તમારા માટે, તમારી સાથે, સતત…

‘રાઇટ એન્ગલ’ – નવલકથા પ્રકરણ – 3

કપલ નાઇટનું ઇન્વિટેશન આપવા આવી છું....

0 440

પ્રકરણઃ ૦૩ નવલકથા ‘રાઇટ એન્ગલ’ – કામિની સંઘવી

 

એસ.પી.ની કેબિન બહાર કશિશ-કૌશલનો સામનો
કશિશ પોલીસ સ્ટેશને પહોંચે છે. પોલીસ સ્ટેશનનો બહારનો દેખાવ જોઈને થોડી મૂંઝવણમાં મુકાઈ જાય છે. મનમાં એક પ્રકારનો વિષાદ છવાયેલો છે. જે સ્થિતિ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનની હતી એ સ્થિતિમાં આજે તે પોતે છે. આખરે મન મક્કમ કરીને કશિશ પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે. કશિશ પોતાની વાત રજૂ કરે છે અને પોતાની ઓળખ છતી કરે છે. વગદાર પરિવારની દીકરી અને પુત્રવધૂ હોવાને કારણે પોલીસ ઝંખવાણી પડી જાય છે તેમજ કશિશની ફરિયાદમાં પણ કોઈ દમ ન હોવાની વાત કરીને તેને બધું ભૂલી જઈ શાંતિથી જીવન જીવવાની સલાહ આપે છે. જોકે, કશિશનો આગ્રહ હોય છે કે પોલીસ તેની ફરિયાદ નોંધે. આખરે પોલીસ કશિશને કહે છે કે જે વિસ્તારમાં ઘટના ઘટી હોય ત્યાં જઈને ફરિયાદ કરવી પડે. પોલીસની વાત સાંભળીને નિરાશ વદને કશિશ ધ્યેયને મળવા દોડી જાય છે. ધ્યેય તેને સમજાવે છે કે કોઈ પોલીસ ઓફિસર તેની મદદ નહીં કરે, કારણ કે તે પોતે વગદાર પરિવારમાંથી આવી રહી છે. સાથે જ સીધા એસ.પી.ને મળવાનું સૂચન કરે છે. કશિશ એસ.પી.ને મળવા જાય છે અને કેબિનની બહાર તેનો વારો આવે તેની રાહ જુએ છે. એ જ સમયે એસ.પી.ની કેબિનમાંથી તે પોતાના પતિ કૌશલને બહાર નીકળતો જુએ છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે…                        હવે આગળ વાંચો…

 

‘તું’?બંને જણ એકી સાથે બોલી પડ્યાં.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાંથી બારણું ખૂલશે અને કૌશલ એમાંથી બહાર નીકળશે તેવું તો સપનામાં પણ કશિશે વિચાર્યું ન હોય ને! તો બીજીબાજુ એસ.પી. સાહેબની ઑફિસ બહાર આમ કશિશ ઊભી હશે એ એવું તો કૌશલે પણ વિચાર્યું ન હોય! ક્ષણભર બંને એકબીજાને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં. સૌથી પહેલાં કૌશલ સ્વસ્થ થયો,

‘હેય કિશુ, વ્હોટ આર યુ ડુઇંગ હિયર?’

જવાબ આપતાં પહેલાં બે ક્ષણમાં કશિશે સ્વસ્થતા મેળવી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે તે કૌશલને સાચી વાત અત્યારે અહીં આમ એસ.પી.ની ઑફિસ બહાર તો નહીં જ કહે, કારણ કે આ વાત કહેવા અને સમજાવવા માટે અનુકૂળ સમય જોઈને  કૌશલને સમજાવવી પડે. આમ અત્યારે કહેવાય તો નકામી મુશ્કેલીઓ જ વધે.

‘તારો પીછો કરતી હતી. મારો હેન્ડસમ હબી આખો દિવસ ક્યાં ફર્યા કરે છે તે જાણવું જોઈએ ને!’ કશિશે જાણી જોઈને મજાક કરી જેથી કૌશલને કોઈ શંકા ન થાય.

‘અચ્છા? તો તે જાણી લીધુંને હું કેટલી હોટ બેબ્સને મળ્યો છું.’ કૌશલે પણ સામે મજાક કરી.

‘હવે એ અહીં તો કેમ કહું? ઘરે મળ પછી કહીશ.’ કશિશે આંખ મારી. કૌશલ તે જોઈને હસ્યો.

‘સ્માર્ટ ગર્લ,  બાય ધ વે, આ એસ.પી. સાહેબની ઑફિસ છે, ટાઇમપાસ ન કરો. ઉપડો. હું તો અમારા બિલ્ડર એસોસિયેશન તરફથી એમને અમારા એન્યુઅલ ફંક્શનનું ઇન્વિટેશન આપવા આવ્યો હતો.’

‘સેમ હિયર, હું અમારી લેડિઝ ક્લબ તરફથી મિ. એન્ડ મિસિસ રાવને કપલ નાઇટનું ઇન્વિટેશન આપવા આવી છું. એટલે જરા સરને મળીને એમના ઘરે મિસિસ રાવને મળવા જાઉં છું.’ કૌશલના જ કારણમાંથી કશિશે પોતાનું ત્યાં આવવાનું કારણ શોધી લીધું.

‘ઓ.કે. ડિયર…સી યુ!’

‘સીયુ…’ કૌશલ ગયો એટલે કશિશે રાહતનો શ્વાસ લીધો. ‘હાશ…બચી ગઈ, પણ ઘરે જઈને પહેલું કામ એને વાત કરવાનું કરવાનું છે!’

Related Posts
1 of 279

એસ.પી.ના પી.એ.એ કશિશને અંદર જવા માટે ઇશારો કર્યો. બહાર રાખેલા રજિસ્ટરમાં નામ-એડ્રેસ લખીને એ અંદર ગઈ, પણ કશિશને ક્ષોભ થઈ આવ્યો. હાલ જ કૌશલ સાહેબને મળીને ગયો છે, એ જાણશે કે હું એમની વાઈફ છું અને આ કારણથી અહીં આવી છું તો કેવું ધારશે? પોતાના ફેમિલી માટે સાહેબના મન પર કેવી ખરાબ છાપ પડશે! ક્ષણ બે ક્ષણ માટે એ ખચકાઈ ગઈ. કશું કહેવું નથી. ત્યાં ફરી પાછો પોતાનો નિર્ણય યાદ આવ્યો. પોતે જે કારણથી લડે છે તે માટે ભલભલી કુરબાની આપવી પડશે. તો ભલે આજથી જ શરૃઆત થઈ જાય. પરિવારની છાપ ઘસાય તો ઘસાય પણ પોતે અડગ રહેવું. કારણ સત્ય પોતાની સાથે છે.

‘યસ, યંગ લેડી, વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?’ એસ.પી. સાહેબની ઑફિસમાં પ્રવેશીને કશું બોલ્યા વિના ચૂપચાપ કશિશ ઊભી હતી એટલે સાહેબે એને સામેથી બોલાવી.

‘ગુડ આફટરનૂન સર!’ કશિશે હસીને એમનું અભિવાદન કર્યું.

‘હેવ અ સીટ…પાણી પીશો?’ એસ.પી.ના સૌજન્યપૂર્ણ વ્યવહારે કશિશને હિંમત આપી. એ બોલી,

‘યસ સર!’ સાહેબે બેલ મારી એટલે પટાવાળો બે ગ્લાસ પાણી લઈને આવ્યો. કશિશ બંને ગ્લાસ સડસડાટ પી ગઈ. ઘરેથી બાર વાગે નીકળી હતી અને અત્યારે ચાર થવા આવ્યા હતા. તે દરમિયાન પાણી પીવાનો ટાઇમ પણ મળ્યો ન હતો.

‘નાવ ટેલ મી, તમારે શું કહેવાનું છે?’

પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાથે જે વાત કરતાં વાર લાગી હતી તે અહીંના ફ્રેન્ડલી વાતાવરણમાં બહુ સાહજિકતાથી એ કરવા લાગી. કશિશની વાત ધ્યાનથી એસ.પી. સાંભળી રહ્યા હતા અને જેમ-જેમ એ સાંભળતા હતા તેમ-તેમ ગંભીર બનતા જતા હતા. વચ્ચે જરૃર લાગે ત્યાં સવાલ કરતા બાકી એમનો વ્યવહાર એકદમ સહકારમય હતો. બધી વાત કહેવાય ગઈ એટલે એક ક્ષણ કશિશ અટકી પછી હિંમતથી બોલી,

‘સર, મારી પહેલાં આપને જે મળવા આવ્યા હતા ને કૌશલ નાણાવટી, એ મારા હસબન્ડ છે. સન ઓફ અતુલ નાણાવટી!’

‘ઓહ….!’ એસ.પી. હવે એકદમ ગંભીર થઈ ગયા. એ સમજતા હતા આવડું મોટું નામ ધરાવતો પરિવાર આખી ય વાતમાં જોડાશે તો શું પરિણામ આવશે.

‘અને ટાવર પાસે જે શાહ જ્વેલર્સ છે એના માલિક મહેન્દ્ર શાહ મારા ફાધર છે.’

એ સાંભળીને એસ.પી. કશિશ સામે જોઈને ફટાફટ વિચારવા લાગ્યા. જસ્ટ હમણાં જ એનો પતિ મળીને ગયો અને તે પછી તરત આ કશિશ આવી એટલે એ વાત સ્પષ્ટ છે કે  કશિશએ એના પતિને કહ્યું નથી. કૌશલને જાણ હોય અને સહમત હોત તો એ સાથે આવ્યો હોત! આટલાં વર્ષોના ગુનાખોરીના ફિલ્ડના અનુભવ પરથી એટલું તો એસ.પી. તારવી જ શકે. શહેરના બે નામાંકિત પરિવાર આખી ય ઘટના સાથે સંકળાયેલા છે અને આમ જુઓ તો વાત એટલી ગંભીર નથી.  એમણે તરત પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું.

‘બહેન તમે અરજી આપતાં જાવ. અમે ચોક્કસ એક્શન લઈશું.’

એસ.પી.નો જવાબ સાંભળીને કશિશ નિરાશ થઈ ગઈ.

નવલકથા ‘રાઇટ એન્ગલ – લેખિકાઃ કામિની સંઘવીની કલમે લખાયેલી નવલકથાનો રસાસ્વાદ માણવા ‘અભિયાન’ માટે આજે જ સબસ્ક્રાઇબ કરો…..

 

Leave A Reply

Your email address will not be published.

Translate »