ્તાર પાકિસ્તાનને આપવો પડ્યો હતો. યુદ્ધનું પલડું ભારત તરફે નમ્યું હોવા છતાં બ્રિટિશ વડાપ્રધાનની દરમિયાનગીરીથી વિવાદ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની રચના કરાઈ અને તેમાં પણ ભારતે નિમેલા લવાદના મંતવ્યને નજરઅંદાજ કરીને પાકિસ્તાન અને યુનોના લવાદના મંતવ્યને માન્ય રાખીને ભારતની તે સમયની નેતાગીરીએ પોતાની માની લીધેલી રાજકીય પ્રતિષ્ઠાના નામે કચ્છના અંગનું છેદન કરીને તે જાણે તાસક પર મુકીને પાકિસ્તાનને સાદર ભેટ આપ્યું હતું. ૯મી એપ્રિલે આ યુદ્ધને ૫૩ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે માતૃભૂમિનો આ કપાયેલો ટુકડો ફરી કચ્છને પાછો અપાવવાની માગણી ઊઠી રહી છે….
સરહદી વિસ્તાર કચ્છના લોકો હંમેશાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પોતાને અન્યાય થતો હોવાની લાગણી અનુભવે છે. આ વિસ્તારના લોકોની માગણીઓ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી તે હકીકત છે, પરંતુ આઝાદીના બે દાયકા સુધી પણ આ વિસ્તાર માટે યોગ્ય સુરક્ષાનાં પગલાં પણ લેવાયાં ન હતાં. ૧૯૬૫ના યુદ્ધ પછી કચ્છનું વ્યૂહાત્મક મહત્ત્વ ધ્યાને લઈને તેની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરાઈ છે, પરંતુ તે પહેલાં સુરક્ષા જેવી મહત્ત્વની બાબત પ્રત્યે દુર્લક્ષ સેવાતું હોવાથી અને દેશની રાજકીય પ્રતિષ્ઠાનો ખોટો હાઉ ઊભો કરીને આઝાદી પહેલાંથી કચ્છ રાજના સમયથી જે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો વિસ્તાર, દેશનો અભિન્ન ભાગ હતો તે પાકિસ્તાનને આપવો પડ્યો હતો.
કચ્છ પર આઝાદી પહેલાં જાડેજા વંશના રાજા- મહારાવ રાજ કરતા હતા. તે સમયે સિંધ સુધીનો તમામ પ્રદેશ કચ્છ રાજના તાબામાં હતો. જેમાં મોટા રણનો પણ સમાવેશ થતો હતો. ભાગલા પછી રણના દક્ષિણ છેડે ભારતના વસતીવાળા ગામો હતાં અને ઉત્તર છેડે પાકિસ્તાનનાં ગામો હતાં. ખડીર ઉપરાંત અમુક છૂટાછવાયા રણદ્વીપોમાં વસતી હતી. મોટા રણમાંથી આઝાદી પહેલાં અને આઝાદી પછી ઘણા વર્ષો સુધી પાકિસ્તાન – સિંધમાં લોકોની અવરજવર બેરોકટોક થતી હતી. આ વિસ્તારમાં બંને દેશોનું સીમાંકન તે સમયે અધૂરું હતું. અહીં આવેલા છાડબેટમાં ઉત્તમ ગુણવત્તાનું ઘાસ વિપુલ પ્રમાણમાં થતું હતું. બંને દેશના માલધારીઓ ત્યાં પોતાનાં પશુઓ લઈને આવતા હતા. જોકે પાકિસ્તાનના થરપારકર અને મીઠી વિસ્તારમાંથી છાડબેટ પહોંચવું સહેલું હતું. આ વિસ્તાર પાકિસ્તાનથી નજીક થાય. ત્યાં પાકિસ્તાને રોડ અને રેલવેનું માળખું ગોઠવ્યું હતું, પરંતુ ભારતમાંથી છાડબેટ જવું અઘરું હતું. દુષ્કાળના સમયમાં કચ્છના બન્ની પચ્છમના માલધારીઓ ત્યાં સ્થળાંતર કરતા હતા. જોકે તેમને ૩૦-૪૦ કિ.મી. જેટલું અંતર રણમાં કાપવું પડતું.
આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો ગણાતો હતો. તેમ જ અહીં ઊગતું ઘાસ અને ધરતી નીચે ધરબાયેલો ખનીજ તેલનો વિપુલ જથ્થો પણ અગત્યનો હતો. પાકિસ્તાન તેથી જ આ વિસ્તારને પોતાનો કરવા લલચાયું હોવાની એક શક્યતા છે. પાકિસ્તાને ૧૯૬૫માં અહીં યુદ્ધ ખેલ્યું તેના ૯ વર્ષ પહેલાં, ૧૯૫૬માં પણ આ વિસ્તારનું છાડબેટ કબજે લઈને પગપેસારો કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સમયે બોર્ડર સિક્યોરિટી ફોર્સની રચના થઈ ન હતી. તેથી આ સીમાવર્તી વિસ્તારમાં સ્ટેટ રિઝર્વ પોલીસ તહેનાત હતી ત્યારે કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. ફેબ્રુઆરી માસમાં પાકિસ્તાન રેન્જર્સ (જે ઇન્ડસ રેન્જર્સ નામે પણ ઓળખાતા હતા)એ છાડબેટ કબજે કર્યું હતું. જોકે પાકની નાપાક ઘૂસણખોરીના સમાચાર મળતા જ કચ્છના લોકપ્રતિનિધિઓની રજૂઆતના અનુસંધાને કેન્દ્ર સરકારે આક્રમક લશ્કરી કાર્યવાહી કરીને પાક.ના રેન્જર્સને છાડબેટ છોડી જવાની ફરજ પાડી હતી. ત્યાર બાદ અહીં કાયમી થાણું સ્થાપવાનું નક્કી કરાયું હતું. અહીં કોઈ પણ હવામાનમાં કામમાં આવે તેવી હવાઈ પટ્ટી બનાવાઈ. ખાવડા અને કોટડામાં પણ હવાઈ પટ્ટી બનાવાઈ. રણ વચ્ચે આવેલા છાડબેટમાં સૈનિકોને પીવાના પાણીની ભારે મુશ્કેલી હતી. તેથી ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ મુકાયો. આ વિસ્તારને સમયાંતરે ફરી વળતાં પાણીથી બચાવવા માટે બંધ પણ બનાવાયા. તે સમયે અહીં સુધી પહોંચવા માટે રસ્તાનું માળખું ન હતું. છાડબેટ સુધી લશ્કરને પહોંચવામાં સરળતા રહે તે માટે ૭ માર્ગો બનાવવાનું આયોજન પણ વિચારાયું. જોકે ૧૯૬૫ના યુદ્ધ સુધી આ માર્ગો બન્યા ન હતા. તેથી જ લશ્કરને ‘૬૫માં અહીં પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
૧૯૫૬માં જ કચ્છને મુંબઈ રાજ્ય સાથે જોડી દેવાયું અને ત્યાર પછી ચાર વર્ષમાં તેનો સમાવેશ ગુજરાત રાજ્યમાં થયો. આ રાજકીય ઘટનાક્રમમાં દેશની સુરક્ષાનો મહત્ત્વનો મુદ્દો ભુલાયો અને સીમાના મહત્ત્વનાં સ્થાનો સુધી રસ્તા જેવી પાયાની માળખાકીય સુવિધા ઊભી કરાઈ નહીં. ૧૯૫૬માં કેન્દ્ર સરકારે મક્કમ મનોબળ અને નિર્ધારથી પાકિસ્તાની સૈન્યને હટાવવા માટે આક્રમક પગલાં લીધાં હતાં. આવો મક્કમ નિર્ધાર ૧૯૬૫ના યુદ્ધ વખતે કેન્દ્રીય કે રાજ્યની નેતાગીરીમાં જોવા મળ્યો ન હતો.
પાક.ને અપાયેલો કચ્છનો વિસ્તાર પાછો મેળવી શકાય? – ની વધારાની દસ્તાવેજી વિગતો તેમજ – પાડોશી દેશ પાકિસ્તાન સાથે ભારતની જમીન વિવાદના કિસ્સાઓ ચર્ચાની એરણે રહ્યા છે. આ કિસ્સાની વધુ વિગતો માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.
——————————-.