તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રદેશ વિશેષ અને દેશ દર્પણ

પહેલી રોટલી ગાયને આપો....

0 176

 

પ્રદેશ વિશેષ
પહેલી રોટલી ગાયને આપો
હિન્દુધર્મ પ્રમાણે જમવા બેસીએ તે પહેલાં પ્રથમ રોટલી ગાયને આપવાની કહેવાય છે. જેના કારણે પહેલાંની પરંપરા જે સાચવીને બેઠા છે તેમના ઘરે આજે પણ ભોજન બને તો પ્રથમ ગાયમાતા માટે રોટલી નીકાળવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ ઘણી જ્ગ્યાએ તો ગાયમાતા પણ સમયસર રોટલી ખાવા માટે પહોંચી જતાં હોય છે. જોકે ધીમે-ધીમે આ પરંપરા ઓછી થતી જાય છે. આજની ફાસ્ટ લાઇફમાં તો ઘણા લોકો સમયસર જમવા પણ બેસતાં નથી. તો વળી કેટલાંય એવાં ઘર હશે જેમના ઘરે જમવાનો સમય પણ નક્કી નહીં હોય. આવા સમયે ગાય માટે રોટલી નીકાળવી એ અશક્ય વાત કહેવાય. ત્યારે માઉન્ટ આબુ નગરપાલિકાએ ગાયમાતાને પૂરતી રોટલીઓ મળી રહે તે હેતુસર ઘરે-ઘરે કચરો ઉઘરાવતા ટેમ્પો પર પ્રથમ રોટલી ગાયને આપવાની અપીલ કરી છે. એટલું જ નહીં, જ્યારે પણ તમે કચરો નાખવા માટે આવો તો એક રોટલી ગાય માટે લેતાં આવવું તેવી રજૂઆત કરી છે. સાથે જ એક ટેમ્પો પર એક પેટી પણ લગાવી છે જેથી કચરો નાખવા આવતા લોકો તેમાં ગાયની રોટલી મુકી શકે. જેથી ગાયને નકામી વસ્તુ ખાવી ન પડે, સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ બરોબર રહે. ધર્મ કોઈ પણ હોય, મૂંગા પ્રાણી-પશુને ખોરાક આપવો તે સતકર્મ છે. આવી શરૃઆત આપણે પણ કરવા
જેવી છે.
——–.
જૂનાગઢ પોલીસનો આદેશઃ પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી
ચાની ચૂસકીઓ લેવા હવે મોટા ભાગના સ્થળે પ્લાસ્ટિકના કપનો ઉપયોગ વધી રહ્યો છે. કેટલીય ઓફિસોમાં બહારથી ચા મંગાવાય એટલે પટાવાળો પ્લાસ્ટિકના કપમાં અથવા તો પ્લાસ્ટિકની કોથળીમાં લઈને આવે છે. તબીબો ચેતવે છે કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કેન્સર જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે. આવી ચેતવણી આમ તો મોટા ભાગના લોકો ગણકારતા નથી. મોજથી ચાની ચૂસકીઓ પ્લાસ્ટિકના કપમાં પીતા હોય છે, પણ જૂનાગઢ પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી. એટલું જ નહીં, એક પરિપત્ર બહાર પાડી દીધો હતો. જૂનાગઢ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના નામે સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થયો છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનોને મોકલવામાં આવેલા આ પત્રમાં લખ્યું છે કે પોલીસ વિભાગની ઓફિસ અને પોલીસ સ્ટેશનોમાં બહારથી ચા મંગાવવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકની બેગ અથવા તો પ્લાસ્ટિકના કપમાં ચા લાવવામાં આવે છે, જેનાથી શરીરને નુકસાન થાય છે. કેન્સર થવાની શક્યતા રહેલી છે. હવેથી બહારથી પ્લાસ્ટિકની બેગમાં ચા ન લાવવી અને આવા કપમાં ચા ન પીવી. ચા પીવા માટે કાચનાં કપ-રકાબીનો ઉપયોગ કરવો. જૂનાગઢ પોલીસ અધિકારીઓએ તો એવી સલાહ પણ આપી દીધી કે જો ઓફિસ કે પોલીસ સ્ટેશનોમાં કાચના કપ કે જગ ન હોય તો તાત્કાલિક વસાવી લેવા અને આ સૂચનનું ચુસ્ત પાલન કરવું. હવે જોવાનું એ છે કે પોલીસ જવાનો ઉપરી અધિકારીઓની સૂચનાનો અમલ ત્વરિત કરતા હોય છે ત્યારે ચા પીવાની આ આદત બદલાય છે કે નહીં?
———-.
‘ઊબડખાબડ’ બાદ ‘ઊંચાનીચા’ રોડનો ત્રાસ !
આપણી કમનસીબી છે કે જાહેર સેવાઓનું સ્તર દિવસે ને દિવસે કથળતું જઈ રહ્યું છે. વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓમાંથી સરકાર ધીમે-ધીમે પોતાનો હાથ પાછો ખેંચી રહી છે. જેનો લાભ હવે તેમના મળતિયા લોકોને બરાબરનો મળી રહ્યો છે. તંત્રમાં છટકબારીઓ એટલી બધી છે કે કોઈ એક સમસ્યા માટે એક જ અધિકારીને જવાબદાર ઠેરવી શકાતા નથી. પરિણામે દરેક મોરચે નાની-મોટી લોલંલોલ ચાલતી જ રહે છે અને તેનો ભોગ નાગરિકો બને છે. ગત વર્ષે વરસાદમાં અમદાવાદ ખાડાબાદ બની ગયેલું. તેમાં નાગરિકો એ હદે ત્રસ્ત થઈ ગયા હતા કે જો જવાબદાર અધિકારી તેમને મળી આવે તો તેની જાહેરમાં સરભરા કરી નાખત, પણ આરોપ પ્રત્યારોપ વચ્ચે આખા મામલાનો વીંટો વાળી દેવાયો. આ મુદ્દો માંડ ભૂલાયો છે ત્યાં અમદાવાદમાં નવા પ્રકારની સમસ્યાએ માથું ઊંચક્યું છે. બન્યું છે એવું કે, ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તા નવા તો બન્યા, પણ અનેક જગ્યાએ તેનું લેવલ ન જળવાતાં રીતસરનાં પગથિયાં પડી ગયાં છે. જેના કારણે ત્યાં દરરોજ કોઈ ને કોઈ દ્વિચક્રી વાહનચાલક પટકાય છે. એએમસીનાં સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, કોન્ટ્રાક્ટ આખા રસ્તાનો અપાયો હોય છે, પણ મળતિયાઓ તેમાં કાપ મૂકીને રૃપિયા ચાંઉ કરી જાય છે.

Related Posts
1 of 142

માહિતીઃ દેવેન્દ્ર જાની,રાજકોટ, નરેશ મકવાણા, હેતલ રાવઅમદાવાદ
————————–.

દેશ દર્પણ  – રમૂજી દુર્ઘટના
હિમાચલ પ્રદેશના સરકા ઘાટ વિસ્તારમાં એક રમૂજભરી દુર્ઘટના ઘટી. સ્વાભાવિક રીતે રમૂજ અને દુર્ઘટના શબ્દ ક્યારેય સાથે ન સેટ થાય, કારણ કે રમૂજ ક્યારેય ગંભીર ન હોય અને દુર્ઘટના ક્યારેય રમૂજી ન હોય. જોકે, હિમાચલ પ્રદેશમાં જે ઘટના ઘટી તે જોઈને પહેલાં તો કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. બન્યું એવું કે નેશનલ હાઈવે નંબર-૭૦ પરથી પસાર થઈ રહેલી એક બલેનો કાર રસ્તા પરથી ઊછળીને ૧૨ ફીટ ઊંચી ઘરની છત પર જઈને પડી. આમ તો આવી ઘટના આપણે ફિલ્મોમાં જોતાં આવ્યા છીએ કે કાર આટલી ઊંચી ઊછળે અને ઇમારત પર જઈને પડે. બાકી મહદ્અંશે કાર કાં તો ખીણમાં ખાબકે, ઊછળીને થોડે દૂર સુધી ઢસડાય, સ્લીપ થાય કે સામેના વાહન સાથે અથડાય. કાર બાર ફૂટ ઊંચે ઊછળીને ઘરની છત પર જઈ પડે એ વાત સ્વાભાવિક રીતે માન્યામાં આવે તેમ નથી, પણ આ દુર્ઘટનાએ આકાર લીધો અને કમાલની વાત તો એ છે કે કાર આટલી ઊંચે ઊછળી અને છત પર જઈને પડી તો પણ ન તો તેને કંઈ ખાસ નુકસાન થયું કે ન તો તેના ડ્રાઇવરને કોઈ ઈજા થઈ. બંને એકદમ સહીસલામત રહ્યા. છત પર મૂકવામાં આવેલી ટાંકી તૂટી ગઈ, પણ કારને કશું નુકસાન ન થયું. આસપાસના લોકોએ જ્યારે આ નજારો જોયો ત્યારે તેમને થોડી ક્ષણો માટે તો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેઠો. જોકે, કારમાં બેઠેલા સૌ કોઈ હેમખેમ બહાર નીકળ્યા એ જોઈને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
—————————-.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »